ચપટી ઉજાસ..105

વીઝા એટલે ?

આજે રવિવાર છે. આજે કુંજકાકા સાથે બધાએ કેટલી બધી વાતો કરી. લેપટોપમાં કાકા, કાકી સરસ દેખાતા હતા. મને એમાં જોવાની બહું મજા આવે છે. કાકાએ દાદીમા અને ફૈબાને અમેરિકા આવવાનું કહ્યું. ખાલી એ બે ને જ કહ્યું. મને નહીં.. ફૈબા જાય તો હું કેમ નહીં ? ફૈબા વિના મને અહીં કેમ ગમે ? ફૈબા પણ કાકાની જેમ અમેરિકા ચાલ્યા જશે ?
દાદીમા કહે મને જેનાની બહું ચિંતા થાય છે. તું એનું બરાબર ધ્યાન રાખે છે કે નહીં ? જેનાકાકી હસી પડયા. કાકાને કહે,

જો કુંજ, તારી મોમ તારે બદલે મારી ચિંતા કરે છે. ! કાકીને સરસ ગુજરાતી બોલતા આવડી ગયું છે. ‘ કાકા હસી પડયા..’ જેના, એવા વહેમમાં રહેવાની જરૂર નથી. મમ્મી, તારી નહીં…એની મૂડીના વ્યાજની ચિંતા કરે છે. ‘ મૂડી ? વ્યાજ ? એ ન મને સમજાયું..ન કાકીને …
પછી કાકાએ કાકીને કશુંક સમજાવ્યું. કાકીને તો સમજાઇ ગયું હશે.પણ મને તો ન જ સમજાયું.
ને બધા ખડખડાટ હસતા રહ્યા. મને મજા આવી ગઇ. હું પણ એમની સાથે હસતી હતી. કશું સમજયા વિના..

દાદીમા કહે, ‘ પણ કુંજ, મને ત્યાં કેવી રીતે ફાવશે ? ઉમ્નગીને તો કોલેજ ચાલુ થશે એટલે મહિનામાં પાછું આવવું પડશે. પછી ..?

મમ્મી, ચિંતા ન કર..હું છું ને ? ઉમંગી હોય તો જ રહેવાય.. હું પણ તારો દીકરો છું..એ ભૂલી ન જતી.

એ બધું તો સાચું.. પણ..એના કરતા એક કામ કરું ? ઉમંગી ભલે અહીં રહેતી. એક મહિના માટે તેને લાવવી એના કરતા મોટીને લઇને આવું તો ? એને પાછા આવવાની ઉતાવળ પણ ન હોય. ને આમ પણ ઉમંગી તો આવા બધામાં છોકરૂ કહેવાય.. એને શું ખબર પડે ? વિનોદી હોય તો એને બધી ખબર પડે. એ મારી સાથે રહેશે. પછી મને ચિંતા નહીં.

કાકા કહે, મમ્મી, એમ મોટીબેનને સાસરેથી કંઇ છ મહિના માટે ન બોલાવાય. ઘરમાં યુવાન દીકરી, આભા છે. જીજાજી છે.. સાસુ, સસરા છે.. એ બધાની જવાબદારી છોડીને મોટી બહેનને કેમ બોલાવાય ? મમ્મી એની ચિંતા છોડી દે.. તું ને ઉમંગી આવી જાવ.. હું કાલે જરૂરી કાગળિયા બધા રવાના કરું છું. એ મળી જાય પછી તમારે વીઝા લેવા જવું પડશે. એ બધું હું ઉમંગીને સમજાવી દઇશ. એ બધું કરી લેશે. તમે અહીં આવવાની તૈયારી કરો. બસ..તમારા ઠાકોરજીને એક જ પ્રાર્થના કરો..કે તમને બંનેને વીઝા મળી જાય. તમને તો કદાચ વાંધો નહીં આવે.પણ ઉમંગીનું ડાઉટફુલ કહેવાય. યુવાન અને કુંવારી છોકરી માટે થોડો પ્રોબ્લેમ કહેવાય . વીઝાનો કોઠો પાર કરવો હમણાં જરા અઘરો બની ગયો છે. ‘ આ વીઝા વળી શું હશે ? કેવા હશે ?

મને તો બસ એક જ ચિંતા થાય છે. કયાંક ફૈબા ચાલ્યા જશે તો ? પણ મારું કંઇ થોડું ચાલવાનું છે ? હા..ફૈબાએ બીજી પણ એક વાત મને કહી છે. મારા જેના કાકીના પેટમાં પણ નાનકડું બાબુ છે. વાહ.. કાકીના પેટમાં પણ નાનકડું બાબુ.. ! બધાના પેટમાં ભગવાન બાબુ મૂકે છે. મેં મારા પેટ ઉપર હાથ ફેરવી જોયો. પણ…

મેં ફૈબાને કહ્યું કે હું પણ એમની સાથે અમેરિકા આવીશ.

‘ જૂઇ, હમણાં તારે ન અવાય. મોટી થાય પછી આવજે. અને હજુ મારું પણ જવાનું નક્કી નથી. ‘
મમ્મી, આજે રવિવાર છે..ઘણાં સમયથી આપણે થિયેટરમાં કોઇ પિકચર જોવા નથી ગયા.
મારે કોઇ પિક્ચર નથી જોવું. તારે જોવું હોય તો જા..

ના..મમ્મી, આજે બધા સાથે જઇએ.. ફુલ ફેમીલી…

ઉમંગી, મહેરબાની કરીને જિદ ન કરતી. તને તો ખબર છે કે હું બહું પિક્ચર નથી જોતી..

હવે રહેવા દે..મમ્મી, ટી.વી.સામે સૌથી વધારે તું જ ચીપકી રહેતી હોય છે.
કહેતા ફૈબા હસી પડયા.

એ તો નવરી બેઠી હોઉં એટલે….ને એમાં હું કંઇ પિક્ચર નથી જોતી. હું તો આસ્થા કે સંસ્કાર કે એવી ચેનલો જોતી હોઉં છું.

અરે, મમ્મી, તું યે શું ખુલાસા આપવા બેઠી ? અરે, જે જોતી હોય તે..અને કોણે કહ્યું કે તારે આસ્થા કે એવી કોઇ ધાર્મિક ચેનલ જ જોવાની ? મને તો તું પિક્ચર કે એવી કોઇ મનોરંજનની ચેનલ જુએ એ જ વધારે ગમે. આપણને જે ગમે એ જોવાનું. જે પોતે ખુશ હોય..પ્રસન્ન હોય એ જ બીજાને પણ ખુશ રાખી શકે.. તું ખુશ હોય એમાં જ અમારા બધાની સલામતી છે..ખરુંને ભાભી ? “ ઉમંગી ફૈબા હવે તો ખડખડાટ હસી પડયા..મમ્મી ધીમું ધીમું પણ મલકી જરૂર.. અને દાદીમા… ?

‘ આજે બહું ચગી છે આ છોકરી.. ‘ કહેતા ફૈબાને ખીજાતા રહ્યા.

હું ને જય બાઘાની જેમ ફૈબાના હસવામાં સાથ પૂરાવતા રહ્યા.

ચાલ, આજે રવિવાર છે..આપણે બધા આજે પિકચર જોવા જવાનું છે.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

2 thoughts on “ચપટી ઉજાસ..105

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s