ચપટી ઉજાસ.. 104

મારી પહેલી માંદગી..

આજે ચાર દિવસ થઇ ગયા. હજુ મને મજા નથી. મારા આખા શરીર પર ગોળ ગોળ ગૂમડા નીકળ્યા છે. દાદીમા કહે છે.. ‘ જૂઇને માતાજી નીકળ્યા છે. ફૈબા કહે છે..અછબડા નીકળ્યા છે.’

આ અછબડા કે માતાજી એટલે શું એની તો મને ખબર નથી. પરંતુ મેં અરીસામાં મારું મોઢું જોયું તો મને બીક લાગી.. હું રડવા લાગી..હું કેવી ગંદી લાગતી હતી.

ફૈબા કહે, ‘ જૂઇ, એ તો હવે બે દિવસમાં મટી જશે. પછી તું વધારે સરસ થઇ જઇશ. એ તો બધાને કયારેક આવું થાય. તને ખબર છે ? હું નાની હતી ત્યારે મને પણ તારી જેવું જ થયું હતું. હું તો તારાથી પણ વધારે ખરાબ લાગતી હતી. મારાથી તો બધા ડરતા હતા..એવી ખરાબ હું લાગતી હતી..પણ થોડા દિવસમાં એ મટી ગયા પછી હું હતી એના કરતાં પણ વધારે રૂપાળી બની ગઇ ..જો..અત્યારે હું તને સરસ લાગું છું કે નહીં ?

મેં ફૈબા સામે જોયું અને માથું હલાવ્યું. મારા ફૈબા તો કેવા સરસ છે. મને થોડી શાંતિ થઇ. હાશ.. પણ અત્યારે તો મને મારો ચહેરો જોવો જરાયે નથી ગમતો. હું જયાં સૂતી છું એ રૂમમાં જયને તો આવવા જ નથી દેતા. દાદીમાએ મમ્મીને કહ્યું હતું એ મેં સાંભળ્યું હતું, ’ નિશા, જયને અહીથી આઘો રાખજે..આ તો તરત ચેપ લાગી જાય. એને આ બાજુ ફરકવા ન દેતી.

ચેપ લાગી જશે એટલે શું ? જયને મારી પાસે કોઇ દિવસ નહીં આવવા દે ? જય વિના તો મને જરાયે મજા નહીં આવે. મને ફરીથી રડવું આવી ગયું.

મમ્મી કહે, વળી પાછું શું થયું ? ‘ મેં કહ્યું..જય… મારે જયને જોવો છે..

મમ્મી કહે, ‘ જય અત્યારે સૂતો છે હોં..પછી આવશે. ફૈબા કહે,

જો જૂઇ, કોઇને મજા ન હોય ને ત્યારે એના રૂમમાં બહું લોકો આવે ને તો એ જલદી સાજા ન થાય. તારે જલદી સાજા થવું છે ને ?
મેં હા પાડી…

એટલે જ જયને અહીં આવવા નથી દેવો..આવીને તને હેરાન કરે.કે તોફાન કરે તો તું જલદી સાજી ન થઇ શકે. સમજી ? તું જલદી જલદી સાજી થઇ જા..પછી જય સાથે રમી શકાય ને ? બરાબર ?
ફૈબાની વાત તો બરાબર જ હોય ને ?

પણ આખો દિવસ કરવાનું શું ? મને જરાયે નથી ગમતું. એક જ રૂમમાં સૂતું રહેવાનું. કયાંય બહાર નહીં જવાનું.. મને કંઇ ખાવાનું યે નથી ભાવતું. થોડીવાર ટી.વી. જોઉં છું.. ફૈબા કોલેજેથી આવે એટલે મારી પાસે બેસીને બુકમાંથી વાર્તા કરે છે. મમ્મી પણ થોડીવાર વાર્તા કરે છે.. પણ મમ્મી આવે તો જય ભાઇને પણ અહીં આવવું હોય છે. એટલે મમ્મી જય પાસે ચાલી જાય છે. મારી કોઇ ફ્રેંડ મારી પાસે અત્યારે રમવા નથી આવતી. બાપ રે..હુ કેવી ખરાબ લાગું છું. ફૈબા કે મમ્મી કોઇ મને બહું અરીસામાં બહું જોવા નથી દેતા.

હું ભગવાનજીને પ્રાર્થના કરું છું કે મને જલદી સારી કરી દે..સ્કૂલમાં પણ અમે રોજ પ્રાર્થના કરીએ છીએ.. ઘરમાં દાદીમા જુદી રીતે પ્રાર્થના કરે છે. સ્કૂલમાં અમે અંગ્રેજીમાં પ્રાર્થના કરીએ છીએ.. પણ એના કરતા મને તો દાદીમા ભજન ગાય છે એ વધારે ગમે છે. મને બહું આવડતા નથી. પણ થોડા થોડા યાદ છે.

મેં ફૈબાને કહ્યું.. હું કેમ બીમાર પડી ને મને આવું કેમ થયું ?

ફૈબા કહે, એ તો બધા છોકરાને આવું થાય જ.. પછી બધાને સારું થઇ જાય.
મેં પૂછયું, તો જય ને પણ આવું થશે ?

હા.. બધાને કયારેક તો થાય..એમાં કંઇ ગભરાવાનું કે રડવાનું ન હોય..જૂઇ તો બ્રેવ ગર્લ છે ને ?
મેં હા પાડી..હું ફૈબાની બ્રેવ ગર્લ છું જ..

પણ મને થયું કે જયને આવું કંઇ ન થાય તો સારું. એને બિચારાને તો આમ સૂઇ રહેવું જરાયે નહીં ગમે.

ધીમે ધીમે મારા ગૂમડા ઓછા થવા લાગ્યા. મને તાવ પણ હવે નહોતો આવતો. તો યે બે દિવસ હજુ મને રૂમની બહાર કોઇએ ન નીકળવા દીધી.

પછી આજે મને દાદીમા મંદિરે લઇ ગયા. ત્યાં ભગવાનને જે જે કર્યું. હાશ..અંતે ભગવનજીએ મને સાજી કરી દીધી ખરી.

મેં અરીસામાં મારું મોઢું જોયું. ગૂમડા તો નહોતા..પણ હજુ કંઇ મારું મોઢું બહું સરસ નહોતું લાગતું. થોડા ડાઘ દેખાતા હતા. પણ ફૈબાએ કહ્યું કે એ તો બે દિવસમાં સાવ મટી જશે.

અને ફૈબાની વાત થોડી ખોટી હોય ? બે દિવસમાં મને સાવ મટી ગયું. અને ફરીથી હું સ્કૂલે જવા લાગી.

હવે સ્કૂલે જવાની મને બહું મજા આવી. જય પણ “ દીદી દીદી “ કરતો રહ્યો.ને મને વાલુ વાલુ કરતો રહ્યો. આજે તો એની ચોકલેટ પણ એણે મને આપી દીધી. ને મને જરાયે હેરાન ન કરી.

( લોકસત્તા..જનસત્તામાં પ્રકાશિત થતી કોલમ )

વાહ…. મારો ભાઇલો કેવો ડાહ્યો થઇ ગયો..

One thought on “ચપટી ઉજાસ.. 104

  1. પિંગબેક: » ચપટી ઉજાસ.. 104 » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s