આંખોના અજવાળાં

સારા કે નરસા દિવસો કોઈના રોક્યા રોકાતા નથી. એ ન્યાયે સમય પસાર થતો રહ્યો. કવનની વિદાયને આજે એક મહિનો વીતી ગયો. કેતાબહેન સૂનમૂન થઇને આખો દિવસ બેસી રહે છે. નજર કવનના ફોટા ઉપર ચડાવેલા સુગંધિત હાર સામે ખોડાઇ રહે છે

કેતાબહેન અને કબીરભાઈ આજે હરખથી છલકાતાં હતાં. પેંડાનાં બોક્સની છૂટે હાથે લહાણી થતી હતી આજે અને કેમ ન થાય?એમનો દીકરો કવન આજે બારમા ધોરણમાં બોર્ડમાં ચોથો નંબર લાવ્યો હતો. હવે તેને જેમાં એડમિશન જોતું હશે એ મળવાનું. દીકરાના જન્મથી પણ પહેલાંની ક્ષણોમાં જોવાયેલાં બધાં સપનાં સાકાર થવાની શુભ ઘડી આંગણે આવી પહોંચી હતી. કયાં માતા-પિતા ખુશીથી ન છલકે?

સાતમા ધોરણમાં ભણતી બહેન નવ્યા તો જાણે ઊડતી હતી. છાપામાં ભાઈનો ફોટો જોઇ નાચી ઊઠી હતી. મીડિયાવાળા બોર્ડમાં નંબર મેળવેલા વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેવા આવી પહોંચ્યા હતા. કવને પોતાની સફળતામાં પોતાનાં મમ્મી, પપ્પાનો મોટો ફાળો છે. એ પછી જ પોતાની મહેનતનો નંબર આવે એમ જણાવ્યું ત્યારે કેતાબહેન અને કબીરભાઈની આંખો સંતોષ અને ગૌરવથી છલકી હતી. પોતાની બધી મહેનતનું ફળ જાણે આજે પુત્રએ એક નાનકડા વાક્યમાં તેમને આપી દીધું હતું.
કવનના આગમનની સાથે જ કેતાબહેને પાંચ આંકડાના પગારની સરસ નોકરી છોડી દીધી હતી. અને તે પણ પોતાની જાતે. પોતાની ઇચ્છાથી. કોઇના દબાણથી નહીં. નોકરી છોડવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો હતો. નહીંતર કબીરભાઈએ તો કહ્યું હતું કે આખા દિવસની બાઈ રાખી લેશે અને પોતે બંને વારાફરતી એડજેસ્ટ કરી લેશે. પણ કેતાબહેન પોતાની વાતમાં મક્કમ હતાં. તેમના વિચારો સ્પષ્ટ હતા. લોકો ભલે કહેતા કે આટલું ભણીને ઘરમાં બેસી ગયાં. જેને જે કહેવું હોય તે કહે પણ પોતાની નહીં પુત્રની કરિયર બનવી જોઇએ. સારી રીતે રહેવા માટે કબીરનો પગાર પૂરતો હતો જ. આ તો આટલું ભણ્યા હતા અને ઘરમાં બીજું કોઇ નહોતું તેથી તેમણે નોકરી લીધી હતી, પરંતુ કવનના જન્મ પછીની તો એક એક ક્ષણ માત્ર પુત્રની જ. કબીર પણ સાંજે સમયસર જ ઘેર આવી જતો અને ઘર ત્રણેના કિલકિલાટથી ચહેકી ઊઠતું. અને પાંચ વર્ષ પછી નાનકડી નવ્યાના આગમને તો કુટુંબના આનંદમાં ચાર ચાંદ લગાવી દીધા.

સમયને તો પાંખો ફૂટી હતી. કેલેન્ડરનાં પાનાં ઝડપભેર ફાટતાં જતાં હતાં અને આજે આનંદથી છલકતો આ દિવસ આવી પહોંચ્યો હતો. કેતાબહેન અને બધાંની તપસ્યા સફળ થઇ હતી.

કવનના મિત્રોએ કવનને ખુશીથી ખભા પર ઊંચકીને ફેરવ્યો હતો. સાંજે કબીરભાઈએ ઘેર પાર્ટી ગોઠવી હતી. કવન મિત્રો સાથે સ્કૂલે ગયો હતો. હમણાં આવવો જ જોઇએ. કેતાબહેન અને કબીરભાઇ હોંશભેર પાર્ટીની તૈયારીમાં મશગૂલ હતાં. પણ સમયની એક વામન ક્ષણમાં પણ કેટલી વિરાટ શક્યતાઓ હોય છે એનાથી કોણ અજાણ્યું હોઇ શકે? કાળ કરવટ લે છે ત્યારે ભલભલાની ગણતરીઓ ઊંધી વળી જતી હોય છે. અહીં પણ અચાનક કાળનું ચક્ર ફર્યું. ઉલટું ફર્યું. વિધાતાને આ ખુશીની ઇર્ષ્યા આવી કે શું? એક કારમી ક્ષણ…અને…સ્કૂટર ઉપર સ્કૂલેથી આવતા કવનને એક જોરદાર અકસ્માત…
કવન અને તેનો એક મિત્ર બંને ગંભીર રીતે ઘવાયા. બીજા મિત્રો તેમને તુરત હોસ્પિટલે લઈ ગયા.

કેતાબહેન અને કબીરભાઈને જાણ થતા જ… તેમના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઇ. બંને ગાંડાની માફક હોસ્પિટલ પહોંચ્યાં. પુત્રની હાલત જોતાં જ કેતાબહેનની આંખો અનરાધાર વરસી રહી. કવનના શ્વાસ જાણે માતા-પિતાની જ રાહ જોઇ રહ્યા હોય એમ એમના પહોંચ્યાની દસ મિનિટમાં જ…

કવનને બચાવવા મથી રહેલા ડોક્ટરો હારી ગયા. તેમણે ધીમેથી કવનની પાંપણો બંધ કરી અને કવનના શરીરે સફેદ કપડું ઓઢાડયું. કેતાબહેન અને કબીરભાઈ તો ફાટી આંખે જોતાં જ રહી ગયાં. આ બધું શું થઇ રહ્યું છે… શું બની ગયું છે એ સમજતા કે સ્વીકારતા પણ મન નહોતું માનતું. કેતાબહેનનું હૈયાફાટ આક્રંદ ભલભલાની આંખો ભીની કરી ગયું. તેના દોસ્તો, શિક્ષકો, સગાંઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી. કેતાબહેન સૂધબૂધ ગુમાવી બેઠાં.

કબીરભાઈ હતપ્રભ બની ગયા. શું કરવું તે ખબર નહોતી પડતી. કોઈની આંખો કોરી નહોતી રહી શકી. પાર્ટીની તૈયારી અંતિમ યાત્રાની તૈયારીમાં ફેરવાઇ ગઇ.
એવામાં એક ડોક્ટરે ધીમેથી કબીરભાઈને બોલાવ્યા. થોડી વિગતો આપી. થોડી અવઢવ પછી કબીરભાઈ કોઇ વાતમાં સંમત થયા. ચૂપચાપ માથું હલાવ્યું. આંખોમાંથી ગંગા જમના વહેતી રહી.

સારા કે નરસા દિવસો કોઈના રોક્યા રોકાતા નથી. એ ન્યાયે સમય પસાર થતો રહ્યો. કવનની વિદાયને આજે એક મહિનો વીતી ગયો. કેતાબહેન સૂનમૂન થઇને આખો દિવસ બેસી રહે છે. નજર કવનના ફોટા ઉપર ચડાવેલા સુગંધિત હાર સામે ખોડાઇ રહે છે. આંખો વહાલસોયા દીકરાને શોધતી રહે છે.

આજે પણ એમ જ બેઠાં હતાં ત્યાં કબીરભાઈ આવ્યા. તેમની સાથે ચૌદ, પંદર વર્ષનો એક કિશોર હતો.

‘ કેતા, આમ જો…આપણો કવન ક્યાંય નથી ગયો…એ મર્યો નથી… એ જીવે છે. તારી સામે છે…જો…કેતા, આ સાહિલની આંખોમાં જો… એ આપણા કવનની આંખે દુનિયા જોઇ રહ્યો છે અને આપણે એની આંખે આપણા પુત્રને જોઇ શકીશું.
કેતાબહેન કશું સમજ્યાં નહીં. પતિ આ શું કહે છે? તેમણે કબીરભાઈ સામે જોયું.
હા, કેતા, આપણા કવનની આંખો આ સાહિલને આપી છે. મરીને પણ તારો દીકરો બીજાને દૃષ્ટિ આપી ગયો છે. કોઇની આંખમાં અજવાળાં પાથરી ગયો છે. આપણે એ અજવાળાંનો આદર કરીશું ને?

સાહિલે આગળ આવીને કવનના ફોટાને વંદન કર્યાં. ત્યાં સાહિલની મમ્મી આવી.

“બહેન, તમારા દીકરાએ મારા સાહિલને દૃષ્ટિ આપી છે. હવે તમે એને આશીર્વાદ આપો કે એ તમારા દીકરા જેવો જ હોશિયાર થાય. એના પપ્પા તો નથી. પણ હવે મારો સાહિલ દુનિયા જોઇ શકશે. બહેન, તમારા દીકરાની આંખે એ દુનિયા જોશે. તમારો આભાર કયા શબ્દોમાં માનું?” કહેતા સાહિલની માનો અવાજ ગળગળો બની ગયો.

કેતાબહેન સાહિલની આંખો સામે એકીટશે નીરખી રહ્યાં. સાહિલે આગળ આવીને કેતાબહેનને પ્રણામ કર્યાં. કેતાબહેન સાહિલને ગળે વળગાડીને ફરી એક વાર ધ્રૂસકે ધ્રૂસકે રડી ઊઠયાં.

“કેતા, આજે આપણે રડીશુ નહીં. કવન જેટલો સમય આપણી પાસે રહ્યો એ બધા સમયની એક એક ક્ષણે એણે આપણને ખુશી આપી છે. આજે એણે બીજાની જિંદગીમાં ખુશી રેલાવી છે. મરીનેય એ જીવી ગયો છે. આજે આપણે એનું ગૌરવ કરીશું… આપણાં ઋણાનુબંધ પૂરાં થયાં હશે… કેતા, ઈશ્વરની ઇચ્છાનો અનાદર કરવાવાળા આપણે કોણ? આપણે તેમની ઇચ્છાનો આદર કરીશું. એની ખુશીમાં સામેલ થઇશું.
ત્યાં નવ્યા આવી… સાહિલ સામે જોઇને બોલી ઊઠી,

હું તમને ભાઈ કહું?

સાહિલ આ નાની બહેનને ભેટી પડયો. કેતાબહેન કવનના ફોટા સામે તો ઘડીકમાં સાહિલની આંખો સામે જોઇ રહ્યાં. સાહિલની આંખમાં જાણે કવનનું પ્રતિબિંબ ઊઘડી રહ્યું હતું.

કેતાબહેન સાહિલને ભેટી પડયાં. વાતાવરણમાં અને સૌનાં અંતરમાં ઝળાંઝળાં ઉજાસ રેલાઇ રહ્યો.
( સંદેશમાં પ્રકાશિત શ્રેણી ..વાત એક નાનકડી )

4 thoughts on “આંખોના અજવાળાં

  1. યોગાનુયોગ કહેવાશે, પરંતુ અમારી પડોશમાં રહેતા કુટુંબમાં પણ આવો જ દુખદ બનાવ બન્યો હતો. જયારે ઘરનો દીકરો ધોરણ ૧૨ ની પરીક્ષાનું અંતિમ પેપર આપીને પાછો ફરતો હતો ત્યારે જ તેનો અકસ્માત થતા રસ્તામાં જ મૃત્યુને ભેટ્યો હતો. અને તેની પરીક્ષાનું રીઝલ્ટ — આખી શાળામાં પ્રથમ આવ્યો હતો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s