મારા રવીંદ્રનાથ..11


તેમ છતાં, રવીન્દ્રનાથનું આ બંદીજીવન બીથોવનની બધિરાવસ્થાથી ઓછી દારુણ કરુણિકા નહોતી. સૃષ્ટિને અવલોકવી એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. એકવાર કહેલું, ‘હવે હું કાંઈ કરતો નથી. બસ, ચોપાસ નીરખવાનો આનંદ લઉં છું’. કાળઝાળ ગરમીમાં શાન્તિનિકેતનની વસતી બધી બંધ બારણે જંપી ગઇ હોય ત્યારે કવિ ખુલ્લા વરંડામાં બેસીને સીમાડા સુધી પથરાતા ધરતીપટને ધરાઇને લોચનમાં ભરી રહેતા. અંધકારના ગર્ભમાંથી અવતરતા ગુલાબી પ્રભાતનું પાન કરતા, કે વર્ષા-તરબોળ રાત્રિના તિમિરમાં ખોવાઇ જતા, કે પૂર્ણ ચંદ્રના તેજને ઝીલ્યા કરતા, પોતાના પ્યારા સૃષ્ટિલોકમાં ખોવાયેલા રહેતા. પણ હવે? ઠારેલા બંધ ખંડમાં બંદીવાન બનેલા કવિ અચાનક નીંદરમાંથી ઝબકીને જાગી જતા ત્યારે એમણે પૂછવું પડતું, ‘અત્યારે દિવસ છે કે રાત?’ એ માહોલમાં ચંદ્રનો પ્રકાશ એક પડછાયાથી વિશેષ કશું નહોતો, કવિ વાદળાં જોવા પામતા નહોતા, દિવસ-રાત્રિના અને ઋતુચક્રના રંગપલટા અદૃષ્ય થયેલા. શાન્તિનિકેતનનાં આદિવૃક્ષોની ડાળેડાળે ગુંજતાં પંખીકૂજન હવે કવિને કાને પડતાં નહોતાં. વર્ષાની ઝરમરના તાલ અને પર્ણોના મર્મરધ્વનિ કવિની શાંતિમાં ભંગ નહોતા પાડતા. નિસર્ગની લીલા હવે સાવ ઝાંખા રૂપે, કલ્પનાપટ પર જ કવિ પાસે પહોંચતી હતી. જીવનના વૈવિધ્યને આકંઠ ચાહનાર આ જીવ : કોઇ એક જગ્યાએ ઠરીઠામ થઇને રહેવાનું એણે જાણ્યું નહોતું, એક જ ઘરમાં એમનો કદી વાસ નહોતો. ધામેધામના આ નિત્ય-પ્રવાસી માટે આજે બાજુના ખંડમાં જવું મુશ્કેલ હતું. આ કારાગારમાં એમનું મન કદાચ મુલકમુલકનાં ભૂમિપટ, નગરો, ને નદીઓને ઝંખતું હશે, પોતાની પ્રિય સરિતા-સખી પદ્માની સાંભરણો અંતરને તીરે ટોળે વળતી હશે, છેલ્લી વાર તેનો સંગ માણવા દોડી જવાનું દિલ થતું હશે. પોતે પદ્માથી દૂર ફેંકાઇ ગયા હતા તેનું દર્દ હશે. સાગરતીરે જવાની વાંછના પણ હશે. પણ, અફસોસ, પદ્મા દૂર હતી, દરિયો એથીય આઘો હતો. ખેર, પોતાની ચાર દીવાલોની અંદર એમણે વૈવિધ્ય રચવાની મથામણ કરી. નાનકડા ખંડની રચના અને ગોઠવણ દરરોજ નવી નવી કરાવતા, બેઠકની દિશા દર પ્રભાતે બદલાતી. સાહિત્યનો આ કળાધર જીવનમાં પણ સૌંદર્ય રેડતો. જીવનને કલામંડિત બનાવેલું એમ નહીં, રોજિંદા જીવનને પણ કલાકૃતિની ગરવાઇ એણે આપી હતી.

બીમારી આવી પછી રવીન્દ્રનાથની નિદ્રા ખળભળી ગઇ હતી. તરેહતરેહનાં સપનાં આવતાં, અને ઊંઘમાં પણ એ વાતો કરતા. પરોઢે બે વાગતાં જાગી જતા, ને પછી નીંદર ફરી આવવાનું નામ ન લેતી. પછી વાતો કરતા અથવા કોઇ સાહિત્યકૃતિ લખાવતા. એક દિવસ મેં ઇતિહાસ અને સાહિત્યના સંબંધ વિશે એક પ્રશ્ન લખીને મોકલેલો. થોડા શબ્દોથી વિશેષ જવાબની મારી અપેક્ષા નહોતી, પણ સવારે એમણે મારા હાથમાં મસઆખો નિબંધ જ મૂક્યો! રાત્રે જાગીને એમણે લખાવવાનું શરૂ કરેલું ને અમે જાગ્યાં ત્યારે લખાણ તૈયાર હતું! બે દિવસ પછી એ લખાણ એમને અધૂરું લાગ્યું અને એક પુરવણી તેમાં જોડી દીધી! કોઇ એક નાની અપેક્ષા વ્યક્ત કરે તો કદી ‘ના’ તો કહે જ નહીં. કોઇ બાબત અશક્ય હોય તો પણ એમ જ કહે કે ‘વિચારીશ’, અને એક નરવા સ્મિતની ભેટ તો આપે જ. કોઇ એવો સવાલ નહોતો જેનો એમની પાસે કશો જવાબ ન હોય, એવો કોઇ વિષય ન હોય જે વિશે વાત કરવા ઉત્કંઠ ન હોય. આ એક એવો મનુષ્ય હતો જેને સકલ સચરાચરમાં સદાકાળ ઉત્કટ રસ હતો, જ્ઞાનના કોઇ ક્ષેત્ર માટે એને નીરસભાવ નહોતો. અને અપ્રતિમ ઉદ્યમ અને પારાવાર ફુરસદનું એમણે સાધેલું સંયોજન અચંબો પમાડતું. એક અર્થમાં એમને માટે પ્રત્યેક દિવસ રજાનો હતો, અને બીજી બાજુ એમનું ચિત્તતંત્ર એક કલાક પણ વિરામ નહોતું લેતું.

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s