મારા રવીન્દ્રનાથ.. 7

બીજા એક પ્રસંગે બોદલેરનાં થોડાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ ગુરુદેવને સંભળાવવાનો મેં પ્રયત્ન કર્યો. અનુવાદકળાને ગાંઠે નહીં એવી સામગ્રીનો અનુવાદ કરવાનો પ્રયાસ હું કરતી હતી તેનો મને ખ્યાલ હતો, પણ બોદલેરનાં કાવ્યોના કેટલાક વિષયો પરત્વે એમના પ્રતિભાવ જાણવા હું ઉત્કંઠ હતી. એક કાવ્ય થોડું વાંચ્યું ત્યાં એ કહે, “વિજયા, મને તારો આ ‘ફર્નીચર કવિ’ નથી ગમતો”. એમના શબ્દો અને તેનો ધ્વનિ એવા હતા કે મારાથી હસ્યા વિના ન રહેવાયું. મારા અનુવાદે એક ફ્રેન્ચ પ્રતિભાવંત કવિને ‘ફર્નીચર કવિ’માં ખપાવી દીધા!

1930માં ગુરુદેવને ફરીવાર મળવાનો યોગ થયો પૅરિસમાં. એ પછી એ ઑક્સફર્ડમાં ભાષણો આપવા જવાના હતા, ને હું સાથે જાઉં એમ ઇચ્છતા હતા. પણ મારે અમેરિકા પહોંચવું પડે તેમ હતું. એ 1930ના જૂનમાં હું ગુરુદેવને પૅરિસના સ્ટેશન પર છેલ્લીવાર ભેટી. એ પછી ટાગોરને હું પત્રો થકી જ મળવાની હતી. એમણે મારું નગર છોડ્યું ત્યારે મેં આપેલી એમને પ્રિય થઇ પડેલી આરામખુરસી હમેશ એમની સાથે રહી. ક્યારેક પત્રમાં લખતા : ‘હું દિવસનો મોટો ભાગ અને રાત્રે ઘણો સમય એ પ્રિય ખુરસીમાં સમાયેલો રહું છું, અને એ સુખશૈયા બોદલેરની આપણે વાંચેલી કવિતાનો ઊર્મિવંત મર્મ હવે મને પહોંચાડે છે.’

કવિના સંવાદો અને પત્રોમાં આવી મર્માળી વિનોદિકાઓ સદાય રમતી રહેતી : “કેટલાક જીવો મૃત્યુથી બચવા માટે બનાવટી મરણ શોધતા હોય છે. ડૉક્ટરોની સલાહ છે કે મારે એવા જીવોને અનુસરવું અને કદી બહાર ન નીકળવું, ક્દી બોલવું નહીં, લોકોને મળવું નહીં – તાત્પર્ય કે એવી રીતે વર્તવું, જાણે હું મૃત્યુ પામ્યો છું! તેથી મારે મહાસાગરો પાર કરીને મારી સાથે આવેલી તારી આરામખુરસીનું સંપૂર્ણ શરણ સ્વીકારવું પડશે.” ઓર્તેગા ય ગાસેત નામના સ્પૅનિશ વિદ્વાનના સ્ત્રીઓ વિશેના એક કથનનો મેં એમને અનુવાદ કરી સંભળાવેલો. એ સંભારીને એમણે લાંબો, રમૂજી પત્ર લખેલો તેની સમાપ્તિ આવી હતી : “સ્ત્રીઓ સાથે કદી રમૂજ ન કરવી એવી સલાહ મને મળી છે, પણ આ કાગળની કેટલીક વાતો સાવ ફાલતુ છે. જે માણસ ફિરસ્તો છે તો નહીં, પણ ગણાય છે, એ હાસ્યના ફુવારા ઉડાડતી અમસ્તી એવી રમૂજો ગેરસમજ વહોરીને પણ કર્યા કરે – તું આ બધું દરગુજર કરજે.” એમને ખ્યાલ હતો કે મને હસવું બહુ ગમે. ફિરસ્તાઓને, સંતોને પ્રસંગ આવ્યે હસવાની મના હોય તો હું જાણતી નથી. ઉલટું, હું તો એમ માનું છું કે હરહમેશ ગાંભીર્યનો અંચળો ઓઢનાર સંત ખોટીલો હોય.
ટાગોરના જીવનની એવી બાજુઓ હતી, એમના જીવનને ખળભળાવનાર એવી ઘટનાઓ એમના સાન ઇસીદ્રોના રોકાણ દરમિયાન બનેલી હશે કે જે હું ત્યારે પામી શકું તેમ નહોતી. ઘણો સમય વીત્યા પછી માત્ર પુસ્તકોએ નહીં પણ જીવનના જીવતા મુકાબલાઓએ મને એ બધું સમજતાં શીખવ્યું.

સાન ઇસીદ્રોની અમારી એ સોબત પછી બત્રીસ વરસનાં વહાણાં વાયાં, ને હું અમારા એ કાળના સાથીદાર એમહર્સ્ટની મહેમાન થઇને ઇંગ્લન્ડ ગઇ હતી. અમે એ જૂના દિવસો વાગોળતા હતા. એમહર્સ્ટે મને ગુરુદેવના પત્રોના કેટલાક અંશો વંચાવ્યા. તેમાંના બે મેં લખી લીધા. 1924માં જ્યારે હું નદીકાંઠે કે ઝરૂખે બેસીને ગુરુદેવ સાથે ગોષ્ઠિ કરતી, ત્યારે મને એનો શબ્દવૈભવ ગમ્યો હોત પણ હું એ પત્રાંશોથી ખાસ પ્રભાવિત થઇ ન હોત. બત્રીસ વરસ પછી એ વાંચીને મેં જે ધ્રુજારી અનુભવી એ જુદી જ વાત હતી :

કોઇ જુલમગાર સમાજને પીડન આપે એ કદાચ સહી શકાય, પણ કોઇ મિથ્યા મૂર્તિને પૂજવા માટે સમાજ છેતરાય એ હીણપત આખા યુગની છે; સંયોગબળે યુગ તેને તાબે થયો હોય છે.

એવા પણ કાળ આવી ગયા જ્યારે ઇતિહાસ માનવસમાજ સાથે ફરેબ રમી ગયો હોય; અકસ્માતોના સિલસિલાએ વામણા માણસોને અતિ મોટા સ્વરૂપે રજૂ કર્યા હોય. આમ, સત્ય વિકૃત બનીને આપણી સામે આવે તેનું કારણ એ નથી કે આવા માણસો અતિ શક્તિશાળી હોય છે. ખરેખર તો એ જેમના આગેવાન બની બેઠા હોય છે એ પ્રજાની જ નિર્માલ્યતાના એ પ્રતીક લેખાવા જોઇએ.

(અનુવાદ” શ્રી જયંત મેઘાણી )
ક્રમશ:

One thought on “મારા રવીન્દ્રનાથ.. 7

  1. સત્ય વિકૃત બનીને આપણી સામે આવે તેનું કારણ એ નથી કે આવા માણસો અતિ શક્તિશાળી હોય છે. ખરેખર તો એ જેમના આગેવાન બની બેઠા હોય છે એ પ્રજાની જ નિર્માલ્યતાના એ પ્રતીક લેખાવા જોઇએ….એક માર્મિક સત્ય ગમ્યું…ચાતાંય સદાનું નહીં કારણૅ આવી પ્રિસ્થિતિ જ પરિવર્તનની કેડી સમાજને ચીંધે છે,

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s