રવીન્દ્રનાથ..6

સાવ જુદા જીવન-પરિવેશમાંથી આવનાર માટે અન્ય સંસ્કારને સમજવો સહેલ નથી. પાછાં વળતાં સ્ટીમર ઉપરથી કવિએ મને લખેલું. ‘હું જન્મજાત પ્રવાસી નથી. કોઇ અણજાણ દેશને જાણવા માટે જે શક્તિ જોઇએ એ હવે મારામાં નથી. નવાં નિરીક્ષણો અને અનુભવો સંચિત કરીને એ વિદેશી રોપનું મારે ઘરઆંગણે રોપણ કરું એ પણ શક્ય નથી.’

અને છતાં, વિસ્મયની વાત છે કે સાન ઇસીદ્રોને એ ઝંખ્યા જ કરતા. મને ઘણીવાર એ લખતા કે –

એ અજાણ્યા પરિવેશમાં નદીકાંઠે આવેલું વિશાળું એ સદન, વિવિધ મરોડવંતા કેક્ટસ-છોડની ક્યારીઓવાળો એ બાગ, એ દૃષ્યાવલિઓ ચિત્ત સમક્ષ જાણે આમંત્રણ ધરીને ખડી થાય છે. જીવનના કેટલાક અનુભવો રોજિંદી ઘટમાળથી વિખૂટા પડેલા ખજાનાના અજાણ્યા ટાપુ જેવા હોય છે. ત્યાં પહોંચવાના નકશાઓમાં મારગ ધૂંધળા ચીતરેલા હોય છે. મારી આર્જેન્તીનાની મુલાકાત એવો એક દ્વીપ છે. કદાચ તને ખબર છે કે તારે આંગણે પથરાતાં સૂર્યતેજનાં અને મને મળેલી મધુર ખાતરબરદાસનાં સ્મરણો મારી કેટલીક ઉત્તમોત્તમ કાવ્યરચનાઓ થકી મધુર છે. એ રઝળતાં સ્મરણોને મેં કવિતામાં બાંધ્યાં છે. અફસોસ કે એક અજાણી ભાષામાં સંચિત એ સાંભરણો તારી અણપિછાણી રહેશે.

1925માં ‘પૂરબી’ નામનો એ કાવ્યસંગ્રહ બહાર પડ્યો ત્યારે એમણે મને લખેલું કે –

તને મોકલી રહ્યો છું એ મારું બંગાળી કાવ્ય-પુસ્તક હું સ્વહસ્તે તારા હાથમાં મૂકવા ઇચ્છું. પુસ્તક મેં તને અર્પણ કર્યું છે, પણ એમાં શું ભર્યું છે એ તું કદી નહીં જાણી શકે. એમાંનાં ઘણાં કાવ્યો સાન ઇસીદ્રોમાં રચાયાં હતાં…. મને આશા છે કે કાવ્યોનો રચનાર તારી સાથે હતો તેથી વધુ લાંબો સમય આ કાવ્યપોથી તારી પાસે રહેવા પામશે.

ટાગોર સાન ઇસીદ્રોમાં રોકાયા એ દરમિયાન ‘પૂરબી’નાં કાવ્યો બંગાળીમાં જેમાં એ લખતા એ નોટબુક તરફ મારું ધ્યાન ગયેલું. કાવ્યોમાં થતી છેકછાકમાં એ રેખાઓ અને આકૃતિઓનાં સુશોભન ગૂંથી લેતા. કવિતાની એક પંક્તિથી બીજી પંક્તિમાં જતી એ રેખાઓ જીવંત બની ઊઠતી ને તેમાંથી વિધવિધ આકૃતિઓ નીપજતી : પંખીઓ, વિચિત્ર પ્રાણીઓ, ચહેરાઓ. ‘પૂરબી’ની એ હસ્તપ્રતમાં મેં ચિત્રકાર ટાગોરનો ઉદય જોયો. એમનાં આ હસ્તપોથી-ચિતરામણોમાંથી મને આનંદ મળતો, અને એ રસમ ચાલુ રાખવા આગ્રહભેર એમને સૂચવતી. છ વરસ પછી એમને ફ્રાન્સમાં મળી ત્યારે એ હસ્તપ્રતોમાં આકૃતિઓ નહોતા દોરતા, કૅનવાસ પર ચિત્રકામ કરતા હતા. મારા ફ્રેન્ચ મિત્રમંડળની મદદથી ગોઠવેલું ટાગોરનાં ચિત્રોનું પ્રદર્શન સફળ ગયું હતું. સિત્તેરની વયે પહોંચીને ટાગોરને પીંછીનો પોરસ ચડે એ મને વિચિત્ર ન લાગતું; બર્લિનમાં એમની કલાકૃતિઓ વેચાય તેથી નવોદિત કલાકારને થાય એવો આનંદ એ પામે એ બહુ સ્વાભાવિક લાગતું. એ દિવસોમાં કવિએ પોતાનાં સ્વપ્નોને રંગો વડે અવતારવાનો અંતરનો સાદ સાંભળ્યો હશે, અને એમણે વિચાર્યું હશે કે ‘મારાં બીજાં દુન્યવી સર્જનોના વિસર્જન પછી પણ રંગો વડે રચેલી આ કવિતાઓ તાજી રહેશે’.
*
અમારા દેશમાં કવિના નિવાસ દરમિયાન મુલાકાતીઓના ધસારાથી એમને ઉગારવા બાબત મેં વાત કરી. પણ એમનામાં કેવા અણજાણ લોકોને રસ પડ્યો હતો એ વિશેની ગઠરી મારે ખોલવી છે. ફાની નામે એક બાઇને ટાગોરનાં કપડાં અને ચીજવસ્તુઓની સારસંભાળ લેવાનું કામ મેં સોંપેલું. માંડ બે-ત્રણ અંગ્રેજી શબ્દો જાણનાર આ બહેન ટાગોરની દોસ્ત બની ગયેલી. એકવાર એણે મને કહ્યું, “મિ. ટાગોરના ‘ગાઉન’ સાવ જરી ગયા છે. ઠંડીના દિવસોમાં તો એમને જરા જાડા કાપડનો ‘ગાઉન’ જોઇશે.” (ટાગોર પાની સુધીનો લાંબો ઝભ્ભો પહેરતા.) એ કાળે પૅરિસની ખ્યાતનામ પરિધાન-કંપનીની શાખા મારા નગરમાં હતી. ત્યાંથી ઉત્તમોત્તમ કાપડ મળશે તેની મને ખાતરી હતી.

હું એ દુકાને ગઇ અને ઊંચી જાતનું એક ગરમ કાપડ પસંદ કર્યું. કવિના ‘ગાઉન’નો નમૂનો આપીને એવો ‘ગાઉન’ સીવી આપવા મૅનેજર એલિસને કહ્યું, સાથે વિનંતી કરી કે, “પ્લીઝ, એલિસ, કોઇને જાણ ન થવી જોઇએ કે આ ‘ગાઉન’ કવિ ટાગોર માટે છે.” એલિસે પોતાના માણસોને કહી દીધું કે કોઇ ફૅન્સી ડ્રેસ કાર્યક્રમ માટે આ ‘ગાઉન’ છે. એણે પૂછ્યું, “ફીટીંગ માટે ક્યારે આવું?”

મેં કહ્યું, “એલિસ, રહેવા દે. તારા સીવણમાં તે ફીટીંગની જરૂર હોય?”
એલિસબાઇ કહે, “મૅડમ, પ્લીઝ, મને આવવા દ્યો; કદાચ ફીટીંગ સુધારવાનું થાય; મારા કામમાં નાની એવી ખામી ન રહેવી જોઇએ. અને, મારે એ મોટા કવિને જોવા છે ને એમની દાઢી પર હાથ ફેરવવો છે.”

મેં કહ્યું, “અરે, દાઢી જેવી સફેદ દાઢી છે એમની.”

“અરે હોય, મૅડમ! ફોટામાં તો એ ‘ગૉડ’ જેવા જ લાગે છે.”

મારી પાસે જવાબ નહોતો. એલિસ પોતાના સરંજામ સાથે આવી; ફીટીંગની ખામી એણે સુધારી લીધી. ટાગોરને એમ લાગ્યું કે એલિસ કોઇ સામાન્ય દરજણ હશે. પૅરિસની ફૅશનેબલ કપડાંની દુકાનની એમને કલ્પના પણ ક્યાંથી હોય! હું એલિસને બારણે વળાવવા ગઇ. અમે કોઇ ગુનામાં ભાગીદાર હોઇએ તેમ મેં એને સોગંદ દઇને કહ્યું, “એલિસ, કોઇ જીવતા જણ પાસે આ વિશે, પ્લીઝ, હરફ પણ કાઢતી નહીં”. મને ખબર હતી, વેદિયા માણસો આવા મોંઘાદાટ ‘ગાઉન’ સાથેના ટાગોરને જોઇને ભડકી ઊઠશે. કવિને ઝભ્ભાની જરૂર હતી, ને એ આવા ઝભ્ભા પહેરતા હતા. હું એમને માટે ઝભ્ભો સીવરાવું તો અવલ કેમ ન સીવરાવું? એ મારો સંતોષ – માત્ર અને માત્ર મારો આનંદ – જતો કરવા જેટલી હું ગુણવાન નહોતી.

કવિ આ કારસ્તાનથી અજાણ જ રહ્યા હતા.

( અનુવાદ..શ્રી જયંત મેઘાણી )
ક્રમશ:

One thought on “રવીન્દ્રનાથ..6

  1. જીવનના કેટલાક અનુભવો રોજિંદી ઘટમાળથી વિખૂટા પડેલા ખજાનાના અજાણ્યા ટાપુ જેવા હોય છે. ત્યાં પહોંચવાના નકશાઓમાં મારગ ધૂંધળા ચીતરેલા હોય છે…ખૂબજ ગમ્યું…એક બહુમુખી પ્રતિભા..અને લેખિકા એક ભાવસભર યજમાન…પછી તો જોઈતું તુ જ શું? સોનામાં સુગંધ ભળી જાય જેમ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s