મારા રવીન્દ્રનાથ.. 5

ડૉક્ટરોએ કવિને થોડાં અઠવાડિયાં સુધી પૂરો આરામ ફરમાવેલો. એમહર્સ્ટ અને હું કવિના સ્વાસ્થ્ય માટે જવાબદાર હતાં. કવિને ડૉક્ટરોનો આદેશ પાળવાની ફરજ પાડવી એ અમારું કર્તવ્ય હતું. પણ દરદીએ તો અમને પરખાવ્યું, ‘મને મળવા ઇચ્છતા લોકો સાથે વાતો કરવી એ મારી ફરજ છે’. અમારો જવાબ હતો : ‘તમારું દરદ ઊથલો ન મારે તેનો ખ્યાલ રાખવો એ અમારી ફરજ છે’. અમારી વચ્ચે એકમતી શક્ય નહોતી. કાં તો ટાગોરને થશે કે અમે એમની ઇચ્છાને અવગણીને મુલાકાતીઓ માટે બારણાં બંધ રાખીએ છીએ, નહીં તો પાર વિનાના લોકોને – સાચા પ્રસંશકો તેમજ માત્ર કુતૂહલપ્રેર્યા અમસ્તા જ મળવા આવનારાઓને – મુલાકાત આપીને સાંજ પડ્યે થાકીને લોથ થઇ જશે. નિયંત્રણ સ્થાપીને એમની ખફગી વહોરવાનો ડર હતો. બીજી બાજુ, એમની ઇચ્છાને અનુકૂળ થઇને એમની માંદગી લંબાવા દેવાની વાત હતી. પછી હું ખુદને પૂછતી, મારો અભિપ્રાય એ એક અકસ્માત નહોતો? મારામાં આ માનવી પ્રત્યે એક પ્રબળ માતૃભાવ ઉદભવ્યો લાગ્યો. મારા પિતા જેવડા ગુરુદેવ એક બાળક હોય એવું એમના પ્રત્યેનું સહજ વર્તન મારામાં પ્રગટ્યું.

અને મને મોટી ભીતિ તો એ હતી કે હું એમને ખલેલરૂપ તો નહીં બનું ને? પણ બીજે દિવસે એમણે મારા હાથમાં એક પત્ર મૂક્યો જેનો આ અંશ વાંચીને હું હળવીફૂલ બની :

આપણે સામાન્ય ભાષામાં જેને આતિથ્ય કહીએ છીએ એ બદલ કાલે રાત્રે મેં તારો આભાર માન્યો હતો. મેં ધારેલું કે મારા મનમાં હતું તેનાથી ઘણું ઓછું વ્યક્ત કર્યું એમ તને લાગ્યું હશે.

તને સમજાશે નહીં કે કેવી દારુણ એકલતાનો બોજ ઊંચકીને હું જીવું છું. મારી એકાએક વધી ગયેલી ખ્યાતિએ આ બોજ મારા જીવન પર મૂક્યો છે. હું જાણે એવો મુલક છું જ્યાં કોઇ અશુભ દિવસે અચાનક કોલસાની ખાણ મળી આવી છે ને તેને કારણે ફૂલો ખોવાઇ ગયાં છે, જંગલો જલી ગયાં છે… મારી બજાર-કીમત ઊંચે ગઇ છે, પણ મારું મનુષ્ય તરીકેનું મૂલ્ય ઝંખવાણું પડ્યું છે. આ મૂલ્ય પાછું મેળવવાની બળબળતી ઝંખના મારો કેડો મૂકતી નથી…. આજે મારી એ મૂલ્યવાન સોગાદ તારા તરફથી આવતી લાગે છે. હું જે છું તેનાં તું મૂલ કરી રહી છો, મારામાં જે છે તેનાં નહીં.

‘મિરાલરીઓ’માં સવારેસવારે ટાગોરનું લેખન ચાલતું, ને પછી એ મારી સાથે બાગમાં લટાર મારતા. ઝરૂખેથી દૂરબીન વડે અમારાં દક્ષિણ અમેરિકી પક્ષીઓનું નિરીક્ષણ કરતા. હડસન નાં લખાણો વાંચતા. બપોર પછી ગાડીઓ ભરીને પ્રસંશકો આવતા. ઘણીવાર નદીની ધારે ઘાસ ઉપર એ બેસતા અને મુલાકાતીઓને પોતાની ફરતે બેસાડતા, એમની સાથે વાર્તાલાપ કરતા. જાતજાતના મુલાકાતીઓ આવતા. થિયોસૉફિસ્ટોને ટાગોર પોતાના લાગતા એટલે એમની સંખ્યા મોટી રહેતી. એક સવારે એક બાનુ આવ્યાં, ને કહે, ‘મારે કવિને તત્કાલ મળવું છે’. મહેમાનને રક્ષવાનો મારો પ્રયત્ન મિથ્યા ગયો. કવિ પોતે મારા અવરોધને ઓળંગીને એ ‘ધરાર’ મુલાકાતી બહેન પાસે પહોંચ્યા. પછી અમે જાણ્યું કે એ બાનુને સ્વપ્નમાં હાથીઓ દેખાતા હતા. હિંદુસ્તાનમાં હાથીઓની વસ્તી હતી તેથી કવિને આ સ્વપ્નના રહસ્યની ખબર હોવી જોઇએ એમ એ સન્નારીએ ધારેલું! મળવા આવનારાઓ પર કોઇ નિયંત્રણ તો હોવું જોઇએ : ટાગોરને અમારી વાત સાચી લાગી.

હું ઇચ્છતી હતી કે મારા દેશના સાચા સંસ્કૃતિ-પ્રતિનિધિઓને કવિ મળે. રિકાર્ડો ગિરલ્દેસ તેમાંનાં એક હતા. અમારા ઘાસના ધરતીપટના તળપદા જીવનને આલેખતી આ લેખકની કીર્તિદા નવલકથા હજુ આવી નહોતી ત્યારની આ વાત છે. મેં ટાગોર સાથે આ લેખક-કવિનો પરિચય કરાવ્યો. ત્રણ-ચાર વરસ પછી ખ્યાતિ એમને આંગણે ઊતરી, પણ પછી તરત એમણે વિદાય લીધી હતી. દુર્ભાગ્યે બન્યું એવું કે દાક્તરી નિયંત્રણને કારણે ટાગોર અમારા દેશ અને તેના લોકોનો પૂરો પરિચય ન કેળવી શક્યા.

એક સાંજે મારા અતિથિએ આધુનિક યુરોપિયન સંગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. અમારા દેશના એક ઉત્તમ સંગીતકારને એમના સાજિંદાઓ સાથે મેં નોતર્યા. બન્યું એવું કે એ દિવસે સ્વદેશથી આવેલા કોઇ સમાચારથી ટાગોર ખિન્ન હતા. પહેલા માળના એમના ખંડમાંથી એ બહાર ન આવ્યા; બારણું અધખુલ્લું રાખ્યું. સંગીત-વૃંદ ભોંયતળિયે આવેલા હૉલમાં ગોઠવાયું. હું મનમાં મરકતી હતી. કવિના યુવાનીકાળનો એક પ્રસંગ છે : લંડનમાં વિદ્યાર્થી હતા. એક અંગ્રેજ સન્નારીએ એમનાં એક વિધવા બહેનપણીને મૃત્યુગીત સંભળાવવા પોતાના ગ્રામ-નિવાસે આવવા રવીન્દ્રનાથને વિનંતી કરી. ગામડાની એક વીશીમાં ઠંડીમાં થરથરતો રાતવાસો કરીને સવારે ટાગોર મુકામે પહોંચ્યા. જેમને ગીત સંભળાવવાનું હતું એ બહેન પોતાનો ખંડ અંદરથી બંધ કરીને સૂતાં હશે. રવીન્દ્રનાથને એ બંધ બારણું બતાવીને કહેવામાં આવ્યું :

‘એ બહેન ત્યાં છે; હવે ગાઓ’. મારા મિત્રોએ જે સંગીત બજાવ્યું તેની સૂરાવલિ અધખુલ્લા બારણા વાટે કવિનાં કર્ણો સુધી પહોંચેલી જરૂર. મને ઇચ્છા તો થઇ, એમને જરા ચીડવું, ‘બસ, તમારે વરસોજૂની એ ઘટનાનું સાટું આ રીતે વાળવું પડ્યું!’ પણ એવો ટૉણો મારવાની હિમ્મત ન ચાલી. મને એમણે લખેલું કે ‘હું પામી શક્યો છું કે અમારા અને યુરોપી, બેઉ સંગીતનાં મૂળ ભિન્ન છે, અને હૃદય સુધી પહોંચવાનાં બન્નેનાં દ્વાર પણ નોખાં છે’. અમારું પશ્ચિમી સંગીત એમને પૂરું આત્મસાત્ નહોતું થતું, તો બંગાળી ગીતો જે એ મારી પાસે ગાતા એ મને પણ એકસૂરીલાં લાગતાં. હું સમજવા પામી કે સંગીત એ સર્વદેશીય વાણી નથી.

( અનુવાદ : શ્રી જયંત મેઘાણી )
( ક્રમશ: )

3 thoughts on “મારા રવીન્દ્રનાથ.. 5

  1. મારી બજાર-કીમત ઊંચે ગઇ છે, પણ મારું મનુષ્ય તરીકેનું મૂલ્ય ઝંખવાણું પડ્યું છે. આ મૂલ્ય પાછું મેળવવાની બળબળતી ઝંખના મારો કેડો મૂકતી નથી…. આજે મારી એ મૂલ્યવાન સોગાદ તારા તરફથી આવતી લાગે છે. હું જે છું તેનાં તું મૂલ કરી રહી છો, મારામાં જે છે તેનાં નહીં.

    most beautiful..touchy, true words.. thanks a lot for eક્ષ્cellent translation.. ..not just translation.. but…. no words..for this beautiful work.. thanks a lot Jayantbhai.. for this precious gift to all of us..

    Like

  2. તને સમજાશે નહીં કે કેવી દારુણ એકલતાનો બોજ ઊંચકીને હું જીવું છું. મારી એકાએક વધી ગયેલી ખ્યાતિએ આ બોજ મારા જીવન પર મૂક્યો છે. હું જાણે એવો મુલક છું જ્યાં કોઇ અશુભ દિવસે અચાનક કોલસાની ખાણ મળી આવી છે ને તેને કારણે ફૂલો ખોવાઇ ગયાં છે, જંગલો જલી ગયાં છે… મારી બજાર-કીમત ઊંચે ગઇ છે, પણ મારું મનુષ્ય તરીકેનું મૂલ્ય ઝંખવાણું પડ્યું છે. આ મૂલ્ય પાછું મેળવવાની બળબળતી ઝંખના મારો કેડો મૂકતી નથી…. આજે મારી એ મૂલ્યવાન સોગાદ તારા તરફથી આવતી લાગે છે. હું જે છું તેનાં તું મૂલ કરી રહી છો, મારામાં જે છે તેનાં નહીં. …અતિસુંદર ટાગોરનો મનોભાવ એક સાચો મનોભાવ.,,,ઘણામાં એવી કળા હોય છે જે અભિવ્ય્ક્ત બોલીને નથી કરી શકતા તે લખીને કરી શકે છે.
    ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s