મારા રવીન્દ્રનાથ..4

સાન ઇસીદ્રોમાં ટાગોર એક અઠવાડિયું રહેવાના હતા, પણ પછી એમનું રોકાણ પચાસ દિવસ જેટલું
લંબાયું. ડૉક્ટરોની સલાહ વધુ આરામની હતી. આ સલાહને અનુસરવા માટે મેં એમને સમજાવ્યા. એમણે પેરુનો પ્રવાસ તો માંડી જ વાળેલો. એમના ‘ફ્લુ’એ મને ગમે તેટલી ચિંતા કરાવી હોય, પણ હું એ ‘ફ્લુ’ની જ મનોમન આભારી હતી એ વાત છુપાવી નહીં શકું.

‘મિરાલરીઓ’ વિલામાં કવિ સાથે મારો નિવાસ નહોતો. નજીકમાં મારા પિતાને ઘેર મારો રાતવાસો રહેતો. પણ હું દરરોજ ‘મિરાલરીઓ’ જતી અને ઘણુંખરું ત્યાં જ જમતી. મારા રસોઇયાને મેં કવિ માટે ફાજલ કરેલો. મારા નોકરો પણ એમને જ સોંપેલા. જેને માટે મને આદર અને પૂજ્યભાવ હતો એ અતિથિને અહીં ઘર જેવું લાગે એમ કરવાનો મારો પ્રયત્ન હતો. મેં ધારેલું કે મારી સતત હાજરી એમને ખલેલરૂપ બનશે તેથી હું એમને બને તેટલું એકાન્ત આપતી. એમના સુખચેન માટે મારા હૃદયને ચીરવા પણ તૈયાર હતી.

તેમ છતાં, ‘મિરાલરીઓ’થી જેટલી ક્ષણો દૂર રહેવાનું થતું એ સમય સદા માટે મેં ગુમાવ્યો લાગતો. મને કલ્પનાતીત નસીબ મળ્યું હતું, પણ તેનો પૂરો લાભ લેવાનું મારું જિગર નહોતું. હું શરમાળ હતી, તો ઝંખનાભરી પણ હતી, મારામાં વિવેક હતો, તો ટાગોરની હાજરીનો એક નાનો ટુકડોય ઝડપી લેવાની લાલસા પણ હતી – મારા મનમાં આવું દ્વંદ્વ ચાલતું. પછી જે માટે જિગર નહોતું તેનું સાટું વાળવા રસોઇ કરનારા ચાકરો સાથે વાતો કર્યા કરતી, એમની પાસેથી કવિ વિશે જાણ્યા કરતી. એ લોકો કેટલાં નસીબદાર હતાં કે ગુરુદેવનો સંસર્ગ પામી શકતાં હતાં! મને એમની અદેખાઇ થતી.

ઢળતી બપોરે, ચાના સમયે, હિમ્મત કરીને મેં બારણે ટકોરા દીધા – જાણે હું અજાણી વ્યક્તિ ન હોઉં! જવાબ
આવ્યો : ‘અરે, વિજયા, તું છો? કાંઇ બહુ કામમાં ખોવાઇ ગયેલી કે શું?’ મનોમન કહેતી : ‘હાસ્તો, ખૂબ કામમાં – તમને મળવાની ક્ષણ શોધવાના કામમાં.’ મારી અવાક્ સ્થિતિ માટે મને તિરસ્કાર થતો. પણ પછી ધીમેધીમે ટાગોરને અને એમના મિજાજને પારખતી થઇ. એમણે પણ આ નાના પ્રાણીને વશમાં લીધું.

*

બ્યુઓનેસ આયરેસથી ચાલીસેક કિલોમીટર દૂર પુન્તા ચીકા નામે રળિયામણી જગ્યાએ એક ‘વિલા’માં વિશ્રામ માટે ગુરુદેવને લઇ જવાનું ગોઠવાયું. અમારા દેશમાં આવીને તરત ટાગોરે જાહેર કરેલું કે પોતે શિક્ષક અને કવિ છે, રાજકારણી નથી. ગાંધીના અને એમના રસ્તા જુદા પડી ગયા છે એવું પણ એમણે કહેલું. રાજકારણમાં મારી ગતાગમ નહીં, પણ હિંદમાં શું ચાલી રહ્યું હતું તેનાથી હું થોડી વાકેફ હતી. ગાંધીને સમજ્યા પછી એમનો માર્ગ મને યોગ્ય લાગતો. પણ એ વિશે એક હરફ પણ ઉચ્ચારું તો કવિ નારાજ થઇ જાય એવી દહેશત હતી; એવી ભૂલ મારે કરવી નહોતી. એમના દેશમાં જે મહાસંઘર્ષ ચાલી રહ્યો હતો તેનાથી એ વ્યથિત હતા જ; એ વિશે આશંકાઓ ઉઠાવીને મારે એમને દુ:ખ નહોતું પહોંચાડવું.

કેટલીક બાબતોમાં ટાગોર બાળક જેવા હતા એમ કહું તેમાં એ અસાધારણ માનવી માટે કાંઇ ઘસાતું લાગતું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. એ પણ સહુની માફક માટીના પિંડમાંથી આકાર પામેલા છે એ હકીકતમાં જ એ મહાન માનવીની મહત્તા છે. મહાન માણસો હમેશા નરોત્તમ જ હોય તો આપણે કદાચ એમને પૂજશું ખૂબ, પણ ચાહશું ઓછા. કોઇ ફ્રેન્ચ લેખકે કહ્યાનું યાદ છે : ‘પરિપૂર્ણતા થિજાવી દે તેવી ઠંડીગાર છે’, એટલે કે તેમાં અપૂર્ણતાની ઉષ્મા નથી.

ગાંધી સાથે સંવાદનું સુખ મને નહોતું મળ્યું, પણ મેં એમને પૅરિસમાં એકવાર સાંભળેલા. એ માનવીની આધ્યાત્મિક આભા મને આંજી ગયેલી, પણ તેનાથી મેં ‘થિજાવનારી ઠંડક’નો અનુભવ નહોતો કર્યો. કદાચ એમનામાં પણ કોઇક અપૂર્ણતા હશે; અથવા તો, બૌદ્ધિક પરિપૂર્ણતા કરતાં વધુ પ્રભાવ એમના હૃદયના શીલનો હશે.

( અનુવાદ: શ્રી જયંત મેઘાણી )

( ક્રમશ: )

3 thoughts on “મારા રવીન્દ્રનાથ..4

  1. આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

    Like

  2. ‘પરિપૂર્ણતા થિજાવી દે તેવી ઠંડીગાર છે’, એટલે કે તેમાં અપૂર્ણતાની ઉષ્મા નથી. આ વાક્ય ઘણું બધું કહી જાય છે….માનવી પણ એવી જ અપૂર્ણૅતાની નિશાની છે…

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.