મારા રવીંદ્રનાથ.. 2

મારો ઘરઝુરાપો તેં ઘણીવાર જોયો હશે. એ ઝુરાપો સ્વદેશ માટે હતો તેના કરતાં એમ કહું કે આંતરિક સ્વાતંત્ર્ય માટે હતો. કોઇ કારણસર જ્યારે હું ખુદમાં ખોવાઇ જાઉં છું ત્યારે એ સ્વાતંત્ર્ય-ઝંખના પાછળ ધકેલાઇ જાય છે. મારા પોતીકા પરિવેશમાંથી કોઇ સાદ આવે છે કે મારામાં જે ઉત્તમ છે એ મારે સમાજને ધરવાનું છે. આવું અર્પણ મને સમગ્ર વિશ્વનો સ્પર્શ આપે છે. મારા ચિત્તે એક એવો માળો હોય કે જ્યાં આકાશસમસ્તનો અવાજ શરણ પામી શકે – એવું આકાશ જેને પ્રકાશ અને અવકાશ સિવાય બીજાં કોઇ ઓઢણાં ન હોય. એ માળો જ્યારે મુક્ત આકાશનો ઇર્ષ્યાળુ પ્રતિસ્પર્ધી બનવા સહેજ પણ ઇચ્છા કરે, ત્યારે મારું મન યાયાવર પંખીની માફક દૂરદૂરના કાંઠે ઊડી જવા ચાહે છે. ઉજાસના મારા સ્વાતંત્ર્યમાં કોઇ કાપ આવી પડે ત્યારે મને નેપથ્યનો બોજ લાગે છે : એ કેવો? પ્રભાત પર ધુમ્મસનો અંચળો આવી જાય તેવો. હું મારી જાતને જોઇ નથી શકતો, અને આ ધૂંધળી સ્થિતિની મને ગૂંગળામણ થાય છે, મારી ઉપર કોઇ બોજ લદાઇ ગયો લાગે છે. મેં ઘણીવાર કહ્યું છે તેમ મારું સ્વાતંત્ર્ય છોડી શકું એટલો હું સ્વાધીન નથી, કારણ કે સ્વાતંત્ર્ય તો મેં મારા અંતર્યામીની સેવા અર્થે અર્પણ કરી દીધેલું છે. ક્યારેક આ વાત હું વીસરી પણ ગયો હોઉં, અને કોઇ લાચાર
બંદી-સ્થિતિમાં સપડાઇ ગયો હોઉં. પણ, આવી દરેક પરિસ્થિતિના અંજામમાં હોનારત જ આવી પડતી, અને કોઇ રૌદ્ર શક્તિ મને જાણે કોઇ ભાંગેલી દીવાલની પછીતે ધકેલી દેતી…..
ખાતરી રાખજે કે હું કાંઇ માગીશ તો એ માગણી મારી નહીં હોય, મારી મારફત આવેલી હશે. એક બાળક પોતાની માતા પાસે કાંઇ માગે તો એ કાંઇ કોઇ એક જણ માટેની માગણી ન ગણાય, સમસ્ત માનવવંશની અપેક્ષા ગણાય. કોઇ ભગવાનના બોલાવ્યા આ પૃથ્વી પર આવે એ પેલા બાળક જેવા જ અવતાર છે. એ જો પ્રેમ અને સેવા પામે તો એ એમના પોતાના ભોગવટા માટે નહીં પણ કોઇ ઊંચેરા હેતુ માટે હશે. માત્ર પ્રેમ જ નહીં, પણ અપમાનો અને હીણપતો, ઉપેક્ષા અને અવમાનના આવે છે એ એમને ભાંગીને ચૂરણ કરવા નહીં પણ એમની જ્યોતને સંકોરવા, તેને વધુ તેજોમય બનાવવા આવે છે.

આ પત્ર એક ખુલાસો લાવે છે. ટાગોર બીમાર હતા અને ડૉક્ટરોની સૂચના મુજબ એ આરામ લે એમ અમે (એમના સાથીદાર એમહર્સ્ટ અને હું) ઇચ્છતાં હતાં. એ એમનું રોકાણ લંબાવે એવો મારો આગ્રહ હતો. થોકેથોક લોકો એમને મળવા આવે અને એ થાકી જાય એવું ન બને એવી મારી તકેદારી હતી. લોકોને મારી આ પદ્ધતિ ન રુચી; કેટલાકને લાગ્યું, હું કવિ ઉપર ‘કબજો જમાવતી હતી’. અને, કવિ પોતે ફરિયાદ કરતા કે ‘મને મળવા ઇચ્છતા લોકો માટે દરવાજા ખુલ્લા કેમ નથી રાખતાં?’ દરવાજા ખુલ્લા રહેતા એ દિવસને અંતે એ થાકી જતા : મને ચિંતા થતી. શું કરવું ઉચિત હતું? બંધ બારણે બેસીને કાવ્યો રચ્યા કરવાં અથવા બગીચામાં લટાર મારવામાં સમય પસાર કરવો એવી પરિસ્થિતિથી એમનું મન વ્યથિત થતું, અને ડૉક્ટરોની સૂચનાને અવગણીને એમનું ધાર્યું કરવા દેવું તેમાં અમને અપરાધભાવ થતો.

એ જ વરસે શાંતિનિકેતનથી એમણે મને લખ્યું કે –

રોમાં રોલાંએ સ્વીત્ઝરલૅન્ડમાં એક સેનેટોરીઅમમાં મારે માટે રહેવાની વ્યવસ્થા કરી છે. ડૉક્ટરો કહેશે એટલો સમય ત્યાં રહેવાનું છે. મને થયું, મને આવકારવા તું ત્યાં પહોંચી હો તો કેવું સારું! પણ હું સમજું છું કે એમ બનવાનું નથી. ….. સરિતાતીરના તારા સુંદર આવાસમાં હું ઉનાળો ઊતરે ત્યાં સુધી રોકાયો નહીં તેનો તને અફસોસ છે. તને ખબર નથી, રોકાવાની મને જ કેટલી બધી ઇચ્છા હતી. પણ મને મારી ફરજો બોલાવતી હતી, અને એ મધુર ખૂણાના પ્રયોજનહીન અવકાશમાંથી મને દૂર તાણી ગઇ હતી. પણ, કહું? આજે મને સાંભરે છે કે એ દિવસોના પ્રમાદભર્યા પ્રહરો દરમિયાન રોજેરોજ ખીલતાં મારાં નમણાં કવિતા-કુસુમોથી છાબ ઊભરાતી હતી. તને કઇ રીતે પ્રતીતિ કરાવું કે પુરુષાર્થે ઊભા કરેલાં મારાં કેટલાંય દુન્યવી સર્જનો વિસ્મૃતિમાં સરી જશે પછી પણ મારાં એ કાવ્યપુષ્પો મહેકતાં રહેશે?

આ બે પત્રાંશો કવિની પ્રકૃતિની વિરોધાભાસી મન:સ્થિતિઓ સૂચવે છે : એક બાજુ એમના મનમાં પોતાને ઇષ્ટ પ્રવૃત્તિઓ પ્રત્યેનો ફરજભાવ છે. પોતાના પ્રભુએ સોંપેલી એ ફરજો બજાવતાં એમને સ્વાતંત્ર્ય જતું કરવું પડે, અપમાનોના જખમ ઝીલવા પડે તો તેનો પણ પ્રેમની શીળપ જેવો જ સ્વીકાર છે. બીજી તરફ, ખુદની ઉપર લાદેલી ફરજોની ઉપયુક્તતા વિશે સંદેહ અનુભવે છે : પોતે જેમાંથી જીવનરસ પામે છે એ ‘પ્રયોજનહીન પ્રમાદ’ અને તેમાંથી ઝરતા પ્રેરણાજળની ઝંખના કરે છે. પોતે રચેલાં કાવ્યો પોતાનાં દુન્યવી સર્જનોથી વધુ જીવવાનાં છે એવી પ્રતીતિ હોવા છતાં પેલા ફરજ-સાદને અનુસરવા મારા રમ્ય સરિતા-તીરની વિદાય લેવા મજબૂર થાય છે.

પણ આ પત્રો તો ટાગોર મારા અતિથિ તરીકે રોકાયા એ પછી લખાયેલા છે. એ પહેલાંની કથા મારે કહેવી છે. 1924ના નવેમ્બર મહિનામાં ટાગોર જ્યારે અમારે દેશ ઊતર્યા ત્યારે એ સખત શરદીમાં સપડાયેલા હતા. આ શરદી અને તેને કારણે ડૉક્ટરોએ આપેલી પૂરા આરામની સલાહ મારે માટે એક અણધારી તક લઇને આવી. એમની પાસે જઇને એમની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરવી હતી સાચું કહું તો મારી સેવાનો સ્વીકાર કરીને મને એ કૈક આપવાના હતા.

એ કાળની કથની કહેવા હું મારી ડાયરીનાં પાનાંઓ પાસે જાઉં છું :
અનુવાદ..શ્રી જયંત મેઘાણી

( ક્રમશ: )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s