ચપટી ઉજાસ..101

ચપટી ઉજાસ… 101
કારણ વિનાની ખુશી

કાલે સાંજે ઘરમાં પાર્ટી હતી. મને બહું મજા આવી. બધા મારા ફૈબાના વખાણ કરતા હતા. એને અભિનંદન આપતા હતા. મને એ બધું ખૂબ ગમ્યું. મારા ફૈબા કેવા હોંશિયાર છે ! હું પણ મોટી થઇને ફૈબા જેવી બનીશ. જોકે ફૈબા તો હમેશા એમ જ કહે છે, તારે કોઇ જેવું નથી બનવાનું..તારે ફકત તારા જેવું..જૂઇ જેવું બનવાનું છે. એ જ તારી સાચી ઓળખ છે.

ફૈબા આવું કશુંક બોલે છે ત્યારે હું મૂંઝાઇ જાઉં છું.કેમકે મને કશું સમજાતું નથી. જોકે પછી ફૈબા તુરત કહે છે.

. જૂઇબેન, હજુ તમારે આ બધું સમજવાને વાર છે. આ તો હું ખાલી ખાલી લેકચર કર્યે જાઉં છું. ભવિશ્યમાં લેકચરર બનવું છે એની પ્રેકટીશ …. અને ફૈબા હસી પડે છે.. બસ..અને એની સાથે હું પણ હસતી રહું છું..સાવ ઘોઘાની જેમ..કશું સમજયા વિના…

આજે સવારે ફૈબા ને દાદીમા કશીક વાતો કરતા હતા. દાદીમા કહે..બસ હવે બહું થયું. સમીર, હવે ઉમંગી માટે કોઇ સારો છોકરો શોધવા લાગ. એનું ભણવાનું હવે પૂરું થયું. ‘ ફૈબા કહે, મમ્મી, મારે હજુ આગળ ભણવાનું છે. આ જમાનામાં ખાલી ગ્રેજયુએટ થયે કંઇ ન વળે. મારે આગળ ભણવું છે. પી.એચ. ડી. કરવું છે. ને પછી…

પણ ફૈબા આગળ બોલે એ પહેલા જ દાદીમા બોલ્યા..

બસ..બસ ..મારે એ બધું સાંભળવું નથી. સો વાતની એક વાત ..હવે ભણવાનું પૂરું. પછી છોકરો શોધવાની તકલીફ પડે. વધારે ભણો એટલે પાછો છોકરો પણ એવો શોધવો ને ?
‘ ફૈબાએ પપ્પાને કહ્યું, ભાઇ, મમ્મીને સમજાવો ને… હજુ મારે આગળ ભણવું છે. મમ્મી કયા જમાનાની વાત કરે છે ?

‘ તું ચિંતા ન કર, ઉમંગી, તારે જેટલું ભણવું હોય તેટલું ભણજે. મમ્મીને સમજાવવાની જવાબદારી મારી. બસ..ખુશ ? ‘

સમીર, બસ..એને માથે ચડાવવાની જરૂર નથી. વીસ વરસની થઇ. કંઇ નાની નથી.ભણશે એને ઘેર જઇને… જેટલું ભણવું હોય તેટલું.. ‘

’ મમ્મી, આ ઘર પણ ઉમંગીનું જ છે. અને એકવાર કહ્યું ને ઉમંગીને જેટલું ભણવું હોય એટલું ભલે ભણે.. હજુ એ એવી મોટી નથી થઇ ગઇ. એને અંગ્રેજી સાથે એમ. એ. કરવું છે.. અંગ્રેજી લિટરેચરમાં પી.એચ.ડી. કરવું છે. એની બધી ઇચ્છાઓ હું પૂરી કરીશ. ઉમંગી, તને કોઇ નહીં રોકી શકે. તું તારે ભણજે જેટલું ભણવું હોય એટલું… ‘

ફૈબા દોડીને પપ્પાને વળગી રહ્યા.

બાપ રે.. પપ્પાને આટલું બધું ને આવું બધું બોલતા આજે પહેલીવાર મેં જોયા હતા. મને બહું સારું લાગ્યું. ફૈબા બધાને બહું ગમે છે. મારી જેમ જ. ફૈબા છે જ એવા.. બધાને ગમે તેવા.

ફૈબાએ એકવાર મને રમત શીખડાવી હતી.. એ મને યાદ આવી ગઇ. ને હું મોટેથી ગાવા લાગી… ” આ ફૈબા કેવા ? સૌને ગમે એવા…

આ જૂઇ કેવી ? ફૈબાને ગમે એવી..

આ જય કેવો ? દાદીમાને ગમે એવો..”

હું તો તાળી પાડતી ગઇ..અને મોટેથી ગાતી ગઇ.

ફૈબા ને પપ્પા, મમ્મી બધા હસવા લાગ્યા. દાદીમાને ન ગમ્યું.

હા..હવે મારું કોણ માનવાનું ? હવે આ ઘરમાં મારું સાંભળે છે કોણ ? જયાં દીકરી જ ન માનતી હોય ત્યાં બીજા કોને કહેવું ?

મમ્મી, બીજી બધી વાતમાં તારું માનીએ જ છીએ ને ? પણ ભણવાની વાતમાં ઉમંગીને ના ન પાડતી. મારી બહેન કેવી હોંશિયાર છે.. એને ભણવાની કેટલી હોંશ છે.. એક દિવસ એ જરૂર આગળ આવશે. ભગવાન મારી બેનના બધા સપના પૂરા કરશે. અને એના લગ્નની ચિંતા તું છોડ.. એ મારી જવાબદારી છે. અને મને મારી બહેન ઉપર પૂરો વિશ્વાસ છે. એ જે કરશે એ બરાબર જ કરશે. સમય આવ્યે લગ્ન પણ થઇ રહેશે.એને પહેલા પગભર થવા દે.. વીસ વરસ કંઇ હજુ એવી મોટી ઉમર ન કહેવાય. ઉમંગી, તું કોઇ વાતની ચિંતા ન કર..તારો ભાઇ તારી સાથે જ છે. ‘

બોલતા બોલતા પપ્પાની આંખો ભીની બની ઉઠી. હું તો પપ્પાનું આ રૂપ જોઇ જ રહી. આ પપ્પાને તો મેં કયારેય જોયા નહોતા. ફૈબા તો પપ્પા પાસે જઇને રડી જ પડયા. પપ્પા ફૈબાને વાલુ વાલુ કરી રહ્યા. દાદીમા હવે ચૂપ હતા.

મમ્મીની આંખો પણ ભીની બની હોય એવું મને કેમ લાગ્યું ? મમ્મી અંદર જઇને બધા માટે પાણી લઇ આવી. પપ્પાને ફૈબાને બધાને આપ્યું.

આજે મને કોઇ વાત બહું સમજાઇ ભલે નહોતી. પરંતુ ખબર નહીં કેમ મને બહું સારું ચોક્કસ લાગ્યું. કોઇ કારણ વિના પણ હું ખુશ કેમ થઇ ?
( જનસત્તા..લોકસત્તામાં દરા રવિવારે નિયમિત પ્રગટ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..101

  1. સાપ્રંત સમાજમાં સ્ત્રીઓના ભણતર પ્રત્યે સભાનતા વધી છે અને સમયની એજ માંગ છે? હજી હમણાં મેં એક લેખ વાંચ્યો જેની લીંક મારી ફેસબુક પર મૂકી છે..ખરેખર તે વાંચવા જેવી છે હજી ય વિશ્વમાં કેટલેક ઠેકાણે તેની ઉપર કેટલો પાશવી અને ક્રૂર અત્યાચાર થાય છે તે વાંચીને મને તો કમકમાં આવી ગયા..હજી આ દિશામાં ભારતમાં કંઈક અંશે સારો માહોલ કહી શકાય..આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s