મારા રવીન્દ્રનાથ ..

મારા રવીન્દ્રનાથ : પ્લાતા સરિતાને તીરે
વિક્તોરીઆ ઓકામ્પો
અનુવાદ : જયંત મેઘાણી
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

[1924માં રવીન્દ્રનાથ ઠાકુર દક્ષિણ અમેરિકાના પેરુ દેશની સ્વાતંત્ર્ય-શતાબ્દીમાં ભાગ લેવા નીકળ્યા હતા. આર્જેન્તીના પહોંચીને એમનો પ્રવાસ રેલગાડીમાં આગળ ચાલવાનો હતો. પણ કવિવર સ્ટીમરમાં જ ‘ફ્લુ’માં ઝલાઇ ગયા અને આર્જેન્તીનાના પાટનગર બ્યુઓનેસ આયરેસમાં એમને ફરજિયાત થોભી જવું પડ્યું. ત્યાં એમનાં પ્રસંશક મહિલા વિક્તોરીઆ ઓકામ્પોના અતિથિ તરીકે પોણા બે મહિના રોકાયા. વિક્તોરીઆ ઓકામ્પો પછીથી એમના દેશની સાહિત્યસૃષ્ટિમાં આગળ પડતો ભાગ ભજવવાનાં હતાં, અને એ દેશની વરિષ્ઠ સાહિત્ય સંસ્થાનાં પ્રથમ મહિલા સભ્ય બનવાનાં હતાં. રવીન્દ્રનાથ અને વિક્તોરીઆ ઓકામ્પોના આ સહવાસનાં સ્મરણો આલેખતા લેખ ‘ટાગોર ઑન ધ બૅન્ક્સ ઑફ ધ રિવર પ્લાતા’નો આ સંક્ષિપ્ત મુક્ત અનુવાદ છે. (‘રબીન્દ્રનાથ ટાગોર : એ સેન્ટીનરી વૉલ્યૂમ’, સાહિત્ય અકાદેમી, 1961.) કવિવર અને જેને એમણે પ્રીતિપૂર્વક વિજયા નામ આપેલું એ આ વિદેશિની નારી વચ્ચે ખીલેલા સ્નિગ્ધ સખ્યની કથની કેતકી કુશારી ડાયસને અર્ધ-કથા – અર્ધ-ઇતિહાસ કહી શકાય એવા બંગાળી પુસ્તકમાં આલેખી છે. (‘રબીન્દ્રનાથ ઓ વિક્ટોરીઆ ઓકામ્પોર સન્ધાને’, 1986), અને પછી એ જ વિષય પર દળદાર સંશોધિત વૃત્તાંત અંગ્રેજીમાં લખ્યું છે. (‘ઇન યોર બ્લોઝમીંગ ફ્લાવર-ગાર્ડન’, સાહિત્ય અકાદેમી, 1988.) વિક્તોરીઆ ઓકામ્પો વિશેના બે મહત્ત્વના લેખો પણ ગુજરાતી વાચકો માટે લભ્ય છે : ‘વિક્ટોરીઆ ઓકામ્પો : એક સાંસ્કૃતિક સેતુ’, લેખક : કૃષ્ણ કૃપાલાની, ‘સંસ્કૃતિ’, જૂન 1979; ‘વિજયા વિશે વધુ’, લેખક : નગીનદાસ પારેખ, ‘સંસ્કૃતિ’, ઑગસ્ટ 1979. ‘રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ’ (અનુવાદ : મહેશ દવે. ઇમેજ, 2006) નામે પુસ્તિકામાં એમનું પત્ર-સખ્ય ઝિલાયું છે.]

1924ની સાલ, સપ્ટેમ્બર મહિનો. સમાચાર આવ્યા કે રવીન્દ્રનાથ ટાગોર પેરુ દેશ જતાં રસ્તામાં આર્જેન્તીનાના અમારા મહાનગર બ્યુએનોસ આયરેસમાંથી પસાર થવાના છે. મેં ‘ગીતાંજલિ’ અંગ્રેજીમાં વાંચી હતી; એ પહેલાં તો આન્દ્રે જીદે કરેલો ફ્રેન્ચ અનુવાદ અને એક સ્પૅનીશ અનુવાદ પણ હું માણી ચૂકેલી. કવિનું આવું આગમન અમારે માટે એક મોટો પ્રસંગ હતો; મારે પોતાને માટે તો એક લાખેણો અવસર હતો.

લેખનની દુનિયામાં હજુ મારી પ્રથમ પગલીઓ હતી. અમારા મોટા અખબાર ‘લા નાસીઓં’માં મારા લેખો પ્રગટ થવા લાગેલા. આરંભના એ લેખો દાન્તે, રસ્કિન અને ગાંધી વિશે હતા. ચોથા લેખનો વિષય મારા મનમાં હતો : ‘રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાનો આનંદ’. ટાગોર મારા લેખોના ત્રણેય પુરોગામીઓની સાથે બિરાજી શકે તેમ હતા. એમાંના એક તો એમના જ દેશબાંધવ હતા. આ ચાર મહાન મનુષ્યો મારા પ્રિય સર્જકો હતા. જાણતી હતી કે એમને વિશે લખવાની મારી ગુંજાશ અલ્પ હતી.

દક્ષિણ ગોળાર્ધમાં આવેલા અમારા દેશમાં એ વખતે વસંત ઋતુ પૂરબહારમાં ખીલેલી. વાતાવરણ ફૂલગુલાબી હતું; બાગબગીચા ગુલાબથી લચી પડેલા. રોજ સવારે મારા ખંડનાં બારીબારણાં ખુલ્લાં રાખીને હું એના પરિમલને શ્વાસમાં ભરતી, ટાગોર વાંચતી, ટાગોરનો વિચાર કરતી, ટાગોરને કાલ્પનિક પત્રો લખતી, અને એમની પ્રતીક્ષા કરતી – ટાગોરમય બની ગઇ હતી. આ વાચન, લેખન, વિચાર અને પ્રતીક્ષા – એ સર્વની ફલશ્રુતિ હતી ‘લા નાસીઓં’માં પ્રગટ થતાં મારાં લખાણો. એ સ્વપ્નશીલ દિવસોમાં સપનુંય નહોતું ડોકાયું કે કવિ મારા અતિથિ બનીને આવશે. અરે, એમના રોકાણ દરમિયાન મારા જેવા ચાહકોને એમની નાની એવી મુલાકાત મળશે એવી પણ આશા નહોતી. ‘રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાનો આનંદ’ એ મારો લેખ હું મમળાવતી અને એવા વિચારમાં રાચતી કે લેખનું મથાળું ‘ટાગોરની પ્રતીક્ષાનો આનંદ’ એવું પણ ન હોઇ શકે? આજે જ્યારે કવિના દેશવાસીઓ સાથે થોડી ગોષ્ઠિ કરી રહી છું ત્યારે એમ લાગે છે કે કવિવર સાથે જ વાત કરતી હોઉં! 1924ની એ ગુલબદન વસંતની અનુભૂતિ આજે પણ મન ભરી દે છે, આટલાં બધાં વરસ પછી પણ કવિને જીવનમાં એટલા જ નિકટ પામું છું, કારણ કે એમણે જ મને જીવનના અવાસ્તવથી વાસ્તવ ભણી પ્રયાણ ચીંધેલું.

‘ગીતાંજલિ’ મારા હાથમાં આવી એમાં મેં બેવડું વરદાન જોયેલું. મારો એ કાળ કપરો હતો. મારા હૃદય અને ચિત્તને એક દારુણ સ્થિતિએ ઘેર્યાં હતાં. મા
રી અંતર-ગઠરી કોઇની પાસે ખોલવા હું તલસતી હતી – અને એ ‘કોઇ’ માત્ર ઇશ્વર જ હોઇ શકે. પણ ઇશ્વરની હસ્તીમાં હું માનતી નહોતી – બદલાખોર, માગમાગ કર્યા કરનાર, સાંકડા મનના, કઠોર એવા જે એક ભગવાનને પૂજવાનું મને શીખવવામાં આવેલું એ ભગવાનમાં તો નહીં જ. પણ વાત એમ હતી કે જેને હું નકારતી હતી એ જ ઇશ્વર, એ નકાર સ્વરૂપે જ જીવનમાં સતત હાજરાહજૂર રહેતો. એની અનુપસ્થિતિ જ ઉપસ્થિતિ બની ગઇ હતી. એ મારો કેડો નહોતો મૂકતો. એની ગેરહાજરી જ ખુદ મને જાણે કહેતી : ‘તારી ગઠરી મારી પાસે જ ખોલવી પડશે. મારા વિના તું તારી એકલતામાં અટવાયા જ કરીશ.’
જીવનના એક સ્વાભાવિક ક્રમ રૂપે આવેલો સુયોગ, કોઇ અદૃષ્ય યોજના મુજબ જાણે આવ્યો હોય એવો સુયોગ.
સ્વરાજ, અહિંસા, સત્યાગ્રહ, સ્વદેશી : આ બધા શબ્દો થોડા મહિનાથી મારા પરિચિત બની ગયા હતા, અને એ કાળે ‘મહાન સંત્રી’ (‘ગ્રેટ સેન્ટીનલ’) એ મારી પ્લાતા નદીનાં જળમાં પગ ઝબોળ્યા. ગાંધી અને ટાગોર, એ બે દેશમોવડીઓ પોતાની પ્રજાની ઉન્નતિ માટે કેટલી અલગ રીતે વિચારતા હતા તેનો પણ હું તાગ પામી ચૂકી હતી. ટાગોર પૂર્વ અને પશ્ચિમની પ્રજાઓ વચ્ચે સાહચર્ય ઝંખતા હતા, તો ગાંધી અસહકાર એ એકમાત્ર શસ્ત્રથી બ્રિટિશરો સામે અહિંસક રીતે લડવા માગતા હતા. ટાગોર જ્યારે મારા દેશમાં પધાર્યા ત્યારે અસહકારના કાર્યક્રમને ચાર જ વરસ થયેલાં. ટાગોર કહેતા : ’કોઇ દેશ બીજી પ્રજાઓથી અલિપ્ત રહીને મુક્તિ ન મેળવી શકે. કાં તો સર્વની સહિયારી મુક્તિ, નહીં તો સર્વનો વિનાશ.’ ટાગોરને મન ગાંધી તો સર્વકાળના સર્વોત્તમ પુરુષ હતા, પણ એમને દહેશત હતી કે જ્યારે બાજી ગાંધીના હાથમાંથી પાછળ આવી રહેલા ટોળાના હાથમાં જશે ત્યારે?

આમ, કવિ એક બાજુ હતા, ગાંધી સામી બાજુએ. વિમાસણ થતી : કોની પસંદગી કરવી? કોનો મહિમા ગાવો?

આ બેઉ મહાન નર એમના અજાયબ મુલકમાંથી મારા જીવનમાં લગભગ એકસાથે પ્રગટ્યા, અને સમસ્યા
લાવ્યા : કળા કે સંતત્વ? કળાકાર પોતાના સર્જનમાં સૌંદર્ય સીંચે, સંત જીવનનાં કર્મોને સૌંદર્યમય બનાવે. કલાકાર પોતાની કૃતિને પરિપૂર્ણ બનાવવા મથે, સંત ખુદ જીવનને સોળે કળાએ ખીલવે. કવિ યીટ્સને ટાગોરના એક દેશવાસીએ એકવાર કહેલું કે ‘આ કવિ અમારો સર્વ પ્રથમ સંત છે જેણે જીવનનો નકાર નથી કર્યો, એણે જીવનનો જ મહિમા ગાયે રાખ્યો છે, અને એટલે જ અમે તેના ઉપર સ્નેહનો અભિષેક કરીએ છીએ’.

કળા અને જીવન પરત્વેનું આ દ્વંદ્વ ટાગોરના ચિત્તે પણ રમતું હતું તેના સંકેત હું પામી હતી – કવિની નિકટતાનો અવસર મારા જીવનમાં ઊગ્યો હતો ત્યારે. અને હવે એ જ વાતની સાહેદી મારા પરના એમના બે પત્રોમાંથી પણ પામું છું. એક પત્ર એમણે વિદાય લીધા પછી સ્ટીમરમાંથી લખેલો, તેનો અંશ

( translation by shri Jayant Meghani )
( ક્રમશ: )

2 thoughts on “મારા રવીન્દ્રનાથ ..

  1. જેને હું નકારતી હતી એ જ ઇશ્વર, એ નકાર સ્વરૂપે જ જીવનમાં સતત હાજરાહજૂર રહેતો. એની અનુપસ્થિતિ જ ઉપસ્થિતિ બની ગઇ હતી. એ મારો કેડો નહોતો મૂકતો. એની ગેરહાજરી જ ખુદ મને જાણે કહેતી : ‘તારી ગઠરી મારી પાસે જ ખોલવી પડશે. મારા વિના તું તારી એકલતામાં અટવાયા જ કરીશ.’… ઈશ્વરના અસ્તિતવને ય સ્વીકારવાની અનોખી રીત…આભાર નિલમબેન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s