અને….મુઠ્ઠીઓ વાળી તેર વરસનો સંજુ ફરી એકવાર દોડયો. બરાબર એક વરસ પહેલાની જેમ જ…. દોડતા સંજુના મનમાં દોડતી રહી એક વરસ પહેલાની એ ક્ષણો……
ત્યારે પણ તેણે ચારે તરફ નજર ફેરવી હતી. કોઇ દેખાયું નહોતું. ઘોર અન્ધકાર… અને બાર વરસના સંજુએ હિંમત એકઠી કરી હતી. દીવાલ પરથી એક કૂદકો….અને બીજી જ ક્ષણે..મુઠ્ઠીઓ વાળી દોટ મૂકી..કયાં..કઇ તરફ ? કોને ખબર ? એક અજાણ ભાવિ ..પરંતુ જે સહન કર્યું હતું તેનાથી વધારે ખરાબ કશું હોઇ જ ન શકે..એ એક જ વિચાર….અને એક જ છલાંગે આટલી ઉંચી દીવાલ તે કૂદી ગયો હતો. હાંફતી છાતીએ થોડી થોડી વારે પાછળ ફરી જોઇ લેતો હતો..કોઇ આવતું તો નથી ને ? આશંકા, ભયનો ઓથાર….પકડાઇ જવાનું પોષાય તેમ નહોતું. ગયે વરસે આ જ રીતે ભાગવાનો પ્રયત્ન કરતાં પકડાઇ ગયેલ રમેશની દશા પોતે નજરે જોઇ હતી.
રમેશ…..આ યાદ સાથે જ દોડવાની ઝડપ આપોઆપ વધી ગઇ હતી. હાથ, પગ આખા છોલાયા હતા. પરંતુ આ પળે એની પરવા કોને હતી ? આમ પણ વરસોથી એવું તો કેટલું યે છોલાતું આવ્યું હતું. પાછળ હડકાયું કૂતરું પડયું હોય તેમ ખાસ્સીવાર દોડયા પછી અંતે તે થાકયો. શ્વાસ ફૂલતાં હતાં. દોડીદોડીને હવે હાંફ ચડી હતી. નશીબે પણ આજે પહેલીવાર સાથ આપ્યો હતો.પાછળ કોઇ દેખાતું નહોતું. તે ઘણો દૂર નીકળી ચૂકયો હતો. અનાથાશ્રમની દીવાલનો પડછાયો પણ ન પડી શકે એટલે દૂર….
તો હવે તે અનાથ નહોતો રહ્યો ! હવે તેની ઓળખ અનાથાશ્રમના એક અનાથ છોકરા તરીકે નહીં અપાય. હવે તે હતો એક છોકરો..માત્ર છોકરો..અનાથ, ગટરનો કીડો, હરામની ઔલાદ કે એવા કોઇ વિશેષણોથી મુક્ત બાર વરસનો છોકરો.
ચારે તરફ માના ગર્ભ જેવો અન્ધકાર છવાયેલ હતો. ક્શું દેખાતું નહોતું. પોતે કઇ જગ્યાએ આવ્યો છે તેની સમજ નહોતી પડતી. થાક, ભૂખ, ઉંઘ.. શરીર આખું તૂટતું હતું. તે ઘડીક ઉભો રહ્યો. આંખો થોડી ટેવાઇ. ચારે તરફ નજર નાખી. સામે ફૂટપાથ પર થોડા લોકો સૂતા દેખાયા. કદાચ પોતા જેવા જ કોઇ અભાગીયા લોકો…
હિંમત કરી તે ત્યાં ગયો. ભીંતનો ટેકો લઇ એક જગ્યાએ બેઠો. અહીં બધા તેના કરતાં શ્રીમંત દેખાયા. બધા પાસે ફાટયા તૂટયા ગોદડી કે ગાભા હતા. પોતે તો સાવ જ અકિંચન..સાવ ખાલી હાથ…અંગ પર ચીંથરા જેવું શર્ટ અને ચડ્ડી…બસ..જે ગણો તે આ જ..
થોડીવાર એમ જ બેઠો રહ્યો. આસપાસ સૂતેલ લોકોના નસકોરાનો અવાજ સાંભળતો રહ્યો. બાદશાહની જેમ નિરાંતે બધા સૂતા હતા. તેણે પણ બધાથી થોડે દૂર લંબાવ્યું. પાથરવા, ઓઢવાનું તો કેવું ? ટૂંટિયુ વાળી એમ જ પડયો રહ્યો. ઉંઘ આવી કે ન આવી એ સમજાયું નહીં. પરંતુ ઉંઘમાં કે જાગતામાં આજે મા જરૂર આવી.
‘ મા, હું સંજુ..તારો દીકરો…લોકો અમને અનાથ કહે છે. હેં મા, અમે અનાથ કેમ છીએ ? તું કયાં છે મા ? તું મને મૂકીને કેમ ચાલી ગઇ ? મગન કહેતો હતો કે આપણે બધા તો હરામની ઔલાદ…નરકના કીડા…હેં મા, અમે કેમ એવા ? તે દિવસે આશ્રમમાં એક શેઠ આવેલ..એના દીકરાનો જન્મદિવસ હતો તેથી અમને બધાને ખવડાવવા આવ્યા હતા. તે છોકરો પણ મારા જેવડો જ હતો. એની પાસે મમ્મી હતી..પપ્પા હતા.. મા, તું મને મૂકીને ..એ પણ આવી જગ્યાએ મૂકીને કેમ ચાલી ગઇ ? મા, આના કરતા તેં મને મારી નાખ્યો હોત તો ? મા, તેં કેમ મને મારી ન નાખ્યો ? તને ખબર છે મા ? અહીં જેને અમે બધા ભાઇજી કહીએ છીએ તે અમને બધાને કેવા હેરાન કરે છે ? હું કંઇ અમસ્તો નથી ભાગી છૂટયો.. મા, હું ખોટું નથી બોલતો..જો.. મારા વાંસામાં કેવા ધગધગતા ડામ દીધા છે. દેખાય છે મા ? મને શું દુ:ખતું નહીં હોય ? ને અહીં જો મા…આ સીગરેટના ડામ છે. અને આ લીસોટા છે ને તે સોટીથી માર્યો હતો ને તેના..શું કામ ખબર છે ? હું કંઇ તોફાન નહોતો કરતો. પણ તે મને કંઇક ગન્દુ કરવાનું કે’તા હતા..પણ મેં ના પાડી ને તેથી…પછી તો માર, ડામ અને ભૂખ્યા રહેવાનું…અને અંતે તો અમારે એ કહે તેમ કરવું જ પડે ને ? મા, તું ભગવાન પાસે ગઇ છે ? મને સાથે કેમ ન લઇ ગઇ ? મા, હું તને જરાયે હેરાન ન કરત..મા…. મા હું કંઇ ગટરનો કીડો છું ? અમને બધા આવું કેમ કહે છે ?
પણ મા..એક દિવસ આશ્રમમાં મોટો કાર્યક્રમ હતો. બહું બધા મોટા મોટા માણસો અને મોટી મોટી ગાડીઓ…અમને કેટલાય દિવસથી ગીત અને બધું શીખડાવતા હતા. ન આવડે કે સરખું ન કરીએ તો ફટ સોટી લાગે. મને તો સૌથી આગળ રાખેલ..હું સરસ દેખાઉં છું..એમ બધા કહેતાં હોય છે. અને તે દિવસે તો સરસ મજાના નવા કપડાં…અને સરસ જમવાનું. મેં કેવું સરસ ગીત ગાયું હતું. કયું ? કહું મા ?
” ધરતીનું ફૂલ..હું તો ધરતીનું ફૂલ
ઉંચે આકાશમાં ઉડવા આતુર…”
મા, બધાએ કેવા મજાના ભાષણ કરેલા..ત્યારે તો ભાઇજી પણ અમને ધરતીના કીડા નહીં..પણ ધરતીનું ફૂલ જ કહેતા હતા. તે દિવસે આશ્રમને બહું બધા પૈસા મળ્યા હતાં એમ બધા કહેતા હતા. પણ એ બધું તો એક જ દિવસ હોં..મા, બીજે દિવસે તો અમે પાછા ગટરના કીડા…અને હરામની ઔલાદ…કે કદીક કોઇ મોટા માણસો પાસે પ્રદર્શનના નમૂનાઓ…. મા…તને સંભળાય છે ? મા, મને દસ વરસ થયા કે બાર ? મને તો એ યે કયાં ખબર છે ? કોઇ દસ કહે છે કોઇ બાર કહે છે. હેં મા, અમારે જન્મદિવસ કેમ ન હોય ? અમે બધા બહું ખરાબ છીએ એટલે ભગવાને અમને સજા કરી છે ? પણ મા, અમે શું ખરાબ કર્યું છે ? ખરાબ કામો તો આશ્રમના ભાઇજી કરે છે. બધાને એ જ હેરાન કરે છે. ભગવાન એને તો સજા નથી કરતો..અમને જ કેમ કરે છે ?
મા, મને તારી પાસે બોલાવી લે ને. મા, બોલાવી લે ને. ‘
સંજુની આંખોમાંથી અભાનપણે ગંગાજમના વહેતી રહી. એકલો એકલો ઉંઘમાં ન જાણે આખી રાત એ શું યે બબડતો રહ્યો. એક અબોધ કિશોર ઘડીકમાં ભગવાનને ઉદેશીને ફરિયાદ કરતો રહ્યો તો ઘડીકમાં કદી ન દીઠેલ માને સંબોધીને વલવલતો રહ્યો. કેટલાયે જનમારાનો થાક તેના સમગ્ર અસ્તિત્વમાં પડઘાતો હતો. ટૂંટિયુ વાળી એ ધ્રૂજતો રહ્યો. તારાઓ ઝંખવાઇ ગયા, ચન્દ્ર વાદળ પાછળ અદ્રશ્ય…અને કાળી ડિબાંગ રાત ચૂપચાપ ખરતી રહી.
સવારે આસપાસના કલબલથી તેની આંખ ખૂલી. તેણે આંખો ચોળી. તે કયાં છે ? આશ્રમની દીવાલો કયાંય ન દેખાઇ. ઉપર ખુલ્લુ આકાશ..નીચે આ સુન્દર ફૂટપાથ…! રાતે સપનામાં મા દેખાયેલી. કયાં છે તે ? તેણે આસપાસ નજર ફેરવી. તે ઉભો થયો. મા તો કયાંય ન દેખાઇ.. પણ સામે એક નળ દેખાયો. તેના જેવા ઘણાં છોકરાઓ ત્યાંથી પાણી પીતા હતા. તે પણ ધીમેથી ત્યાં ગયો. વારો આવતા પાણી પીધું. બધાની જેમ બે ચાર કોગળા કર્યા. ચહેરા પર પાણી છાંટયું. સારું લાગ્યું. હવે ? શું કરવું તે સમજાયું નહીં. ફરી પોતાની જગ્યાએ જઇને બેઠો. એક રાતમાં તો જગ્યા “ પોતાની “ થઇ ગઇ હતી.
બાજુમાં ત્રણ ઇંટો પર મોટી તાવડી મૂકાયેલ હતી. કોઇ રોટલા શેકતું હતું. રોટલાની મીઠી સુગંધ તેના શ્વાસમાં…. તે એકીટશે જોઇ રહ્યો. નવા આંગતુકને જોઇ પંદરેક વરસનો એક છોકરો તેની પાસે આવ્યો અને પૂછયું,
’ નવો છે ? ‘
સંજુનું માથુ હકારમાં હલ્યું.
’ એકલો છે ? ’
ફરી માથુ ધૂણ્યું.
’ ખાવું છે ? ‘
માથુ હકાર કે નકાર એકે રીતે હલ્યું નહીં.
પણ સામેવાળો કદાચ અનુભવી હતો.
‘ લે, ખાઇ લે..પેટ ભલે આપણું પોતાનું હોય..પણ એ યે સગુ નહીં થાય..એને યે કંઇક ભાડું ભરો તો જ…..’
એક રોટલો સંજુ તરફ લંબાયો. સંજુ થોડો અચકાયો. તેની અવઢવ પારખી પેલા છોકરો ફરી બોલ્યો,
’ લે..લઇ લે..અહીં કંઇ મા નથી તે આગ્રહ કરશે…અને પેટ કંઇ કોઇની શરમ નહીં રાખે…’
થોડાં અચકાતા સંજુએ રોટલો હાથમાં લીધો. પેલાએ રોટલા ઉપર ચટણી જેવું કશુંક આપ્યું. પોતે પણ લીધું. અને મોજથી ખાઇ રહ્યો. સંજુએ પણ ખાધું. ભૂખ થોડી શાંત થઇ. તેણે પેલા છોકરા સામે જોયું. જરા હસ્યો. આભાર કેમ માનવો એ સમજાયું નહીં. ’ મારું નામ નરેશ..તારું ? ‘
’ સંજુ…’
’ કયાંથી આવ્યો ? સંજુ શું જવાબ આપે ? જોકે નરેશને જવાબની કયાં પડી હતી ?
‘ તમે રોજ જ અહીં રહો છો ? જરા અચકાતા સંજુએ પૂછયું.
’ ના.રે..રોજ કંઇ પોલીસદાદો રે’વા ન દે. ફરતા રહીએ. અને લે, આ કોથળો..’
કોથળો..? શું કરવાનું ? એ સમજ ન પડતાં તે નરેશ સામે જોઇ રહ્યો.
’ અરે ગાંડા…બપોર થશે ને ત્યાં આ પેટ પાછું ચીસો મારવા લાગશે. એ ધરાતું જ નથી. લાવ..લાવ કર્યા જ કરે. એને આપીએ જ છૂટકો..અને બેઠા બેઠા તને રોજ ખવડાવી શકું એવો પૈસાવાળો તો તારો આ દોસ્ત હજુ થયો નથી. ‘
’દોસ્ત..? ‘
નરેશે હાથ આગળ ધર્યો. સંજુનો હાથ આપોઆપ તેની સામે લંબાયો.
‘ હવે ચાલ, મારી સાથે..આજુબાજુમાંથી પ્લાસ્ટીકનો કચરો વીણવા માંડ. આ કોથળામાં ભેગો કર.અને પછી સામે વખાર છે ત્યાં આપી આવવાનો. એક ટંક જેટલી જોગવાઇ તો થઇ જ જવાની.
નરેશે ઉદારતાથી જાણે સંજુને પોતાની પેઢીમાં નોકરી આપી દીધી. કોઇ લાગવગ, કોઇ ઓળખાણ કોઇની ચિઠ્ઠી વિના જ……
સંજુએ કોથળો હાથમાં લીધો. અને નરેશ સાથે ચાલી નીકળ્યો. ખાસ્સીવાર ઉકરડા ફંફોસતા રહ્યા. નરેશ મોઢેથી સીસોટી વગાડતો રહ્યો. કયારેક કોઇ પિકચરના ગીતની કડી લલકારતો ગયો. સાથે સાથે સંજુને પોતાના ‘બીઝનેસ’ની વિગતો…આંટીઘૂટીઓથી માહિતગાર કરતો રહ્યો. એક સીનીયર મેનેજર જાણે નવા ઉમેદવારને પોતાની પેઢીનું અકાઉન્ટ સમજાવતો હતો.
સારી એવી રઝળપાટ પછી થેલો લઇને વેચવા ગયા ત્યારે સંજુને દસ રૂપિયા મળ્યા. હાથમાં આવેલ રૂપિયા સામે સંજુ છલકતી આંખે જોઇ રહ્યો. પોતાની મહેનતની પહેલી કમાણી. નરેશે કંઇ બોલ્યા સિવાય તેને ખભે હાથ મૂકયો.
‘દોસ્ત, અહીં આપણા આંસુ આપણે જાતે જ લૂછવાના છે. તારી જેમ એક દિવસ હું પણ….જવા દે..એ બધી વાતો તો થયા કરશે ‘
નરેશે દોસ્તનો ખભ્ભો થપથપાવ્યો. સંજુએ પોતાની ભીની આંખો લૂછી નાખી.
નરેશ હવે તેને લઇને પોતાની રોજની માનીતી લારીએ ઉપડયો. પાંચ પાંચ રૂપિયાના સરસ મજાના પરોઠા અને શાક લીધા. બંનેએ ખાધા. સંજુએ નરેશને પૈસા ન આપવા દીધા. જનમથી કયારેય ન અનુભવેલ એક નવો અહેસાસ…આજે પોતે કોઇને ખવડાવી શકે એવો નસીબદાર…..
હજુ કાલ સુધી તો હાથમાં થાળી લઇને લાઇનમાં …..
ખાતા ખાતા કોઇ નકામી વાત પર આંખમાં પાણી આવી જાય તેટલું બંને હસતા રહ્યા.
લોખંડી પિંજરનું એક પંખી મુકત આકાશમાં પાંખો ફફડાવતાં શીખવા લાગ્યું.
હવે તો સંજુ પાસે પણ સારી એવી મિલ્કત થઇ ગઇ છે. પાથરવા, અને ઓઢવાની એમ બે ચાદર છે. એક જોડી કપડાં પણ આવી ગયા છે. થાળી, વાટકો, ગ્લાસ, દાંતિયો, એક નાનકડો અરીસો.. એક વરસમાં તો કેટકેટલી ચીજોનો તે માલિક થઇ ગયો છે. બધું જાત કમાઇનું. કોઇ દયા ખાઇને કયારેક કશું આપે તો તેના હૈયામાં ઝાળ ઉઠે છે. એક રાતે સૂતો હતો ત્યારે કોઇ દયાળુ તેની ઉપર ધાબળો ઓઢાડીને ચાલ્યું ગયું અને સંજુ ફટકયો…મનોમન કેટલીયે ગાળો આપી તેણે ધાબળાનો ઘા કરી દીધો. બાર બાર વરસ સુધી બીજાની દયા પર જ જીવતો રહ્યો..હવે નહીં…નરેશ તેને ઓળખી ગયો છે. કશી પૂછપરછ કરતો નથી. બંને મિત્રો ઉકરડાં ફંફોસતાં રહે છે. આખા દિવસની રઝળપાટ પછી થાકેલ શરીરને રોજ રાતે સરસ મજાની ઉંઘ આવી જાય છે. ઉંઘમાં કયારેક માને તો કયારેક ભગવાનને ફરિયાદ તો હજુ પણ થતી રહે છે. તો કયારેક આશ્રમની યાદ હજુ પણ થરથરાવી રહે છે.
આજે પણ રોજની માફક જ તે સૂતો હતો. પણ ખબર નહીં કેમ આજે ઉંઘ ન આવી. ફૂટપાથ પર સૂતા સૂતા તારાઓમાં માને શોધવાનો પ્રયત્ન કરી જોયો. જયારથી મા શબ્દનો પરિચય થયો છે ત્યારથી અદીઠ રહેલી માની ઝંખના લઇને સૂતો છે. માને કદી જોવા નથી પામ્યો. કયાંથી ઓળખી શકવાનો છે તે માને ? પોતે તો માને જોઇ છે ફકત કલ્પનાની પાંખે…
માના વિચારોમાં ઘેરાયેલ સંજુની પાંપણો આજે ન બિડાવાની જીદે ચડી હતી. માના વિચારોની વચ્ચે અચાનક વહેલી સવારે તેને રમેશ યાદ આવી ગયો. આશ્રમમાં તે એક જ તો દોસ્તાર હતો. તેણે પણ પોતાની જેમ એકવાર ભાગવાની કોશિષ કરેલી. પણ પકડાઇ ગયો હતો.અને પછી તો ભાઇએ મારી મારીને એના પગ જ ભાંગી નાખ્યા હતા. તે પછી બીજા છોકરાઓ ભાગી જતાં ડરતા હતા. અને છતાં પોતે તો હિંમત કરી જ નાખી ને ?
રમેશ….
એ યાદ સાથે જ તે ઉભો થયો. આસપાસ જોયું. હજુ તો બધા સૂતા હતા. વાતાવરણમાં એક સન્નાટો છવાયેલ હતો. સવાર આળસ મરડીને બેઠી થઇ નહોતી. આ એક વરસમાં કયારેય નહીં ને આજે અચાનક તેના પગ આશ્રમ તરફ વળ્યા. દૂરના ટાવરમાંથી ઘડિયાળના પાંચ ટકોરા સંભળાયા. હજુ અન્ધકારનું સામ્રાજય અકબન્ધ હતું. ડરતો ડરતો..લપાતો છૂપાતો તે આશ્રમ પાસે આવી પહોંચ્યો. એક વરસ પછી તે આશ્રમની ઉંચી દીવાલ જોતો હતો. આવડી ઉંચી દીવાલ તે કૂદી ગયો હતો ? થોડી ક્ષણો દીવાલને તાકતો તે ઉભો રહ્યો. આ દીવાલ તેની અનેક યાતનાઓની મૂક સાક્ષી હતી. પોતે તો છૂટી ગયો. પરંતુ હજુ તેના જેવા અનેક……..
તેની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ કોઇ નવજાત શિશુનું રુદન તેના કાને અથડાયું. તે ચોંકી ઉઠયો. અવાજ કયાંથી આવે છે ? તેની નજર આશ્રમની દીવાલને અડીને પડેલી કચરાની એક ટોપલી પર પડી. અવાજ તેમાંથી જ આવતો હતો. સંજુ દોડયો. ટોપલીમાં જોયું તો અંદર એક નાનકડું બાળક…. તે ધ્રૂજી ઉઠયો. શરીરમાંથી ભયનું એક લખલખુ પસાર થઇ ગયું. હમણાં કોઇનું ધ્યાન જશે…અને આને પણ આશ્રમમાં લઇ જશે..તે પણ હરામની ઔલાદ બનશે..પોતાની જેમ જ..મોટું થશે અને પછી ભાઇજી તેની સાથે પણ….
એક ક્ષણમાં તો બાળકના આખા ભવિષ્યની જન્મકુંડળી તેના મનમાં ચિતરાઇ ગઇ. સંજુના શરીરમાં જાણે માતાજી આવ્યા…
તેના હાથ, પગ ધ્રૂજતા હતાં. નીચા નમી ધીમેથી તેણે શિશુને હાથમાં લીધું.
તેના રુદનનો અવાજ સંજુના આખ્ખાયે અસ્તિત્વને ઝકઝોરી રહ્યો. કાલથી આનું ભવિષ્ય પણ પોતા જેવું જ…..પોતે તો ભાગી શકયો..આ કદાચ ન પણ ભાગી શકે. અને તો ? તેની આંખો સમક્ષ અનેક ભૂતાવળો…. તે હલબલી ઉઠયો..ના…ના…સમગ્ર અસ્તિત્વમાંથી જાણે એક નકાર ઉમટયો… ફરી એકવાર તેની નજર શિશુ પર પડી. અચાનક તેનું ધ્યાન ગયું..ઓહ…આ તો એક છોકરી હતી. સંજુ હવે તો વધારે ધ્રૂજી ઉઠયો. આશ્રમમાં છોકરીની હાલત તો તેણે અનેકવાર નજરે જોઇ હતી. સંજુના મનમાં કરૂણાનો સાગર ઉમટયો. પણ શું કરવું તે સમજાયું નહીં. પોતે આને કયાં લઇ જાય ? કયાં રાખે ? કેમ રાખે ?
તેણે ધીમેથી બાળકને એક ચૂમી ભરી. આંખો છલકી ઉઠી. એક નિસાસો નાખી બાળકને ફરીથી કચરાની ટોપલીમાં મૂકયું. ધીમે પગલે તે આગળ ચાલ્યો. પરંતુ… વધુ ન ચાલી શકયો. દૂર જઇ ન શકયો. મનમાં ચિંતા, દયા, કરૂણા…ડર, આશંકાઓ, અતીતના ભયાનક દ્રશ્યો….
સંજુ આખો થરથરી રહ્યો. ના..ના.. આમ ન જવાય….શિશુને સાવ આમ મૂકીને ન જવાય…બધું જાણવા છતાં ભાઇજીને ભરોસે મૂકીને આમ પોતાથી ચાલ્યું જવાય ? પાપ ન લાગે ? પણ…શું કરી શકે તે ?
અચાનક વીજળીનો એક ચમકાર…. એકદમ ઝડપથી તે પાછો ફર્યો. ફરીથી શિશુને હાથમાં લીધું. તેના હોઠ જોશથી ભીડાયા. નજર આસપાસ ઘૂમી આવી. કોઇ દેખાતું નહોતું. હવે સંજુના હાથ અનાયાસે બાળકના ગળા આસપાસ વીંટળાયા….તે જાણે ભાન ભૂલી ગયો. કોઇ સાનભાન વિના તેના હાથ શિશુના ગળાની આસપાસ વીંટળાયા. જરાક..જરાક જ..જોર… અને શિશુનું રુદન બંધ… બે પળમાં તો બધું શાંત…
સારું કર્યું, ખરાબ કર્યું, સાચું કર્યું, ખોટું કર્યું….? સંજુને કશું જ સમજાયું નહીં. ફકત તેની આંખમાંથી બે બુંદ ટપકી રહ્યા. તેણે ધીમેથી શિશુને ટોપલીમાં મૂકયું.
અનાથાશ્રમની દીવાલ પાસે ઉભેલ એક વૃક્ષે પોતાના બે ચાર પર્ણ શિશુ પર ખેરવ્યા. આસમાનમાંથી ઝાકળના બે બુંદ તેની પર ઝળુંબી રહ્યા.
અને તેર વરસનો સંજુ મુઠ્ઠીઓ વાળી ફરી એકવાર દોડયો…આગળ, પાછળ જોયા સિવાય બસ દોડયો..
( વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ વિજેતા વાર્તા )
બહુ સુંદર વાર્તા છે. નંબર યૌગ્ય અપાયો છે. ધન્યવાદ!
LikeLike
આ વાર્તા ફરીફરીને વાંચવી ગમે તેવી છે..આમ તો તમારી કોઈ પણ કૃતિ ઉતરતી તો હોતી જ નથી અને તેમાંય આને ઉત્કૃષ્ટ કહી શકાય. આની સાથે કંઈ કેટલીય યાદો સમાયેલી છે અને તેય પુનર્જીવિત થાય છે. ધન્યવાદ નિલમ બહેન.
LikeLike
Very Nice.
LikeLike
ખુબજ સુંદર વાર્તા.
LikeLike
well veyr good story ; BUT ; very mcuh confused to rate this story as dedicated to CHILDHOOD ; Motherhood ; n ;or to life which goes to like this 4 ever n ever , my all best wishes 4 suhc great creation ;
LikeLike
Very touchy…….
LikeLike
આહ….ખૂબ હૃદયસ્પર્શી…👍👍👍
LikeLike
અત્યંત સુંદર રીતે આલેખાયેલી વાર્તા. નજર સમક્ષ ચિત્ર ખડુંથઈ ગયું. હ્રદયસ્પર્શી.
LikeLike
ખૂબ હૃદયસ્પર્શી…….બહુ સુંદર વાર્તા છે. નંબર યૌગ્ય અપાયો છે. ધન્યવાદ!
LikeLike