સામૈયુ

વહાલાં નીલમબહેન,

નમસ્તે. તમારાં આ પુસ્તક વિષે કંઈ લખી આપવાનું તમે મને કહ્યું. મેં તરત જ હા પાડી કારણ કે એક તો ભલેને જાણીતો છતાંય સાવ એક આગવો આ વિષય. એ વિષે ‘મારું કાંઈ કહેવું’ એને પ્રતિભાવ પણ કહી શકાય. તમે આ વિષય જ એવો લીધો છે કે એનું સામૈયું કરવાનું કોઈનેય મન થઈ આવે. પારિવારિક ભાવનાને પોષતો વિષય. તેથી સ્તો મને કંઈ કહેવાનું મન થઈ આવ્યું. વળી ઘર અને કુટુંબ એ બેઉ મને અતિ વહાલાં. હું તો સાવ ઘરમ્હોયી. સાસુ-વહુનો સંબંધ એ તો પાયાનો સંબંધ. પહેલાં એનાં રખોપાં થાય તે પછી જ સાહિત્ય કે કલાની, ધંધા કે વહેવારની વાતો થાય. ઉપરાંત સમયની રીતે પણ મારે મેળ બેસતો હતો. ઉનાળે હું કચ્છમાં હોઉં. અહીં મને પ્રમાણમાં ખાસ્સી નવરાશ. છોકરાંવ કેરીગાળે ઊડતાં ઊડતાં બેપાંચ દહાડા રહી જાય, પછી પાછી હું નવરી.
*
તમે મને ‘નેટ’ પર વારાફરતી ફાઈલો મોકલતા ગયાં, હું એ અકેકી ફાઈલને ખોલતી ગઈ. તમે જાણે સામે બેસીને મને હોંશે હોંશે બધું બતાવી રહ્યાં હતાં … “જુઓ, આ અમારી વહુરાણીનો ફોટો, આ અમે લીધેલી એની ચૂંદડી, આ એનો ચૂડલો અને પાછી બહુ ભણેલી છે હોં કે.. સંસ્કારે પણ એવી જ મૂઠી ઊંચેરી. મેં એને આમ કીધું ને તેમ…” વહુરાણીનાં થતી આ વાતોમાં સાસુમાનું આભિજાત્ય જરાય અછતું રહેતું નહોતું.

શરૂઆત જ કેવી પોંખવા જેવી! પુત્રથીયે અદકેરી એ પૂત્રવધૂ. સાસુ થવાને ઉંબરે ઉભેલી એક મા જેનામાં સાસુ નામના પાત્રમાં હોવી ઘટે એ બધી કોઠાસૂઝ છે. આ સાસુ એની વહુને સમજી શકે છે કારણ કે એક દીકરીની મા છે, સાસરે વળાવતી દીકરીની મા છે.
ફફડતાં અને આશંકિત હૈયે સાસુનો પહેલો પત્ર ખોલતી પારેવડાંસમી સૌભાગ્યકાંક્ષિણી એ પૂત્રવધૂ, આબેહૂબ ભાવનાઓ અંહી ઠલવાઈ છે.

એકબીજાને કેવાં કૉલ આપે છે આ સાસુવહુ! આ તો કાનમાં કાન નાંખીને થતું સાસુવહુનું અનેરું સંવનન છે, સાસુવહુ વચ્ચેનું ‘ઇલુ ઇલું’ છે. એકબીજાને ઓળખવાનો એમનો આ ‘ડેટિંગ પીરિઅડ’ છે. વર્ગમાં હાજર થતાં પહેલાંનું આ હોમવર્ક છે, ગૃહકાર્ય છે. પાછો આ વર્ગ ચાર દિવાલની અંદર લેવાનારો નથી, એ તો ખુલ્લાં આકાશ નીચે ખુલ્લાં મને લેવાતો વર્ગ છે. ચારે કોર છે નરી મોકળાશ. આવનારને હાશ ના થાય તો જ નવાઈ. આ નાતો સો ટકા સફળ નીવડવાનો જ. આ સાસુ કે જેનામાં છે વહુની કક્ષાએ પહોંચવાની એક લગની અને વહુને પોતાની કક્ષાએ પહોંચાડવાની એ જ ધગશ, કયા બાત હૈ ! જાણે પાણિયારે મળેલી બે સરખે સરખી સાહેલડી. અમારી નજર ના લાગો આ બેલડીને. લો, આ કાજળટપકું કીધું તમ ગાલે.

જેમ વહુને ફક્ત પતિ સાથે જ ફેરા ફરવાના હોતા નથી, પતિ સાથે સંકળાયેલી કેટકેટલી વ્યકિત સાથે એણે નાતો જોડવાનો હોય છે તેમ અહીં તમે ફક્ત સાસુ-વહુના નાતાને જ પોંખ્યો નથી પણ એની સાથે જોડાયેલા કેટકેટલા નાતાને તમે વધાવ્યા છે. આ નાતાની પાછળ પાછળ દોડ્યે આવતી કેટકેટલી સંભાવનાઓ પ્રત્યે તમે અંગુલિનિર્દેશ કર્યો છે, કેટકેટલી સમસ્યાઓને ઓળખી લીધી છે ને વાતમાં ને વાતમાં એનું નિવારણ બતાવી દીધું છે. વહુને સમજવાના ઝીણાં ઝીણાં મુદ્દા બારીકાઈથી જોયા છે ને પછી નાણ્યા છે. તેથી સ્તો એ માણ્યા જેવા થયા છે. તમે અકેકાં પાસાંને ઉજાગર કર્યા છે. અભિનંદન! તમે એકેય એન્ગલ બાકી રાખ્યો નથી, ઝડપાય એટલા ખૂણેથી તમે વિધવિધ પૉઝ ઝડપી લીધા છે. જાણે નાનપણમાં જોયેલું પેલું અચરજભર્યું દૂરબીન. કાચના ટુકડા તો એના એ જ પણ કલાત્મક રીતે ગોઠવાયેલી ભાત દૂરબીન ફેરવતા બદલાતી જાય. નાજુક સંબંધોની બદલાતી જતી ઝીણી ઝીણી નક્શીવાળું આ તમારું નવલું કૅલિડોસ્કોપ.

દીકરીને તમે સાસરે એમ બીજી વાર જન્માવીને દ્વિજ બનાવી, નવી જ સંકલ્પના. દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રહ્મને જાણનાર. સાચે જ બ્રહમને એક સ્ત્રીથી, એક ગૃહિણીથી વધારે કોણ જાણી શકે. વહુને પત્ની બનતાં જ એક પર અનેક સગપણો ‘ફ્રી’માં મળતાં હોય છે તેથી જ એને કેટકેટલું જ્ઞાન પણ લાધતું હોય છે, બોનસરૂપે.

આપણે ત્યાં રામસીતા કે શંકરપાર્વતીની જ જોડી, મોટેભાગે પતિપત્નીની જ. ઇતિહાસમાં પહેલીવાર તમ થકી સાસુવહુની આ જોડલી પંકાશે. વર્ષો પહેલાં મુ. ગુણવંતભાઈ શાહે એમની એક કોલમમાં મામીનાં ભાણેજિયા પરના હેતની વાત કરેલી, ત્યારથી કેટકેટલી સારી મામીઓએ વધારે સારાં થવાની કોશિશ કર્યાનું મારી જાણમાં છે. આવી તમ બેઉની જોડલીને દેખીને અમ વડીલોને હરખાવાનો એક ઓચ્છવ જ જાણે મળી ગયો.

પુત્રદાન ! એક નવો જ કન્સેપ્ટ, નવો જ શબ્દ. વાહ ! પણ એય કરવા માટે કેવું જબ્બર હૈયું જોઈએ ? અને તો જ કન્યાદાન કરનારા માતપિતાની લાગણી સમજી શકાય.
કહેવાયું છે કે લગ્નજીવનનું પહેલું વરસ એ કાચનું હોય, પતિ કે સાસરિયા બન્ને સાથેના સંબંધોનું. આ સમયગાળાને તમે ગર્ભવાસનું એક નવું નામ આપ્યું, કહેવું પડે!

તમારાં સંતાનો પોતપોતાને ઠેકાણે હોવાથી અને પતિના ફરતા નોકરીધંધાને લીધે તમારે ફાળે આવેલી થોડીઘણી એકલતાને તમે કેટલી સુંદર સર્જનાત્મકતામાં ઢાળી દીધી છે. અમે પોલીસખાતાંવાળા પણ છતે પતિએ સતત એકલતાને વહાલી કરતાં રહ્યાં. નીલમબહેન, તમારો ભુવનેશ્વરનો મુકામ સાર્થક નીવડ્યો. ગુજરાતી સંસ્કૃતિ સાથે તમે ઓરિસ્સાની સંસ્કૃતિની પણ ઓળખાણ કરાવી છે. આ જ તો છે આંતરભારતીની ભાવના. કાર્તિકી પૂર્ણિમાની વાત, બાલીજાત્રાની વાત કે પછી આપણાં સોનબાઈ જેવાં એમનાં ટોપોઈ — બધું મજેનું. કોઈ પણ લેખનમાં સંસ્કૃતિ તો આવવી-છલકાવવી જ જોઈએ જે આવતી કાલ માટેનો એક દસ્તાવેજ બની રહે.

‘દેહલીદીપ’ વાંચીને ફરી આંખો ભીની થઈ આવી.

પૂ. મેઘાણીદાદાનો એમનાં પૂત્રવધૂ નિર્મળાબાને લખાયેલો પત્રાંશ વાંચીને આંખ ને હૈયું ભરાઈ આવ્યાં, આવા સસરા મેળવવા માટે કેટકેટલાં પુણ્યો કરવાં પડે. ધન્ય છે એ વહુરાણી ને ધન્ય છે એ સસરાજી !

વળી વચ્ચે વચ્ચે કોથમીરની જેમ ભભરાવેલાં શબ્દપ્રયોગો કે વાક્યપ્રયોગો તમારી કથનશૈલીને ઓર મલાવે છે. માણસવલ્લા બહુ સરસ શબ્દ.

આ પુસ્તક વાંચતા ઠેરઠેર ‘વાંચે ગુજરાત’ની પ્રતીતિ થઈ. એક વાંચનપ્રિયા સાસુમાને મળવાની મજા આવી.

‘સાસુદિન’ અને ‘વહુ દિન’નો ખ્યાલ મનોરમ્ય અને આવકાર્ય. એવું પણ થઈ શકે ને ? કે દિવાળી એ ફેમિલી-ડે. બેસતા વરસે સાસુ-વહુ-ડે એટલે લક્ષ્મીપૂજન. બન્નેનાં – લક્ષ્મી-મહાલક્ષ્મીનાં – સાસુવહુનાં સન્માન એકસાથે જ થઈ જાય (અને ભાઈબીજની જેમ ‘ભાભીત્રીજ’ ઊજવવાની વાત પહેલાં મેં એક લેખમાં કરેલી જ છે). આમ લાભપાંચમ સુધી સપરિવાર જાતજાતનો લાભ ખાટ્યા જ કરવાનો.

અને છેલ્લે જતાં જતાં મૂળ વાતને તમે એટલી ખૂબીથી, એ નાજુક વાતને એટલી જ હળવેકથી મૂકી છે જે એક સનાતન સત્ય બની રહે છે. એ છે વહુને મળેલી સાસુમાની સીખ – “બેટા, પુરુષના સૂક્ષ્મ અહમ્-ને સાચવી લેવાનો.” બહુ મોટી વાત. રોકડા રૂપિયા જેવી ખણખણતી. આ તો લગ્નજીવનનાં જતન કરવાની ગુરુચાવી. કૌટુંબિક દવાની ગરજ સારતું એક સુંદર પુસ્તક અમને એટલે સમાજને આપવા માટે આપનો ખૂબ આભાર, નીલમબહેન!

મને બરાબર દેખાય છે કે શરૂઆતનું પેલું ફફડતું પારેવડું હવે કેવું મન મૂકીને પાંખો ફફડાવતું મોકળાં આકાશમાં થતું-વિહરતું પોતાને આંગણે આવી રહ્યું છે! એક હરખપદૂડાં અને કોઠાડાહ્યાં સાસુમા એને પોંખવા ઊંચી ડોકે કેવાં થનગની રહ્યાં છે!
*
વહુને સમજવા માટે દરેક સાસુને એક દીકરીની જરૂર છે તેવી જ રીતે સાસુને સમજવા માટે દરેક વહુને એક ભાભીની જરૂર છે. પોતાની ભાભીનાં પોતાની મા સાથેનાં સારાંનરસાં વર્તનને આધારે એ દીકરી પોતાની સાસુને વધુ સારી રીતે સમજી શકે છે. આપણી વહુ પિયરથી હંમેશા હસતી હસતી પાછી ક્યારે આવે ? વહુ સારી મેળવતા પહેલાં વેવાણ સારાં મળવા જરૂરી છે અને એથીય પહેલાં આપણે પોતે પણ એક સારાં વેવાણ બની બતાવવું પણ જરૂરી છે. આ બધી તો અરસપરસ સુઘટ્ટતાથી ગૂંથાયેલી એક ગૂંથણી છે જેમાંથી એકાદો ટાંકો ઉકલી ગયો કે ઢીલો થઇ ગયો તો આખીય ગૂંથણી શિથિલ થઈ જવાની.

હજી દસબાર દિ પહેલાં જ – મારા નાના ભાઈને ત્યાં વહુ આવી. નાનકડી. મીઠડી. “ગાલે ખંજનભરી મલકતી, ચાલે એ મલપતી” (મેં રચેલાં ‘મંગલાષ્ટક’ની એક પંક્તિ ). મારા ભાઈભાભીની દીકરીની ખોટ પૂરી કરવા આવી. ભાભી તો સતત એનો હાથ પકડી જ રાખે, રખેને સાત ખોટની મળેલી આ દીકરી કોઈ ઝૂંટવી લે તો. વસ્તારી કુટુંબમાંથી આવેલી આ દીકરીનાં પગલાં પરથી પહેલે જ દિવસે એની ખાનદાની વર્તાઈ આવી. આવી જ રીતે દોઢેક વરસ પહેલાં અમારે ત્યાં પોતરાવહુ આવી. ખૂબ ભણેલી પણ સાથે એટલું જ ગણેલી પણ. અમારાં દીકરાવહુને આ વહુ બહુ વહાલી અને દીકરાને તો ખાસ, એમનેય દીકરી જે મળી. ત્યારે મારાં વહુએ મને એક મોટી વાત કરેલી કે તાઈ, હું વહુને શાને દૂભવું? તો આપણો દીકરો પણ દૂભાયને? તમારી જેમ જ આ બન્ને સાસુઓ પોતપોતાની વહુઓનાં શી વાતે અછોવાના કરે, જોઈને અમે રાજી થઈએ.

નીલમબહેન, એક ખાસ વાત. અહીં કચ્છમાં મને મળવા આવતી અમારી બાઈ-બહેનોને પણ તમારી ફાઈલ હું વાંચી સંભળાવું. મને થાય કે જે એમનાં મગજમાં ઊતર્યું એ નફામાં. એમને તો ભારે રસ પડ્યો આવી વાતોમાં અને એ જરૂરી જ છે કારણ કે શહેરમાં તો મારાંતમારાં જેવી સાસુઓ જોવા મળી જાય પણ અંહી તો હજીય સાસુ અને વહુ એ બે જુદા જ શબ્દો છે, એ બે ભેગા થઇને એક સમાસ નથી થયો. હજીય આ જુદાગરો અહીં ચોખ્ખો વર્તાય છે. એટલે વાત એમ કે તમારી ચોપડી છપાય એ પહેલાં જ એનું પારાયણ થઈ ગયું.
*
અંતે તમ બેઉ સાસુવહુને ઘણી ખમ્મા. સાથોસાથ અંતરની એ જ શુભેચ્છા કે ‘અખંડ કુટુંબવંતા’ થાઓ!
ભલે તો.
અરુણા જાડેજા/ ખેડોઈ- કચ્છ/ 11 – 6 –11

***

6 thoughts on “સામૈયુ

  1. નીલમબેન, મને પૂસ્તક ક્યારે અને ક્યાંથી મળશે ? અરુણાબેનને વાંચીને તાલાવેલી થઇ ગઇ હવે તો !
    અમુક વ્યક્તિની, જેમ અમુક જાતની શૈલી પણ હૈયે એકદમ વળગી જતી હોય છે..

    Like

  2. અભિનંદન નિલમબેન… આપને આપની નવીન કૃતિ બદલ..આપની લેખિનીમાંથી જ્ઞાનની રસભર સરવાણી વહેતી રહે અને હમેંશા આપના થકી અનેક આત્માઓની પ્યાસ બુઝાવવાની જ્ઞાન પરબ સતત હંમેશ છલકાતી રહે..એજ શુભેચ્છા..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s