કાયર..


ઑફિસમાં કે ઘરમાં રાકેશભાઈ એટલે ભગવાનનો માણસ… મોઢાના સાવ મોળા… ઑફિસમાં પણ રાકેશભાઈની છાપ એવી જ… ચૂપચાપ મૂંગા મૂંગા પોતાનું કામ કર્યે જાય. એમના એ સ્વભાવનો લાભ ઘરમાં પણ પત્ની અને બાળકો લેતા તો પછી ઑફિસમાં તો લોકો લે જ એ સ્વાભાવિક છે ને?

“યાર, મારે આજે જરા ઘરે વહેલું જવું પડે તેમ છે. પ્લીઝ. મારું આટલું કામ કરી નાખીશ? અને ઘરે જવા ઊભા થઈ ગયેલા રાકેશભાઈ પાછા ખુરશીમાં બેસી જાય. ના કેમ પાડવી? એ કદાચ તે શિખ્યા જ નહોતા કે પછી મનોમન હંમેશા ડરતા રહેતાં. ઝઘડાથી… ચર્ચાથી… વિવાદથી… હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા. એ તેમની નીતિ હતી. જેનો ભરપૂર ફાયદો બધા ઉઠાવતા રહેતાં.

ઘરમાં વૃદ્ધ મા હતી. પત્ની હતી. બે બાળકો હતાં. બાળકોને પણ ખબર હતી કે પપ્પાનું કંઈ ચાલવાનું નથી. ઘરમાં મમ્મીનું એક ચક્રી રાજ્ય હતું. રાકેશભાઈનું કામ પહેલી તારીખે ચૂપચાપ પૈસાનું કવર પત્નીના હાથમાં મૂકી દેવાનું. એથી વધારે અપેક્ષા કોઈ તેમની પાસેથી રાખતું પણ નહીં કે રાખી શકતું નહીં. મા ક્યારેક દીકરાને કશુંક કહેવાનો પ્રયત્ન કરતી. પરંતુ રાકેશભાઈ ક્યારેય નિરાંત જીવે માની વાત સાંભળી શકવાનું સાહસ કરી શકતાં નહીં કે ઇચ્છા છતાં મા પાસે અડધો કલાક બેસી શકવાની હિંમત કરી શકતાં નહીં. માને રામભરોસે નહીં પણ પત્ની ભરોસે છોડી દીધી હતી. છોડી દેવી પડી હતી. અને એ ભરોસો ખોટો હતો. એની પણ જાણ હતી જ. અને છતાં લાચાર બનીને આંખ આડા કાન કર્યે જતાં. જેવા નસીબ. સૌ પોતપોતાના નસીબ લઇને જ આવે છે ને? કે પછી કર્મના સિદ્ધાંતને યાદ કરીને મન મનાવતા રહેતા.

પત્ની સુલતાનો સ્વભાવ રાકેશભાઈથી સાવ જ ઊલટો. લડ કે લડનારું દે. દરેક વાતમાં તેની દલીલ હોય જ. પોતાનો કક્કો જ સાચો કરવાની તેની નાનપણની આદત હતી. એમાં નસીબજોગે પતિ પણ સ્વભાવનો રાંક મળ્યો. બસ… પછી તો પૂછવું જ શું? ઘરમાં સત્તાના સૂત્ર હાથમાં લઈ લેતા તેને વાર ન લાગી. બીમાર સાસુનો ખર્ચો તેને વધારે અને નકામો લાગતો. સસરા તો હતાં નહીં. અને પુત્રને ઓળખતા સાસુ પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. વહુને એક કહેવા જાય તો સામે ચાર વાત સાંભળવાની આવતી અને કહે એનાથી ઊલટું જ કરવાની વહુને ચાનક પડતી.

હમણાં હમણાં માને વધારે ઠીક નહોતું. માના ખાંસવાનો અવાજ સાંભળી રાકેશભાઈએ સૂવા જતાં પહેલાં માને હળવેથી પૂછયું.

બા… આજે બહુ ખાંસી આવે છે?

હા બેટા. કંઈ ગળે નથી ઊતરતું. વહુને કહેને મને થોડો શીરો બનાવી આપે. જરા સારું લાગે, હવે કંઈ ચવાતું પણ નથી. મને ખબર નહીં પણ કેમ ઘણાં દિવસથી શીરો ખાવાનું બહુ મન થયું છે.

“હા બા, કાલે જરૂર કહીશ. આજુબાજુ નજર ફેરવી બીતાં બીતાં રાકેશભાઈએ જવાબ આપ્યો. તેમની આંખ ભીની બની ગઈ. મન તો થઈ ગયું કે અત્યારે જ પોતે જાતે જ શીરો બનાવીને માને ખવડાવે પણ…”

ત્યાં પત્ની આવી પહોંચી. શું ગુસપુસ કરો છો. મા સાથે? તમારી માને કંઈ દુઃખ નથી દેતી શું સમજ્યા? મજાનું બેઠે બેઠે ત્રણ ટાઈમ ખાવાનું મળે છે.

ના… તું તો બધું જ કરે છે ને? પણ બાને જરાક શીરો ખાવાનું મન થયું છે. કાલે જરીક અમથો શીરો શેકી દેજે. ને ઘરડાં માણસને મન થાય ને?

ડરતાં ડરતાં પણ આજે ન જાણે કેમ રાકેશભાઈથી બોલાઈ જ ગયું.

શીરો ખાવો છે? તે મને કહેતા જોર પડે છે? અને આ ઉંમરે સૂતાં સૂતાં હવે શીરો થોડો પચવાનો? ડોશીને સ્વાદના ચટાકા છૂટતાં નથી. સાસુ પોતાને ચાર દિવસથી ચપટી શીરા માટે રગતા હતા કે વાત સુલતાથી જાણે ભૂલાઈ જ ગઈ હતી.

હવે શીરો ખાજો. ઉપર જઈને. પત્ની જેમ ફાવે એમ બોલતી ગઈ. ડોશીએ આંખો બંધ કરી દીધી અને રાકેશભાઈ ત્યાંથી ખસી ગયા.

આખી રાત રાકેશભાઈ સપનામાં માને શીરો ખવડાવતા રહ્યા. કાલે ગમે તેમ કરીને માને એકવાર શીરો તો ખવડાવવો જ. માની આટલી ઇચ્છા પણ શું પોતે પૂરી નહીં કરી શકે? પોતે એવા કાયર છે? ના… કાલે સુલતાને જે કહેવું હોય તે ભલે કહે. પણ કાલે તો પોતે માને અચૂક શીરો ખવડાવશે જ. જે થવું હોય તે થાય. બહુ થયું. હવે વધારે નહીં. હવે પોતે કાયરતા છોડશે. પોતે હવે કોઈથી ડરવાના નથી.

મનોમન અનેક ઘોડા ઘડતા રાકેશભાઈ સમણામાં મા સાથે વાત કરતા રહ્યા વિધવા માએ તેને કઈ રીતે તકલીફો સહન કરીને ઉછેર્યો હતો તે બધું યાદ કરતાં રાકેશભાઈની આંખો અર્ધ ઊંઘમાંયે ભીની થતી રહી.

પણ… સવારે ઊઠયા ત્યારે મા શીરો ખાવા ભગવાન પાસે ઉપર પહોંચી ચૂક્યા હતાં.
રાકેશભાઈ પોક મૂકીને રડી પણ ન શક્યા. કાયરની જેમ માની સામે જોઈ રહ્યા. બસ જોઈ રહ્યા.
( સ્ત્રીમાં ચાર વરસથી નિયમિત ચાલતી કોલમ ” જીવનની ખાટી મીઠી ”

7 thoughts on “કાયર..

 1. સરસ માર્મિક વાર્તા નિલમ…મને વાંચવી ખૂબ જ ગમી અને કહેવાનું મનથઈ આવે કે..જીવતા જીવત લાજ મલાજો ન જાળવી શતા હોય અને ઈચ્છાપૂર્તિ માબાપની પુત્ર થઈને ના કરી શકતો હોય્ તો તેને કાયર જ કહેવાયને…કહેવાય છે કે દિ વાળે ઈ દિકરો બાકી બધા છો(છોયેલ)કરા(ભીંત)….ઉષા

  Like

 2. આને કાયરતા અહીં પણ માનસિક રોગ કહેવાય.
  આની ચોક્કસ દવાથી માણસ આત્મવિશ્વાસ અને પ્રતિકાર શક્તિ ખીલવી શકે છે.
  પણ આપણો સમાજ તો નસીબ અને ભગવાનમાં માનનારો સમાજ , કેટલાંય
  ઘરોમાં જાત જાતની નાની મોટી માનસિક બીમારીની આજીવન કોઈ દવા થતી નથી અને એક આખું કુટુંબ લગભગ બીજી પેઢીના હાથમાં સુકાન આવે ત્યાં સુધી જાત ભાતની પરેશાનીઓ વેઠે છે.
  અહીં રાકેશભાઈની નોકરી ચાલુ છે પણ આવા લોકોને ઘણી વાર નોકરી સ્થિર નાં રહે એવું પણ બને ત્યારે એક આખું કુટુંબ ભગવાન ભરોસે જીવે.
  પણ કોઈ સાચો રસ્તો બતાવવા વાળું પણ ભાગ્યે જ આપણા આટલા મોટા સમાજમાંથી જડી શકે.

  Like

 3. જેમ શરીરની દેખીતી જાતજાતની બીમારીમાં માણસ દવા કરે છે અને બધા એમને સજા થવામાં મદદરૂપ થાય છે તેમ માણસના મગજમાં જાતભાતની કેમિકલ ફેરફારથી તકલીફો ઉભી થતી હોય છે.
  આવે વખતે દર્દીને દવા અને સાચી દિશામાં પ્રયત્નો માટે પ્રોત્સાહનની જરૂર હોય છે. પણ થાય છે શું? (આપણા શિક્ષિત સમાજમાં આવા દર્દી વધુ બીમાર થતા જાય અને સમાજમાં થું થું થઇ જાય. )

  Like

 4. અને અહી કોઈને પણ દેખીતી રીતે એવું જ લાગે કે આવી વ્યક્તિની પત્ની બહુ જ જબરી છે
  હશે, આપણે એને ઓળખતા નથી, કદાચ સાચે જ જબરી હોય પણ ખરી,
  પણ ઘણું ખરું એ પોતાના નબળા પતિથી એટલી થાકી ગઈ હોય છે કે એ એની માનસિક વ્યથાનો ગુસ્સો વ્યક્ત કર્યા કરે. જેના સથવારે જીવન શરુ કર્યું છે એ(માનસિક, સામાજિક ક્ષેત્રે) સાથ ના આપી શકે ત્યારે એનું વર્તન પણ વધુ વકરતું જ જવાનું. અને એ પણ સમાજમાં થું થું થવાની.
  બિચારીને ઘણી બીજી તકલીફોનો સામનો કરવો પડતો હોય એનો કોઈને અંદેશો પણ નાં આવી શકે.

  આવા કેસમાં મારો વ્યુ પોઈન્ટ બહુ જુદો છે. કદાચ વધુ વૈજ્ઞાનિક અને જે તે વ્યક્તિની નજીકના માણસો સાથે મને વધુ સહાનુભુતિ રહે છે. એમનો વાંક મને એટલો જ દેખાય છે કે એ લોકો કોઈ સારા મનોચિકિત્સકની સલાહ કેમ નથી લઇ રહ્યાં?

  આ વાતના છાટાં અહી સંતાનોને પણ અડ્યા છે. (એ લોકો પણ હેરાન થતા હશે, ઘણાં એમના પિતાની મશ્કરી એમની સામે કરતા હશે.)
  અને એટલે જ ક્યારેક અજાણ પણે એવું વર્તન વધુ થતું રહે કે જેથી એ માણસ ‘ક્યારેક તો ‘ના’ પાડતા શીખે.

  માફ કરશો પણ શિર્ષકથી લઈને આ આખી વાત ને વધુ યોગ્ય ન્યાય આપી શકાયો હોત, અહિં માત્ર ઉપરછલ્લું એક ઘટનાક્રમને સુંદર શબ્દોમાં ગોઠવી દેવામાં આવ્યો છે.

  Like

 5. પિંગબેક: » કાયર.. » GujaratiLinks.com

 6. હીરલ.. આભાર.. આ પ્રશ્ન..આ મુદ્દાની સુંદર છણાવટ માટે.. તારી વાત સાચી છે.. આજની યુવાપેઢી અને શિક્ષિત વ્યક્તિ આ રીતે જ વિચારે..વિચારવું જોઇએ.. પરંતુ અહીં જે વાત કરાઇ છે..તે મોટાભાગના સામના સામાન્ય જનસમાજની છે. જેને પોતની ભીતરમાં ઝાંકવાની.. સમજવાની કે જાતનું..પોતાની માનસિકતાનું પૃથક્કરણ કરવાની કોઇ દ્રષ્ટિ..કોઇ વિચાર નથી.. અનેક જગ્યાએ દેખા દેતી આ સાવ સામાન્ય વાત તારી જેમ દરેક વાતને આગવી રીતે વિચારનાર યુવાપેઢીને ગળે ન ઉતરી શકે…પરંતુ હીરલ, આ રેતે વિચારી શકનાર વર્ગ કેટલો ?

  વાંચવ આને પ્રતિભાવ આપવા બદલ આભાર.. આવા પ્રશ્નોની આમ આગવી રીતે છણાવટ વધુ ને વધુ લોકો વડે થતી રહે..એ ખૂબ જરૂરી છે. દરેકનું દ્રષ્ટિબિંદુ સ્વાભાવિક રીતે જ અલગ હોવાનું…અને તો ઘણી નવી વાત સામે આવતી રહે..
  આવી જાગૃતિ માટે આભાર અને અભિનંદન..

  Like

  • થેન્ક્સ આંટી કે તમે મારા અભિપ્રાયને હકારાત્મક દ્રષ્ટિએ લીધો, નહિ તો કમેન્ટ આપ્યા પછી લાગ્યું હતું કે કદાચ તમને ના પણ ગમે.
   બાકી જો રાકેશભાઈ ને ખરેખર માનસિક રોગ હોય, તો વૃદ્ધ માતા સહાનુભૂતિના પાત્ર જેટલા દર્શાવ્યા છે તેટલા નથી, માતા તરીકે બાળપણથી જો એમના બાળકમાં પ્રતિકાર શક્તિનો અભાવ છે તો એમણે ડોક્ટરને બતાવવું જોઈતું હતું.
   આ તો ‘પાડાના વાકે પખાલીને ડામ જેવું થયું’.

   જો કે સમય સંજોગો પ્રમાણે લોકો, સમાજ બદલાય તો છે જ. આવી વાતે પણ જાગૃતિ આવશે. ખરું ને?

   તમે મારી ઈ-વિદ્યાલય (www.evidyalay.org) ni મુલાકાત લીધી કે નંઈ?

   Tame majama hasho…aaj kaal niymit vaachi nathi shakaatu.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s