ચપટી ઉજાસ..99

પડી જવાની કેવી મજા..

હમણાંથી માલામાસી રોજ ઘેર આવે છે. પરંતુ પહેલા તો આવતા તો પણ મોટે ભાગે બેસતા નહીં કે બહું વાતો કરતા નહીં. ખાલી મને લેવા માટે જ આવતા. પછી એમની સાથે એમને ઘેર જઇને અમે બંને રમતા. માસી મારી સાથે કેટલી બધી વાતો કરતા.. પણ હમણાં તો માસી આવે છે..તો મારે બદલે દાદીમા કે મમ્મી સાથે જ વધારે વાતો કરે છે.. આ મોટા લોકો આમ બદલાઇ કેમ જતા હશે ? મારી સાથે હવે રમતા નથી. મને એના ખોળામાં બેસવા દેતા નથી. દાદીમા જ માસી પાસેથી મને દૂર ભગાડી મૂકે છે. મને ફૈબાની વાત યાદ આવે છે. કે માસીના પેટમાં નાનકડો ભાઇ છે.

હું માસીના પેટ સામે જોતી રહું છું. પણ કંઇ સમજાતું નથી. અને ભાઇ પેટમાં હોય તો બહાર કેમ નથી આવતો ? મારો ભાઇ કંઇ કોઇના પેટમાં નહોતો..એ તો મમ્મી હોસ્પીટલમાંથી લાવી હતી. માસી પણ હોસ્પીટલમાંથી લાવતા હોય તો ? માસીને ખબર જ નહીં હોય કે ભાઇ ત્યાંથી પણ મળે છે. મમ્મીએ એને કહ્યું જ નહીં હોય.

આજે અમારી સ્કૂલમાં ભણવાની રજા હતી.પરંતુ અમારે બધાએ રમવાનું હતું. ટીચરે કહયું હતું કે જે જીતશે એને ઇનામ મળશે.. પણ જીતવું એટલે શું ? શું કરીએ તો જિતાય ?

બધાએ જુદી જુદી રમત રમવાની હતી. અમારા કલાસના બધાએ મોઢામાં ચમચી રાખીને એમાં લીંબુ રાખવાનું હતું ને પછી દોડવાનું હતું. પણ ચમચી કે લીંબુને હાથેથી પકડવાનું નહીં..એમ ટીચરે કહ્યું હતું. હું માનસી, મીલી, નીવા, જિયા, આન્યા બધી છોકરીઓ અને પાર્થ, કરણ, કુણાલ, ચિરાગ, કુશ, બધા છોકરાઓએ દોડવાનું હતું.
ટીચરે અમારા બધાના મોઢામાં ચમચી મૂકી..એમાં લીંબુ મૂકયું. અને વ્હીસલ વાગે ત્યારે જ દોડીને સામે અમારા બીજા ટીચર ઉભા હતા તેની પાસે જવાનું કહ્યું. આમ તો મને મજા આવતી હતી. પણ લીંબુ પડી જશે એવી બીક લાગતી હતી. મેં હાથેથી લીંબુ પકડી રાખ્યું.. ટીચરે તે જોયું..અને કહ્યું,

’ જૂઇ, કોઇએ લીંબુ કે ચમચી પકડવાના નથી. ચાલો, બધા પોતાના હાથ પાછળ રાખી દો..’ લીંબુ પડી જાય તો પણ પકડવાનું કેમ નહીં ? આવી રમત કેમ હશે ?

અમે બધાએ હાથ પાછળ રાખી દીધા. ત્યાં વ્હીસલ વાગી.. અમે બધા દોડયા. મારું ધ્યાન લીંબુમાં જ હતું. હું દોડી. ને બીજા ટીચર પાસે પહોંચી. બધા ધીમે ધીમે પહોંચ્યા હતા. મીલી તો સૌથે છેલ્લે હજુ પણ ધીમે ધીમે આવતી હતી. ટીચરે કંઇ ચાલવાનું નહોતું કહ્યું ..દોડવાનું કહ્યું હતું. અમે બીજા બધા કેવા દોડયા હતા.

પછી મને ખબર પડી કે જિયા સૌથી ફર્સ્ટ આવી હતી. કુણાલ બીજો નંબર ને મારો ત્રીજો નંબર આવ્યો હતો. અમને ત્રણેને એક ટેબલ પર ઉભા રાખ્યા..અમારા ફોટા પણ પાડયા. ને પછી અમને ઇનામ આપશે એમ પણ કહ્યું. મને બહું મજા આવી.

જય ભાઇ અને બીજા છોકરાઓને એક લાઇનમાં ઉભા રાખ્યા.. બધા છોકરાઓને પ્લેટમાં ચાર બિસ્કીટ આપ્યા. એ બિસ્કીટ ખાઇને સામે દોડવાનું હતું. પરંતુ બિસ્કીટ ખવાઇ જાય પછી જ દોડવાનું હતું. વ્હીસલ વાગે પછી જ બિસ્કીટ ખાવાનું ચાલુ કરવાનું હતું. પણ જયભાઇએ તો વ્હીસલ વાગતા પહેલા જ બિસ્કીટ ખાવાનું ચાલુ કરી દીધું. ટીચર જયને ખીજાયા…
પછી વ્હીસલ વાગી એટલે બધા છોકરાઓ બિસ્કીટ ખાતા હતા. હું જયની બાજુમાં ઉભીને જોતી હતી. જયે તો એકીસાથે બધા બિસ્કીટ મોઢામાં મૂકી દીધા.. ડૂચો મારીને દોડવા લાગ્યો. ટીચરે તેને પકડીને ઉભો રાખ્યો

‘ નો… જય, પહેલા બિસ્કીટ ચાવીને ફીનીશ કરવાના..પછી જ દોડવાનું. પણ જયને કોઇનું માનવું ગમતું જ નથી. એ તો થોડું ચાવીને ફરીથી દોડયો..અને ટીચર રોકે તે પહેલાં તો ફાસ્ટ દોડી ગયો. જય સૌથી પહેલા સામે પહોંચી ગયો હતો. પણ ટીચરે કહ્યું કે
ના..જય પૂરું ચાવ્યા સિવાય જ દોડયો હતો.. એટલે એ ન ચાલે. જોકે જય તો સામે પહોંચીને હસતો હતો. એ બીજા છોકરા સાથે પેલા ટેબલ પર ચડવા જતો હતો પણ ટીચરે એને ઉતારી લીધો. એનો ફોટો પણ ન પાડયો. મને મજા ન આવી. પણ હું શું કરું ?
પછી એવી બીજી ઘણી રમત હતી.. પણ હવે મારે રમવાનું નહોતું. અમારો ટર્ન પૂરો થઇ ગયો એમ ટીચરે કહ્યું . અમારે ખાલી બેસીને જોવાનું હતું. બીજા છોકરાઓ રમતા હતા.. હવે બધા છોકરાઓના પગમાં કોથળા પહેરાવ્યા હતા.અને બધાએ એ પકડીને દોડવાનું હતું. મને જોવાની બહું મજા આવી. જય પણ જોતો જોતો તાળી પાડતો હતો. બે છોકરાઓ તો ચાલવા ગયા તો પડી ગયા.હું, અને જય ખડખડાટ હસી પડયા.

ફૈબાએ મને ઘેર શીખડાવેલું એક ગીત યાદ આવી ગયું. હું એ ગીત ગાવા લાગી.
રમતા રમતા પડી જવાની કેવી મજા..ભાઇ પડી જવાની કેવી મજા..!

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

5 thoughts on “ચપટી ઉજાસ..99

  1. Neelamben, your writing is excellent but thoguht to suggest one correction that I have noticed in few of your writings.

    You write “શીખડાવવું”
    but I think correct word is “શીખવાડવું”. Please excuse me if you don’t agree. It’s just the way I believe.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.