ચપટી ઉજાસ..98

સાત ખોટનો…

હમણાં તો ઘરમાં બધા બહું ખુશ છે. દાદીમા પણ જાણે આખા બદલાઇ ગયા છે. હમણાં તો મને પણ બહું ખીજાતા નથી. કયારેક કંઇક કહે છે તો પણ હસીને કહે છે. એટલે મને ખરાબ નથી લાગતું. હમણાં તો રોજ કાકા અને કાકી સાથે બધા વાતો કરે છે. કાકા ઉમંગી ફૈબાને લેપટોપ આપી ગયા છે..એને લેપટોપ કહેવાય એમ ફૈબા સિવાય મને બીજું કોણ કહે ?

પણ આ લેપટોપ તો એવું જાદુઇ છે એમાં કાકા, કાકી બધા દેખાય છે..અને બધાનો અવાજ પણ સંભળાય છે. એ ખબર તો મને હમણાં જ પડી. ફૈબા મને અને દાદીમાને લેપટોપમાં કાકી બતાવે છે. દાદીમા કહે છે..

આ તો ભાઇ બહું સરસ..કુંજ આ સરસ લાવ્યો છે. એ દેશમાં આવું બધું બહું મળે કાં ?
ફૈબા, મમ્મી, પપ્પા બધા હસી પડે છે.

મમ્મી, અહીં પણ એ બધું જ મળે છે. હવે આપણા દેશમાં શું નથી મળતું એ જ સવાલ છે. મમ્મી, મેરા ભારત મહાન હોં.. માટે એવી વાત નહીં કરવાની.. ‘

મને આ લેપટોપ બહું ગમી ગયું. કાકાનો અવાજ પણ સંભળાય છે. હવે મારે કોઇના હાથમાંથી ફોન લેવાની જરૂર નથી પડતી.બધાની સાથે જ મને પણ કાકાનો અવાજ સંભળાય છે, કાકા દેખાય છે. પણ હમણાં દાદીમા કાકાને બદલે કાકી સાથે વધારે વાતો કરે છે. એમ કેમ ?

આ લેપટોપ મને જાદુ જેવું લાગે છે. ઉમંગી ફૈબા નવરા હોય ત્યારે મને એમાં કેવા સરસ સરસ ચિત્રો બતાવે છે. એમાં એ.બી.સી.ડી . ને વન ટુ..થ્રી બધું લખાય છે એ પણ ફૈબાએ મને બતાવ્યું. પણ ફૈબા મને હાથમાં દેતા નથી. જૂઇ, થોડી મોટી થા..એટલે તારે આ બધું શીખવાનું જ છે. તમારે તો એના વિના ચાલવાનું જ નથી.

મમ્મીને પણ ફૈબા એમાથી કશુંક શીખડાવે છે. મમ્મીને પણ શીખવું બહું ગમે છે એમ મને લાગે છે. કેમકે પહેલાં તો રોજ બપોરે મમ્મી સૂઇ જતી હવે તો રોજ બપોરે લેપટોપ લઇને બેસી જાય છે..એમાં કંઇક કરતી રહે છે. ન આવડે ત્યારે ફૈબાને પૂછતી રહે છે. મારા ફૈબા કેટલા હોંશિયાર છે..એને તો બધું આવડે. દાદીમા કહે છે..

આ તારું રમકડું મને બહું ગમી ગયું. એમાં મારો દીકરો ને વહુ દેખાય છે. રોજ વાત થાય છે. જયને તો એમાં બધી ચાંપો દબાવવી બહું ગમે છે. પણ એને કોઇ અડવા નથી દેતું.એ બધું બગાડી નાખે છે.

જય પણ હવે તો સ્કૂલે જાય છે. અમે બંને સાથે જઇએ છીએ. પણ સ્કૂલમાં બધા કહે છે કે જય બહું તોફાની છે. જૂઇ કેવી ડાહી હતી. એનો ભાઇ તોફાની છે. જય રોજ કોઇને ને કોઇને મારે છે. તો કયારેક કોઇનો નાસ્તો ખાઇ જાય છે. ઘરમાં મારી વસ્તુઓ લઇ લેતો હતો. હવે સ્કૂલમાં બીજાની વસ્તુઓ લઇ લે છે.. અહીં કંઇ દાદીમા થોડા છે કે બધું જયનું ચાલે. જય મને હેરાન કરે તો પણ દાદીમાને તો હમેશા હું જ તોફાની લાગું છું ને ?

જય તો દાદીમાનો પૂરો ચમચો. મમ્મી કોઇ વાતની ના પાડે એટલે તે સીધો દાદીમા પાસે પહોંચી જાય ..તેને હવે ખબર પડી ગઇ છે કે દાદીમા તે કહેશે કે જે માગશે એ તેને આપવાના જ. દાદીમાને જય બહું વહાલો છે. મમ્મી કે પપ્પા જયને ખીજાય તો દાદીમા એને પણ ખીજાય છે.

પપ્પ્પા કયારેક દાદીમાને કહેતા હોય છે, ’ મમ્મી, એની સાચી ખોટી બધી વાતમાં હા એ હા ન કર..મોટો થઇને બગડી જશે.. દાદીમા ગુસ્સે થાય છે ને કહે છે..

‘ તારી યે હા એ હા કરી હતી..તું તો ન બગડયો ..ને જય બગડી જશે ? જોયો મોટો બગડવાવાળો.. મારે જેમ કરવું હશે એમ જ કરીશ શું સમજયો ? જય તો મારો સાત ખોટનો છે. ‘ તમે બધા જયની પાછળ પડયા છો ..આવડા અમથા છોકરાનું જરાક વધારે રાખું એ યે તમારી નજરે ચડી જાય .. પણ મને કોઇએ જયની બાબતમાં કંઇ કહેવું નહીં.

પપ્પા ચૂપ બની જાય છે. મમ્મી તો આમ પણ દાદીમા પાસે મોટે ભાગે ચૂપ જ હોય છે ને ? દાદીમા આગળ કોઇ સૌથી વધારે બોલતું હોય તો એ ફૈબા એક જ .. એ તો દાદીમાને પણ ખીજાઇ શકે છે.

પણ સ્કૂલમાં તો ટીચર જયને ખીજાય છે. જોકે મારા ભાઇને કોઇ ખીજાય એ મને તો ન જ ગમે ને ? મારો ભાઇલો મને બહું વહાલો છે. મારો પૂરો કોપી કેટ.. પણ એ હજુ નાનો છે એને ખબર નથી કે સ્કૂલમાં તોફાન ન કરાય . મારી જેમ મોટો થશે એટલે એને પણ ખબર પડી જ જવાની ને ?

( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ..98

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s