મારે રાહ જોવાનીને ?
હવે તો માલામાસી રોજ દાદીમા પાસે આવે છે. અને કેવી કેવી વાતો કરતા હોય છે. સાવ ન સમજાય તેવી.
આજે હું ફરીથી માસીના ખોળમાં ચડવા જતી હતી. મને એમ કે હવે માસીના પેટમાં મટી ગયું હશે. ત્યાં ઉમંગી ફૈબાએ મને કહ્યું,
‘ જૂઇ, માલામાસીના ખોળામાં હવે નહીં ચડવાનું હોં. તને ખબર છે ? માસીના પેટમાં જય જેવો નાનકડો ભાઇ કે પછી તારા જેવી રૂપકડી બેન છે. તું જો માસીના ખોળામાં ચડે ને તો એને લાગી જાય.. શું સમજી ? તારે તો એનું ધ્યાન રાખવાનું છે. રાખીશ ને ? ‘ ‘
હું કંઇ સમજી તો નહીં..પણ ફૈબાની વાત તો મારે માનવાની જ હતી. પણ ભાઇ કંઇ પેટમાં હોય ? આટલા વખતથી તો નહોતો.. અચાનક કયાંથી આવી ગયો ? ભગવાન મૂકી ગયા..એમ મમ્મી કહે છે..પણ ભગવાન પેટમાં ભાઇ કેમ મૂકી જાય ? અને માસીના પેટમાં જ કેમ મૂકી ગયા ? મારા , ફૈબાના કે મમ્મીના કોઇના પેટમાં કેમ નહીં ? અને પાછું ભગવાન ભાઇ મૂકી ગયા છે કે બહેન એ પણ કોઇને ખબર નથી. મને કંઇ સમજાયું તો નહીં..પણ મમ્મીએ કહ્યું કે તારે એ સમજવાની જરૂર નથી. મોટી થઇશ એટલે સમજાઇ જશે.
દાદીમા કહે જૂઇ તો પૂછી પૂછીને ગંધ કાઢી નાખે તેવી છે.
ફૈબા કહે, મારી જૂઇ બહું સ્માર્ટ છે. બાળક પ્રશ્નો તો પૂછે જ ને ? હવે એ મોટી થઇ છે.
મોટી તો હું હવે થઇ ગઇ છું.. પણ આ લોકો મને કયારેક મોટી ને કયારેક નાની કહેતા હોય છે. હું નાની છું કે મોટી ?
હવે તો હું ને જયભાઇ બંને ઘણીવાર માસીને ઘેર જઇએ છીએ.. પહેલાં તો દાદીમા કયારેય જય ને માસીને ઘેર નહોતા આવવા દેતા..પણ હવે ના નથી પાડતા..કેમ ? પણ મારા પ્રશ્નોના જવાબ મને કયાં કદી મળ્યા છે ?
આજે કુંજકાકાનો ફોન આવ્યો હતો. તેમણે ફોનમાં દાદીમાને કશુંક કહ્યું.
દાદીમા તો ખુશખુશાલ.. તેણે તો સીધી મમ્મીને અને ફૈબાને બૂમ પાડી..
ઉમંગી, નિશા.. આ કુંજ શું કહે છે ? અરે, કુંજ બાપ બનવાનો છે બાપ… નિશા, આજે લાપસી બનાવજે હોં..
પછી તો મમ્મીએ , ફૈબાએ કાકા સાથે કેટલી બધી વાત કરી. મેં બધાના હાથમાંથી ફોન લેવાનો બહું પ્રયત્ન કર્યો..મારે પણ મારા કાકા સાથે વાત કરવી હતી..પણ આજે મને કોઇએ દાદ ન દીધી. ફૈબાએ પણ નહીં..મને ખરાબ લાગી ગયું..હું રિસાઇને એક ખૂણામાં બેસી ગઇ.. પણ કોઇનું ધ્યાન આજે મારી સામે નહોતું.
કાકાએ એવી તે શી વાત કરી હશે ? બધા આટલા ખુશ કેમ દેખાય છે ? દાદીમા તો ફોન મૂકીને સીધા ભગવાન પાસે ગયા.
તે દિવસે પપ્પા આવ્યા ત્યારે દાદીમાએ તેમને પણ કશુંક કહ્યું.. પપ્પા પણ બહું ખુશ થયા. લાવ, હું કુંજ્ને ફોન કરું..ને અભિનંદન આપું.
અરે, સમીરભાઇ, અત્યારે તો હજુ ત્યાં રાત હશે.. સવાર થવા દો…
ઓહ..હા..સવાર સુધી તો રાહ જોવી જ રહી.
હું રિસાઇને ખૂણામાં બેઠી બેઠી બધું સાંભળતી હતી. પણ આજે ન હું ઉભી થઇ..ને કોઇએ મને ઉભી કરવાની તકલીફ લીધી. મને તો કુંજ્કાકા ઉપર પણ ગુસ્સો આવ્યો હતો. દર વખતે તો કાકા મારી સાથે વાત કરે જ..પણ આજે તો તેમણે પણ મારી સાથે વાત ન કરી.
દાદીમા કહે, હમણાં તો બધાના સારા સમાચાર જ મળે છે.. હમણાં થોડા દિવસ પહેલા જ માલાના સારા સમાચાર આવ્યા. ભગવાને આટલા વરસો બાદ તેની સામે જોયું. અને હવે આપણા કુંજ … અરે, મને તો હજુ માન્યામાં નથી આવતું કે કુંજ આવડો મોટો થઇ ગયો છે. કે એ બાપ બનવાનો છે ? અરે, જેનાને કંઇ ખબર નહીં પડે.. એનું ધ્યાન ત્યાં કોણ રાખશે ? ‘ ’ મમ્મી, તું નકામી ચિંતા કરે છે.. ત્યાં અમેરિકામાં ડોકટરો બધાની બહું સંભાળ રાખતા હોય છે. એની ચિંતા ન કર.. બધું બરાબર થઇ જશે.
તો યે દાદીમા તો ન જાણે કેવું કેવું ને કેટલું બધું બોલતા રહ્યા.
કાકા બાપ બનવાના છે ? એટલે ?
મારે ઉભા થઇને ફૈબાને પૂછવું હતું..પરંતુ હું તો બધાથી રિસાઇ હતી હવે કોઇ બોલાવે નહીં ત્યાં સુધી જાતે કેમ ઉભા થવાય ? પણ આજે કોઇને મને બોલાવવનો સમય નહોતો કે કોઇનું ધ્યાન મારા તરફ નહોતું ?
મારા તરફ બધાનું ધ્યાન જાય ત્યાં સુધી મારે રાહ જ જોવાની ને ? કયારે જશે મારી તરફ બધાનું ધ્યાન ? કયારેક જશે તો ખરું ને ?
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )
મારા તરફ બધાનું ધ્યાન જાય ત્યાં સુધી મારે રાહ જ જોવાની ને ? કયારે જશે મારી તરફ બધાનું ધ્યાન ? કયારેક જશે તો ખરું ને ?
—- પોતાની તરફ ધ્યાન ન જતા જૂઈના મનમાં ઉઠતા અદ્ભુત સવાલો.
LikeLike
Neelamben
મારે રાહ જોવાનીને ? …હું કંઇ સમજી તો નહીં..પણ ફૈબાની વાત ..કાકા બાપ બનવાના છે ? એટલે ?…..like this so many question raise in time of our childhood..sunder ane saral rajuaat
LikeLike