ચપટી ઉજાસ..96

દાદીમા કેમ બદલાયા ?

હવે હું પૂરા ચાર વરસની થઇ ગઇ છું. અને મને એ. બી. સી. ડી. લખતા પણ આવડી ગયું છે. વન ટુ ટેન લખતા પણ હું શીખી ગઇ છું. શરૂઆતમાં તો મને લખવાની બહું મજા નહોતી આવતી. પરંતુ હવે ગમે છે.

આજે હું સ્કૂલેથી આવી ત્યારે માલામાસી ઘરમાં હતા. આજે માસી બહું ખુશ લાગતા હતા. આજે તો માસી દાદીમા સાથે પણ વાતો કરતા હતા. મને એની બહું નવાઇ લાગી. કેમકે માલામાસી મોટે ભાગે મમ્મી, કે ફૈબા સાથે જ વાત કરતા હોય છે. દાદીમાને માલામાસી બહું ગમતા નહોતા એની મને ખબર હતી. પરંતુ આજે તો માસી મમ્મી કરતાં દાદીમા સાથે જ વધારે વાત કરતા હતા. મમ્મી બાજુમાં બેસીને સાંભળતી હતી અને ખુશ થતી હતી એવું મને લાગ્યું.

દાદીમા કહે,

‘ જો ભગવાને આટલા વરસે સારા દિવસો દેખાડયા છે. તો તબિયત બરાબર સાચવજે. બહારનું કશું આડું અવળું ખાતી નહીં..શું સમજી ?

‘ હા ..બા… હવે તો તમને પૂછીને જ પાણી પીવાની. તમારા જેવા વડીલ બાજુમાં છે. એટલે મને શાંતિ છે. બાકી મારે તો પિયર કે સાસરામાં કોઇ મોટું નથી. મને તો ડર લાગે છે. બધું સમુંસૂતરું પાર ઉતરશે ને ? ‘

બોલતા બોલતા માસીનો અવાજ રડવા જેવો કેમ થઇ ગયો ? અને માસી આ બધું શું બોલતા હતા ? મને તો કંઇ સમજાયું નહીં.

દાદીમા આજે માસી ઉપર બહું ખુશ હતા કે શું ? દાદીમા બદલાયા હતા કે શું ?

બેટા, તું જરાયે ચિંતા ન કરીશ. ભગવાન સૌ સારા વાના કરશે. હું તારી મા જેવી જ છું એમ જ સમજજે..જરાયે ચિંતા ન કરીશ. આનંદમાં રહેજે. હું યે મારા ઠાકોરજીને પ્રાર્થના કરીશ. અરે, નિશા, માલાને મોઢું તો મીઠું કરાવ. આવા સારા સમાચાર આજે મળ્યા છે.
બા. મીઠું મોઢું તો મારે તમારા બધાનું કરાવવાનું છે. પણ “ એ” કહે છે કે ત્રણ મહિના પૂરા થઇ જાય પછી જ. ડોકટરે ધ્યાન રાખવાનું કહ્યું છે.

‘ હા..બેટા, સાચી વાત છે. ‘

મને કંઇ સમજાતું નહોતું એટલે મજા ન આવી. હું તો દર વખતની જેમ દોડીને મારા વહાલા માસીના ખૉળામાં ચડી. ત્યાં તો દાદીમા ખીજાયા..

અરે, એ ય છોકરી, નીચે ઉતર..નીચે ..માલા, એને નીચે ઉતાર. હવે તારે ધ્યાન રાખવાનું છે.

મારા આશ્રવર્ય વચ્ચે માસીને મને નીચે ઉતારી દીધી. નહીંતર માસી કયારેય આવું કરતા નહોતા.

‘ જૂઇ, બેટા, આજે મને થોડું પેટમાં દુખે છે ને એટલે હોં.. તું તોમારી ડાહી દીકરી છો ને
?

‘ ઓહ..તો માસીને મજા નહોતી.. પેટમાં દુખતું હતું એટલે મને ખોળામાંથી ઉતારી દીધી. હવે મને સમજાયું.

બા, જૂઇને થોડીવાર લઇ જાઉં મારે ઘેર ? ‘ ના.ના..એ પાછી તારા ખોળામાં ચડી બેસવાની.. કયાંક આડું અવળું લગાડી દેશે તો ઉપાધિ..હવે તો તારે આ બધા મહિના બરાબર સાચવી લેવાના છે.

‘ ના..બા હું બરાબર ધ્યાન રાખીશ. જૂઇ આવે છે તો મને બહું સારું લાગે છે.. મારો જીવ બહું આનંદમાં રહે છે.

સારું સારું હવે તને ના કયાં પાડવી ? પણ ધ્યાન રાખજે.. અમે મોટાઓ તો કહી દઇએ.. પછી માનવું ન માનવું એ તમારા મનની વાત ..વધારે તો શું કરીએ અમે ? ’

ના..બા.. હું તમે કહેશો એમ જ કરીશ. તમે મારા સારા માટે જ કહો છો ને ? બા..આશીર્વાદ આપો..’

કહેતા માલામાસી તો દાદીમાને પગે લાગ્યા. દાદીમાએ તેને માથે હાથ મૂકીને કશુંક કહ્યું.. જે મને બરાબર સંભળાયું નહીં.

સામાન્ય રીતે દર વખતે માસી મને તેડી જ લેતા હોય છે. પરંતુ આજે માસીએ મને તેડવાને બદલે મારો હાથ પકડયો. હું પણ ડાહી બનીને માસીની સાથે ચાલવા લાગી. આજે માસીને બિચારાને પેટમાં દુખતું હતું ને ? મને કેમ તેડી શકે ? એટલી સમજ તો હવે મને પડે છે હોં.. હવે તો હું મોટી થઇ ગઇ છું ને ?

હું માસીને ઘેર આવી. માસી આજે બહું ખુશ દેખાતા હતા. આજે મને લઇને સીધા ઘરમાં રાખેલા મંદિર પાસે ગયા. ભગવાનને પગે લાગ્યા. પછી મારી સામે બે આંગળી ધરી.

જૂઇ, આમાંથી ગમે તે એક આંગળી પકડ તો…

‘ મને કંઇ સમજાયું નહીં.. માસીની આંગળી કેમ પકડવાની ? અને તે પણ એક જ ?

માસીએ ફરીથી કહ્યું. પણ મેં તો બેઉ આંગળી પકડી લીધી. માસી કહે, જૂઇ, એક પકડવાની.

પણ ખબર નહીં આજે કેમ મને માસીનું માનવાનું મન ન થયું ? મેં તો ધરાર બે આંગળી જ પકડી.

માસી હસી પડયા.. ‘ ’ લુચ્ચી, પોતે ખોટી પડે જ નહીં.. માટે બંને આંગળી પકડે છે નહીં ?

આજે તો મને માસીની વાત પણ ન સમજાઇ.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ..96

  1. બાળકોની દુનિયા ગજબની દુનિયા…અંદરની દુનિયા પાવન વિચારોની દુનિયા….નાદાનિયત માસૂમિયતની દુનિયા….સુંદર આકલન કર્યું છે કે વાંચીને પોતાનુંય બાળપણ યાદ આવી ગયું..ધન્યવાદ નિલમબહેન..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s