થોડૂં મલકીએ…થોડૂં છલકીએ..

“ થોડું મલકીએ…. થોડું છલકીએ…”

પાત્રો….

1..આશાબેન…પચ્ચીસેક વરસની ઉમર..ઉત્સાહી, મહત્વાકાન્ક્ષી સ્ત્રી

2….અવિનાશભાઇ..આશાબેનના પતિ…એનાથી બે વરસ મોટા

3…શિવાનીબેન….. આશાબેનની બહેનપણી

4…રેવાબા………….આશાબેનના સાસુજી..પ્રૌઢાવસ્થા

5….રિમઝિમ……….આશાબેનની પુત્રી ઉમર દસેક વરસ

6….ઉમંગ…………..આશાબેનનો પુત્ર ઉમર શરૂઆતમાં આઠેક વરસ..( પાછળથી યુવાન )

7….જૂઇ……………..ઉમંગની પત્ની…

8…..મેઘલ, અદિતિ, શગુન, માહી, સુહાના…વગેરે આશાબેનની બહેનપણીઓ…

સ્થળ…….આશાબેનનું ઘર..અપર મીડલ કલાસનું હોય તેવું…

સમય……સવારના દસેક વાગ્યાની આસપાસનો…

આશાબેન..

( પડદો ખૂલે છે ત્યારે આશાબેન આનંદથી..ખુશખુશાલ ચહેરે આંટા મારે છે..હાથમાં કોઇ મેગેઝિન છે. વારે વારે મેગેઝિનના પાના ઉથલાવ્યા કરે છે. રાજી રાજી થયા કરે છે. )

વાહ..વાહ..આજે તો આ આશાબેનનો શું માભો..! આજે તો આપણૉ વટ પડી ગયો વટ..અરે, બધાને ખબર પડશે ને ત્યારે બધાની આંખો ચાર થઇ જશે..ચાર…આ આશાબેનને સમજો છો શું ? અને , પેલી ચિબાવલી મીતાલીને ખબર પડશે ને તો એ તો બળી બળીને અડધી થઇ જવાની..અડધી…બિચારી..! મને તો અત્યારથી એની દયા આવે છે. બધાના ચહેરા કેવા જોવા જેવા થઇ જશે…! હવે હું છું..કવિયત્રી આશાબેન ઉજાસિયા..એક હોનહાર..આશાસ્પદ કવિયત્રી..સાહિત્ય જગત અને કવિતા જગતમાં ભવિષ્યમાં ખલબલી મચાવી દેનાર અત્યંત પ્રતિભાશાળી કવિયત્રી…
આજના શુભ દિવસે, મંગલ ઘડીએ, અમૃત ચોઘડિયે… મારી કવિતા છપાવાની ભવ્ય શરૂઆત થઇ ચૂકી છે. અને હવે વણથંભી ગતિથી મારી આ સાહિત્યયાત્રા..કવિતાયાત્રા ચાલુ રહેશે..કોઇ નહીં રોકી શકે…કોઇ નહીં ટોકી શકે મારી આ દેદીપ્યમાન ઝળહળ પ્રતિભાને…( પ્રેક્ષકો સામે જોઇને ) તમે લોકો પણ મારી કવિતાથી અત્યંત પ્રભાવિત થશો જ..એની મને ખાત્રી છે. થોડી ધીરજ ધરો..આમ પણ ધીરજના ફળ મીઠા હોય છે.. એવું આપણા વડવાઓ કહી ગયા છે. આપણા અર્થાત તમારા ને અમારા સહિયારા વડવાઓ…

હું થોડી જ ક્ષણોમાં મારી કવિતા સંભળાવવાનો અમૂલ્ય લહાવો આપ સૌને અવશ્ય આપીશ..પણ સૌ પ્રથમ જેમની કૃપાથી આ ચમત્કાર થયો છે..એ ગણપતિબાપાને અને મા સરસ્વતીને વંદન કરી લઉં..પરથમ સમરીએ ગણપતિબાપાને… સરસ્વતી માતાને… ( ગણપતિ અને સરસ્વતી માતાના ફોટાને વંદન કરે છે.એકાદ શ્લોક ગણગણે છે. ) હે ગણપતિબાપા..તમને પાંચ દીવા કરીશ.અને સાથે ચોખ્ખા ઘીથી લસલસતા પાંચ લાડું પણ ધરાવીશ. બસ,મારી આ સાહિત્યયાત્રામાં કોઇ વિઘ્ન આવવા ન દેશો..અને મા..સરસ્વતી, તારી કૃપા વડે મારા શબ્દો કવિતા રૂપે અવિરત વહેતા રાખજે..સાહિત્યજગતને એક અદભૂત કવિયત્રીથી વંચિત ન રાખીશ મા.. ન રાખીશ… બાપા, આજે જ તમને પાંચ લાડુ ધરાવું છું..એ પણ જાતે..મારા સ્વહસ્તે બનાવીને….( ત્યાં અંદરથી અવિનાશભાઇ આવે છે. પત્નીના છેલ્લા શબ્દો સાંભળે છે. )

અવિનાશભાઇ…

લાડુ જરૂર બનાવજે..પાંચ નહીં..પંદર ભલે બનાવે..પણ લાડુમાં પાચનચૂર્ણ નાખતા ભૂલતી નહીં…

આશાબેન.. શું ? શું કહ્યું તમે ?

અવિનાશભાઇ..

ના.ના..ખાસ કશું નહીં.આ તો ગયે વરસે તેં લાડું બનાવ્યા હતા અને એ ખાધા પછી મને પેટમાં તકલીફ થઇ ગઇ હતી..તે આજ સુધી વત્તે ઓછે અંશે ચાલ્યા કરે છે. તેથી મને થયું કે બિચારા ગણપતિબાપા પાંચ પાંચ લાડું ખાશે તો ….

આશાબેન..

બસ.બસ..બહું થયું..મારી મસ્તી કરવાની કોઇ જરૂર નથી.મને એ બિલકુલ પસંદ નથી

અવિનાશભાઇ..

મસ્તી..? અને તે તારી ? મારી એવી હિમત ? હું તો જસ્ટ વાત કરતો હતો..બાકી તને પસંદ ન હોય તે વાત હું સપનામાં કરવાની પણ હિમત નથી કરતો..તો પછી આમ ધોળે દિવસે..ખુલ્લી આંખે..તારી સામે…તારી મસ્તી કરું ખરો ? અરે, તને જોવા આવ્યો ત્યારે પણ એવી હિમત નહોતી કરી..
આશાબેન…

એટલે ?

અવિનાશભાઇ…

એટલે કે ત્યારે પણ મેં તારી પસંદનો જ વિચાર કરેલો..મને શું ગમે છે એવું વિચારવાની હિમત એ દિવસે પણ નહોતી કરી.બે વરસ પહેલાની એ એક માત્ર ભૂલ…અને આખા યે આયખાની સજા…. આશા..સાચું કહું છું હોં..તે દિવસથી માંડીને આજ સુધી..પૂરા ચોવીસ મહિના…730 દિવસો…એક મિનિટ ( ગણતરી કરે છે..) પૂરા 17520 કલાકની એક એક ક્ષણ હું તારી પસંદગીનો ખ્યાલ કરીને જ જીવ્યો છું ને ? એ વાતની સાક્ષી તો તું યે પૂરીશ ને ? તું કહે તો મિનિટ અને સેકન્ડમાં પણ ગણતરી કરીને બતાવું. મારું ગણિત આમ પણ પહેલેથી પાક્કું છે.

આશાબેન…

બસ..બસ રહેવા દો ..રહેવા દો હવે..તમારા પાક્કા ગણિતની મને ખબર છે. અને જયારે પોતાની પસંદગીમાં ઠેકાણા ન હોય ત્યારે બીજાની પસંદગી પ્રમાણે કરવું જ રહ્યું ને ?

અવિનાશભાઇ ( પત્નીથી દૂર એક તરફ જઇ પ્રેક્ષકો સામે જોઇને ) આ મારી પત્ની આશાએ આજે જિંદગીમાં પહેલી વાર આ એક સાવ સાચી વાત કહી હોં ! કયારેક માનવીથી અજાણતા યે સત્ય વચન બોલાઇ જતા હોય છે…એ આનું નામ… જુઓ.. તમે જ જુઓ..છે મારી પસંદગીમાં કોઇ ઠેકાણા ? ( પત્ની સામે ઇશારો કરે છે. )

આશાબેન..

એકલા એકલા શું બકબક કરો છો ?

અવિનાશભાઇ…

એ તો હું કહેતો હતો કે તારી વાત સાવ સાચી છે..સો ટચના સોના જેવી..કે મારી પસંદગીના કદી ઠેકાણા હોતા જ નથી…આ સામે બેસેલાઓને એનો પુરાવો આપતો હતો..

આશાબેન..

( કશું સમજયા વિના ) બસ..બસ હવે..આજે આડીઅવળી કોઇ વાત નહીં..આજે હું બહું ખુશ છું..બહું એટલે બહું જ…

અવિનાશભાઇ..

બહું એટલે બહું જ….વાહ..સરસ વાત કહી તેં..મને આ ખબર જ નહીં..કે બહું એટલે બહું જ….

આશાબેન..

આ શું તમે યે મોં માથા વિનાનું ગમે તે ભરડયે રાખો છો ? જુઓ..આ મારા હાથમાં શું છે ? ( હાથમાં રહેલ કોઇ મેગેઝિન બતાવે છે )

અવિનાશભાઇ…

કોઇ ફરફરિયું લાગે છે..

આશાબેન ફરફરિયું કહીને આવા સરસ મેગેઝિનનું અપમાન ન કરો.

અવિનાશભાઇ…

આ વળી કયું મેગેઝિન ? કોઇ નવું નીકળ્યું લાગે છે ..આમ પણ હમણાં બિલાડીના ટોપની જેમ છાશવારે નવા નવા મેગેઝિનો નીકળતા રહે છે..કોઇ બે પાંચ મહિના જીવી જાય..કોઇની આવરદા એકાદ વરસ જેટલી લંબાય પણ ખરી..નહીંતર રોજ સવારે ઉગી નીકળતા નવા નવા લેખકો લખે શેમાં ? ( પત્ની સામે ફરીને ) હા..તો આ મેગેઝિનનું શું છે ? એની પૂજા કરવાની છે ? નાળિયેર વધેરવાનું છે કે આરતી ઉતારવાની છે એની ?

આશાબેન..

હા..હા..એવું કંઇ કરીએ તો પણ ખોટું નથી…આ મેગેઝિન છે જ એવું ( મેગેઝિનને ચુંબન કરે છે..

અવિનાશભાઇ ( ધીમેથી ) લાગે છે આજે આનું ચસકી ગયું છે.

આશાબેન ( સાંભળી જાય છે. ) અરે, મારી પૂરી વાત સાંભળશોને તો તમારું યે ચસકી જશે..આજે તો ચમત્કાર થયો છે ચમત્કાર….

અવિનાશભાઇ ( પ્રેક્ષકો સામે જોઇને ) આની વાત સાંભળીને મારું ચસકી જવાનું હોય તો આપણે એવું કોઇ જોખમ લેવાની જરૂર ખરી ? તમારે કોઇને એવું જોખમ લેવું હોય તો ભલે..આપણી એવી તૈયારી બિલકુલ નથી..હું તો આ ચાલ્યો અંદર..તમે સાંભળો એની પૂરી વાત..પછી ચસકી જાય તો મારું નામ નહીં..લાગે પાગે મારો વાંક નહીં ( અંદર જવા જાય છે.)

આશાબેન ( એની પાછળ દોડીને ) એ..કહું છું..આમ ચાલ્યા કયાં ? પહેલાં મારી પૂરી વાત તો સાંભળો…બેસો અહીં ( હાથ ખેંચીને સોફા પર બેસાડે છે.)

અવિનાશભાઇ ( દયામણા અવાજે ) તે બેસવું જ પડશે ? પૂરી વાત સાંભળવી જ પડશે ? પણ..આશા તારી વાત સાંભળ્યા પછી તું કહે છે તેમ મારું ચસકી જશે તો ? તું સંભાળી લઇશને મને ?

આશાબેન..

બસ… બસ..હવે બહું ડાહ્યા થવાની જરૂર નથી..ચૂપચાપ અહીં બેસો. આ બધાની સાથે તમે પણ મારી અદભૂત કવિતાનું રસપાન કરો. મારા જીવનની આ ધન્ય પળના તમે પણ સહભાગી બનો…

( અવિનાશભાઇ નાક પર આંગળી મૂકીને બેસી રહે છે. આશાબેન હાથમાં મેગેઝિન લઇને કવિતા વાંચે છે..)

” આજે સવારે અંતરમાં ઊગી એક કવિતા

ધાણી ફૂટે એમ તડતડ ફૂટયા શબ્દો ભીતરે,

તન, મનમાં, અંગ અંગમાં છવાયો ઉજાસ

સૂના આ હૈયામાં એનો પડઘાયો પ્રકાશ..”

( પ્રેક્ષકો સામે જોઇને ) ઉજાસ અને પ્રકાશ..વાહ..! કેવો સરસ પ્રાસ બેસાડયો છે નહીં ? અને…

( અચાનક પતિ સામે ફરીને ) આમ બેસી શું રહ્યા છો ? મોઢામાં મગ ભર્યા છે ?

અવિનાશભાઇ…

લે..કર વાત..તેં જ ચૂપચાપ બેસવાનું કહ્યું હતું તો ચૂપ જ રહેવું પડે ને ? નાક પરથી આંગળી ખસેડવાની હિમત સુધ્ધાં નથી કરી…જેથી ભૂલથી પણ કશું બોલાઇ ન જાય

આશાબેન..

અરે, કવિ પોતાની કવિતાનું સ્વમુખે પઠન કરતો હોય ને ત્યારે વચ્ચે વચ્ચે “ વાહ..વાહ..દુબારા દુબારા” ..એવું બધું બોલીને દાદ દેતું રહેવાનું હોય…

અવિનાશભાઇ…

પણ અત્યારે કોઇ કવિતા કયાં બોલે છે ? અને અહીં કોઇ કવિ કયાં છે ?

આશાબેન..

કવિ કે કવિયત્રી..જે કહો તે… કવિતાની વાત આવે ત્યારે એવા લિંગભેદ ગૌણ બની જતા હોય છે. અને હું કવિતા નહીં તો આ શું બોલતી હતી ?

અવિનાશભાઇ

( આશ્ર્વર્યથી ) એટલે ? તું કવિતા બોલતી હતી ? આ કવિતા હતી ?

આશાબેન

તો હું શું ભાષણ કરતી હતી ? એમાં આટલું આશ્ર્વર્ય શેનું થાય છે ? ભેંસ આગળ ભાગવત વાંચતી હતી ? અને તમને ચૂપ રહેવાનું કહ્યું હતું..કાન બંધ કરવાનું નહોતું કહ્યું. ખેર ! જવા દો..આજે મારો મૂડ બહું સરસ છે.આજે ગુસ્સો નહીં કરું.જુઓ..હવે આગળ સાંભળો…

અને હા..તમારે વચ્ચે વચ્ચે વાહ..સરસ..એવું બધું બોલતા રહેવાનું…પેલા મુશાયરામાં બધા બોલતા હોય છે ને તેમ….

અવિનાશભાઇ હું વળી કે ‘દિ મુશાયરામાં ગયો છું ? અને આમ પણ કવિતામાં મારી ચાંચ ડૂબે તેમ નથી.

આશાબેન..

અરે, ભલા માણસ.. કવિતા સમજાય તો જ વાહ..વાહ કરવી એવું ન હોય…એમાં સમજવાની કોઇ જરૂર જ ન હોય.બસ વચ્ચે વચ્ચે વાહ વાહ કરતા રહેવાનું..એટલું જ..બધા એવું જ કરતા હોય છે. અને કવિઓ પણ એટલી જ અપેક્ષા રાખતા હોય છે. મુશાયરામાં આવે એ બધાને કવિતાની સમજણ પડતી હોય કે રસ હોય એવો ભ્રમ રાખવાની કોઇ જરૂર નથી. બધા પાસે મુશાયરામાં આવવાના પોતપોતાના કારણો હોય છે. નહીં કે કવિતાપ્રેમ…

અવિનાશભાઇ..

અચ્છા ? એમ ? મને તો એવી બધી ખબર ન હોય..કયા કયા કારણો હોય છે ? તને તો સારી એવી જાણકારી છે.મને તો ખ્યાલ જ નહોતો..તારા આ અગાધ જ્ઞાનનો…

આશાબેન..

રહેવા દો..એ બધા કારણોની ચર્ચા રહેવા દો.બાંધી મુઠ્ઠી લાખની..ને ખોલી તો રાખની..મારે પણ ભવિષ્યમાં કવિસંમેલન ગોઠવવાનું આવશે ત્યારે બધાને બોલાવવા તો પડશે ને ? એટલે એ બધી વાતો આમ જાહેરમાં ન થાય…એવું તો ચાલતું રહેવાનું..બાકી તમને તો મારી પ્રતિભાનો..મારામાં છૂપાયેલી અનેક ભવ્ય શક્તિઓનો અંદાજ જ કયાં છે ? “ ઘરકી મુરઘી દાલ બરાબર….” આમ પણ આપણા દેશમાં બધાની કદર સૌ પહેલા વિદેશીઓ કરે પછી જ આપણને ખબર પડતી હોય છે. જુઓને આપણા મહાન કવિ ટાગોરનો જ દાખલો લો ને…મારું પણ કંઇક એના જેવું જ થવાનું છે. પહેલા બહારના લોકો કદર કરશે..પહેલાં એ લોકો મારી પ્રતિભા ઓળખશે પછી જ અહીં કદર થવાની ને લોકો મારો સાચો પરિચય પામવાના. પણ એટલું તો ચલાવી લીધે જ છૂટકો ને ?

અવિનાશભાઇ ( આઘાતથી ) એટલે તારી સરખામણી તું ટાગોર સાથે કરે છે ?

આશાબેન..

કરું તો એમાં ખોટું પણ શું છે ? કહ્યું છે ને કે નિશાન ચૂક માફ..નહી માફ નીચું નિશાન..hit it at the top, boys… આકાશ તરફ તાકીએ તો ઉંચા વૃક્ષની ટોચે તો જરૂર પહોંચે..આવું તો ટાગોરે પોતે કહ્યું છે.

અવિનાશભાઇ વાહ..વાહ..તારી જાણકારી માટે આજે તો મને તારે માટે માન જાગી રહ્યું છે.

આશાબેન..

જાગવું જ જોઇએ..હવે આડીઅવળી વાતો બંધ કરીને મારી પૂરી કવિતા સાંભળો…ફરીથી પહેલેથી સંભળાવું કે…

અવિનાશભાઇ..

અરે..ના..ના..ચાલશે.. તું તારે આગળ વધ… ગો એહેડ…

( પ્રેક્ષકો સામે )પત્ની કવિયત્રી બને તો એની કવિતાઓ તો સાંભળ્યે..સહન કર્યે જ છૂટકોને ? તમારે કોઇને ઘરમાં આવી તકલીફ ખરી ? મારા જેવી ? ( પત્ની તરફ ઇશારો કરે છે. )

આશાબેન હવે એકલા એકલા બકબક કર્યા સિવાય આગળ માણો મારી આ અદભૂત રચના..

“ એમ પૂછીને કરાય નહીં આનંદ….

પવન કંઇ ડાળખીને પૂછે ?

કે તને હલાવું કે કેમ ? “

અવિનાશભાઇ ( વચ્ચેથી જ ) અરે, અહીં આનંદ નહીં પ્રેમ શબ્દ છે..તુષાર શુકલની આ રચનાની તો મારા જેવા અરસિકને પણ જાણ છે. જો સાંભળ મૂળ પંક્તિ…

“ એમ પૂછીને થાય નહીં પ્રેમ..

દરિયાના મોજા કૈં રેતીને પૂછે,

તને ભીંજાવું ગમશે કે કેમ ?

આશાબેન..

ઠીક છે..ઠીક છે… જેને જે લખવું હોય તે લખે..મારે જે ફેરફાર કરવો હોય તે હું કરું..

અવિનાશભાઇ..

પણ એમ કોઇની રચનામાં શબ્દ બદલીને પોતાને નામે મૂકી ન શકાય.

આશાબેન..

રહેવા દો..રહેવા દો હવે…કોઇમાંથી પ્રેરણા લેવામાં કોઇ ગુનો નથી બની જતો. દરેક કવિ કયાંકથી ને કયાંકથી પ્રેરણા મેળવતા જ હોય છે.

અવિનાશભાઇ એ વાત આખી જુદી છે અને આ વાત જુદી છે.

આશાબેન..

સીધી રીતે કહી દો ને કે તમારે મારી કવિતા સાંભળવી નથી..એટલે કંઇ ને કંઇ વાંધા વચકા કાઢ્યા જ કરવાના…

એમ તો મારી બીજી પંક્તિ સાંભળીને પણ તમે કંઇક કહેશો જ..

“ ઝરણાની રેતમાં રમતું શહેર મળે ન મળે…
ફરી આ રણઝણતું દ્ર્શ્ય યાદ આવે ન આવે…”

હવે પાછા કહેતા નહીં કે આવી કોઇ કવિતા પણ તમે વાંચેલી છે. અનેક કવિતાઓમાં એક સરખો ભાવ તો હોવાનો જ ..થોકબંધ..ટનબંધ કવિતાઓ રોજ લખાતી હોય ત્યારે આવું તો થતું રહેવાનું..

અવિનાશભાઇ ..

અરે..અરે..આ આ તો આદિલ મન્સૂરીની અતિ જાણીતી ગઝલ છે..એને આમ…

આશાબેન ( વચ્ચેથી જ ગુસ્સે થઇને ) રહેવા દો..રહેવા દો..મારે તમને મારી રચના સંભળાવવી જ નથી ને ! તમે મારી રચનાને બીજાઓનું જ નામ આપવાના…

અવિનાશભાઇ…

તારી આ કવિતા મેગેઝિનવાળાએ છાપી છે ? મને તો એ જ સમજાતું નથી કે કોઇ તંત્રી આ રીતે છાપી જ કેમ શકે ?

આશાબેન..

ન કેમ છાપે ? મેગેઝિન માટે ફંડફાળો કંઇ એમ ને એમ થૉડો આપ્યો છે ? કે આજીવન લવાજમ કંઇ એમ રેઢું પડયું છે ?

અવિનાશભાઇ ( આઘાત અને આશ્ર્વર્યથી ) એટલે ?

આશાબેન

એ બધું તમને નહીં સમજાય..તમે જાવ..તમારું કામ કરો…મને અત્યારે એક બીજી કવિતા સ્ફૂરી રહી છે..બની શકે આ અદભૂત ક્ષણે કોઇ અમર પંક્તિ અવતરવાની હોય.
( ડાયરી ને પેન લઇને બેસી જાય છે.)

અવિનાશભાઇ ..

( પ્રેક્ષકો સામે જોઇને ) હમણાં કવિતાની ઘણી ચોપડીઓ ઉપાડી લાવી છે..એમાંથી એકાદ યાદ આવી ગઇ લાગે છે. બની શકે આ વખતે મનોજ ખંડેરિયા, રમેશ પારેખ કે રાજેન્દ્ર શુકલ જેવા કોઇ મહાનુભાવની ગઝલની ઉંઠાતરી થાય..ના..ના…એમાંથી પ્રેરણા મળે…. આપણને અહીંથી. જવા દો…. મારાથી સહન નહીં થાય..તમારી તમને ખબર…

( અંદર જાય છે. આશાબેન એકલા બેઠા બેઠા કશુંક લખે છે..પછી ભૂંસે છે..ફરીથી બાજુમાં રહેલી કવિતાની ચોપડીમાં કશુંક જુએ છે અને લખતા રહે છે. એમ ચાલુ રહે છે..)

આશાબેન…

આ મનપાંચમના મેળામાં…હવે આ મનપાંચમનો મેળો એટલે શું ?

અરે, મારી બઇ..મેળો સાતમ આઠમનો હોય..દિવાળીનો હોય..આવા નવતર મેળાનું શું કરવું ? અને આ જાત લઇને આવવાનું એ વળી નવું તૂત… જવાદો…મારે શું ? લાવ..હું તો લખી નાખું..આ સાતમ આઠમના મેળામાં કોઇ રમકડાં લઇને આવ્યા છે..કોઇ જાતજાતના પકવાન લઇને આવ્યા છે. મેળામાં તો રમકડાં હોય..ખાવા પીવાનું હોય એવું બધું હોય..કવિઓ યે ઠીક ગાંડા કાઢે છે..મનફાવે એવું લખી નાખે..કંઇ સમજાય એવું લખતા હોય તો…પાછા લોકો પણ સમજાય કે નહીં પરંતુ વાહ..વાહ કરીને ચડાવી મારે. બસ… એકવાર નામ થવું જોઇએ.પછી બધું ચાલે…
( અંદરથી સાસુમા આવે છે.. )

રેવાબા..

શું જમાનો આવ્યો છે…? ઘરની વહુ અત્યારમાં હાથમાં કાગળિયા લઇને બેસી ગયા છે. છે કોઇ ચિંતા ? અમારા જમાનામાં કોઇ વહુની મજાલ હતી કે આમ ……….
આશાબેન..

બા, ફરી પાછું શું યાદ આવ્યું તમારા જમાનાનું ? તમને કેટલી વાર સમજાવ્યું છે કે “ તમારા શબ્દકોષમાંથી “ અમારા જમાનામાં…” એ શબ્દ કાઢી નાખો… પરિવર્તન સ્વીકારતા શીખો…તમે રોટલાથી કામ રાખો…ટપટપ થયું કે નહીં ? એ ભૂલી જાવ… સુખી થવાની આ એક માત્ર ગુરુચાવી છે. આ નિયમ બધાને લાગુ પડે છે..આજે તમને..ને કાલે અમને પણ…એટલે બા ….પ્લીઝ… અત્યારે તમારા જમાનાની રામાયણ શરૂ ન કરી દેતા… મને એ આખી રામાયણ મોઢે છે..અરે, મને શું અહીં બેસેલી દરેક સ્ત્રીઓને એ મોઢે હશે જ…માટે મહેરબાની કરીને તમારું એ અદભૂત પારાયણ અત્યારે ફરીથી શરૂ ન કરતા…
.
રેવાબા..

( પ્રેક્ષકો સામે જોઇને ) સાંભળ્યુંને તમે સૌએ પણ ? અમને બુઢ્ઢાઓને તો હવે ઘરમાં બોલવાનો પણ હક્ક નથી બચ્યો… જૂની આંખે નવા તમાશા જોવા કંઇ સહેલા નથી જ… જવા દો..ઝાઝી વાતે ગાડા ભરાય…
હું તો એ કહેવા આવી હતી કે આજે સવારે દૂધ ઉભરાણું..અને પછી મદિરે ગઇ ત્યાં કાળી બિલાડી આડી ઉતરી…આમ બે બે અપશુકન સવારના પહોરમાં થયા એટલે મને તો ગભરામણ થાય છે..આજે જરૂર કંઇક નવા જૂની થઇને રહેવાની…

આશાબેન..

શું બા …તમે પણ ? કેટલી વાર કહ્યું કે શુકન, અપશુકન એ બધા મનના વહેમ છે…અરે, આજે તો બહું શુભ દિવસ છે… આજે તો તમારી આ એકમાત્ર વહુની કવિતા છપાઇ છે…જુઓ..આ મેગેઝિન…જુઓ… દેખાય છે મારું નામ ? આશાબેન ઉજાસિયા.. જોકે તમને તો કયાંથી વંચાવાનું ? તમે તો કાળા અક્ષર કુહાડે માર્યા છે. બા..જુઓ આ… આ મારું નામ અહીં લખેલું છે. ( બતાવે છે. )
રેવાબા..

હાય..હાય તારું નામ છાપે ચડયું ?

આશાબેન..

બા ..શું તમે પણ હાય..હાય કરો છો ? કશું સમજયા વિના… અરે.. છાપામાં નામ આવે એ તો ગૌરવ કહેવાય..ગૌરવ… જવા દો… એ બધું તમને નહીં સમજાય…પણ બા , આજે તમે મંદિરેથી આટલા વહેલા કેમ આવી ગયા ? રોજ તો બપોરે બાર વાગ્યા પહેલા ઘર યાદ નથી આવતું… ( હસીને ) લાગે છે..આજે તમારી બહેનપણીઓ મંદિરે નહીં આવી હોય… એટલે પંચાત નહીં થતી હોય… બા, સાચું કહેજો…હોં… મૂળ વાત આ જ હતી ને ?

રેવાબા..

તે અમે કંઇ કોઇની પંચાત નથી કરતા..હા બે ઘડી હારે બેસીને સુખ, દુ:ખની બે વાતુ કરી હળવા થઇએ… ઘરમાં કોઇ સાંભળનાર ન હોય ત્યારે બીજું શું કરીએ ? આજે પેલી કાશી કે શાંતિ કોઇ નહોતી આવી… વહુએ કંઇક ઉપાડો લીધો હશે.. હવે એ તો કાલે આવે ત્યારે ખબર પડે…

આશાબેન ઓહ…એટલે છેક કાલ સુધી તમારે રાહ જોવી પડશે..એ બધું સાંભળવા માટે.. બાપ રે… એટલી બધી ધીરજ રાખવી અઘરી થાય નહીં બા ?
( હસે છે.. ) .

રેવાબા ( સમજયા વિના.. પોતાની ધૂનમાં..) મને તો ચિંતા થાય છે.. કંઇ મહાભારત નહીં થયું હોય ને ? આ આજકાલની પેઢીને કંઇ કહેવાય નહીં..સલાહ તો ભૂલે ચૂકે યે અપાય નહીં…હવે કાલે મંદિરે જઇશ ત્યારે છેક ખબર પડશે..ને ત્યારે મારા જીવને શાંતિ થશે
આશાબેન ..

( હસતા હસતા ) બા..કાલે મંદિરે જરાક વહેલા જજો હોં
રેવાબા ..

( સાંભળ્યા વિના પોતાની જ ધૂનમાં ) કાલે તો મંદિરે જરાક વહેલા જવું પડશે… નહીંતર ત્યાં સુધી ઘરમાં ચેન નહીં પડે…

આશાબેન..

( પ્રેક્ષકોને ) જોયું ને ?આ છે મંદિરનો મહિમા…ભગવાનનું નામ ને પોતાનું કામ…જોકે આમ જુઓ તો એમાં..કંઇ ખોટું પણ નથી.. બધાને પોતાની હૈયાવરાળ કયાંક કાઢવી તો ખરીને ? ખુશી હોય કે દુ:ખની વાત હોય..માણસમાત્રને ઠલવાવાનું કોઇ ઠેકાણું તો જોઇએ ને ? આ જુઓને હું મારી કવિતા કોઇને સંભળાવવા કેવી તલપાપડ બની જ હતી ને ? માણસ એકલો આવે ને એકલો જાય…એ વાત સાવ સાચી..પરંતુ માણસથી એકલા જીવાય છે થોડું ?

ફાધર વાલેસે તેમના એક પુસ્તકમાં બહું સરસ વાત કરી છે. એક વૈજ્ઞાનિક પોતાનું અવકાશયાન લઇને ફરીથી કયારેક પૃથ્વી પર ન આવવાના નિર્ણય સાથે દૂર દૂર જાય છે..ત્યાં તેને અદભૂત સૌન્દર્ય દેખાય છે. તે હળવેથી યાન પાછું વાળે છે.. કે આ અદભૂત સૌન્દર્યની વાત હું કોને કરું ?

આમ માણસને માણસ વિના ચાલતું નથી અને ચાલવું પણ ન જ જોઇએ..હું તમે કે બા..આમાં કોઇ અપવાદ હોઇ ન શકે.
રેવાબા..

આ મારી વહુની વાતુ સમજવી મને તો ઘણીવાર બહું અઘરી પડે છે. આશા, હું તો તને એ કહેવા આવી હતી કે ઠાકોરજી માટેનો પ્રસાદ હવે પૂરો થવા આવ્યો છે… આ વખતે મગજની લાડુડી બનાવજે ને…. હમણાં ઘણાં વખતથી ભગવાનને એ ધરાવ્યા નથી…

આશાબેન…

બા , સીધું કહોને કે તમને મગજના લાડવા ખાવાનું મન થયું છે.. ઠીક છે..બા પછી બનાવી આપીશ…આ ક્ષણે મારું સર્જક મન રસોડામાં જવા તૈયાર નથી… સ્ત્રી કવિયત્રીને આ જ દુ:ખ… મનમાં કવિતા રણઝણતી હોય..ઊર્મિઓ ઉભરાતી હોય અને વાત સાંભળવી પડે રસોડાની…

રેવાબા…

સ્ત્રીનો પહેલો ધરમ એટલે રસોડું… પછી બીજી બધી વાતુ… લે, હું અંદર જઇને જરાક આડી પડું છું… આજે બે અપશુકન થયા છે એટલે બે માળા વધારે કરવી પડશે… કોઇ અલાબલા આવવાની હોય તો ટળી જાય… હે ઇશ્વર..હે મારા વાલા… સૌનું સારું કરજે… ( અંદર જાય છે. )

આશાબેન..

કયાં સાતમા આસમાને વિહરતી હતી ને કયાં ધરતી પર પટકાઇ પડી ? હવે અત્યારે નવું સર્જન નહીં થાય,..સ્ત્રીના વિચારો..કલ્પનાઓ બધી આમ જ ગૂંગળાઇને બાળમરણ પામતી હશે. ગુજરાતને મહાન કવિયત્રીઓની એટલે જ ખોટ પડતી રહે છે. ખેર… જવા દો..હવે અત્યારે કશું નહીં લખાય.. એક કામ કરું … આ કવિતા છપાઇ છે તે સમાચાર બધાને આપતા તો સાવ ભૂલાઇ જ ગયું. લાવ સૌથી પહેલું કામ તો એ જ કરું. ( ફોન ઉપાડે છે.એક પછી એક ફોન કરતા રહે છે.)
આશાબેન (ફોનમાં )

હેલ્લો..કોણ માલિની ? કેમ છો ? મજામાં ? હા..હું પણ મજામાં…એક ખાસ વાત.. તેં પેલું “ ભેદભરમ “ મેગેઝિન જોયું ? એમાં મારી કવિતા છપાઇ છે. મને તો છપાવવાની કોઇ મરજી નહોતી પણ મેગેઝિનવાળા પાછળ પડયા હતા કે સારી રચના લોકો સુધી પહોંચવી જ જોઇએ.એટલે પછી એક રચના આપવી પડી..આજે સવારથી કેટલાયે લોકોના ફોન જ ચાલુ છે.અભિનંદનના…હું તો આજે થાકી ગઇ. એક કામ કર..આવતી કાલે બધા અહીં મારે ઘેર જ ભેગા થઇએ..અહીં સાથે જ જમીશું. એ બહાને તમને બધાને મારી કવિતા સાંભળવાની તક પણ મળશે..તો કાલનું પાક્કું હોં..આવજે..( ફોન મૂકે છે.)

આશાબેન આમ તો આજનું જ કહી દીધું હોત તો સારું થાત.હવે આવતી કાલ સુધી મારે પ્રતીક્ષા કરવાની આવશે..મારી રચના સંભળાવવા માટે. પણ આજે હવે બધું બનાવવું કેવી રીતે ? અને જમવાનું ન કહું તો કોઇ આવે એવી નથી

( ફરીથી બીજા ફોનમાં એવી જ વાતો કરે છે. એમ એક પછી એક ચાલુ રહે છે. વાત ચાલુ હોય છે ત્યાં જ આશાબેનની એક બહેનપણી શિવાની આવે છે તેને જોઇને આશાબેન ફોનમાં બોલે છે.)
આશાબેન..

ઓહો..તંત્રીશ્રી..ઓકે..ઓકે..હું મારી બીજી રચનાઓ જરૂર મોકલાવીશ. તમને કંઇ ના થોડી પડાશે ? ઓહો…તમારી ઉપર પણ એટલા બધા ફોન આવ્યા..અભિનંદનના ? અહીં પણ એવું જ છે. આજે સવારથી ફોન ઉપર જ છું..ઓકે..બાય….( ફોન મૂકે છે. શિવાની સામે જોઇને ) ઓહ… શિવાનીબેન..આવો…આવો..બહું સારા દિવસે આવ્યા છો.
શિવાનીબેન..

કેમ..આજે વળી શું બળ્યું છે ? કંઇ નવા જૂની છે ?

આશાબેન

શિવાનીબેન, તમે નામ તો બદલ્યું..સવિતામાંથી શિવાની થયા પણ ભાષા ન બદલી હોં…

શિવાનીબેન..

એમ કંઇ રાતોરાત સંધુ યે થોડું બદલાઇ જાય ?

આશાબેન..

જોકે થોડું તો બદલાયું લાગે છે. ( એમની સામે જોઇને ) પણ, આજે આ સેલુ..કોઇ પ્રસંગ છે કે શું ?
શિવાનીબેન..

ના રે..પ્રસંગ તો શું ? પણ આ તમારા ભાઇ કહે છે….

આશાબેન

મારા ભાઇ ? કોણ ?

શિવાનીબેન

અરે..તમારા ભાઇ ..એટલે અમારે ઘેરથી…

આશાબેન

ઓહ..એટલે બકુલભાઇની વાત કરો છો ? એમ કહો ને ? પતિદેવનું નામ ન લેવાય એમ ?( હસે છે. )
શિવાનીબેન

હજુ તમારા સુધરેલા લોકો જેવી ટેવ નથી પડી..મને તો બળ્યું શરમ આવે..

આશાબેન ( હસતા હસતા ) શિવાનીબેન..આ તમારું બળ્યું હજુ ગયું નહીં..હા..તો અમારા ભાઇ શું કહેતા હતા ?
શિવાનીબેન

એ જ કે ભગવાને હવે સામે જોયું છે..અને પૈસા આલ્યા છે તો સારા કપડાં પહેર…એટલે આવી મોંઘામાયલી સાડીઓ લઇ આવી..
આશાબેન મોંઘી એટલે આમ સેલાઓ પહેરવાના ? ( હસે છે..)

શિવાનીબેન ( નારાજ થાય છે.) જુઓ આશાબેન, તમને ખબર છે કે અમે રહ્યા ગામડાના માણસુ..બે પૈસા પણ છેલ્લા એક વરસથી ભાળ્યા છે…એટલે બહું જાજી ગતાગમ ન પડે…શું લેવું ને શું ન લેવું એ બધું શીખતા વાર લાગશે. નામ બદલવાથી કંઇ બધું રાતોરાત આવડી થોડું જાય ?
આશાબેન

તમારી વાત સાચી છે.શિવાનીબેન..હું તો ખાલી કહેતી હતી..ખરાબ ન લગાડતા..મને તો તમારી આ પારદર્શકતા ગમે છે.

શિવાનીબેન ( સમજાતું નથી..એટલે આશ્ર્વર્યથી ) શું ગમે છે ?

આશાબેન

એટલે કે તમે જે હોય તે ચોખ્ખું બોલો છો..કોઇ દંભ વિના…કે આડી અવળી મોટી મોટી વાતો વિના કે મીઠું મરચુ ઉમેર્યા વિના વાત કરો છો એ મને ગમે છે. બાકી આજકાલ તમારા જેવા માણસો મળે છે કયાં ?
શિવાનીબેન

પૈસા આવે એટલે કંઇ માણસ થોડા બદલાય ?

આશાબેન
અરે..બદલાય..પૂરેપૂરા બદલાય.પૈસા આવે એટલે માણસ આખો ને આખો બદલાઇ જતો હોય છે. “ નાણા વિનાનો નાથિયો નાણે નાથાલાલ….” એ અમથું થોડું કહેવાયું હશે ? આ પૈસા બહું અજબ ચીજ છે…ભલભલાના દિમાગમાં અહમનો એવો તો નશો ચડાવી દે છે કે…

પૈસાને ગાળો ભાંડનાર પણ એની પાછળ દોડવાના તો ખરા જ…એના વિનાનું બધું નકામું. એ વાત ગમે કે ન ગમે સ્વીકારવી તો રહી જ. પૈસો હોય તો અનેક સદગુણોની વર્ષા આપોઆપ થ ઇ જાય. સર્વે ગુણા: કાંચનમ આશ્રયંતે..એમ કંઇ અમસ્તુ થોડું જ કહેવાયું હશે ? ખેર..જવા દો..શું ચાલે છે આજકાલ ?

( ક્રમશ: )

( હસમુખ બારાડી સંચાલિત પ્રતિષ્ઠિત ” બુડેટ્ટી ” નાટય સંસ્થા દ્વારા આયોજોત દ્વિ અંકી હાસ્ય નાટક સ્પર્ધામાં મારું આ નાટક પ્રથમ નંબરે આવેલું છે. જેનો થોડો અંશ અહીં મૂકેલ છે. આશા છે આપને ગમશે. )

11 thoughts on “થોડૂં મલકીએ…થોડૂં છલકીએ..

 1. અભિનંદન નિલમબેન,

  એક પછી એક નવી સિધ્ધિઓ પ્રાપ્ત કરતા જાવ છો એનો ખરેખર ખુબ આનંદ છે.
  નાટકના બીજા અંકની બહુ રાહ ના જોવડાવતા.

  Like

 2. નીલમ બેન પણ લાડુમાં પાચનચૂર્ણ ..ખુબ જ સરસ …પસંદ ન હોય તે વાત હું સપનામાં કરવાની પણ હિમત નથી કરતો …સો ટચના સોના જેવી..કે મારી પસંદગીના કદી ઠેકાણા હોતા જ નથી…..jabardast what a thought
  તમે રોટલાથી કામ રાખો…ટપટપ થયું કે નહીં ? એ ભૂલી જાવ… સુખી થવાની આ એક માત્ર ગુરુચાવી ..જોયું ને ?આ છે મંદિરનો મહિમા.. whole act mind blowing હાસ્ય નાટક સ્પર્ધામાં આ નાટક પ્રથમ નંબરે આવેલું છે તમને અભિનંદન ! ..congratulation…when u wii release this act in Mumbai Borivali?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.