ચપટી ઉજાસ..91

ન સચવાય એવી જૂઇ ?

હમણાં તો દાદીમાને મને ખીજાવાનો સમય પણ નથી મળતો. ઘરમાં આટલા બધા છે..એટલે આખો દિવસ દાદીમા બધા સાથે વાતો કરવામાં રહે છે. આમ પણ અત્યારે તો મારો પક્ષ લેવા માટે ફૈબા ઉપરાંત કાકા અને કાકી પણ છે. આભાદીદીને કુંજકાકા એકવાર ખીજાયા હતા એટલે હમણાં આભાદીદી પણ મને બહું ખીજાતા નથી. કે મારી સાથે બહું બોલતા પણ નથી. ખબર નહીં પણ આભાદીદીને કોઇ જ ગમતું નથી એવું મને કેમ લાગે છે ? દીદી બધાની સાથે ઝગડા જ કરતા હોય છે. મમ્મીને પણ આભાદીદી બહું ગમતા હોય એવું મને લાગતું નથી. મને યે આભાદીદી કયાં ગમે છે ? હું એની પાસે બહું જતી નથી.

બાકી મને તો હમણાં બહું મજા છે. સ્કૂલમાં પણ રજા છે.. એટલે આખો દિવસ રમવાની મજા મજા..હવે તો મારે બહેનપણીઓ પણ ઘણી છે. જેમાની મીલી, માનસી અને કુશ તો મારી બાજુમાં જ રહે છે. અમે સાથે જ રમતા હોઇ છીએ. કુશ મારા કરતા થોડો મૉટો છે. મીલી ને માનસી તો મારા જેવડા જ છે. અમે બધા એક જ સ્કૂલમાં જઇએ છીએ…

આજે દાદીમા કાકાને કહેતા હતા..બસ હવે તો છેલ્લું અઠવાડિયું જ રહ્યું. દિવસો કયાં નીકળી ગયા કંઇ ખબર જ ન પડી.. કુંજ તું તો હમણાં પાછો જતો રે’વાનો… ‘

‘ મમ્મી, જવું તો પડે જ ને ? પણ તું ચિંતા ન કર. છ મહિના પછી ઉમંગીને વેકેશન પડે એટલે હું તમારા બંનેની ટિકિટ મોકલાવું છું.. એકવાર આવીને તારા દીકરાનું ઘર તો જોઇ જા…અને ઉમંગી હશે એટલે તને એકલું પણ નહીં લાગે.
‘ જોશું બેટા..કાલની કોને ખબર છે ?

દાદીમા ઘણીવાર આ શબ્દો બોલે છે..જે મને બરાબર યાદ રહી ગયા છે.. પણ સમજાતા નથી. હું કંઇક પૂછું છું તો દાદીમા એમ જ કહે કે મારી બઇ હવે માથું ખાવાનું બંધ કરીશ.. આ છોકરીના પ્રશ્નો તો બંધ જ નહીં થાય..

હું પ્રશ્નો પૂછું એ ખાલી ફૈબાને ગમે..મમ્મીને તો જવાબ દેવાનો સમય જ કયાં હોય છે ? હા..માલામાસી પાસે મારે માટે હમેશા સમય હોય જ.. ગમે તેટલા પ્રશ્નો એને પૂછયા કરું પણ એ કયારેય થાકે કે કંટાળે નહીં..એટલે જ માસી મને બહું વહાલા લાગે છે.અમને ન સમજાતી વાત અમે મોટાઓને ન પૂછીએ તો કોને પૂછીએ ?

પણ મોટાઓ અમારી બધી વાતના જવાબ આપવા કયાં જરૂરી સમજતા હોય છે ? અમને શું ખબર પડે કહીને ટાળી દેતા હોય છે. એની મને ખબર છે.

આજે કાકા કહે,
‘ મમ્મી આજથી થોડી ખરીદી ચાલુ કરીશું ? જેનાને અહીની ઘણી વસ્તુઓ ગમે છે.તે લેવી છે. આજે અમે બે અને ઉમંગી અને નિશાભાભી એમ ચાર જણા બજારમાં જશું..આજે સમીરભાઇ એક દિવસ બહારગામ ગયા છે ને કાલે આવવાના છે. તો આજે નિશાભાભી ભલે અમારી સાથે આવે. એ હશે તો જેનાને પણ ગમશે.

‘ નિશાનું શું કામ છે ? જરૂર હોય તો મોટીને સાથે લઇ જા..નિશા આવશે તો પાછી અહી રસોઇની ચિંતા…

‘ મમ્મી, તું રસોઇની ચિંતા ન કર..અમે બધા બહાર જમીને જ આવીશું અને તમારા બધા માટે પણ લેતા આવીશું.. જેનાને નિશાભાભી સાથે ફાવે છે..અને આમ પણ મોટીબેન ને બપોરે સૂવાની આદત છે. અત્યારે સૂતા જ છે..એમને ઉઠાડવા નથી. ને આભા ભલે વાંચતી… એનો સમય હવે બગાડાય નહીં..

કુંજકાકાએ કહ્યું પછી દાદીમા કંઇ બોલ્યા નહીં..

અંદર આવીને કાકાએ ધીમેથી ઉમંગી ફૈબાને કહ્યું..
‘ ઉમંગી, કામ થઇ ગયું.. ચાલો જલદી તૈયાર થાવ..ભાભીને પણ કહી દે..અને હા..જય ભલે ઘેર રહેતો એ નકામો થાકી જશે એ તો આમ પણ મમ્મી પાસે રહે છે..જૂઇને ભેગી લઇ લેશું એટલે આભા એની સાથે ….

ફૈબા ધીમેથી હસ્યા..
‘ મને કહે, જૂઇ, ચાલ જલદી તૈયાર કરી દઉં.. બહાર જવું છે ને ?
હું તો તુરત ચપ્પલ લેવા દોડી..
‘ અરે..મારી મા…ચપ્પલ લેવા પછી દોડજે..પહેલા તૈયાર તો થા… ફૈબાએ હસીને કહ્યું.
‘ બહાર જવાનું નામ સાંભળે એટલી જ વાર હોય… જૂઇ સીધી દોડે. ચપ્પલ લેવા
કાકા હસી પડયા..
થોડીવારમાં અમે બધા તૈયાર થઇ ગયા…

અમને બધાને જતા જોઇને જય પણ અમારી પાસે આવ્યો.તેને પણ સાથે આવવું હતું. પણ દાદીમા તેને અંદર લઇ ગયા.. કે ચાલ, જયને ચોકલેટ આપું.. જયને આજે ચોકલેટ નહોતી જોતી એને તો સાથે આવવું હતું. પણ દાદીમા કહે,

‘ હું એને લઇ જાઉં છું.. તમે જલદી નીકળી જાવ… એને તો હું ફોસલાવી લઇશ.. એને ફોસલાવવો સહેલો છે.. આ જૂઇ હોય તો એને રાખવી અઘરી થઇ જાય..એ તોફાન કર્યા જ કરે જરી યે જંપે નહીં અને એ હોય એટલે જય પણ એવું જ કરે.. બે ભેગા થાય એટલે પત્યું.. સારું છે જૂઇને ભેગી લઇ જાવ છો..નહીંતર મારાથી ન સચવાત..

હું શું ન સચવાઉં એવી છું ?

બધા મને આવું જ કહેશે ? શા માટે ? કયાં સુધી ?
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

2 thoughts on “ચપટી ઉજાસ..91

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s