સંબંધસેતુ..

સાસુ, વહુના બહું વગોવાયેલા સંબન્ધો લો,

જુઓ મહોરી ઉઠયા સમજણના સેતુથી.

સાસુ, વહુ એટલે આપણા સમાજનો સૌથી વધારે વગોવાયેલો..બદનામ થયેલો એક સંબંધ…જેમાં મોટે ભાગે રાજકારણની માફક અનેક આટાપાટાઓ ખેલાતા રહે છે અને તેને પરિણામે સંબન્ધોમાં કડવાશ આવતી રહે છે. ત્યારે સો ટચના સોના જેવા આવા કોઇ સંબંધો એને ગૌરવ અર્પે છે. આજે આવી જ એક સાચી વાત લઇને આવી છું.

શગુનના ઘરમાં જાણે સુખનો સાગર છલકાતો હતો.અખિલ જેવો પ્રેમાળ પતિ, પરી જેવી સુંદર ત્રણ વરસની પુત્રી અને વિભાબહેન જેવા સમજદાર સાસુ.પૈસાની કે સ્નેહની કોઇ કમી નહીં.બધા તેને કહેતા કે શગુને તો પાંચે આંગળીએ અક્ષત ચોખાથી ગોરમા પૂજયા છે.
શગુનના લગ્નને પાંચ વરસ થઇ ગયા હતા.આ પાંચ વરસમાં તે સુખથી, આનંદથી છલકાઇ ગઇ હતી તેમ જરાયે અતિશયોક્તિ સિવાય કહી શકાય.જીવનની એક એક ક્ષણ ચૈતન્યથી ભરપૂર અને દિલની અમીરાતથી સભર હતી.ઇશ્વરે તેને આપવામાં કોઇ કંજુસાઇ નહોતી કરી.સમય જાણે દોડતો હતો. સુખની ક્ષણો હમેશા ઝડપથી પસાર થઇ જતી લાગે છે ને?

વિભાબહેને ફકત બોલવા ખાતર જ નહીં સાચા અર્થમાં વહુને દીકરી તરીકે સ્વીકારી હતી.અને પ્રેમનો પડઘો પડયા વિના થોડો રહે ? સાસુ વહુ વચ્ચે હેતનો હરિયાળો નાતો જોડાયો હતો.શગુન પણ એટલી જ ઉત્કટતાથી આ નાનકડા સંસારમાં ગોઠવાઇ ગઇ હતી.મા દીકરા વચ્ચે દૂધમાં સાકરની જેમ મીઠાશથી સમાઇ ગઇ હતી. સાસુ વહુ વચ્ચેની આવી મધુરતાથી અખિલ પોતાની જાતને નશીબદાર માનતો.આમ આ નાનકડા માળૉ લીલાછમ્મ ટહુકાથી ગૂંજતો રહેતો.

પણ છેલ્લા એક વરસથી શગુન થોડી અપસેટ રહેતી.જોકે એમાં તેનો કોઇ દોષ નહોતો. તેના પપ્પા અચાનક હાર્ટ એટેક આવતા દુનિયાને અલવિદા કરી ગયા.શગુન એક માત્ર પુત્રી હતી.શગુનની મમ્મી હવે એકલી થઇ ગઇ હતી. પતિ ગયા પછી તે શારીરિક અને માનસિક બંને રીતે પડી ભાંગી હતી.આજુબાજુ એવું કોઇ નહોતું જે તેનું ધ્યાન રાખે કે થોડી સંભાળ લે.આર્થિક રીતે જોકે કોઇ પ્રશ્ન નહોતો.એટલે કામ કરનાર તો મળી રહેતા હતા.પણ કામવાળાને ભરોસે મમ્મીને મૂકવા પડયા.તેથી શગુનને હમેશા તેની ચિંતા રહેતી.

આમ તો તેના મમ્મી બાજુમાં જ લગભગ 50 કિ,મિ.ના અંતરે જ હતા. શરૂઆતમાં તો શગુન વારંવાર મમ્મી પાસે જઇ આવતી.ઘરમાંથી કોઇની રોકટોક નહોતી.પણ એક તો હવે સાસુની ઉમર થઇ હતી.તેથી પોતે વારેઘડીએ જાય તો તેમની પર બધી જવાબદારી આવી જાય એ શગુનને યોગ્ય નહોતું લાગતું આ ઉપરાંત હવે નાનકડી પ્રિયા પણ સ્કૂલે જવા માંડી હતી.તેથી અવારનવાર જવું હવે અઘરુ થતું હતું. જોકે શગુન દિવસમાં એક વાર રોજ મમ્મીને ફોન જરૂર કરતી. તેની મમ્મી ફોનમાં દીકરીનો અવાજ સાંભળી રડી પડતી. એકલી થઇ જવાથી તે ઢીલી પડી ગઇ હતી.

શગુનને થતું કે મા માટે પોતાની પણ જવાબદારી છે. દીકરો નથી ત્યારે તો ખાસ જવાબદારી કહેવાય. મા બાપે અસીમ સ્નેહથી તેને મોટી કરી હતી. હવે આજે શું તેની જવાબદારી નથી? જ્યારે માને તેની જરૂર છે ત્યારે પોતે કામ નથી લાગી શકતી..બસ…આ વિચાર તેને ઉદાસ બનાવી દેતો. માની જરૂરિયાત આર્થિક નહોતી. નહીંતર તો તે અહીંથી પણ પૂરી કરી શકે તેમ હતી. પણ આમાં તે શું કરે? કોઇ કાયમી ઉપાય તેને દેખાતો નહોતો.અખિલે તો કહ્યું હતું કે આપણે મમ્મીને કાયમ માટે અહીં ..આપણી સાથે રાખીએ.પણ એ માટે શગુનની મમ્મી જ તૈયાર નહોતી થતી. કંઇ દીકરીને ઘેર કાયમ થોડું રહેવાય? આ ભાવના ..સમાજની આ માન્યતા તેનામાં પણ હતી. અને શગુનને પણ થતું કે સાસુ બોલે નહીં પણ કાયમ માટે તેને અંદરથી ન ગમે તો ? પોતાની મમ્મીને લીધે ઘરનું આવું સરસ મજાનું વાતાવરણ જરા સરખું પણ તંગ બને કે ડહોળાય તે તેને સ્વીકાર્ય નહોતું. એટલે તે પણ મમ્મીને પરાણે આવવાની જીદ નહોતી કરતી.

આમ ને આમ સમયની રેતી સરતી રહી.શગુન ઘણીવાર મનમાં અક્ળાતી.મૂંઝાતી.વિભાબહેન તો કહેતા કે જયારે મન થાય ત્યારે જઇ આવવું. પ્રિયાને હું રાખીશ.પણ એમ કયાં સુધી ચાલે? એ કંઇ કાયમી ઉકેલ થોડો હતો? એક મમ્મી માટે થઇને બીજી મમ્મીને હેરાન કેમ કરાય ? વિભાબહેન જેવા સાસુ મળવા બદલ દિલથી તે પોતાને ધન્ય માનતી. એમની લાગણીનો દુરુપયોગ કરવાનું તે કયારેય પસંદ ન કરે. સ્નેહનું સામ્રાજય જળવાઇ રહે માટે એટલો ભોગ તેણે આપવો જ રહ્યો.પપ્પાના અચાનક મૃત્યુથી જીવનના બધા સમીકરણો બદલાઇ ગયા હતા.

એમાં વિભાબહેનની એક બહેનપણીના દીકરાના લગ્ન હતા.અને વિભાબહેનને જવું પડે તેમ હતું. તેથી તે બે ત્રણ દિવસ માટે ગયા.

આજે શગુનનો જન્મદિવસ હતો. દરવખતે સાસુ વહુના જન્મદિવસ ધામધૂમથી ઉજવાતા.બંને એકબીજાના જન્મદિવસની સરસ તૈયારી કરતા.પણ આ વખતે વિભાબહેન હાજર નહોતા.તેથી શગુનને જાતે કંઇ કરવાનું મન નહોતું થતું. ત્યાં સાસુનો ફોન સવારે જ આવ્યો,
‘ હું સાંજ સુધીમાં પહોંચુ છું..કેક તૈયાર રાખજે હોં બેટા, અને તારે માટે શું ગીફટ લઇ આવું ?’

‘ મમ્મી મારી ગીફટ તો તમે જ છો..બસ..જલ્દી આવી જાવ. તમારા વિના ગમતું નથી.’
શગુન ફોનમાં રડી જ પડી.

‘ અરે બેટા, ઢીલુ ન થવાય. અખિલ હમેશની જેમ બહુ કામમાં લાગે છે. ખીજાવું પડશે તેને. સાંજે હું આવું એટલી વાર.’

‘ મમ્મી,હું કંઇ ન જાણું,..સાંજે તમે અહીં હોવા જોઇએ.’

’ હા, બેટા,તારો બર્થ ડે હોય અને હું ન પહોંચુ એવું બને ? આમે ય હવે લગ્ન પતી ગયા છે હું નીકળુ જ છું.’

શગુન થોડો સંતોષ અનુભવી રહી.સાંજે તે સરસ તૈયાર થઇ. અખિલ પણ આવી ગયો હતો કેક કાપવા માટે વિભાબહેનની રાહ જોવાતી હતી. તે પહોંચવા જ જોઇએ ફોન આવી ગયો હતો.

પ્રતીક્ષાની પળૉ આમેય હમેશા લાંબી જ હોય છે ને?

દરેક પ્રતીક્ષાને એક અંત પણ હોય જ છે એ ન્યાયે અંતે વિભાબહેન આવી ગયા…પણ..પણ એકલા નહીં. સાથે હતા… શગુનની મમ્મી.

’ ઓહ ! મમ્મી.’ શગુનને નવાઇ લાગી.

’ હા, બેટા, તારા જન્મદિવસની ભેટ…’

વિભાબહેન હસતા હસતા બોલ્યા.

’ એટલે ? ’

’ એટલે એમ જ કે તારા જન્મદિવસની ભેટમાં હું તારા મમ્મીને અહીં લાવી..કાયમ આપણી સાથે રહેવા. બોલ, મારી ભેટ તને ગમી કે નહીં? પણ, હા, આ તારી ભેટ લાવવા માટે મારે છેક તારા ગામ સુધી ધક્કો ખાવો પડયો.. અને કેટલા મનામણા કરવા પડયા હોં ! ’

વિભાબહેનનો અવાજ કેટલો મીઠો લાગતો હતો !

’ પણ મમ્મી…’
’ બેટા, તારો સંકોચ હું સમજતી હતી.તારી મમ્મી તો દીકરીને ઘેર રહેવા તૈયાર નહોતા..પરાણે મારે તૈયાર કરવા પડયા. માંડમાંડ સમજાવ્યા.

‘ તે તમે ત્યાં ગયા હતા?’

’ હા, બેટા,તારી મમ્મીને લેવા જ ગઇ હતી.એક આખો દિવસ તેને સમજાવવામાં ગયો અને બીજા બે દિવસ બધી વ્યવસ્થા કરવામાં ગયા. ’

મમ્મી…’ શગુન આગળ બોલી ન શકી.

’ અરે, બેટા,મને પણ તારી મમ્મી આવી જવાથી કંપની મળશે. અમે બે ય બુઢ્ઢા..હવે શાંતિથી દેવદર્શન કરશું ને ગપ્પા મારશું. અને આ પ્રિયાને તો દાદી અને નાની બંનેનો પ્રેમ મળશે.

બેટા, એકલતા શું છે..એનો મને કયાં અનુભવ નથી? પરંતુ મારે દીકરો હતો ને એમાં ભગવાને તારા જેવી પ્રેમાળ વહુ આપી..એટલે હું તો એકલતા જીરવી ગઇ.પણ તારી મમ્મીને તો દીકરો કે દીકરી જે ગણો તે તું જ છે ને? જેમ અખિલની મારે માટે ફરજ છે. તેમ તારી મમ્મી માટે પણ તારી ફરજ ખરી કે નહીં ? દીકરીની ફરજ ખાલી લેવામાં જ છે? અને તું કેટલી અપસેટ રહેતી હતી એ શું મારાથી અજાણ્યું હતું ?’

શગુન વિચારી રહી…આવી સમજણ આપણા સમાજમાં બધામાં કયાં હોય છે ? તે મૌન બની સાસુને વંદી રહી.

અને સ્નેહના આ સંગમ આગળ શબ્દોની જરૂર પણ કયાં હતી?

આવા સંબન્ધો જીવનમાં મહોરી શકે તો ? સાસુ, વહુના સંબન્ધોને નવેસરથી સમજવાનો..સ્વીકારવાનો સમય આવી ચૂકયો છે એવું નથી લાગતું ? સ્વસ્થ સંબન્ધો, સ્વસ્થ કુટુંબ અને તન્દુરસ્ત સમાજનું લક્ષણ છે. આ એક સંબન્ધ સુધરી શકે..પરિવર્તન પામી શકે તો વૃધ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે.

પરિવર્તન એ તો હમેશા સમયની માંગ છે જ ને ?
( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

6 thoughts on “સંબંધસેતુ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s