સંબંધસેતુ..

સંબન્ધો પ્રથમ સાળમાં ગોઠવી

કબીરી કસબથી વણે છે મને..

વાવે તેવું લણે અને કરે તેવું પામે..આ ઉક્તિ આપણે વરસોથી સાંભળતા આવ્યા છીએ. વહેવારની જેમ જ સંબંધોમાં પણ આ એક સનાતન સત્ય છે જ. સમયની સાથે જીવનમાં અનેક પરિવર્તનો આપમેળે આવતા રહે છે. કયારેક એ સુખદ હોય છે તો કયારેક દુ:ખદ કે આઘાતજનક ..કયારેક કોઇ સંબંધ સાવ જ અલગ રીતે પરિવર્તન પામી આંચકો આપી જનાર પણ નીવડતા હોય છે. આજે આવી જ કોઇ વાત…

આજે નિશીથભાઇનો પુત્ર બેંગ્લોરથી આવવાનો હતો. સવારથી નિશીથભાઇ અને આરતીબહેન ઉત્સાહમાં હતા. બે મહિના પહેલા જ નિશીથભાઇ રીટાયર્ડ થયા હતા. અને પુત્ર મોટી કંપનીમાં સરસ સેટ થઇ ગયો હતો. દીકરીના લગ્ન થઇ ગયા હતા..બધી જવાબદારી સમયસર પૂરી થઇ ગઇ હતી. હવે પોતે પતિ, પત્ની બેંગ્લોરમાં પુત્ર સાથે શાંતિથી રહેશે.એકાદ બે વરસમાં સારી છોકરી શોધીને પુત્રને પરણાવશે.. અનેક શમણાંઓ મનમાં ઉભરતા હતા. અલબત્ત ઘરમાં હજુ પોતાના વૃધ્ધ મા બાપ હતા.પરંતુ આરતીએ ચોખ્ખી ના પાડી દીધી હતી..એમને બેંગ્લોર લઇ જવાની.. આખી જિંદગી તો ડોસા..ડોસીને સાચવ્યા. હવે પોતાને યે શાંતિ જોઇએ કે નહીં ? પડયા રહેશે ગામડાના ઘરમાં..ગામડે મૂકી આવીશું..જૂનું ઘર તો છે જ ત્યાં..અને એવી કોઇ મોટી તકલીફ પણ નથી જ…બાકી હવે પોતાની ભેગા તો નહીં જ. મરતા સુધી શું એમના ઢસરડા જ કર્યે રાખવાના ?

જોકે હકીકતે ઢસરડા તો કદાચ જિંદગી આખી સાસુ, સસરાએ જ કર્યા હતા..એ વાત આરતીને કયાંથી યાદ આવવાની ? રસોઇની..ને ઘરની બધી જવાબદારી આરામથી સાસુ પર નાખી ને એણે તો આરામ જ કર્યો હતો. પત્નીની બીકે કે પછી ઝગડાની બીકે નિશીથભાઇ પણ કદી માબાપ સાથે સારી રીતે બોલ્યા નહોતા. એકાદવાર તો ઘરડાઘરમાં મૂકી આવવાની ધમકી પણ તેમને અપાઇ ચૂકી હતી.ઘરની વાત બહાર ન જાય અને સમાજમાં આબરૂના ધજાગરા ન થાય માટે સાસુ, સસરા હમેશા મૌન જ રહ્યા હતા. ખાનદાન ઘરની વાતો બહાર કેમ જવા દેવાય ? એવા કોઇ ખ્યાલથી ચૂપચાપ સહન કર્યે જતા હતા.

નિસર્ગ અને અંજલિ બંને પૌત્ર, પૌત્રી તો દાદા,,દાદી પાસે જ મોટા થયા હતા. સાવ નાના હતા ત્યારથી તેમની બધી જ જવાબદારી દાદા દાદીએ હોંશે હોંશે ઉપાડી હતી.તેમને નવડાવવા,..સૂવડાવવા..જમાડવા, વાર્તા કરવી કે સ્કૂલે તેડવા મૂકવા જવું..બધું જ હરખથી કરતા. આ વ્યાજ તો તેમના જીવપ્રાણ હતા. નાનપણથી બંને ભાઇ બહેન દાદા, દાદીના રૂમમાં જ સૂતા હતા. તેમને પણ મમ્મી પપ્પા કરતા દાદા, દાદીની જ માયા સ્વાભાવિક રીતે જ વધારે હતી. સ્કૂલે જાય ત્યારે તેમનો ભાવતો..મનગમતો નાસ્તો બનાવીલે લંચ બોક્ષમાં મૂકેલ હોય જ.આમ પણ માયાબહેનને કામની આળસ તો હતી જ નહીં.અને ભગવાનની એટલી મહેરબાની અચૂક હતી કે શારીરિક કોઇ મોટી તકલીફ નહોતી..તેથી કામ કરી શકતા અને કદાચ એટલે જ ઘરમાં ટકી શકયા હતા. નહીંતર દીકરા વહુએ કયારનો વૃધ્ધાશ્રમનો રસ્તો બતાવી દીધો હોત.પણ સાવ મફતમાં આવી ચોવીસ કલાકની આયા..બાઇ કયાં મળવાની હતી ? એટલી સમજ હોંશિયાર આરતીબહેનમાં અચૂક હતી..અને ઉપરથી સાસુ, સસરાને સાથે રાખ્યાનો જશ લઇ શકાય એ નફામાં.. વરસોને વીતતા કંઇ વાર લાગે છે ?

નિસર્ગ ભણીને નોકરી માટે બેંગ્લોર ગયો.અંજલિના લગ્ન થઇ ગયા. સાસરે જતી વખતે મમ્મી કરતા પણ દાદીને વળગીને જ તે વધારે રડી હતી.દાદા દાદીની હાલતની ખબર મોટા થયા પછી તેમને અચૂક પડી હતી.પણ મમ્મીને કંઇ કહેવા જાય એટલે ઘરમાં ભડકો જ થાય..દાદી પણ તેમને કશું બોલવાની મનાઇ કરતા.

છોકરાઓ ગયા અને હવે માયાબહેનનું શરીર પણ સ્વાભાવિક રીતે જ પહેલા જેવો સાથ નહોતું આપતું. થાય એટલું કામ જરૂર કરતા અને આરતીને પણ હવે સાસુ, સસરાની જરૂર રહી નહોતી.હવે કયાં છોકરાઓ હતા કે તેમનું કામ હતું ?

એવામાં નિસ્રર્ગનો ફોન આવ્યો કે હવે તેણે ઘર લઇ લીધું છે..અને તે ઘેર આવે છે.

નિશીથભાઇ અને આરતીબહેન મનોમન હરખાતા હતા.પુત્ર સાથે જવાના શમણાં જોતા હતા.
માયાબહેન અને નરેશભાઇ પણ પૌત્રની કાગડોળે રાહ જોતા હતા. પૂરા એકવરસ પછી પૌત્રનું મોઢું જોવા મળશે એ ખ્યાલે હરખાતા હતા.ફોનમાં તો નિસર્ગ વાતો કરતો રહેતો..તેમની તબિયતના સમાચાર પૂછતો રહેતો.

નિસર્ગ આવ્યો. પહેલા દાદા, દાદીને પગે લાગી વહાલથી ભેટી પડયો…

દાદી, તમારા માટે જુઓ તો શું લાવ્યો છું..?

અને બેગમાંથી દાદા, દાદી માટે જાતજાતની વસ્તુઓ લાવ્યો હતો તે કાઢીને બતાવી રહ્યો.
આરતીબહેન અને નિશીથભાઇ તો જોઇ જ રહ્યા. પુત્રનું ધ્યાન પોતાની તરફ ખેંચવા તેમણે કહ્યું, અરે, નિશીથ..તારું શરીર સૂકાઇ ગયું..સાવ દુબળો થઇ ગયો.બરાબર ખાતો નહોતો કે શું ? કયાંથી ખાય ? ત્યાં કંઇ મારા દાદીમા થોડા જ હતા કે જાતજાતનું બનાવીને મને ખવડાવ્યા કરે. પણ હવે ચિંતા નથી.હવે તો દાદા, દાદી મારી સાથે જ આવશે..તેમને લઇ જવા માટે જ આવ્યો છું.

એટલે ? નિશીથભાઇ અધ્ધર શ્વાસે પૂછયું.

‘એટલે કશું નહીં. પપ્પા, હજુ મોટું ઘર લઇ શકું અને બધાને સાથે રાખી શકું એવી સગવડ થઇ નથી..એકાદ બે વરસમાં થઇ જશે એટલે પછી તમને પણ લઇ જઇશ..અત્યારે તો દાદા..દાદી જેટલી જ સગવડ થઇ છે. એટલે તેમને લઇ જઇશ.તમારે બીજી કોઇ તકલીફ તો છે નહીં.તમે ને મમ્મી શાંતિથી અહીં રહો. મને દાદીનો અહાંગરો લાગ્યો છે..એ તો મને જોઇશે જ..દાદી, બે દિવસમાં આપણે ઉપડવાનું છે હોં..તૈયારી કરી રાખજો.. નિશીથભાઇ અને આરતીબહેનને શું બોલવું તે સમજાયું નહીં. નરેશભાઇ અને માયાબેનની પાંપણે ભીના ભીના વાદળો બંધાઇ રહ્યા.

‘ અને મમ્મી, ચિંતા ન કરો..તમારી તરફ પણ હું મારી ફરજ ભૂલ્યો નથી ને તમારી જેમ ભૂલીશ પણ નહીં..પરંતુ મને લાગે છે મારીપહેલી ફરજ મારા વહાલા દાદા દાદી તરફ છે.એટલે પહેલી ફરજ એ બજાવીશ.પછી બીજી ફરજ..મારા છોકરાઓને પણ દાદા, દાદીની જરૂર તો પડવાની જ ને ? લે મમ્મી, આ તારે માટે સાડી..અને પપ્પા માટે શર્ટ… હું મારી ફરજ તો નથી જ ચૂકવાનો.. દાદીએ મને એવા સંસ્કાર આપ્યા જ નથી.ખરુંને દાદી ? બરાબર ને ?

દાદા, દાદી શું જવાબ આપે ? તેઓ તો જાણે સ્વર્ગલોકમાં વિહરતા હતા.

માતા પિતા બંને સ્તબ્ધ… શું બોલે ?

અહીં અનાયાસે યાદ આવી જાય..વાવે તેવું લણે અને કરે તેવું પામે…

કોઇ પણ સંબંધો માટે આ સાચું જ છે.

શીર્ષક પંક્તિ…. મધુમતી મહેતા

( સ્ત્રીમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s