સંબંધસેતુ..

“ સંબંધોના સમીકરણ પલટાય છે.

મૂડી કરતા વ્યાજ વહાલુ થાય છે.

આપણે અનેક વાર સાંભળતા આવ્યા છીએ..અમને તો મૂડી કરતા વ્યાજ વધારે વહાલું છે. જીવનસંધ્યાએ વડીલોને પૌત્ર, પૌત્રીનો નિર્વ્યાજ સ્નેહ મીઠો લાગે છે. એ સ્નેહ તેમને જીવનથી સભર બનાવે છે. વડીલો અને બાળક વચ્ચે સ્નેહનો સેતુ સર્જાતા વાર નથી લાગતી. પરંતુ ઘણીવખત ઘરના લોકોને એ સેતુની કીમત સમજાતી નથી. આજે આવી જ કોઇ વાત..જે મોટે ભાગે અનેક ઘરમાં દેખાતી રહે છે.

વડીલો બાળક સાથે રમતા હોય ત્યારે જાણ્યે, અજાણ્યે કેટલું બધું શીખતા હોય છે. જીવનના અનેક પાઠ કોઇ ભાર વિના ..બિલકુલ સહજતાથી કયારે સમજાઇ જાય છે એની ખબર નથી પડતી. પરંતુ ઘણીવાર તેમના માતા પિતા એ સમજી શકતા નથી. એ બધી વાતો તેમને ફાલતુ લાગે છે..એમાં સમય બગડતો હોય એવું તેઓ માને છે. બાળકોને તેઓ સતત દોડતા જ રાખે છે. એ.બી.સી.ડી. આવડે કે પોએમસ આવડે..તો જ ભણ્યા કહેવાય. રેસના ઘોડાની જેમ બાળકને તે સતત હરિફાઇમાં ધકેલતા રહે છે. અને પહેલા નંબરથી ઓછું તો કોઇને આજકાલ ખપે છે જ કયાં ?

આજે આવું જ કોઇ ઉદાહરણ….બની શકે..આ આપના કે આપની આસપાસના જ કોઇ કુટુંબની વાત હોય.

આજે રવિવાર હતો. તેથી ચાર વરસની ઝરણા અને પચાસ વરસના દાદાજી ..બંને હાથમાં ટ્યુબ લઇ બગીચામાં ફરી રહ્યા હતા. અને કલરવ કરતાં કરતાં છોડવાઓને પાણી પીવડાવી રહ્યા હતા. ખુશખુશાલ થતી ઝરણા દાદાજીને જાતજાતના પ્રશ્નોથી મૂંઝવતી હતી. દાદાજી હસતા હસતા..પ્રેમથી જવાબ આપતા જતા હતા.

અચાનક ઝરણા દોડી,
‘ દાદાજી, જલ્દી અહીં આવો.. ‘ પૌત્રીનો ઉત્સાહ ભર્યો અવાજ સાંભળી દાદાજી યુવાનને યે શરમાવે તેવી ઝડપથી દોડયા. ત્યાં ઝરણા ચહેકી ઉઠી, દાદાજી કેવી નાનકડી સરસ ચકલી હતી…! તમે અવાજ કરીને ઉડાડી દીધી ને ? એ કંઇ આપણે રોજ જોઇએ છીએ એવી નહોતી.હોં..! ‘

‘ હા, બેટા, એ દેવચકલી હતી. એનો રંગ ગમ્યો તને ? ‘

એને દેવચકલી કહેવાય દાદાજી ?

હા..બેટા…અને દાદાજી દેવચકલીની ખાસિયત સમજાવવા લાગ્યા. ઝરણા ઉત્સાહથી સાંભળી રહી.

‘ હવે બીજી વાર દેવચકલી દેખાસે તો તું ઓળખી જઇશ તેને ? ’ હા..દાદાજી.. હવે તો જોજોને તેને કેવી પકડી પાડીશ.

કહેતી ચંચળ ઝરણા એક પતંગિયાની પાછળ દોડી. દાદા, આ પતંગિયુ ઉડે છે..એને પકડું ? ’
બેટા, તને કોઇ પકડે તો ગમે ? કે દોડાદોડી કરવી ગમે ? ‘

’ મને કોઇ પકડે એ જરાયે ન ગમે…’

‘ બસ, તો એ પતંગિયાને યે કોઇ પકડે એ ન ગમે. એને ઉડતા જોવાની કેવી મજા આવે નહી ? તું દોડતી હોય ત્યારે મને જોવાની કેવા મજા આવે છે ! એની જેમ..બરાબર ને ? ‘

’ હા, દાદાજી હવે હું એને કયારેય પકડીશ નહીં. ખાલી જોઇશ હોં !

‘ શાબાશ બેટા, ‘

જો, તે દિવસે મેં તને પતંગિયાનું એક સરસ મજાનું ગીત શીખડાવ્યું હતું ને ? એ યાદ છે ? હા..દાદાજી..

ઉત્સાહથી રણકતા અવાજે ઝરણા બોલી ઉઠી..અને દોડતી દોડતી ગાઇ રહી..

” પતંગિયા, ઉભે તો પૂછું એક વાત…

તારી પાંખે કોણે પૂરી ભાત ? “

દાદાજી અને પૌત્રી સાથે ગાઇ રહ્યા. ઝરણા ખુશખુશાલ.

’ એ દાદાજી, જલદી…આ બાજુ આવો તો…જુઓ.જુઓ..’. ઝરણાની ચંચળતાને કયાં જંપ હતો ? ‘

‘ જુઓ દાદા, તે દિવસે આપણે અહીં ગલગોટાના બીજ વાવ્યા હતા ને ? આ નાનકડો છોડ તેનો છે ને ? ‘

હા, મારી ફૂલરાણીએ સરસ પાણી પીવડાવ્યું છે ને ! એટલે આવો સરસ ઉગી નીકળ્યો છે. ‘

‘ દાદા, મારું નામ કંઇ ફૂલરાણી નથી. ઝરણા છે. રોજ ભૂલી જાવ છો તમે. ‘

કૃત્રિમ ગુસ્સાથી ઝરણા તેના વહાલા દાદાને ખીજાઇ રહી.

અને દાદુ, આ સફેદ ગુલાબ..જુઓ તો..હાથમાં નાની ટયુબ લઇ ને હરખાતે હૈયે દોડી દોડી ને તે દાદાને બતાવતી જતી હતી. બધા છોડવાઓને નામ લઇને બોલાવતા દાદાજીને જોઇ પૌત્રી પણ તેનું અનુકરણ કરતી હતી. ને ખુશ થતી હતી.

એક તરફ મૂળને પાણી પવાઇ રહ્યુ હતું અને બીજી તરફ સાથે સાથે બાળમાનસને પણ ખાતર ,પાણી મળી રહ્યા હતા. જેમાંથી ભવિષ્યમાં અંકુર ફૂટવાની તમામ શકયતાઓ હતી. ને કદાચ વટવૃક્ષ બની કોઇને છાંયો મળવાની શકયતા પણ નકારી કેમ શકાય ? દાદા દીકરી બંને મસ્તીમાં હતા. એકબીજાની સંગાથે ક્ષણોમાં જીવન જીવતા હતા.

ત્યાં પાછી ઝરણા ચહેકી,

” દાદુ, જુઓ જુઓ..આ ટમેટાનો છોડ…આપણે વાવ્યો હતો ને એની પર ટમેટુ ઉગ્યું..!

નાનકડું ટમેટુ દેખાતા ઝરણાનો ઉત્સાહ છલકાઇ ગયો. તે તાળી પાડી રહી..દાદુ પણ તેના ઉત્સાહમાં સામેલ થવા આવી પહોંચ્યા.

દાદાજી, આજે સાંજે આ ટમેટાનો જન્મદિવસ ને ? આપણે ઉજવીશું ને ?

હજી દાદાજી જવાબ આપે તે અંદરથી દાદા, પૌત્રીની ધમાલ, મસ્તીમાં ભંગ પડયો.
બગીચામાં થતો અવાજ સાંભળીને ઝરણાની મમ્મી અંદરથી દોડી આવી.

‘ આ શું નખરા માંડયા છે ? અને ગુજરાતીમાં શું રાગડા તાણતા હતા ? બા.બા..બ્લેક શીપ તો હજું પુરૂ આવડતું નથી..અને આવા રાગડા ગુજરાતીમાં તાણવા છે ? અને અત્યારે આટલો સમય બગાડાય ? ચાલ, અંદર આજે રવિવાર છે ને ? આખી એ.બી.સી.ડી..પાંચ વાર લખી નાખવાની છે. સમય બગાડશો તો કયારે થશે બધું ? ભણશો નહીં ને તો કયાંય ફેંકાઇ જશો..
છોકરાઓને તો ખબર ન પડે..પપ્પા, તમે આવડા મોટા થઇને આમ સાવ નાના બાળકની જેમ…? એના કરતા એને કંઇક સારું શીખડાવતા હોત તો ? એ.બી.સી.ડી. લખાવી હોત કે કોઇ પોએમસ પાકી કરાવી હોત તો લેખે તો લાગત..

સસરાજીને ઠપકો આપતી વહુ દીકરીનો હાથ ખેંચી તેને અંદર ઢસડી ગઇ. ઝરણા દાદાજી સામે દયામણી આંખે જોઇ રહી. મજબૂર દાદાજી ત્યાં જ ઉભા રહી ગયા. શું બોલવું તે સમજાયું નહીં..અને બોલવાનો કોઇ અર્થ પણ કયાં હતો ? પોતે આ નવી પેઢીને કયાં સમજાવી શકવાના હતા ? આમાં સમય કેવી રીતે બગાડયો..એ તેમને જ નહોતું સમજાતું. તેમને મન તો આ જ સાચું શિક્ષણ હતું.પણ…

વડીલો અને બાળકો વચ્ચે સંબંધનો સેતુ જો રચવા દેવામાં આવે તો બાળકોને સાચા સંસ્કાર..સાચું શિક્ષણ કેવી સહેલાઇથી..કોઇ ભાર વિના મળી શકે. આજકાલ આમ પણ સંજોગોને લીધે સંયુકત કુટુંબ તૂટતા રહ્યા છે. હવે પછીની પેઢી તો કાકા, મામા, માસી, ફૈબા જેવા અનેક સંબંધોથી અપરિચિત જ રહી જવાની. વેકેશનમાં મામાને ઘેર જવું એટલે શું ? એનો આનંદ આવતી કાલના બાળકો કયાં માણી શકવાના ? ત્યારે આવા સંજોગોમાં બાળકોને દાદા, દાદીના પ્રેમ સુધ્ધાથી વંચિત રાખવા એ તેમને અન્યાય કરવા જેવું નથી લાગતું ? બાળકોનો એ હક્ક છિનવી લેવાનો આપણને કોઇ હક્ક ખરો ? તેમના અનુભવના ખજાનાનો..તેમની વાર્તાઓનો લાભ આજની નવી પેઢીને મળતો નથી..ત્યારે જે કુટુંબમાં દાદા દાદી હોય તેમના પૌત્ર, પૌત્રીઓને પણ તેમના સ્નેહથી..આ અમૂલ્ય ખજાનાથી વંચિત રખાય એ યોગ્ય કહી શકાય ખરું ? નવી પેઢી આ સત્ય સમજી શકશે ખરી ? વડીલો અને બાળકો વચ્ચે સ્નેહ અને સમજણનો સેતુ વિકસવાની તક તેઓ પૂરી પાડી શકશે ખરા ? અને જે ઘરમાં બાળકોએ આજે દાદા દાદીને આદર અપાતો નથી જોયો..એ આવતી કાલે પોતાના મા બાપને સાચો આદર આપી શક્શે ખરા ? આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ ? એ વિચારવાનો સમય આપણી પાસે છે ખરો ? સંજોગોને લીધે કદાચ હમેશા સાથે રહી શકવું શકય ન હોય તો પણ અવારનવાર સાથે રહેવાની તક ઝડપી લઇ બાળકોને એના દાદા, દાદી આપણે થોડા સમય પૂરતા પણ આપી શકીશું ?

વિચારી જોજો..સોદો બંને પક્ષે નફાનો છે જ..નુકશાનનો નહીં જ…..

( સ્ત્રીમાં નિયમિત પ્રગટ થતે કોલમ )

2 thoughts on “સંબંધસેતુ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s