સંબંધસેતુ..

લખો સંબંધનો ઈતિહાસ, તો લખજો
અમારાએ જ અંતરિયાળ છોડ્યા છે !

જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવતા હોય છે એનો અનુભવ વત્તે ઓછે અંશે દરેકને થતો જ રહે છે. એમાંથી કેટલાક વળાંકો સુખદ હોય છે તો કેટલાક દુ:ખદ..કેટલાક રોમાંચક…અને એ મુજબ જીવનની રફતાર બદલાતી રહે છે.કેટલાયે સંબંધો અધવચ્ચેથી ખરી પડે છે..તો નવા સંબન્ધો બન્ધાતા પણ રહે છે. જીવન કે સમય કદી કોઇની હાજરી કે કોઇની ગેરહાજરીથી અટકતા નથી. આજે એક થોડી અલગ વાત કરવી છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.. સમગ્ર સ્ત્રીજાતિને માથે લાગેલું આ કલંક કદી ભૂંસાઇ શકશે ખરુ ? એ તો સમય સિવાય કોણ કહી શકે ? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે એ કોણ કહી શકે છે ?

તે દિવસે અલ્પા ઘેર પાછી ફરતી હતી ત્યાં… અલ્પા, તું ? ‘

ઉતાવળે દોડી જતી અલ્પાએ જાણીતો અવાજ લાગતા ચમકીને પાછળ જોયું.

અરે, અનુ ..તું ?

બંને બહેનપણીઓ ભેટી પડી..કેટલા વરસે બંને આમ અચાનક મળી હતી.

વચ્ચેના વરસો જાણે ખરી ગયા હતા.. પ્રથમ મિલનનો ઉભરો શમ્યા બાદ હવે અનુરાધાની નજર અલ્પાનો છેડો પકડીને ઉભેલ છ સાત વરસની છોકરી પર પડી.

તેની નજરનો પ્રશ્નાર્થ અલ્પાએ પારખ્યો.

અનુ, આ મારી વહાલી દીકરી શર્વરી.. બેટા, આંટીને નમસ્તે કરો.. શર્વરીએ હસીને નમસ્તે કર્યું.
અનુરાધાની આંખોમાં અચરજ ઉભરી આવ્યું. અલ્પાએ ધીમેથી કહ્યું,

’ અનુ, ઉતાવળ ન હોય તો ચાલ મારે ઘેર..નિરાંતે બેસીને વાતો કરીશું. મારું ઘર અહીંથી બહું દૂર નથી. તારા મનમાં ઉઠી રહેલ પ્રશ્નોના જવાબ પણ મળી જશે.’

‘ ઓકે..આમ તો ખાસ કોઇ ઉતાવળ નથી શાલિન આજે બહારગામ ગયો છે અને દીકરાને સ્કૂલેથી છૂટવાને હજુ વાર છે. ચાલ, ઘણાં વરસે સાથે બેસીને નિરાંતે ગપ્પા મારીશું.

બંને બહેનપણીઓ અલ્પાને ઘેર ગઇ. ચા નાસ્તાને ન્યાય આપ્યા પછી શર્વરી તેનું હોમવર્ક કરવા અંદર ગઇ. બંને બહેનપણીઓએ હીંચકા પર જમાવ્યું.

અનુ, તને આમ તો મારા વિશે ઘણી ખબર છે જ. અલ્પેશની જિંદગીમાં શાશ્વતીના પ્રવેશ પછી હું અલ્પેશથી છૂટી પડી હતી. કોઇ અન્ય સ્ત્રી સાથેના પતિના સંબંધો હું કોઇ પણ સ્ત્રીની માફક આસાનીથી સ્વીકારી શકું નહીં તે સ્વાભાવિક જ હતું ને ? એ બધી વાતની તો તને ખબર છે. અલબત્ત અમે છૂટાછેડા લીધા હતા કે એવી કોઇ કાનૂની વિધિ નહોતી કરી…એવી કોઇ જરૂર નહોતી લાગી. અમે શાંતિથી જ છૂટા થયા હતા. કોઇના મન ઉપર..કોઇની લાગણી ઉપર આપણો કાબૂ થોડો જ હોય છે ? મનમાં કોઇ કડવાશ વિના જ અમે છૂટા થયા હતા. સંતાન નહોતું તેથી બીજી કોઇ સમશ્યા નહોતી.

હા..અને એટલે જ તારી દીકરીને જોઇને આશ્રવર્ય થયું. તું અલ્પેશથી અલગ થઇ ત્યારે તારે કોઇ સંતાન નહોતું એની મને જાણ છે જ.તો પછી આ પુત્રી ? તેં બીજા લગ્ન કર્યા ? અને આવડી મોટી વાતની મને જાણ પણ ન કરી ?

પણ બીજા લગ્ન કર્યા હોય તો જાણ કરું ને ?

તો પછી…?

એ વાત હવે આવે છે.
અલ્પેશથી અલગ થયા બાદ મેં જુદું ઘર લીધું. મારી નોકરી તો ચાલુ હતી જ. તેથી ખાસ કોઇ પ્રશ્નો ન આવ્યા. ધારું તો બીજા લગ્ન સહેલાઇથી કરી શકું તેમ હતી. પરંતુ મારું મન ઉઠી ગયું હતું. બીજીવાર કોઇ કડવા અનુભવ માટે હવે હું તૈયાર નહોતી. જીવનને જેમ છે એમ સ્વીકારી લીધું હતું..કોઇ ફરિયાદ વિના. પરંતુ વરસો પછી એક દિવસ અચાનક અલ્પેશ મને મળવા આવ્યો.

અલ્પા, એક વિનંતિ કરી શકું ?

હું તેની સામે જોઇ રહી..આટલા વરસો બાદ હવે શું છે ? કોઇ કાનૂની ગૂંચવણ છે કે શું ? કાયદાની દ્રષ્ટિએ હજુ હું તેની પત્ની હતી જ. કશું બોલ્યા સિવાય હું તેની સામે જોઇ રહી.

આમ તો મને કોઇ હક્ક નથી. મેં તને અન્યાય કર્યો છે એ હું જાણું છું. પણ… છતાં હું મૌન રહી..શું બોલું ? બે મિનિટ પછી અલ્પેશે ધીમેથી કહ્યું, શાશ્વતીને તને એકવાર મળવાની ખૂબ ઇચ્છા છે.

પણ મને એને મળવાની કોઇ તમન્ના નથી. મારો સંસાર બગાડનારનું મોઢું જોવા હું નથી માગતી. તારી વાત સાચી છે. તને અમે બંને એ અન્યાય કર્યો છે. શાશ્વતી એ માટે તારી માફી માગવા ઇચ્છે છે.

માફી ? આટલા વરસે ? એવી શી જરૂર પડી ? આજે હું કેમ યાદ આવી ? અને સાંભળ્યું છે તમારે એક દીકરી પણ છે..

હા..ચાર વરસની.

અભિનંદન..

અલ્પા…પ્લીઝ..એકવાર..આખરી વાર શાશ્વતીને તું મળી લઇશ તો એને શાંતિ થશે .

જેણે મારા જીવનમાં અશાંતિ ફેલાવી એને મારા મળવાથી શાંતિ થશે ? નવાઇની વાત છે. મેં થોડા કટાક્ષથી કહ્યું.

‘ તને કંઇ પણ કહેવાનો હક્ક છે. પણ મરનારની આખરી ઇચ્છા પૂરી કરવી એ તો પુણ્યનું કામ કહેવાય.પછી મરનાર ભલે દુશ્મન હોય

. મરનાર..? કોણ મરવાનું છે ?

શાશ્વતી…કેન્સરના લાસ્ટ સ્ટેજમાં બે મહિનાથી છે.હવે બે દિવસ પણ કાઢશે કે કેમ એ ખબર નથી. બે મહિનાથી સતત એક જ વલોપાત કરે છે..તેને લીધે તારી જિંદગી બગડી..તેથી ઇશ્વરે તેને સજા કરી..એવું કહ્યા કરે છે. તું આવીને એકવાર તેને માફી આપીશ તો કદાચ શાંતિથી… કહેતા અલ્પેશનો અવાજ ગળગળો બની ગયો. તે કહે છે અલ્પા જરૂર આવશે.મને વિશ્વાસ છે. હું હતપ્રભ બની ગઇ. અલ્પેશ સાથે હોસ્પીટલ પહોંચી. શાશ્વતીની હાલત જોઇ હું ગભરાઇ ગઇ. ભૂતકાળની બધી વાત ભૂલી ગઇ.મને જોઇ શાશ્વતીના ચહેરા પર મંદ હાસ્ય ફરકયું. ધીમા અવાજે તે બોલી

‘ મને માફ કરી શકીશ ? માફી માગવાને લાયક તો નથી..પણ.. ‘

મેં મૌન રહીને તેનો હાથ દબાવ્યો. શું બોલું હું ? બત્રીસ વરસની ઉમરે દુનિયામાંથી આખરી વિદાય લેતી એક સ્ત્રીને શું કહું હું ?

‘ મને ખબર હતી..હું ખરાબ છું..તું નહીં જ.. મારી નાનકડી દીકરીની ભલામણ તને કરવી હતી..તારા સિવાય મને કોઇ પર વિશ્વાસ આવે તેમ નથી..પરંતુ કયા મોંએ કરું ?

કહેતી શાશ્વતી રડી પડી હતી. હું ચૂપચાપ તેને માથે હાથ ફેરવતી રહી. આટલું બોલતા તેને હાંફ ચડી હતી. તેના ધબકારા ઓછા થતા જતા હતા. ન જાણે કૈ શક્તિ પર તે આટલું પણ બોલી હતી. એમ ડોકટર કહેતા હતા.

વળી થોડીવારે તેણે આંખ ખોલી.તૂટતા સાદે માંડ માંડ બોલી..

‘ અલ્પા, હું ખરાબ હતી..છું..પણ..પણ મારી નાનકડી દીકરી ખરાબ નથી..એનો કોઇ વાંક નથી..એને..એને… પણ વાકય પૂરું ન થયું. શ્વાસ ખૂટી ગયા..અને નાની દીકરી તરફ એકીટશે જોઇ રહેલી એક માના શ્વાસ અટકી ગયા. એક દીકરી પાસેથી મા છિનવાઇ ગઇ. હું હતપ્રભ બની રહી. અલ્પેશની આંખો વરસતી હતી.

બસ..પછી તો ઘણી વાતો થઇ..ચર્ચાઓ થઇ. હું કોઇ રીતે અલ્પેશને માફ કરી શકું એમ નહોતી. શાશ્વતી સામે હવે ફરિયાદનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?મરેલ માનવીની અદબ આમ પણ આપણે જાળવતા હોઇએ છીએ ને ?

પણ મારા મનમાં શાશ્વતીના આખરી શબ્દો પડઘાઇ રહ્યા હતા.

એક માનવીની આખરી ઇચ્છાને અવગણવાની તાકાત મારામાં નહોતી. જતા જતા એક માએ મારામાં વિશ્વાસ મૂકયો હતો. એ મારાથી વિસરાતું નહોતું .અને આમ પણ જે કંઇ બન્યું એમાં આ બાળકીનો કોઇ દોષ કયાં હતો ? એક નિર્દોષ બાળકીને તેની કઇ ભૂલની સજા હું આપું ? કેમ આપું ? અને શર્વરીને હું હમેશ માટે મારી સાથે લાવી. મારી દીકરી બનાવીને…મા બાપની ભૂલની સજા એક માસૂમ કેમ ભોગવે ? બસ…હવે હું બધું ભૂલી ચૂકી છું. શર્વરી મારા જીવવાનું પ્રેરક બળ બની રહી છે. નહીતર કદાચ કયારેક હું એકાકી બની રહેત..અને ઉદાસીની ગર્તામાં ધકેલાઇ જાય.પરંતુ હવે તો મારે એક મજાની દીકરી છે..એને ઉછેરવાની છે..હું પત્ની છુ કે કેમ એ ખબર નથી..પરંતુ એક દીકરીની મા અવશ્ય છું. કહેતા અલ્પાની આંખો ભીની બની રહી. તો અનુરાધાની આંખ પણ કયાં કોરી રહી શકી હતી ?

ત્યાં નાનકડી શર્વરી દોડીને આવી અને મમ્મીના આંસુ લૂછીને તેને વળગી રહી.
સંબંધોનો કેવો મજાનો સેતુ રચાયો હતો નહીં ?

શીર્ષક પંક્તિ..ડો. મહેશ રાવલ
( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

5 thoughts on “સંબંધસેતુ..

 1. you have your self proved at end that women is enemy of women.

  shashwti jo women ni dushman hoi to Alpa ? Alpa women ne

  Devi..Alpa Dya no sagar…Great Alpa tari sahan shakti ne and

  jivan na ek mode per lidhela niranay ne.

  Like

 2. હમેશની જેમ હ્રદય સ્પર્શી..!! .. દી.. આપના વિચારબિંદુ – આપની લેખન શૈલી.. કેવી રીતે બિરદાવવી ?? શબ્દો નથી મલતા ક્યારેય ..!!

  Like

 3. અહીં આલેખાયેલી વાત અને મારી ગઝલનો શેર…. બન્ને જાણે એકબીજાનાં પૂરક હોય… એમ પરસ્પર બન્નેના ભાવજગતનું સુંદર વિસ્તરણ!
  આભાર અને અભિનંદન નીલમબેન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s