મહેમાન..

દીવાબહેનનો એક નો એક પુત્ર લય આજે વરસો બાદ અમેરિકાથી આવવાનો હતો. જોકે ફકત બે જ દિવસ રોકાવાનો હતો. એ તેણે સ્પષ્ટ શબ્દોમાં પહેલેથી કહી દીધું હતું. જેથી મમ્મી તેને ખોટો..ઇમોશનલ આગ્રહ ન કરે. મમ્મીને તે સારી રીતે ઓળખતો હતો. તે થોડી લાગણીશીલ હતી. વાતવાતમાં રડી પડતી. એટલે ચોખવટ કરી લેવી સારી.!

એક વરસ પહેલાં અચાનક દિનકરભાઇને એટેક આવી ગયો. હતો..અને હોસ્પીટલમાં સૂતા સૂતા તેઓ દીકરાને એકવાર જોવા માટે ઝંખતા હતા ત્યારે દીવાબહેને લયને ફોન કરીને બધું કહ્યું હતું. પણ લય નો જવાબ હતો,

‘ હું કંઇ ડોકટર થોડો છું ? હું આવી ને શું કરી શકીશ ? પૈસા ન હોય તો મોકલાવી આપુ. ‘

અને દીવાબહેન મૌન બની ગયા હતા. લયને તો એમ જ લાગેલ કે પૈસા માટે જ મમ્મીએ ફોન કર્યો છે. વહુની આંખે જોતા દીકરાને એમ જ લાગે ને ?

અને પછી અંતે દિનકરભાઇએ અંતિમ શ્વાસ લીધો…ફરી પાછો એકવાર દીવાબહેને ફોન કર્યો…પણ હવે તો આમે ય પપ્પા છે નહીં…તો પોતે આવી ને શું કરી લેવાનો છે ? અને પોતે એવી કોઇ વિધિમાં માનતો નથી. એટલે કોઇ ક્રિયા કે એવું કંઇ કરવાની જરૂર નથી. પૈસા જોતા હોય તો કહેજો.

દીવાબહેન કેમે ય કહી ન શકયા કે ભાઇ, તું ભલે નથી માનતો…પણ મૃત્યુ તારા બાપનું થયું છે..અને તે માનતા હતા તેનું શું ? દીકરાના હાથે અગ્નિદાહ દેવાય એવી તેમની કેટલી ઇચ્છા હતી…!

આજે તો એ વાતને યે એક વરસ વીતી ગયું હતું.. કોઇ ફરિયાદ વિના સ્વમાની દીવાબહેન પૂરી ખુમારીથી એકલા હાથે જિંદગી સામે ઝઝૂમતા હતા

પોતાને પુત્ર હતો એ તેમણે પોતાની જાતને જ ભૂલાવી દીધું હતું. અને હવે દિનકરભાઇના મોત પછી તો પુત્ર જાણે તેને માટે અજનબી બની ગયો હતો..પતિની અંતિમ ઇચ્છા પોતે પૂરી ન કરી શકયા..એ માટે દીકરાને માફ કરી શકે તેમ નહોતા. આજે પુત્રના આવવાના સમાચારે દીવાબહેન થોડી પળો માટે ઢીલા પડી ગયા. વરસો પછી દીકરાને જોવા પામવાના હતા

રસોઇ બનાવતા બનાવતા દીવાબહેનના મનમાં વિચારોના વંટોળ ઉઠતા હતા.

સમય થતાં પુત્ર આવ્યો..દીવાબહેન બે ચાર પળો પુત્ર સામે જોઇ રહ્યા.પુત્રના

‘ કેમ છો ? ‘ પ્રશ્ન ના જવાબમાં મૌન, ધીમુ સ્મિત કર્યું. આગળ શું બોલવું..કે પૂછવું એ પુત્રને સમજાયું નહીં.. અને દીવાબહેનને કંઇ પૂછવાનું હતું નહીં. દીવાબહેનના અંતરમાં તો ઘણું યે તોફાન ચાલતું હતું.. પણ મન ઉપર સંયમ રાખી રહ્યા.

થોડીવાર પછી દીવાબહેને પુત્રને પૂછયું,

‘ શીખંડ હજુ ભાવે છે કે કેમ ? ’

જવાબ હા માં આવતા પડોશમાંથી વિનીતને બોલાવી કહ્યું,

‘ વિનીત બેટા, મહેમાન આવ્યા છે . જરા બજારમાંથી શીખંડ લાવી આપીશ ? ”

વિનીત તો લયને કયાં ઓળખતો હતો ? તેને નવાઇ તો લાગી. પણ કંઇ બોલ્યા સિવાય તેણે શીખંડ લાવીને પૂછયું, માસી, બીજુ કંઇ કામ છે? માસીએ ‘ ના પાડતા તે ઘેર ગયો.

લયને આશ્ર્વર્ય થયું. પોતે કયાં મહેમાન હતો ? તેને તો હતું કે મમ્મી કંઇક રડશે અને ઘણી ફરિયાદો કરશે.પપ્પાના મૃત્યુ વખતે પોતે કેમ ન આવ્યો..વિગેરે..વિગેરે…અને પોતે બધી વાતો. બધી ફરિયાદોના શું જવાબ આપવા તે નક્કી કરીને જ આવેલ. પણ…. અહીં તો કોઇ ફરિયાદ જ કયાં હતી ? પોતે અજાણ્યો મહેમાન હોય તેવી દીવાબહેનની સ્વસ્થતાથી તે મનમાં અકળાતો હતો. તેણે મૂંગા મૂંગા જમી લીધું.

મમ્મી કેમ કંઇ પૂછતી નથી. ? પોતાને યે શું બોલવું..શું પૂછવું..એ સમજાતું નહોતું. જે બે ચાર પ્રશ્નો પૂછયા તેના જવાબ એક- બે વાકયમાં જ મળ્યા. આમ તો તે બે દિવસ તે માટે આવેલો. પણ સાંજ પડતાં તે કંટાળી ગયો. તેને થયું..જવાની વાત કરીશ એટલે મમ્મી વાત કરશે કે બની શકે પૈસા માગશે..પૈસા તો પોતે લઇને જ આવ્યો હતો. તેણે કહ્યું,

‘ તો મમ્મી, હું જાઉં ? કંઇ કામ નથીને મારું ? ‘

’ ના રે, મારે શું કામ હોય ? જેવી તારી ઇચ્છા. અત્યારે સાત વાગ્યે બસ જાય છે. હજુ તો છ વાગ્યા છે. એટલે શાંતિથી પહોંચી જવાશે. ‘

લય તો માનું આ રૂપ જોઇ જ રહ્યો. તેને ઘણું બોલવાનું મન થયું.. પણ શબ્દો ન મળ્યા. વરસોથી છૂટી ગયેલ શબ્દો આજે એમ સહેલાઇથી કેમ મળે ? સાંજે છૂટા પડતી વખતે તે અચકાતા અચકાતા માને પગે લાગ્યો. આવ્યો ત્યારે તો નહોતો લાગ્યો..પણ અત્યારે તેનાથી અનાયાસે લગાઇ ગયું. મા કંઇ બોલી કે નહીં..એ તેને ખબર ન પડી. જતી વખતે માએ તેના હાથમાં એક કવર મૂકયું. તેણે પૂછયું તો કહે..જે તારું છે..એ જ છે. અમારું કંઇ નથી. તું નિરાંતે જોઇ લેજે. દીવાબહેન તો ઢીલા ન બન્યા. રોતલ પણ ન બન્યા. પણ ન જાણે કેમ લયની આંખો છલકાઇ આવી . લય ઘરમાંથી બહાર નીકળ્યો. તેના પગ ભારે થઇ આવ્યા. મમ્મી ગુસ્સે થઇ હોત તો સારું હતું.પણ…આ નીરવતા ….? .

દીવાબહેન જતા લયને જોઇ રહ્યા. ગુસ્સે તો પુત્ર પર થવાય..આ તો મહેમાન..! તેમની અંદર કંઇક તૂટી રહ્યું હતું. ભીની આંખે તે અંદર જતા રહ્યા.

લયે જયારે કવર ખોલ્યું ત્યારે તેમાં પોતે પપ્પાની બીમારી વખતે મોકલેલ ડોલર અકબંધ હતા.! લય ડોલરની નોટો સામે જોઇ રહ્યો.! આજે લયને આ કાગળિયા ભારેખમ લાગ્યા.

( સન્દેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ”

9 thoughts on “મહેમાન..

  1. એક બળબળતો નિસાસો નિકળી પડે છે જ્યારે આવી કોઇ વાત જાણવા સાંભળવા મળે ત્યારે.
    જે આંખથી વેગળા એ મનથી પણ વેગળા??

    Like

  2. દીવા બહેન જેવા સ્વમાની થઈ આવા બાળકોને પાઠ ભણાવવા જોઈએ ! નીલમ બહેન વાર્તાનો અંત ખૂબ જ ગમ્યો !

    Like

    • ગોપાલભાઇ..કમનસીબે આનાથી પણ નપાવટ દીકરાઓ નજરે જોયા છે..સાંભળ્યા છે.. આ તો કશું જ નથી… !
      પણ હવે માબાપે મમતાના ખોટા મોહમાં તણાયા સિવાય ..પોતાનું સ્વમાન સાચવીને દીકરાઓને પાઠ ભણાવવો જોઇએ.. પરિવર્તન એ કોઇ પણ સમયની માગ છે.

      Like

  3. આંસુ પાડી રડતી કકળતી મા ને બદલે આમ સ્વમાન સાચવી દીકરાને પાઠ ભણાવતી મા ગમી !!

    લતાજ. હિરાણી

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.