સંબંધસેતુ..

સંબંધસેતુ
વાત જરુર કોઇ ફરતી લાગે છે,

સંબંધો બધાય શરતી લાગે છે.

કેટલાક સંબંધો જીવવાના હોય છે.. તો કેટલાક જીરવવાના હોય છે. જીવનમાં દરેક સંબંધ આપણી પોતાની પસંદગીના નથી હોતા. મિત્રોમાં આપણી પસંદગી ચાલી શકે..પરંતુ સગાઓમાં પોતાની પસંદગી નથી હોતી. કોઇ સંબંધો લાગણીના તાણાવાણાથી જોડાયેલા હોય છે. તો કોઇ સંબંધો લોહીના તાણવાણાથી. પરંતુ લોહીના સંબંધોમાં દરેક વખતે લાગણી હોય જ એવું જરૂરી નથી હોતું અને એ શકય પણ નથી બની શકતું. અને છતાં એ સંબંધો પણ એક કે બીજા કારણ સર વત્તે ઓછે અંશે નિભાવાતા હોય છે. નિભાવવા પડતા હોય છે. કેમકે કાલે કોની જરૂર પડશે એની જાણ કોઇને હોતી નથી. કયારેક ચપટી ધૂળ પણ કામમાં આવે એવી આપણી માન્યતાને લીધે ઘણીવાર અણગમતા સંબંધો પણ આપણે જાળવી લેતા હોઇએ છીએ..

લગ્ન, મરણ કે એવો કોઇ પણ સામાજિક પ્રસંગ સ્વજનો વિના અધૂરો જ લાગવાનો. એવે સમયે જો માણસો ન દેખાય તો પ્રસંગની શોભા ઘટતી હોય એવું લાગે છે. પરંતુ આવા કોઇ પ્રસંગે પણ સગાઓ પોતપોતાના સ્વભાવ મુજબ જ વર્તન કરવાના .. જેને લીધે પ્રસંગ પછી સંબંધો કયારેક બગડતા હોય છે..તો કદીક સુધરતા પણ હોય છે. આજે આવી જ કોઇ વાત.. વસંતભાઇના પુત્રના લગ્ન હતા. સગા સંબંધીઓથી ઘર ભરચક્ક હતું.

વસંતભાઇ અને તેમના પત્ની માધુરીબેન શકય તેટલી રીતે કોઇ મહેમાનોને ઓછું ન આવે તેનું ધ્યાન રાખતા હતા. પરંતુ આવા પ્રસંગે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં જાણ્યે અજાણ્યે નાની મોટી ભૂલ દરેકથી થઇ જ જતી હોય છે. જેનો ખ્યાલ તે સમયે આવી શકતો નથી. એકી સાથે અનેક મોરચા સંભાળવાના હોય ત્યારે આવું બનવું સહજ હોય છે. જો સગાઓ તેને સહજતાથી લઇ શકે તો ખાસ મુશ્કેલી થતી નથી. પરંતુ દરેક વખતે સ્વજનો મન મોટું રાખીને જતું કરી શકતા નથી. અને નાની નાની વાતને સ્વમાનનો મુદ્દો બનાવતા રહે છે.

વસંતભાઇનો એક પિતરાઇ ભાઇ અને ભાભી..જનકભાઇ અને ચારુબહેન પણ લગ્નમાં આવ્યા હતા.લગ્ન તો રંગે ચંગે પતી ગયા. ઘરમાં રૂમઝૂમ કરતી વહુરાણી આવી પહોંચી. લગ્નના બીજા દિવસે ચારુબહેન જનકભાઇને કહી રહ્યા હતા. જાણે પ્રસંગનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા.
‘ તમે જોયું ને કે આપણને તો વસંતભાઇ અને ભાભીએ આઘા જ રાખ્યા. આપણી કોઇ કદર કરી ? આટલે દૂરથી ..આટલી ટિકિટ ખરચીને પણ આપણે તેના આમંત્રણને માન આપીને આવ્યા. પણ એમણે કોઇ પ્રસંગમાં આપણને માન આપ્યું ? તેના પોતાના સગાભાઇ હતા પછી આપણા ભાવ શાના પૂછે ? આ તો તેડાવવા પડે એટલે તેડાવ્યા હતા. અને આપણે હરખપદૂડાની જેમ દોડી આવ્યા .. કોઇ જશ મળ્યો ? તેઓ આપણે ત્યાં આપણા જયના લગ્નમાં આવ્યા હતા ત્યારે આપણે તેમનું કેટલું સાચવ્યું હતું. જયારે અહીં તો આવ્યા છે તો “ નાખો વખારે જેવો “ ઘાટ હતો. પોતાના ભાઇને ઘરમાં રાખ્યો અને આપણને આઘે કાઢયા. ઉતારામાં પણ હતા કોઇ ઠેકાણા ? કોઇએ આવીને આપણી ભાળ લીધી ? જયાં જુઓ ત્યાં બીજાને જ આગળ કરતા હતા. અરે પીરસવા આવ્યા ત્યારે પણ જોયું નહીં ? બીજાને કેવો આગ્રહ કરતા હતા..આપણને તો ખાલી એકાદ વાર પૂછવા ખાતર પૂછી લીધું. આપણે ઘેરથી ગયા ત્યારે આપણે કેટલી મીઠાઇઓ સાથે આપી હતી.. આ તો એક નાનું અમથું બોક્ષ પકડાવી દીધું હાથમાં..આપણે કંઇ મીઠાઇના ભૂખ્યા નથી. આ તો એના ઉપરથી તેમની ભાવનાની ખબર પડે.. વાતો જ મોટી મોટી કરતા આવડે છે..બાકી કંઇ ભલીવાર નથી. બીજીવાર હું તો આવું જ નહીં ને ?

જનકભાઇ પત્નીની વાત મૌન બનીને સાંભળી રહ્યા. તેમને પણ થયું કે પત્નીની વાત તો સાચી છે. વસંતભાઇએ પોતાનું સાચવ્યું નહીં.અરે, પોતાના સગાઓ કરતા તો તેમણે પોતાના દોસ્તારોનું ધ્યાન પણ વધારે રાખ્યું.

બસ..થઇ રહયું.. મનમાં એક વાર દુર્ભાવ પ્રવેશે પછી એને રોકી શકાતો નથી.. પછી તો અનેક દોષ દેખાવા લાગે છે. આમ પણ દોષ શોધનારને તો એ મળી જ રહેવાના ને ? જનકભાઇ એ ન જોઇ શકયા કે વસંતભાઇના દોસ્તારો લગ્નમાં કેટલી દોડા દોડી કરી રહ્યા હતા. ને બધી જવાબદારી સામેથી ઉપાડી લીધી હતી. જયારે પોતે મહેમાનની માફક આગતા સ્વાગતાની આશા રાખીને બેસી રહ્યા હતા. આવે સમયે મદદરૂપ થવાને બદલે પોતાને આમ જોઇશે ને તેમ જોઇશે..એમ કહી જાતજાતની સગવડ માગી રહ્યા હતા. પ્રસંગે ચલાવી લેવાની કે મદદરૂપ થવાની વૃતિને બદલે પરાયાની માફક વર્તી રહ્યા હતા..આગ્રહની આશા રાખીને દૂર જ બેસી રહ્યા હતા. અલબત વસંતભાઇએ પોતાનાથી શકય તેટલું ધ્યાન બધાનું રાખ્યું જ હતું. અને છતાં કોઇ વધારે પડતી અપેક્ષા રાખીને બેસી રહે ત્યારે કશુંક ચૂકાઇ પણ જાય. એ સહજ વાત જનકભાઇ કે ચારૂબહેન સમજી કે સ્વીકારી ન શકયા.

અને તેમનો અણગમો છૂપાવવાને બદલે દરેક આગળ તેઓ વ્યકત કરતા રહ્યા. બળાપો કાઢતા રહ્યા. વાત ફરતી ફરતી વસંતભાઇ પાસે પહોંચે તે સ્વાભાવિક જ હતું ને ?

વસંતભાઇને થયું પોતે આટઆટલું રાખ્યું છતાં જનકભાઇને ઓછું લાગ્યું. અને બધા પાસે પોતાની વાતો કરી. આને સગા કેમ કહેવાય ?

બસ..જેમ દૂધને ફાટવા માટે ખટાશના બે બુંદની જ જરૂર પડતી હોય છે ને ? તે રીતે સંબંધો બગડવા માટે બે ખરાબ શબ્દોની જ જરૂર પડતી હોય છે. કડવા શબ્દના એક નાનકડા તણખાથી પણ મોટી આગ જલતી હોય છે. એ સત્ય અહીં પણ પૂરવાર થયું. બંને કઝિન ભાઇઓ વચ્ચે એક દીવાલ ચણાઇ ગઇ. આવે સમયે જો બીજા સગાઓ ધારે તો એ દીવાલ તોડી શકતા હોય છે. પરંતુ માનવસહજ સ્વભાવ મુજબ સામાન્ય રીતે આવા સમયે સગાઓ એ દીવાલ તોડવાને બદલે એ દીવાલને મજબૂત જ બનાવતા હોય છે. એમાં સિમેન્ટ પૂરતા હોય છે. શબ્દોથી ભડકાવતા હોય છે. વસંતભાઇ અને જનકભાઇના કિસ્સામાં પણ એવું જ થયું. એક સંબંધ તૂટયો.. સંબંધોની સ્વસ્થતા ખોરવાણી..

આવું અનેક પ્રસંગોએ ,અનેક લોકો સાથે બનતું રહે છે. એક કે બીજા કારણસર સારા, માઠા પ્રસંગોએ મન ખાટા થતા રહે છે. હકીકતે કોઇ પણ સામાજિક પ્રસંગે થોડી સમજદારીથી..કામ લેવાવું જોઇએ એવું નથી લાગતું ? મન મોટું રાખી થોડું ચલાવી લેવાની વૃતિ … થોડી બાંધ છોડ કરવાની ભાવના ન રાખવી જોઇએ ? પોતાને ઘેર પ્રસંગ હોય તેવે વખતે યજમાનને માથે અનેક જાતના ટેંશન હોય છે. એવે સમયે સગાઓએ ટેન્શનમાં વધારો કરવાને બદલે તેમને મદદરૂપ થવાની ભાવના ન રાખી શકાય ? તેમણે આપણું શું સાચવ્યું એ જોવાને બદલે આપણે તેને કેવી અને કેટલી રીતે મદદરૂપ થઇ શકાય એવો વિચાર ન રાખી શકાય ? આપણે શું મદદ કરી શકયા તે વિચારવું વધારે યોગ્ય ન ગણાય ? પ્રસંગ તો ચાર દિવસમાં આવીને ચાલ્યો જશે..પણ એથી કંઇ જીવનભરના સંબંધોમાં કડવાશ કેમ પ્રવેશવા દેવાય ?
કેળવી શકીશું આવી દ્રષ્ટિ ? અને પ્રસંગોએ સાચા અર્થમાં સગાઓ બનીને ઉભા રહી શકીશું તો જીવનભર સંબંધોની મધુરતા જળવાઇ રહેશે. બે ચાર દિવસ સાચવી લેવીથી કે થોડું ચલાવી લેવાની ભાવનાથી જો સંબંધો જળવાઇ શકતા હોય તો સોદો ખોટનો કહેવાય ખરો ?

શીર્ષક પંક્તિ.. નિમિષા મિસ્ત્રી
( સ્ત્રીમાં પ્રકાશિત નિયમિત કોલમ )

4 thoughts on “સંબંધસેતુ..

  1. પિંગબેક: સંબંધસેતુ.. (via પરમ સમીપે) « વિજયનુ ચિંતન જગત

  2. આ તો ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ , (અમુક લોકોને સંબંધ તોડવાનું કે સામેવાળાને નીચા દેખાડવાનું બહાનું જોઈતું હોય છે, તે સારા-માઠા પ્રસંગે મળી રહે)

    Like

  3. નિલમબેન, સબંધો ના સેતુને જાળવવા ઊભય પક્ષોના મતમતાંતર કરતાં તેના પાયામાં રહેલી શુદ્ધભાવનાઓ પર વધુ અવલંબે છે..કોઈ એકના હાથની કે મરજીની વાત નથી હોતી,,ભાવનામાં ખોટ આવે ત્યારે તે કાચ જેટલો નાજુક બની જતો હોય છે. મારા મતે જ્યાં સ્વાર્થના આધારે સબંધ બંધાય છે. ત્યાં તે અલ્પકાલિન બની જતો હોય છે. એ વાત તો સમજી શકાય તેવી છે. પણ એક્નો સ્વાર્થ અને બીજાનો નિસ્વાર્થ ભાવ હોય ત્યારે તેની અવદશા જે થાય તેની કલ્પના કરી શકાય ખરી નિલમબેન?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s