ચપટી ઉજાસ.. 87

પ્રસાદિયા ભગત

આભાદીદી અમને ખીજાઇને ગયા..અમને ખીજાવાનો બધાને હક્ક છે. અમે કોઇને ખીજાઇ ન શકીએ… બધા કહે એમ જ અમારે કર્યા કરવાનું ?

આભાદીદી અંદર ગયા એટલે અમને સૌને હાશ થયું. માનસી, મીલી, કુશ બધાએ તો જીભડા કાઢયા.. આભાદીદીના નામ ઉપર,.. હજુ તો અમે રમતા હતા..ત્યાં અંદરથી ટીન ટીન ઘંટડીનો અવાજ સંભળાયો..એટલે હું અંદર દોડી. મને ખબર હતી કે આને આરતી કહેવાય અને આરતી થાય પછી પ્રસાદ મળે..આને આજે તો આટલો બધો પ્રસાદ મળવાનો હતો.. આજે તો શીરો પણ બન્યો હતો પ્રસાદમાં..એની યે મને ખબર હતી. પણ ભગવાનજી ખાઇ ન લે ત્યાં સુધી અમને નહીં મળે એની પાક્કી ખાત્રી હતી. જોકે ભગવાનજીની એક ભારે નિરાંત.. એ કંઇ બધો પ્રસાદ ઝાપટી ન જાય એ તો ખાલી જરાક ચાખી લે… જરાયે ઓછો ન કરે.. ઉમંગી ફૈબાએ જ મને આ સમજાવ્યું હતું.. અને એ ચાખે એ કોઇ જોઇ ન શકે.. આપણે આંખો બંધ કરીએ પછી જ એ ચૂપચાપ ચાખે.

હું યે ઘણીવાર મમ્મી આંખ બંધ કરે ત્યારે કેવી ઝટપટ ખાઇ લઉં છું..મમ્મીને ખબર ન પડે એમ..એની જેમ જ ભગવાન પણ આપણી આંખ બંધ હોય ત્યારે જ ખાય. જોકે કયારેક હું કોઇને ખબર ન પડે એમ છાનીમાની આંખ ખોલીને જોઇ લઉં છું કે ભગવાનજી એ ખાધું કે નહીં ? પણ મને કંઇ દેખાતું નથી.

આજે આરતીનો અવાજ સાંભળી હું અંદર દોડી ..તો મારી સાથે બધા છોકરાઓ દોડયા..
કાકા અને કાકી હાથમાં થાળી લઇને આરતી કરતા હતા. થાળીમાં દીવો કર્યો હતો. મને બીક લાગી..કયાંક કાકાને “ ઉ “ થઇ જાય તો ? એકવાર ભાઇલો દીવાને અડી ગયો હતો ને કેવું “ ઉ “ થયું હતું તેને…

બધા તાળીઓ પાડતા હતા. આભા દીદી ખંજરી વગાડતા હતા.મને પણ ખંજરી વગાડવી બહું ગમે. એકવાર મેં તેમના હાથમાંથી લેવાનો પ્રયત્ન કરી જોયો. પણ આ કંઇ ઉમંગી ફૈબા થોડા હતા કે મને આપી દે… આભાદીદી કંઇ કોઇને આપે તેમ નથી જ… આભાદીદી તો મને ધક્કો મારીને આઘા ખસી ગયા.

હું ફૈબા પાસે જઇને ઉભી રહી ગઇ.. ને બધાની જેમ તાળી પાડવા લાગી. થોડી વાર બધાએ મોટેથી જે બોલાવી.. દાદીમા રોજ બોલે છે તેમ.. ના..તેના કરતા પણ મોટેથી

અમને બધાને અંદર આવેલ જોઇને મોટા ફૈબા બોલ્યા… આ પ્રસાદિયા ભગત જુઓ..બધા દોડી આવ્યા…

આભાદીદી કહે..એ બધાને સૌથી છેલ્લે જ પ્રસાદ આપવાનો છે. બહું તોફાન કરતા હતા ને ?
પણ ત્યાં ઉમંગી ફૈબા સૌથી પહેલા અમને બધાને જ પ્રસાદ આપવા લાગ્યા. આજે તો પ્રસાદ પણ કંઇ હાથમાં થોડો ક જ નહોતો આપ્યો.. એક મોટા કાગળના વાટકામાં આપતા હતા. માલામાસી, મમ્મી, ફૈબા બધા પ્રસાદ આપતા હતા. માલામાસી તો મને આખો વાટકો ભરીને આપ્યો. અમે બધા ખુશ.. હાથમાં વાટકો લઇ અમે ફરીથી બહાર દોડી ગયા. ત્યાં દાદીમા કહે,

‘ અંદર બેસીને ખાવ બધા.. બહાર ઢોળાઇ જશે.. ‘ પણ કોઇએ દાદીમાનું સાંભળ્યું નહીં. મોટા ફૈબા કહે,
‘ મમ્મી,, આ બધી તો વાનરસેના…કોઇ તારું સાંભળવાનું નથી. ‘

‘ એમાંયે જૂઇ તો બાપલા… ભારે જબરી..’

આભાદીદી સિવાય બીજું કોણ બોલે આવું ?

બહાર રમતા રમતા પણ હું સાંભળી ગઇ હતી. મને જરાયે ગમ્યું નહીં ..પણ મને ગમે કે ન ગમે એની પરવા કોઇ બહું કરે તેમ નથી જ.એની મને પાક્કી ખાત્રી છે.

હવે તો કાકા, કાકી બધા બહાર આવ્યા. ફળિયામાં એક તરફ હીંચકો હતો. કાકીને આ હીંચકો બહું ગમે. કાકી તો હાથમાં પ્રસાદનો વાટકો લઇને હીંચકે બેઠા. તેમને ખાવાની બહું મજા આવતી હતી એવું મને લાગ્યું.. એ કાકાને અંગ્રેજીમાં કંઇક પૂછતા હતા…કાકા તેને સમજાવતા હતા. કાકી કહે..
’ વાઉ..’ .

આ વાઉ…વળી શું હશે ? કાકીને અમારા બધા જેવું …મમ્મી કે દાદીમા જેવું બોલતા કેમ નહીં આવડતું હોય ? મેં કાકી પાસે જઇને મારામાંથી થોડો પ્રસાદ કાકીને આપ્યો. મને જે ગમતા હોય એને આપવું મને બહું ગમે..પણ આભાદીદીને તો હું ન આપું..

ત્યાં માલામાસી મારી પાસે આવ્યા..મને કહે,

‘ જૂઇ, ચાલ ઘેર આવવું છે ? ‘ આમ તો મને તેમને ઘેર જવું બહું ગમે..પણ આજે કાકી પાસે થી ખસવાનું મને મન ન થયું. એટલે મેં માથુ હલાવી ના પાડી..

માસી હસીને કુન્જકાકાને કહે…

‘ કુંજ, આ જૂઇને આટલા દિવસમાં જ એના કાકીની માયા માયા લાગી ગઇ છે.’

કાકા કહે..’ જેનાને પણ બાળકો બહું વહાલા છે. અમારી આ જૂઇ તો તેની લાડકી છે.

હું કાકીના ખોળામાં ચડી બેઠી. ત્યાં ઉમંગી ફૈબા આવ્યા મને જોઇને કહે..

’ ભાભી, માંડ માંડ સાડી સાચવી છે..જોજો હોં આ જૂઇને બેસાડવામા સાડી નીકળી ન જાય… ‘

અને બધા ખડખડાટ હસવા લાગ્યા..કાકી અને હું પણ… અલબત્ત હું કંઇ સમજયા વિના જ..પણ બધા હસતા હોય તો હું કેમ રહી જાઉં ? અને ઉમંગી ફૈબા કંઇ ખરાબ ન જ બોલ્યા હોય ને ?
( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ.. 87

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s