ચપટી ઉજાસ.. 85

જૂઇ જબરી ?

આજે સવારથી કુંજકાકા અને ઉમંગી ફૈબા કંઇક વાતો કરે છે. આમ તો હું ને જય રમતા હતા..પણ મારું ધ્યાન હમેશા ઉમંગી ફૈબા શું બોલે છે એ સાંભળવામાં અચૂક હોય જ. પછી ભલે ને એમાંનો એક પણ અક્ષર મારે પલ્લે ન પડતો હોય.

આજે પણ કંઇક એવું જ થયું. ફૈબા કાકાને કહેતા હતા..

‘ કુંજ, મમ્મી જો ને સત્યનારાયણની કથા રાખવી છે એમ કહે છે. તારા લગન થયા એના માનમાં… પણ ભાઇ, મને તો આવી બધી વાતોમાં..એ લીલાવતી ને કલાવતીની વાતોમાં જરા યે રસ નથી હું એમાં માનતી જ નથી. તો તો બધા આખો વખત કથા જ કરાવતા હોત……

’ ઉમંગી, તારી વાત સાચી છે. આ બધા ક્રિયાકાંડમાં હું પણ નથી માનતો એની તને ખબર છે જ. પણ ઘણી વખત આપણે ન માનતા હોઇએ તો પણ બીજાની લાગણીને માન આપીને કરવું પડે.’

પણ કુંજ, એનો અર્થ તો એ જ ને કે આપણે વડીલોને સાચી વાત સમજાવવાને બદલે તેમની ખોટી વાતને પણ સમર્થન આપવું. મને એવું જરા યે નથી ગમતું.

ઉમંગી, જીવનમાં ન ગમતી અનેક વાતો કરવાની આવતી જ રહેવાની. અત્યારે મમ્મી એક તો અંગ્રેજી વહુને લીધે થોડી પરેશાન છે જ..એમાં એક વધુ તક શા માટે આપવી ? અને એ બહાને જેનાને પણ એ બધું જોવા મળશે..એને આપણી સંસ્ક્રતિમાં બહું રસ પડે છે.
કેમકે એમાં પેસેલો સડો એણે જોયો નથી ને…

ઉમંગી, આ વિષય પર આપણી ચર્ચાઓ..કે દલીલો કદી ખૂટવાની જ નહી

ઓકે ..કુંજ, ચાલો..એ બહાને મારો ફેવરીટ શીરો ખાવા મળશે.. પોઝીટીવ જ લેવાનું. બરાબર ને ? ‘
હવે થઇને મારી બહેન જેવી વાત…

અને કુંજ કાકા અને ફૈબાએ ખુશ થઇને તાળી પાડી..

આ કથા વળી શું હશે ? એ તો કોને ખબર પણ ફૈબા અને કાકાને તાળી પાડતા જોઇને હું બાકી કેમ રહી શકું ? હું પણ તાળીઓ પાડવા લાગી…અને મારું જોઇને ભાઇલો પણ થઇ ગયો ચાલુ…

ફૈબા અને કાકા હસી પડયા..

‘ જૂઇ, તું શું સમજી અમારી વાતમાં કે તાળીઓ પાડે છે ?

ફૈબા તો આમ કહીને હસતા રહ્યા. ત્યાં આભા દીદી આવ્યા..

તે ફૈબાની વાત સાંભળી ગયા. તુરત બોલ્યા,

’ માસી, આ જૂઇ ને તો કંઇ સમજયા વિના બધામાં ડહાપણ કરતા જ આવડે છે. અક્કલ તો કંઇ છે નહીં.. બધે ડબકા મૂકવા જોઇએ.. જબરી ચાંપલી…’
એમ કહીને આભાદીદીએ મોં બગાડયું..

મારી તાળીઓ બંધ …

ફૈબા કહે, ‘ આભા, નાના છોકરાઓને એવું ન કહેવાય.. એમને જરાયે ન ગમે.. ‘

’ હા..પાછી બહું મોટી ખરીને… કે ગમે ને ન ગમે… જાણે બહું સમજતી હોય ને ? માસી, મને તો લાગે તમે જ એને માથે ચડાવી છે.. મારે શું ? ‘

આભાદીદી બબડતા બબડતા ચાલ્યા ગયા.

ફૈબાએ કાકાને કહ્યું, આ આભાનું શું કરવું એ જ મને તો સમજાતું નથી. અને ખબર નહીં..પણ જૂઇની તો પાછળ પડી છે. આવડીક છોકરીની પણ ઇર્ષ્યા કરે છે.. કોની સાથે કેમ બોલવું એની આવડી મોટી થઇને તો યે ગતાગમ નથી… અને વાત આ નાનકડી છોકરીની કરે છે.. મને તો એવો ગુસ્સો આવે છે.. સાવ….

અને પાછું એને વધારે કહીએ તો મોટી બેનને ન ગમે…એટલે વધારે બોલી શકાતું નથી.
જવા દે..ઉમંગી..આપણે કોઇને સુધારી શકવાના નથી.

હા, તારી વાત સાચી છે..પણ આગળ જતા એ જ હેરાન થશે..

આપણે એમાં કશું કરી શકીએ એમ નથી. છોડ.. નકામો તારો મૂડ બગાડમા… આવાને જસ્ટ ઇગ્નોર જ કરવાના..

‘ પણ મને કોઇ જૂઇને કહી જાય એ જરાયે ન ગમે. કુંજ, આ છોકરી મને બહું વહાલી છે..એનામાં આ ઉમરે પણ એક ચિનગારી દેખાય છે મને..

અને પછી તો કાકા અને ફૈબા વચ્ચે ઘણી વાતો થતી રહી.

ત્યાં દાદીમા આવ્યા..

ભાઇ બેને શું વાતો માંડી છે અત્યારમાં ?

કંઇ નહીં..મમ્મી, કથાની તૈયારીમાં શું શું કરવાનું છે ..કઇ કઇ વસ્તુઓ બહારથી લાવવાની છે એ ઉમંગીને પૂછતો હતો. કાલે કથા કરવી છે ને ? ઉમંગીને પાછી બહું ખબર પડે એ બધી વાતમાં.. મોટીએ બધી વસ્તુનું લિસ્ટ બનાવી જ લીધું છે. અને હા, કુંજ, કથાની પૂજામાં તારી વિદેશી વહુએ પણ બેસવું પડશે. એમાં નહીં ચાલે..પહેલેથી કહી દઉં છું..સમજાવી દેજે એને. હા..મમ્મી, અમે ચોક્ક્સ પૂજામાં બેસીશું.. જેનાને બધું સમજાવી દઇશ..તું જરાયે ચિંતા ન કર..અને મને લિસ્ટ આપી દે..

દાદીમા લિસ્ટ નામની કોઇ વસ્તુ લેવા અંદર ગયા જતા જતા મને કહેતા ગયા.. ’ જૂઇ, જાવ બહાર જઇને રમો..અહીં કંઇ ભાંગફોડ ન કરતી..હમણાં જ આભા કંઇક ફરિયાદ કરતી હતી..
કાકા અને ફૈબા એકબીજા સામે જોઇને હસી પડયા..

મને ગુસ્સો આવ્યો. અને મેં મારા હાથમાં રહેલ રમકડાનો ઘા કરી દીધો..

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s