ચપટી ઉજાસ.. 82

હું તોફાની ?

હજુ મારે પ્લે સ્કૂલમાં રજા છે. એટલે મને મજા છે. ભાઇલો ને હું આખો દિવસ રમીએ છીએ. ભાઇ પણ મોટો થઇ ગયો છે. હમણાં મામાએ મારે માટે ત્રણ પૈડાવાળી સાઇક્લ મોકલી છે. ફૈબા અને મમ્મી મને ચલાવતા શીખવે છે. હવે તો મને બરાબર આવડી ગઇ છે. હું ભાઇલાને પણ પાછળ બેસાડૂં છું. અને સાઇકલ મારી સરરર ર …સરરરર ..કરતી ભાગે છે. મારે ઘરમાં ચલાવવી હોય છે. પણ ઘરમાં કંઇ દાદીમા ચલાવવા દેતા નથી. એટલે બહાર ફળિયામાં જ ચલાવવી પડે છે. ફૈબાએ મને સાઇકલનું સરસ મજાનું ગીત ગાતા પણ શીખડાવ્યું છે.

“ સાઇકલ મારી સરરર જાય..ટીન ટીન ટોકરી બજાવતી જાય

જય ભાઇ જય ભાઇ આઘા ખસો..આઘા ખસો નહીંતર પડી જશો

દાદીમા દાદીમા આઘા ખસો…..”

મને તો ગાતા ગાતા ચલાવવાની બહૂં મજા આવે છે. જયને પણ ચલાવવી હોય છે. પરંતુ હજુ તેને કયાં આવડે છે ? નથી આવડતી એ સારું જ છે નહીંતર દાદીમા મને ચલાવવા ન જ દેત એની મને ખબર છે. તો ભાઇલાને જ ચલાવવા મળત. હવે તો મને પૂરી ખબર છે કે દાદીમાને ભાઇલો જ વધારે ગમે છે. જોકે આમ તો દાદીમા જ નહીં બધાને જય જ વધારે ગમે છે..એવું મને લાગે છે. સિવાયકે ઉમંગી ફૈબા… તે તો અમને બંનેને સરખું વહાલ કરે છે. દાદીમાને ભાઇલો કેમ વધારે ગમે છે એ મને ખબર નથી. મારા કરતા તો ભાઇ વધારે તોફાન કરે છે..હું કંઇ તોફાન નથી કરતી પણ તોયે… ખબર નહીં આ મોટાઓની કેટલી બધી વાતો મને સમજાતી નથી.

આજે બપોરે દાદીમા સૂઇ ગયા હતા. મમ્મી કયાંક બહાર ગઇ હતી. ફૈબા તો કોલેજે હોય. હું ને ભાઇ રમતા હતા. ત્યાં જયને ફ્રીઝમાંથી પાણી પીવું હતું. તેનાથી ખૂલતું નહોતું. એટલે એને હેલ્પ કરવા મેં ફ્રીઝ ખોલી આપ્યું. સ્કૂલમાં ટીચરે અમને કહ્યું છે કે બધાને હેલ્પ કરવી જોઇએ. ભાઇલો પાણીની બોટલ લેવા ગયો પણ એનાથી નીકળી નહીં… એટલે મેં કાઢી આપી. પરંતુ મારાથી પણ બોટલ ખૂલતી નહોતી. હું જોર કરીને ખોલવા ગઇ ત્યાં મારા હાથમાંથી બોટલ પડી ગઇ.. ત્યાં ભાઇલાએ ફ્રીઝમાં દૂધ જોઇને કહ્યું કે

દૂધ…દૂધ..’ મેં પૂછયું..
’ જય, તારે દૂધ પીવું છે ? ‘ એણે માથું હલાવી હા પાડી.

હું દૂધની તપેલી કાઢવા લાગી. પણ મારાથી તપેલી ઉંચકાઇ નહીં..ને પડી ગઇ. બધું દૂધ ઢોળાઇ ગયું. હું ગભરાઇ ગઇ તપેલી મારા પગ ઉપર પડી હતી ને મને લાગ્યું હતું. હું ને ભાઇ બંને રડવા લાગ્યા . દાદીમા દોડી આવ્યા… શું કર્યું પાછું ?

દૂધ ઢોળાયેલું જોઇ તે બહું ગુસ્સે થયા. હું તો મને લાગ્યું હતું એટલે નીચે બેસીને રડતી હતી. પણ દાદીમાએ તો મને કંઇ પૂછયું પણ નહીં..

હે ભગવાન.. આ છોડીને શું કહેવું ? દિવસે દિવસે બગડતી જાય છે. અજે તો લાવ બાથરૂમમાં પૂરી જ દ ઉં.. દૂધ ઢોળીને …આટલું રમખાણ કરીને હવે ભેંકડો તાણવા બેઠી છે. આ જયને પણ બગાડે છે. ‘

દાદીમા તો મારો હાથ ખેંચીને મને બાથરૂમમાં લઇ ગયા. હું રડતી રહી..પણ મારું સાંભળે કોણ ? દાદીમા બહું ગુસ્સામાં હતા. મને લાગ્યું હતું એ યે ન જોયું. મને કેવું દુ:ખતું હતું. ! પણ… દાદીમાએ મને બાથરૂમમાં પૂરી દીધી.. હું ગભરાઇ ગઇ હતી. દાદીમા તો અમ્ને પૂરીને જય ને લઇને ચાલ્યા ગયા. મને બહું બીક લાગતી હતી..હવે મને કોઇ ખોલશે નહીં તો ? મને મમ્મી ને ફૈબા યાદ આવી ગયા. દાદીમા બહું ખરાબ છે એની સાથે હવે હું બોલીશ જ નહીં ને ? મેં એની કીટા કરી નાખી. ને રડતી રહી.

થોડી વારે દાદીમા આવ્યા બાથરૂમ ખોલ્યો ને મને બહાર કાઢી..

હવે કરીશ તોફાન ?

હું કંઇ બોલી નહીં. કેમકે મેં શું તોફાન કર્યું હતું એ જ મને તો સમજાયું નહોતું. હું તો ભાઇલાને હેલ્પ કરવા ગઇ હતી.

ભાઇલાએ મારો હાથ પકડી લીધો અને મને વાલુ વાલુ કર્યું.

હું તો મારો પગ દુખતો હતો ને ચલાતું પણ નહોતું એટલે બેસી ગઇ. હવે દાદીમાનું ધ્યાન મારા પગ ઉપર પડયું. મારો પગ જાડો પાડો થઇ ગયો હતો.. અરે, આનો તો પગ સૂજી ગયો છે …શું લગાડયું ? હે ભગવાન…

ત્યાં તો મમ્મી આવી… લે આ છોકરીને સંભાળ ..જો પગ ઉપર તપેલી લગાડી લાગે છે.. સોજો આવી ગયો છે.. બાપ..બહું તોફાની થતી જાય છે આ છોકરી…

દાદીમા જયને લઇને બહાર ઓસરીમાં હીંચકા ઉપર ગયા અને મમ્મીએ મને ખોળામાં લીધી…

હું મમ્મીને વળગીને ફરીથી રડી પડી…

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s