મમ્મી, ચોકલેટ…

નિશા પિયર બહુ જતી નહીં મન જ ન થતું. પાગલ જેવી બહેનને મળીને શું ફાયદો? અને મા માટે એવી કોઈ ખાસ લાગણી કદી જન્મી જ નહીં… તે પોતાના સંસારમાં ઓતપ્રોત બની રહી. પણ આજે દીકરીએ અચાનક પોતાના હાથમાં ચોકલેટ મૂકતાં નિશા અતીતની દુનિયામાં ખોવાઈ..

અચાનક જીવનનાં અનેક સત્યો, કદી ન સમજાયેલ વાતો સમજાઈ આવી અને તેની આંખોમાં પૂર ઉમટયાં..

‘‘મમ્મી, આજે મારી ફ્રેન્ડ આસ્થાનો બર્થ ડે હતો… તેણે અમને બધાંને ત્રણ મોટી ચોકલેટ આપી.”

ચાર વરસની શ્રેયાએ મમ્મીના હાથમાં એક ચોકલેટ મૂકતાં કહ્યું..
.
“મમ્મી, એક મારી… એક તારી અને એક પપ્પાની અહીં ફ્રીઝમાં મૂકું છું… ઓ.કે..?” અને કશુંક યાદ આવતા તે અંદર દોડી ગઈ…

નિશા હાથમાં રહેલ ચોકલેટ તરફ જોઈ રહી… અચાનક વરસો પહેલાંનું કોઈ દૃશ્ય તેની નજર સામે ઉપસ્યું… સમય જાણે રિવર્સ ગીયરમાં દોડવા લાગ્યો… પાંપણે બે બુંદ છલક્યાં… દૃષ્ટિ ધૂંધલી બની… અને આંખોમાં અતીત છલકાયો.

ત્યારે પોતે સાતેક વરસની હશે.. આવી લાંબી ને જાણીતી બ્રાન્ડની ચોકલેટ માટે મમ્મી સાથે કેવી ઝઘડી હતી… ઘરમાં ખાવાનાયે સાંસા હતા એમાં ચોકલેટનો વૈભવ ક્યાં પોસાય તેમ હતો? પરંતુ ત્યારે એવી કોઈ સમજ ક્યાં હતી?

શૈશવથી મા માટે તેના મનમાં પૂર્વગ્રહની ગ્રંથિ બંધાઈ હતી. પોતાની ગરીબીનું મૂળ અન્ય કોઈ નહીં પણ મા જ છે. પપ્પા બધાને છોડીને ન જાણે ક્યાં ચાલ્યા ગયા હતા… મર્યા નહોતા એટલી જાણ પોતાને હતી જ. નક્કી મમ્મીનો જ વાંક હશે… તેની બધી બહેનપણીઓને પપ્પા છે. કોઈના પપ્પા ચાલ્યા નથી ગયા.. ખાલી પોતાના જ…
બધાના પપ્પા દીકરીઓ માટે કેટલી બધી વસ્તુઓ લાવે છે. જ્યારે પોતાને કોઈ નથી.. મમ્મી આખો દિવસ પાપડ વણવા જતી રહે છે. ભણી નથી એટલે નોકરી કોણ આપે? મમ્મી ભણી હોત તો પોતે આમ આવા ગરીબ ન હોત… ગરીબી માટે પણ માનો જ વાંક…ળનિશાને નાનપણથી મમ્મી સામે અનેક ફરિયાદ… નાની બહેનને કોઈ સમજ પડતી નહીં. તેનું મગજ બહુ ચાલતું નહીં… એમ મમ્મી કહેતી.. એનું ધ્યાન પણ મમ્મી ન હોય ત્યારે નિશાએ જ રાખવાનું રહેતું… મમ્મી તો રવિવારે પણ ઘરમાં ક્યાં ટકતી હતી? એને તો બસ… પાપડ સિવાય કશું દેખાતું જ નહોતું….
એક દિવસ…
“મમ્મી, આજે અમારી સ્કૂલમાંથી બધાંને પ્રવાસે લઈ જવાના છે. મારે બસો રૂપિયા ભરવાના છે.”
ત્રીજા ધોરણમાં ભણતી નિશાએ સ્કૂલેથી આવીને મમ્મીને કહ્યું.
“બેટા, મારી પાસે એટલા રૂપિયા નથી.”
“મમ્મી, મારે નવું ફ્રોક લેવું છે.”
કે “મમ્મી, મારે નવો કંપાસ બોક્ષ લેવો છે.”
“મમ્મી, મારે ચોકલેટ જોઈએ છે… મારી બહેનપણીઓ રોજ લાંબીને મોટી ચોકલેટ ખાતી હોય છે.”

રોજ રોજ નિશાની ડિમાન્ડ વધતી જતી અને મા ક્યારેય એ પૂરી ન કરી શકતી. નિશાનો અસંતોષ વધતો રહેતો.

પોતાને પપ્પા નથી ખાલી મમ્મી જ છે. એથી જ પોતાને કશું મળતું નથી… કાશ પોતાને પણ પપ્પા હોત…

પપ્પા ને મમ્મી વચ્ચે રોજ ઝઘડા થતા. મમ્મી પપ્પાને ખૂબ ખીજાતી.. પપ્પા કોઈ કામ ક્યારેય નહોતા કરતા. એક વાર બંને વચ્ચે એ માટે ખૂબ ઝઘડો થયો હતો. મમ્મીએ પપ્પાને ઘરમાંથી જતા રહેવાનું કહ્યું હતું.. એવું ઝાંખું ઝાખું નિશાને યાદ આવતું હતું. ઝઘડાના કારણની તો એને ક્યાંથી જાણ કે સમજ હોય? એ વખતે પોતે ત્રણ.. કે ચાર વરસની હશે. બસ… મમ્મીએ જ પપ્પાને ભગાડી દીધા છે એવું તેના મનમાં ઠસી ગયું હતું.

એ પછી મમ્મી ક્યાંક કામ કરવા જતી… સવારથી સાંજ સુધી.. ઘરમાં ક્યારેય હોય જ નહીં. બધાંની મમ્મી કેવી ઘરમાં હોય. જાતજાતના નાસ્તા બનાવી આપે… પાસે બેસીને જમાડે… વાર્તા કરે… પોતાની મમ્મી તો સવારે વહેલી વહેલી ઊઠીને રસોઈ બનાવી ભાગે… નિશા એકલી એકલી તૈયાર થાય.. બપોરે ઠંડી બની ગયેલી રોટલી અને શાક ખાઈ લેવાના. છેક મોડી સાંજે મમ્મી પાછી ફરે ત્યારે પોતે કંઈક નવું બનાવવાનું કહે તો… બહુ થાકી ગઈ છું કે શરીર દુખે છે… સવારે વહેલું જવાનું છે… કામે ન જાય તો દીકરીઓને ખવડાવી કે ભણાવી કેમ શકવાની?

પણ એવી કોઈ વાત સાથે નિશાને જાણે કોઈ નિસબત નહોતી… આખો દિવસ તનતોડ મહેનત કરતી મમ્મી નિશાને ક્યારેય ન દેખાઈ શકી… કે પછી દેખાયા છતાં મનથી સ્વીકારી ન શકી… મન કેવું નેગેટિવ બની ગયું હતું…

તે દિવસ બરાબર યાદ છે… નિશાએ મમ્મી સાથે કેડબરી માટે ઝઘડો કર્યો હતો… મમ્મીએ થાકીને બીજે દિવસે લાવી આપવાનો વાયદો તો કર્યો હતો… પરંતુ પછી લાવતા ભૂલી ગઈ હતી… નિશા બરાબરની ખીજાઈ હતી… અને મમ્મીનું ધ્યાન ચૂકાવી રસોડામાં રાખેલા ડબ્બામાંથી છાનામાના બધા પૈસા લઈ ચોકલેટ લઈ આવી હતી… પૂરી ત્રણ મોટી ચોકલેટ આવી હતી… એક નાની બહેનને આપી પોતે બે ખાઈ ગઈ હતી.

સાંજે મમ્મીને જાણ થતાં તે રડી પડી હતી. નિશાને એક લાફો લગાવી દીધો હતો અને મારીને પછી પોતે રડવા બેઠી હતી.

નિશાને વધારે ગુસ્સો આવ્યો હતો. એક તો પોતાને મારી અને હવે પોતે જ રડવા બેસી છે! તે ખીજાઈને બહાર દોડી ગઈ હતી.
પોતે તો મનમાં કેવી ખુશ થતી હતી… એ જ લાગની છે મમ્મી… દીકરીને એક ચોકલેટ પણ નથી લાવી આપતી… બધી વસ્તુમાં ના… ના ને ના જ.. પોતાની બધી બહેનપણીઓ પછી એને કેવી ખીજવે છે.
હેં નિશા, તારી મમ્મી તને કંઈ નથી લાવી આપતી? તને ક્યાંય ફરવા પણ નથી લઈ જતી? નક્કી તારા પપ્પાને એણે જ કાઢી મૂક્યા હશે.. ઝઘડા કરીને.

આવી તો કેટલીયે વાતો થતી રહેતી.. નિશાની મજાક ઉડાવવાની બધાને મજા આવતી…

અને હજુ તો હાઈસ્કૂલ પૂરી કરી ત્યાં મમ્મીએ તેનાં લગ્ન સાવ સાધારણ કુટુંબમાં કોઈ ધામધૂમ વિના કર્યાં હતાં. નાની બહેનનાં લગ્ન તો થાય તેમ હતાં જ નહીં.. અડધી પાગલ જેવી બહેન સાથે કોણ લગ્ન કરવાનું હતું?

પરંતુ એ તો સારું થયું કે પોતાનાં લગ્ન પછી નસીબ આડેનું પાંદડું ફર્યું… અને લક્ષ્મીજીની કૃપા થઈ… પતિનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. વહાલસોયી પુત્રી હતી… સુખથી સંસાર મહેકતો હતો.
નિશા પિયર બહુ જતી નહીં મન જ ન થતું. પાગલ જેવી બહેનને મળીને શું ફાયદો? અને મા માટે એવી કોઈ ખાસ લાગણી કદી જન્મી જ નહીં… તે પોતાના સંસારમાં ઓતપ્રોત બની રહી.

પણ આજે દીકરીએ અચાનક પોતાના હાથમાં ચોકલેટ મૂકતાં નિશા અતીતની દુનિયામાં ખોવાઈ.. અચાનક જીવનનાં અનેક સત્યો, કદી ન સમજાયેલ વાતો સમજાઈ આવી અને તેની આંખોમાં પૂર ઉમટયાં.. પોતે શું કર્યું હતું? મમ્મીને જીવનભર કેવો અન્યાય કર્યો હતો એ બધું આજે આંસુના ઉજાસમાં પ્રગટયું..

નિશા આગળ કશું વિચારી ન શકી. પોતે નાદાનીમાં કરેલી ભૂલો.. મમ્મીને કરેલા અનેક અન્યાય આજે તેની નજર સામે તરવરી રહ્યા. પોતાને બે ટંક ખવડાવવા માટે રાત-દિવસ પાપડ વણતી માનો ફિક્કો ચહેરો દેખાયો. નિશાને પોતાની જાત પ્રત્યે શરમ આવી.
બીજા દિવસે નિશા ચોકલેટનો ડબ્બો લઈ પિયર ગઈ ત્યારે મમ્મી અર્ધગાંડા જેવી નાની બહેનના વાળ ઓળતી હતી.

નિશાને જોતાં આશ્ર્વર્યથી મા ઊભી થઈ.

“બેટા, તું આવી? મને બહુ સારું લાગ્યું…”

પરંતુ તે આગળ કશું બોલે તે પહેલાં નિશા મમ્મીને વળગીને જોશથી રડી પડી.

શબ્દો બધા ઓગળી ગયા હતા.. મમ્મીનો ખરબચડો, પ્રેમાળ હાથ દીકરીના માથા ઉપર ફરતો રહ્યો… માની છાતીમાં ચહેરો છુપાવી નિશાની આંખો વરસતી રહી.

અર્ધપાગલ નાની બહેન ચોકલેટનો ડબ્બો ખોલી તેમાંથી ચોકલેટ ખાતાં ખાતાં બંનેને આશ્ચર્યથી જોઈ રહી હતી.

( દૈનિક સન્દેશ માં પ્રકાશિત કોલમ ” વાત એક નાનકડી ” તારીખ..5/4 2011 )

2 thoughts on “મમ્મી, ચોકલેટ…

  1. સાચે જ નિલમબેન, જીવનનાં સત્યો જ્યારે પાછ્ળથી સમજાય છ ત્યારે મનવને સાચો રંજ થાય છે, બાળકને એની સાથે શું લેવાદેવા.ે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s