ચપટી ઉજાસ..80

મમ્મીનો ખોળૉ..

હમણાં રોજ રાત્રે ફૈબા સરસ મજાના તૈયાર થઇને બહાર જાય છે. આજે તો મમ્મીએ મને પણ તૈયાર કરી.. ચણિયા ચોળી પહેરાવ્યા અને માળા, બંગડી પણ પહેરાવી. હું તો રાજી રાજી.. ફૈબા મારે માટે નવા દાંડીયા પણ લઇ આવ્યા હતા. એને વેલણ ન કહેવાય.દાંડિયા કહેવાય એમ ફૈબાએ મને શીખડાવ્યું હતું. પછી બે દાંડિયા ભટકાવવાના પણ શીખડાવ્યા..મને તો મજા આવી ગઇ. આ નોરતા કહેવાય એમા બધા વાતો કરતા હતા એથી મને યાદ રહી ગયું છે. આજે મમ્મી પણ સરસ તૈયાર થઇ હતી. ફૈબાએ તો પપ્પાને પણ આવવાનું કહ્યું. પણ પપ્પા કોઇનું માનતા જ નથી. મેં પણ પપ્પાનો હાથ ખેંચીને આવવા માટે કહ્યું. તો પપ્પા ખીજાઇ ગયા. મમ્મી તો કંઇ બોલી જ નહીં. દાદીમા કહે,

એને ન આવવું હોય તો કંઇ નહીં. તમને કોણ ના પાડે છે ? ‘

ફૈબા કહે, ભાભી, ચાલો..ચાલો..આપણે નીકળીએ…મોડૂં થશે.મમ્મી કશું બોલી નહીં ને અમે બધા બહાર નીકળ્યા. જય તો કયારનો સૂઇ ગયો હતો.

બાપ રે..બહાર તો કેટલી બધી લાઇટો..ઝગમગ ઝગમગ… રાત જેવું આજે તો લાગતું જ નહોતું. ગીતોના અવાજ બધી બાજુથી આવતા હતા..હું તો જોતી જ રહી ગઇ. અમે ફૈબા સાથે કયાંક ગયા.

રાત્રે પણ આટલા બધા માણસો… બધા કેવા સરસ લાગતા હતા. મને યાદા આવી ગયું..સ્વરામાસીના લગનમાં પણ બધા આમા ગોળ ગોળ ફરતા હતા. પણ ત્યાં ભગવાન નહોતા..અહીં તો વચ્ચે ભગવાન પણ હતા. મમ્મી કહે,

જૂઇ, માતાજીને જે જે કરો.

મેં જે જે કર્યા. પ્રસાદ ખાધો. ને પછી ફૈબાની પાછળ પાછળ….મારા જેવડી કેટલી બધી છોકરીઓ ગોળ ગોળ ફરતી હતી. બધાના હાથમાં દાંડિયા હતા.અમને બધાને એકબીજા સાથે ભટકાડવાની મજા આવતી હતી. પણ મારી ઓઢણી વારે વારે ઉતરી જતી હતી. ને એટલે મારાથી જલદીથી દોડાતું નહોતું. આના કરતા ફ્રોક પહેર્યું હોત તો વધારે મજા આવત.. એમ મને લાગ્યું. કેટલા બધા છોકરાઓ પણ હતા. પપ્પા જેવા પણ ઘણાં હતા. ઇશાના પપ્પા પણ આવ્યા હતા. મારા પપ્પા કેમ કયારેય અમારી સાથે બહૂં આવતા નથી ? એમને આવું બધું કંઇ ગમતું કેમ નહીં હોય ? પપ્પા આવે તો મને બહૂં ગમે. પણ….

ફૈબા અને મમ્મી તો કેવા સરસ ફરતા હતા… પણ બહું મોટા મોટા અવાજ હતા.કંઇ સંભળાતું યે નહોતું. મને બહૂં આવડતું નહોતું. હૂં બધાની સામે જોતી જોતી બધા કરે એમ કરતી હતી. પણ બહું સરસ નહોતું થતું. પણ અમને બધાને દોડાદોડી કરવાની તો એવી મજા આવતી હતી..

પણ થૉડી વારમાં હું તો થાકી ગઇ. અમે બધાતો નીચે બેસી ગયા. કોઇની મમ્મી ખીજાતી હતી કે કપડાં ખરાબ થાય નીચે ન બેસાય..પણ અમે કોઇ ઉભા ન જ થયા. ફૈબા અને મમ્મી પણ થાકી ગયા હશે તેઓ પણ થોડી વાર બેઠા. ત્યાં આરતી શરૂ થવાની હતી. મમ્મી કહે, ચાલ, જૂઇ, આરતી થાય છે. હું ફરીથી ઉભી થઇ. મમ્મીનો હાથ પકડી ઉભી રહી. ફૈબા કયાંય દેખાતા નહોતા. મારી આંખો ફૈબાને શોધતી રહી.અંતે મમ્મીને મેં પૂછયું,

ફૈબા કયાં?

મમ્મી કહે..આજે તારા ફૈબા આમાં શોધ્યા પણ ન મળે…આવી જશે.

હું પણ બધાની સાથે જોશથી જોશથી તાળીઓ પાડતી રહી હતી.

આરતી પૂરી થઇ અને બધા પ્રસાદ ખાવા બેઠા.અરે વાહ..આજે તો અહી ગાંઠિયા ને જલેબી ખાવાના હતા..આવો પ્રસાદ તો પહેલીવાર ખાધો..મને હવે ભૂખ પણ લાગી હતી એટલે મેં તો ઘણાં બધા ગાન્ઠિયા ખાધા. મને એમ કે હવે ઘેર જવાનૂં હશે.આમ પણ હવે મને નીંદર આવતી હતી. પણ હવે તો ફરીથી જોશ જોશથી બધા રમવા લાગ્યા.મમ્મી થોડી વાર મારી પાસે બેઠી. મને કહે,

જૂઇ, થાકી ગઇ છે ?’

મેં માથું ધૂણાવ્યું. મમ્મી કહે, ફૈબા આવે એટલે આપણે ઘેર જઇએ હોં..

ત્યાં તો મારી એક બહેનપણી આવી ને હું તેની સાથે ઉભી થઇ.અને ફરીથી અમારી રમત ચાલી હું ઉભી

થઇ એટલે મમ્મી પણ ફરીથી રમવા લાગી અંતે અમે બધા થાકયા.પણ ફૈબાનો કયાંય પતો ન મળે મમ્મીને પણ હવે ઘેર જવુંહતું. પણ ફૈબા દેખાય તો ને ?

‘જૂઇ જોને ફૈબા કયાંય દેખાય છે ? હું ચા રે તરફ દોડી દોડીને ફૈબાને શોધતી રહી. અંતે ફૈબા દેખાયા..કેટલા બધા છોકરાઓ અને છોકરીઓ સાથે ફૈબા હતા. મેં તેમને શોધી કાઢયા અને તેમનો હાથ ખેંચ્યો.

‘ જૂઇ, ઉંઘ આવે છે ? હમણાં થૉડી વારમાં આપણે જશું હૉં..જા થૉડી વાર મમ્મીપાસે જઇને બેસ હું હમણાં આવું છું.’

હું ફરીથી મમ્મી પાસે ગઇ. મમ્મી પણ થાકીને એક જગ્યાએ બેસી હતી. મેં જ ઇને તેના ખૉળામાં પડતું મૂકયું.

હવે મમ્મીનો ખોળો અને હું..બસ..બીજી કંઇ ખબર રહી નહીં..

માનો ખોળો એટલે પરમ શાંતિ…..
( જનસતા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..80

  1. માનો ખોળો એટલે પરમ શાંતિ..બાળપણના એ દિવસો સૌના જીવનું યાદગાર સંભારણું બની જાય છે..સરસ જૂઈના પાત્રમાં સહજબાળવૃતિઓનું મારમિક વર્ણન કર્યું છે. નિલમબહેન. ધન્યવાદ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s