ચપટી ઉજાસ..78

નવરાત્રિ એટલે ?

હમણાં સ્કૂલમાં રજા છે. તેથી મને મજા મજા છે. આખો દિવસ ભાઇ સાથે રમું છું. હવે તો ભાઇલો પણ મોટો મોટો થાઇ ગયો છે. હવે તો તેને મારું નામ બોલતા પણ આવડી ગયું છે. પણ હું જે કરું એ બધું તેને કરવું હોય છે. મારી બધી વસ્તુઓ લઇને તોડી નાખે છે કે બગાડી નાખે છે ત્યારે મને એની ઉપર બહું ગુસ્સો આવે છે.

આજે સવારથી ફૈબા કંઇક ધમાલમાં છે. મમ્મીને કહે,

ભાભી આજે રાતે તમે કઇ સાડી પહેરવાના છો ? મમ્મી કહે..

આજે મારાથી અવાય તેમ નથી. હું ચાર દિવસ પછી જ આવી શકીશ..’

ઓહ..ઓકે ..ઓકે..જોકે હું કંઇ આવા બધામાં માનતી નથી..પરંતુ મને ખબર છે કે મારા બોલવાનો..મારા ભાષણનો કોઇ અર્થ નથી જ…એટલે ચાર દિવસ પછી વાત… આ નવ દિવસોમાં એકાદ બે વાર તમારી સાડીનો પણ વારો આવવાનો છે હોં..

એક બે શા માટે ? ગમે તો રોજ પહેરજો ને..

ના રે રોજ સાડી નહીં હોં..પછી આ બધા ચણિયાચોળી કયારે પહેરાશે ?

હા..આજ રાતથી તમે તો પૂરા નવ દિવસ રમવાના જ ને ?

હા..ભાભી..આ તો મારો પ્રિય તહેવાર..

હું ત્યાં રમતી હતી..પરંતુ મારું ધ્યાન તો મમ્મી અને ફૈબાની વાતો સાંભળવામાં જ હતું.
ફૈબા અને મમ્મી કયાં જવાની વાત કરતા હતા ? અને તે પણ રાત્રે? અને મમ્મી ફોર દિવસ સુધી કેમ નથી જવાની ? ફોર દિવસ પછી જ કેમ જવાની ?

ત્યાં તો ફૈબા કહે,

ભાભી, જૂઇને પણ રાત્રે તૈયાર કરી દેજો..ચણિયા ચોલી પહેરાવીને….તેને પણ મારી સાથે લઇ જઇશ.

ઉમંગીબેન, એ કંઇ તમારી જેમ મોડી રાત સુધી જાગી નથી શકવાની..નકામું તમારાથી પણ શાંતિથી ન રમાય. એના કરતાં હમણાં તમે જ જઇ આવજો..ચાર દિવસ પછી હું આવીશ ત્યારે મારી સાથે ભલે આવે. એટલે એને ઉંઘ આવે તો પણ એને લઇને હું પાછી આવી શકૂં.
જોઇએ… રાતે નક્કી કરીએ…

મને લઇ જવાની વાત કરી તો પણ મમ્મીએ ના પાડી..એ મને જરાયે ન ગમ્યું. અને ફૈબા વળી રાત્રે કયાં જવાના હશે ? દાદીમા રાત્રે ફૈબાને જવા દેશે ? મને ખબર છે કે ફૈબા કયારેક રાત્રે બહાર જાય છે તો દાદીમાને જરાયે નથી ગમતું.

સાંજ પડી ત્યાં તો મમ્મી, દાદીમા બધા કહે,ચાલો, પહેલા ગરબા અને આરતી કરી લઇએ..
મને સમજાયું નહીં.. આ ગરબા શબ્દ મેં પહેલીવાર સાંભળ્યો હતો. મેં ફૈબા સામે જોયું.
ફૈબા સમજી ગયા અને મને કહે,

‘ જો જૂઇ, આને ગરબો કહેવાય…

ફૈબાએ મને ગરબો બતાવ્યો..પણ એ તો તૂટેલો હતો. એમાં ઘણી જગ્યાએ કાણા હતા. મેં ફૈબાને કાણા બતાવ્યા અને કહ્યું કે તૂટેલો છે. ફૈબા જવાબ આપે એ પહેલા દાદીમા હસી પડયા.

‘ અરે, બુધ્ધુ, એ તૂટેલો ન કહેવાય..ગરબો એવો જ હોય.

મમ્મીએ એમાં દીવો કર્યો અને એની ઉપર એકા ઢાંકણૂં ઢાંકી દીધું. હું તો બેઠી બેઠી જોતી હતી..રોજ તો ઘર માં આવું કશું કરતા નહોતા

ભાઇનું ધ્યાન તો ત્યાં રાખેલ પ્રસાદમાં હતું. અને મારું ધ્યાન તો ગરબાના કાણામાંથી દેખાતા પ્રકાશમાં હતું. મને એ બહું ગમ્યું.

ત્યાં તો દાદીમા અને મમ્મીએ ગાવાનું શરૂ કર્યું. રોજ સવારે દાદીમા જે ભજન ગાતા હતા એ નહોતા પણ જુદા હતા..હું તાળીઓ પાડતી હતી. ત્યાં દાદીમાએ મારા હાથમાં મંજિરા આપ્યા.મને મંજિરા વગાડવા બહું ગમે છે. ઘણી વાર સવારે દાદીમા પૂજા કરે ત્યારે મને આપે છે. આજે પણ હું વગાડવા લાગી. ઘણી બધી વાર બધાએ ગરબા ગાયા. હવે અમે બધાએ આરતી ગાઇ. અને પછી મને અને જયને સરસ મજાનો પ્રસાદ મળ્યો.

રાત્રે ફૈબા સરસ તૈયાર થયા..મારે પણ તેમની સાથે જવું હતું. પણ બધાએ મને આજે જવાની ના પાડી.હું રડી પડી..ઘણી ધમાલ કરી..મારે પણ ફૈબા જેવું બધું પહેરવું હતું અને તેમની સાથે જવું હતું. અલબત ફૈબા કયાં જતા હતા એની તો મને ખબર નહોતી..પણ ફૈબા જયાં જાય ત્યાં મને તો જવું જ હોય. આજે તો ફૈબા કેવા સરસ લાગતા હતા..

પણ મને નવાઇ એ લાગી કે આટલા મોડા તો દાદીમા કયારેય કોઇને બહાર જવા ન દે..પણ આજે તો દાદીમાએ જરાયે ના ન પાડી. ફૈબાની એક બહેનપણી તેમને બોલાવવા આવી તે પણ એવા જ સરસ તૈયાર થયા હતા…

ફૈબાની બહેનપણીના હાથમાં રંગીન વેલણ હતા..મમ્મી જેનાથી રોટલી વણે છે એવા…
ત્યાં મમ્મીએ પણ ફૈબાના હાથમાં એવા વેલણ આપ્યા અને કહ્યું કે..

લો ઉમંગીબેન, આ તમારા દાંડિયા…અને શુભ નવરાત્રિ…

આ દાંડિયા અને નવરાત્રિ વળી શું હશે ? અને એમાં રાત્રે કેમ જવાતું હશે ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s