ચપટી ઉજાસ.. 77

આવ રે વરસાદ..

આજે સવારે હું રોજની જેમ ઉઠી ત્યારે બહાર કંઇક મોટો અવાજ થતો હતો. મને થોડી બીક લાગી..આ વળી શું ?

હજુ જોવા જાઉં..ત્યાં તો ફૈબા આવ્યા.મને ઉઠેલી જોઇને કહે..

’જૂઇ, સારું થયું..તું ઉઠી ગઇ..ચાલ, બહાર આવ..તને વરસાદ બતાવું. વરસાદ ? એટલે શું ? એ મને સમજાયું નહીં..પણ ફૈબાની આંગળી પકડી હું ચાલી.

ત્યાં ફરીથી કંઇક મોટો અવાજ સંભળાયો..મેં ફૈબા સામે જોયું. જૂઇ, જો.. મેઘ કેવો ગાજયો..! વાહ…! મેઘ.? મેં ફૈબા સામે જોયું. ફૈબા કહે, ચાલ બતાવું..

ફૈબા મને બહાર ફળિયામાં લઇ ગયા..

બાપ રે..! મારી ઉપર કેટલું બધું પાણી પડતું હતું..મેં ઉંચે જોયું..પણ મારી આંખો બંધ થઇ જતી હતી. આટલું બધું પાણી ઉપરથી કોણ ઢોળતું હતું ?

હું તો જરાક પાણી ઢોળું ત્યાં મમ્મી, દાદીમા બધા ખીજાય છે.. ફૈબા તો હસતા જતા હતા..

‘ જૂઇ, આને વરસાદ કહેવાય..જો આકાશમાંથી પાણી પડે છે ને ? એને વરસાદ કહેવાય.

‘ પાણીને વરસાદ કહેવાય ?

પાણીને વળી વરસાદ ?

હું તો મોઢું ખોલી પાણી પીવાનો પ્રયત્ન કરવા લાગી.. દાદીમા બૂમો પાડતા હતા..

‘ અરે, છોકરી માંદી પડશે તો વળી ઉપાધિ…ઉમંગી, તું પણ ખરી છે..હવે જલદી એને લઇને અંદર આવતી રહે..ભીંજાવું નથી.’

‘ મમ્મી, પહેલો વરસાદ અને ભીંજાઇએ નહીં તે કેમ ચાલે ?

ત્યાં મમ્મી દેખાઇ, ફૈબા કહે,

‘ ભાભી, ચાલો તમે પણ આ પહેલા વરસાદને માણવા..

‘ બાપ રે ! અત્યારમાં ? મારે તો રસોડું રાહ જુએ છે. ઠાકોરજી માટે શીરો બનાવું છું. હમણાં જય ઉઠી જશે એ પહેલા થોડું કામ પતાવી લઉં ને ? અને હા..જૂઇના કપડાં અને ટુવાલ અહીં બહાર જ રાખ્યા છે. ‘

‘ એની ચિંતા ન કરો ભાભી.. હું જૂઇને વરસાદ માણતા શીખવું છું..પછી થોડીવારમાં આવીને તમને મદદ કરાવીશ.

હું તો મારા બે હાથ ઉંચા કરીને આભમાંથી નીતરતું પાણી ઝિલતી રહી..અને મોટેથી હસતી રહી. મારો કિલકિલાટ સાંભળી ફૈબા ખુશખુશાલ…

ફૈબા મોટેથી ગાતા હતા.. આવ રે વરસાદ.ઢેબરિયો પ્રરસાદ..ઉની ઉની રોટલી ને કારેલાનું શાક…

કેટલી બધી વાર ફૈબા આવું કંઇક ગાતા રહ્યા. હું પણ મારી રીતે એમાં સાદ પૂરાવતી રહી.

પણ આટલું બધું પાણી આકાશમાં કયાં રહેતું હશે ? અને અહીં કોણ ઠાલવતું હશે ? મારા મનમાં તો અનેક પ્રશ્નો ઉઠતા હતા..પણ એ કેવી રીતે પૂછવા એ સમજાતું નહોતું.
હું તો ફેરફુદરડી ફરતી રહી પાણીમાં…

ત્યાં ફૈબા એક કાગળ લાવ્યા..તેની હોડી બનાવી..મારી બુકમાં મેં હોડીનું ચિત્ર જોયું છે..એટલે મને ખબર છે. ફૈબાએ બે હોડી બનાવીને એક મારા હાથમાં આપી. અને કહ્યું

જો..હું આમ ધીમેથી પાણીમાં મૂકુ છું તેમ તું પણ મૂક..’

ફૈબાની હોડી તો ચાલવા લાગી. મેં પણ મારી હોડી પાણીમાં મૂકી તો ખરી..પણ એ તો ઉન્ધી વળી ગઇ..મને મજા ન આવી.મારી હોડી કેમ ચાલે નહીં ? ફૈબા તો હોડીનું કંઇક ગીત પણ ગાતા હતા..

“ ચાલો, ચાલોને રમીએ હોડી હોડી…”

એવું કંઇક સંભળાયું મને… ફૈબાને પણ મારી જેમ બહું મજા આવતી હતી..

હવે ધીમે ધીમે મને ઠંડી પડવા લાગી.હું થરથર ધ્રૂજતી હતી.

ફૈબાએ જોયું અને પૂછયું, જૂઇ, ઠંડી લાગે છે ?

હું કંઇ બોલી નહીં.મને ખબર હતી કે હા પાડીશ તો ફૈબા મને અંદર લઇ જશે ને મારે જવું નહોતું..આમ આટલા બધા પાણીથી રમવાની કેવી મજા આવે.જાદુની જેમ પાણી તો ખલાસ જ નહોતું થતું. પણ અંદરથી દાદીમાની બૂમો સાંભળીને ફૈબા મને અંદર ખેંચી ગયા. મેં હરખથી દાદીમાને કહ્યું..

પાણી..આટલું બધું પાણી…આકાશ મારી ઉપર પાણી રેડતું હતું.

હવે લપ કર્યા સિવાય અંદર જા..અને કપડાં બદલાવો બંને જણા.. ફૈબા મને લઇને અંદર ગયા.પહેલા મારા કપડાં બદલાવી દીધા..

જૂઇ, મજા આવી’

મેં જોશથી માથું ધૂણાવ્યું. મારે તો હજુ બહાર જવું હતું. પણ… ત્યાં બારીમાંથી બહાર જોયું તો પાણી ઢોળાતું બંધ..! મેં ફૈબાને કહ્યું

‘ પાણી..પાણી કયાં ?

ફૈબા કહે..વરસાદ બંધ થઇ ગયો. પાછો આવશે ત્યારે આપણે ફરીથી એમાં નાહશું.. પણ મારે તો અત્યારે જ એમાં નહાવું હતું. મેં ફૈબાને કહ્યું…ફરીથી બહાર નાઇ નાઇ કરવાનું. પાછું પાણી ઢૉળોને… ફૈબા કહે..વરસાદ કંઇ આપણે કહીએ ત્યારે ન આવે. તો કોણ કહે ત્યારે આવે ? એ પછી તને સમજાવીશ.તું મોટી થઇશ ને ત્યારે..

હું હવે કયારે મોટી થઇશ ? મારે જલદી જલદી મોટા થવું છે. પણ… મોટા થયા પછી ફરીથી નાના થવાનું મન તો નહીં થાય ને ?

( જનસત્તા.. લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ.. 77

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s