આવકાર..

આવકાર

નીલમબહેન દોશીની પ્રથમ નવલકથા “ દોસ્ત મને માફ કરીશને” પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એમને આવકાર અને અભિનંદન આપું છું.

નીલમબહેને બાળનાટક, નવલિકા, લઘુકથા જેવાં સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમના એક બાળનાટ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાધીનગર, દ્વારા તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટે દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું છે. એમણે ડાયરીના સ્વરૂપમાં લખેલું પુસ્તક “એક દીકરી, મારી દોસ્ત” વાચકોનો પ્રેમ મેળવી ચૂક્યું છે. એનો અંગ્રેજીમાં અનુવાદ પણ પ્રકાશિત થયો છે. કવિતા તેમનો પ્રથમ પ્રેમ છે. તેઓ વિવિધ સામયિકો અને અખબરોમાં નિયમિત રીતે કટાર લખીને માણસના જીવનમાં બનતી નાની નાની વાતો અને માનવસંબંધો પર ઉજાસ પાડે છે. તેઓ પોતાની સર્જનપ્રક્રિયા માટે માને છે: “ ભીતરમાં જે કાંઈ સંઘરાયેલું છે તે અનાયાસે શબ્દરૂપે બહાર આવતું હશે. મારા લખાણમાં સંવેદના ચોક્કસ હોય જ. જે લખું તે ફીલ કરીને દિલથી જ લખું છું.”

નીલમબહેન છેલ્લા પાંચેક વરસથી સાહિત્યસર્જન પરત્વે વિશેષ સક્રિય થયાં છે. તેઓ કહે છે: “મારું શમણું મોટા સાહિત્યકાર થવાનું નથી. મારું સાચું શમણું તો છે અનાથ બાળકો માટે કામ કરવાનું.” સાહિત્યના સેવનથી વિકસેલી સંવેદનશીલતા અને જીવન પ્રત્યેની સમજ એમને સમાજસેવાનાં કામ તરફ ખેંચી જાય એમાં નવાઈ નથી.

પોરબંદરમાં જન્મેલાં નીલમ દોશીએ એમનું લખેલું પોતાના નામે છપાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ પોતાની રચનાઓ અન્ય સગાંવહાલાંઓનાં નામે છપાવતાં હતાં. એની શરૂઆત મોટી બહેનના લગ્નપ્રસંગે એમને કશીક અનોખી ભેટ આપવાના ઉત્સાહમાંથી થઈ હતી. એ ભેટ રૂપે એમણે એમની એક કવિતા બહેનના નામે છપાવી. ત્યાર પછી અન્ય સગાંવહાલાં પણ એમના નામે કોઈ ને કોઈ રચના છપાવવાનો આગ્રહ રાખવા માંડ્યાં. એક વાર નીલમબહેનની એક વાર્તા એમના પોતાના નામે છપાઈ ત્યારે કેટલાંક સગાંવહાલાં નારાજ થઈ ઊઠ્યાં હતાં અને નીલમબેને લખવાના નામ પર વરસો સુધી ચોકડી મારી દીધી હતી. એવું નીલમબહેન રમૂજપૂર્વક યાદ કરે છે.

તેઓ છેલ્લાં દસેક વર્ષોથી ગુજરાતની બહાર વસે છે. નિજાનંદ માટે પ્રવાસ કરવો ગમે છે. બંને સંતાનો અમેરિકામાં સ્થિર થયાં હોવાથી ભારત અને અમેરિકાની વચ્ચે એમની આવન જાવન ચાલતી રહે છે. એ કારણે એમને વિવિધ સ્થળો અને જુદા જુદા પ્રકારના લોકોનો પરિચય થતો રહ્યો છે. નીલમબહેનને માણસો ગમે છે. માણસ પર અવિશ્વાસ કરવા કરતા વિશ્વાસ મૂકીને કદીક છેતરાવું પડે તો તે પણ તેઓ વધારે પસંદ કરે છે. સંબંધો એમને મન બહુમૂલ્ય મૂડી છે. લાગણીનું મહત્ત્વ એટલું બધું કે જાણે એમનું મન લાગણીનાં એક ટીપાંને મેગ્નિફાય કરીને સાગર જેવડું કરી નાખતું હોય એવું નજીકના મિત્રોનું નિરીક્ષણ છે. તેઓ જીવન પ્રત્યે ભરપૂર સકારાત્મક અભિગમ ધરાવે છે.

આ બધું જ એક વ્યક્તિને સર્જક બનવા માટે ઘણું બધું ભાથું પૂરું પાડે છે. સંવેદનશીલ મન, બીજા લોકો તરફ સમભાવ, સંબંધોમાં ઊંડી શ્રદ્ધા, ચિત્તને સદા ઊર્ધ્વગામી રાખવાની ખેવના વગરે ગુણો એમના વ્યક્તિત્વને પ્રગટાવે છે. નીલમબહેનની પ્રથમ નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશને’ના વિષયવસ્તુ, એનાં પાત્રોમાં દેખાતી સંવેદનશીલતા, જીવન પ્રત્યેની સમજ, સંબંધોની નવી ભૂમિકાની ખોજ જેવી વિવિધતાનાં મૂળ એના સર્જકના ચિત્તમાં જ પડેલાં જોઈ શકાશે.

આ પ્રથમ નવલકથા સાથે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં પ્રવેશ કરી રહેલાં નીલમબહેનને હું શુભેચ્છા સાથે આવકાર આપતાં આનંદ અનુભવું છું.

-વીનેશ અંતાણી

2 thoughts on “આવકાર..

  1. આમ તો મારો અને નિલમબેનનો પરિચય ખૂબજ થોડા સમયનો જ કહેવાય છતાંય તેમના સહજ અને માયાળુ સ્વભાવે મને વધુ આકર્ષી અને આજે એના પરિણામરૂપે એક આપ્તજન તરીકે સ્વીકારતા હું ય હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને એકાદ વાક્યમાં જ જો કહેવાનું હોય તો હું કહી શકું કે જેમના વ્યક્તિત્વનું પાસું બહુમુખી પ્રતિભાશાળી અને સદાઉન્નત અભિગમ અને વિશાળ છતાંય સહ્ર્દયી ,માનવતાના ચાહક હોય એવું ‘નિલમ’ જેવું છે,તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s