ચપટી ઉજાસ..76

ટકો મુંડો ટાંઉ..ટાંઉ

જયભાઇ હવે સાવ કેવો લાગે છે..! તેને માથે એક પણ વાળ નથી…સારું છે મારા વાળ નથી કાપી નાખ્યા..નહીંતર હું યે આવી ગંદી લાગત..હું તો થોડી થોડી વારે અરીસામાં મને જોતી રહું છું. ભાઇલાનું માથું લીસું લીસું…પાછું એની ઉપર મોટો ચાંદલો કરેલ છે. ફૈબા કહે એને સાથિયો કહેવાય…જય તો ખૂબ રડતો હતો..પણ તો યે એના વાળ કપાયા જ..મોટાઓ આવું બધું કેમ કરતા હશે ? હવે જય ભાઇ કાયમ આવો જ રહેશે ? કોઇ કહેતું હતું..જય ટકો મુંડો ટાંઉ..ટાઉં…આનો અર્થ શું થાય તે તો ખબર નથી..પણ જયની મસ્તી કરતા હતા એ મને ચોક્ક્સ સમજાઇ ગયું. ઘરમાં તો કેટલા બધા માણસો હતા..

આજે .હવે બધા ગયા છે. ખાલી મોટા ફૈબા અને આભા દીદી બે રોકાયા છે. તેમને રોકાવાનું બધા કહે છે..પરંતુ તેઓ કાલે જવાના છે.

આ આભા દીદી મને જરાયે ન ગમ્યા…કોઇ સાથે સારી રીતે બોલતા જ નથી.આખો વખત બધાને ખીજાતા રહે છે. મોટા ફૈબા તેની મમ્મી છે.તેમને પણ ખીજાય છે. હું કંઇ મારી મમ્મીને ખીજાતી નથી.. તેમણે હાથમાં કંઇક સરસ બંગડી પહેરી હતી મને તે ગમી..તેથી તેને જોવા માટે હું તેને જરાક અડી..તો મને પણ ખીજાયા..

‘ જૂઇ, આઘી રહે..આમ અડાઅડ ન કર…’

હું તો દોડીને તેનાથી દૂર ભાગી ગઇ.. મારે કંઇ તેની બંગડી જોતી નહોતી.ખાલી જોતી હતી.પણ હવે તો હું તેમની પાસે જતી જ નથી..મને લાગે છે..આભા દીદી કોઇને નથી ગમતા.મારી મમ્મી, દાદીમા બધા સાથે ઝગડે છે.ખાલી ઉમંગી ફૈબાથી થોડા ડરતા હોય એવું મને લાગ્યું.. પણ મારા ફૈબાને એ માસી કહે છે..

આજે જયને બધાએ ગીફ્ટ આપી..મને કોઇએ કશું ન આપ્યું. નવા નવા રમકડા..અને કપડાં…જયના કેટલા બધા ફોટા પાડયા..મને તો કોઇએ બોલાવી પણ નહીં…કોઇ મારે માટે નવરું જ નહોતું..મને જરાયે ન ગમ્યું. ત્યાં જયભાઇ પાસે ઘણાં પેકેટ સરસ

મજાના..લાલ..લીલા..પીળા પડયા હતા. મેં એમાંથી એક ઉપાડયું..અને ખોલવા લાગી..પણ ત્યાં મોટા ફૈબાનું ધ્યાન ગયું..તેમણે મારા હાથમાંથી લઇ લીધું..

‘ જૂઇ, મૂકી દે..તારે ખોલવાનું નથી..આઘી જઇને રમ જા..અહીં કંઇ અડતી નહીં…

મને તો મરજી પડે એમ બધા કહી શકે..મેં મોઢુ બગાડયું..અને પેકેટનો ત્યાં જ ઘા કર્યો..અને ફળિયામાં દોડી ગઇ..ત્યાં.. છે આવડી ટેણી..પણ રોફ તો જુઓ..ભારે જબરી..’

ફૈબા આવું કશુંક બોલ્યા.

ફળિયામાં એક સરસ મજાની નાનકી બિલ્લી..મીનીમાસી આવી. મને એ બહું ગમે..મેં તેને તેડી લીધી..કેવી સરસ..નાની.. નાની છે..તે મ્યાઉં.મ્યાઉં કરતી હતી.મને થયું તેને કદાચ ભૂખ લાગી છે.પણ તેને બોલતા કયાં આવડે છે ?

‘ મીની, અહીં જ ઉભી રહેજે હોં..હું તારે માટે દૂધ લાવું.. કહીને તેને નીચે ઉતારી હું દૂધ લેવા અંદર ભાગી..મને ખબર હતી કે મમ્મી દૂધ ફ્રીઝમાં રાખે છે..મેં ફ્રીઝનું બારણું ખોલ્યું..અને દૂધ લેવા નીચી વળી..તપેલી કાઢવા જાઉં ત્યાં… ત્યાં પાછળથી આભા દીદીનો ધબ્બો મારી ઉપર પડયો..અને દૂધની તપેલી ઉંધી વળી.. આભાદીદી જોશથી મને ખીજાયા…

‘ મમ્મી..આ જૂઇએ જો બધું દૂધ ઢોળી નાખ્યું…સાવ અક્કલ વિનાની છે..’

આભાદીદી કેટલું બધું બોલતા રહ્યા..હું રડી પડી…એ એકમાત્ર મારું હથિયાર..મારો ભેંકડો સાંભળી મમ્મી આવી..

શું થયું ?

‘ મામી..આ તમારી જૂઇ જબરી છે..જુઓ દૂધ ઢોળી નાખ્યું. હું નાનીમાને જ કહું છું.એ જ જૂઇને ખીજાશે..બહું તોફાની છે જૂઇ તો…

મમ્મી કશું બોલી નહીં. ચૂપચાપ ત્યાંથી બધું સાફ કરવા લાગી. પણ મેં જોયું કે આભાદીદી બોલ્યા એ મમ્મીને પણ ગમ્યું તો નહોતું જ..પણ તો યે આભાદીદીને ખીજાયા કેમ નહીં ? મને તો મમ્મી કેવી ખીજાતી હોય છે.આ આભાદીદીને કોઇ કંઇ કહેતું કેમ નથી ?

મમ્મી સાફ કરતી હતી ત્યાં આભાદીદીએ બૂમાબૂમ કરી મૂકી..દાદીમા દોડી આવ્યા.. શું થયું ? અને આભાદીદી તો બસ.મારો જ વાંક કાઢવાનાને ? અને પછી દાદીમા બોલ્યા વિનાના રહે ખરા ?

આ છોકરી દિવસે દિવસે બગડતી જાય છે. અત્યારથી ધ્યાન નહીં રાખીએ ને તો મોટી થતા માથે ચડશે.. લે..હું કંઇ મોટી થઇને કોઇના માથા ઉપર બેસવાની છું ? માથા ઉપર કંઇ બેસાતું હશે ?

હવે ચૂપ થા મારી મા..એક તો આટલું નુકશાન કર્યું અને હવે રડવા બેઠી…જા..બહાર જઇને રમ…

અને મને અચાનક મારી મીની યાદ આવી..બિચારીને ભૂખ લાગી હશે..અને હું ફરીથી ફળિયામાં ભાગી…

ત્યાં જોયું તો માલામાસી મીનીને દૂધ આપતા હતા..મને જોઇને કહે, લે, જૂઇ..તું બિલ્લીને દૂધ પીવડાવીશ ? મારા આંસુ તો કયાંય સૂકાઇ ગયા..હું હસી પડી..બધું ભૂલાઇ ગયું. ખુશખુશાલ બનીને મીનીને દૂધ પીવડાવવા લાગી..સાથે સાથે આ ગીત..

” એક બિલાડી જાડી…એણે પહેરી સાડી….” માલામાસીએ એમાં સાથ પૂરાવ્યો…

( લોકસત્તા..જનસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

5 thoughts on “ચપટી ઉજાસ..76

  1. Enjoy reading Jui’s true emotions….girls ……many people scoleded us too in our childhood just because we are girls and now in their old age they want due respect……what to say? if we can forgive many things (childhood memories), we can smile and can talk…but more true respect??? very tough (honestly)

    Like

  2. આજે જયને બધાએ ગીફ્ટ આપી..મને કોઇએ કશું ન આપ્યું. નવા નવા રમકડા..અને કપડાં…જયના કેટલા બધા ફોટા પાડયા..મને તો કોઇએ બોલાવી પણ નહીં…કોઇ મારે માટે નવરું જ નહોતું..મને જરાયે ન ગમ્યું…એક નાનકડી બાળકી(જૂઈ) ના બાળમાનસનું આબેહૂબ વર્ણન..સરસ..વાંચવું ગમ્યું.નિલમબેન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s