ચપટી ઉજાસ..74

બાબરી એટલે ?

આજે મોટા ફૈબા આવ્યા છે. સાથે તેમની દીકરી આભા પણ છે. આભાદીદી તો મારાથી બહું મોટા છે. ફૈબાએ આવીને જયભાઇને વહાલથી ઉંચકી લીધો..હું બાજુમાં ઉભી ઉભી જોતી હતી. ઉમંગી ફૈબા , દાદીમા બધા મોટા ફૈબાને જોઇ રાજી થયા..મમ્મી તો મોટા ફૈબાને પગે લાગી…

મને નવાઇ લાગી.ઉમંગી ફૈબા તો આટલા સારા છે તો પણ મમ્મી તેને કોઇ દિવસ પગે નથી લાગતી…મોટા ફૈબાને કેમ લાગી હશે ?

દાદીમા કહે,

‘ જૂઇ, ફૈબાને જે જે કરો… જે જે તો ભગવાનને કરાય…ફૈબા કંઇ ભગવાન થોડા છે ?

ત્યાં ઉમંગી ફૈબા કહે, જૂઇ, આપણાથી મોટા હોય ને એ બધાને જે જે કરાય… હવે મેં ફૈબાને પણ જે જે કર્યા. ફૈબા મારી સામે જોઇને જરાક હસ્યા…

ફૈબા કહે રવિવારે કેટલા વાગ્યાનું મૂરત છે ? દાદીમા કહે, સવારે બધા ચોઘડિયા સારા છે..એટલે વાંધો નથી. પણ તું આટલી મોડી કેમ આવી ?કાલથી તો બધા મહેમાન આવવાના શરૂ થઇ જશે. બે દિવસ જ બાકી રહ્યા છે ને?

આ જો ને..આભાની સ્કૂલમાં રજા પડે ત્યારે અવાય ને ? હવે અગિયારમાંમાં આવી..સ્કૂલ કે ટયુશન કેમ બગાડાય ? બે દિવસ માંડ માંડ નીકળી..આ તો જયની બાબરી છે એટલે આવ્યે જ છૂટકોને ?

જયની બાબરી ? એ વળી શું ?

હા…થયું એ કામ..જોને છોકરીની જેમ જટિયા લઇને ફરે છે. હમણાં બે વરસનો થઇ જશે. પછી બીજો પ્રસંગ તો કયારે આવશે ? જયના લગ્ન જોવા હું થોડી જ હોવાની ? તેથી થયું કે આ એક પ્રસંગનો લહાવો તો લઇ લઉં…

હેં..જયના લગ્ન ? મારા કેમ નહીં ? લગન તો મારે કરવા છે..સ્વરામાસી જેવા…દાદીમા જયના લગનની વાત કરે છે..મારા નહીં…આમ પણ દાદીમાને તો જય જ ગમે છે ને ? લગન પણ જયના જ કરશે..મારા નહીં ? હું ફૈબાને કહીશ..એ મારા લગન કરશે.

હું તો મનમાં આવું વિચારતી, મોં ફૂલાવીને ઉભી હતી.

આભા, બાને જેશીકૃષ્ણ કર્યા ?

આભાદીદી મોં બગાડીને અંદર ચાલ્યા ગયા.

ફૈબા કહે,આ આજકાલના છોકરાઓને કંઇ કહેવાય નહીં..બેનને આવવું નહોતું ને હું પરાણે લાવી એમાં વાંધો આવી ગયો છે.તેને તો કયાંય જવું જ ન હોય…બેનપણીઓ..ભાઇબંધો જ સારા લાગે..આપણે બધા તો ભાજી મૂળા..’

ફૈબા ગુસ્સાથી બોલ્યા.

હોય..દીદી..આ ઉમર જ એવી છે…ટીન એજમાં આવું તો ચાલ્યા કરે.

ટીન એજ ટીન એજ કહીને તમારા જેવા બધા જ છોકરીઓને ચડાવી મારે છે. અમે યે એવડા હતા..અમને તો… બસ.


.દીદી…ત્યારની વાત બંધ…તમારીને આભાની સરખામણી ન થાય.લેકચર દેવા બેસીશ ને તો આભા થોડું ઘણું સાંભળતી હશે ને એ પણ નહીં સાંભળે..એને હું સાચવી લઇશ..ચિંતા ન કરો.

નિશા, તારા ભાઇ, ભાભી કયારે આવે છે ? ફૈબાએ મમ્મીને પૂછયું..

કાલે આવી જશે.

સારું સારું…

મમ્મીનો ભાઇ ? એ વળી કોણ હશે ? ત્યાં ઉમંગી ફૈબા કહે, જૂઇ, તારા મામા આવવાના છે..તું એમને ભૂલી ગઇ ? સ્વરામાસીના લગ્નમાં તું ગઇ હતી ને ? તને મામા યાદ છે ? મને બહું યાદ ન આવ્યું..હા..લગ્ન તો યાદ આવ્યા..પણ ત્યાં તો કેટલા બધા માણસો હતા.. કોઇ મામા..કાકા..દાદા..માસા..મામા પણ ઘણાં હતા..હવે એ બધા મને યાદ કેમ રહે ? મેં માથું ધૂણાવ્યું.

ફૈબા કહે..એ તો મામા આવશે ને એટલે તું ઓળખી જઇશ…’

દાદીમા કહે, ચાલો..વાતોના વડા કર્યે પાર નહીં આવે..કામના ઢગલા પડયા છે…વિનોદી ચાલ, અંદર..નિરાંતે વાતો થશે ને શું શું વસ્તુઓ લાવવાની બાકી છે એ જરા જોઇ લઇએ..નહીંતર છેલ્લી ઘડીએ દોડાદોડી કરી મૂકશે.. મારે તો બધું જોવું રહ્યું ને ? કોઇ ઉપર ભરોસો કરી શકાય તેમ કયાં છે ?

ત્યાં ફોનની ઘંટડી રણકી..ઉમંગી ફૈબાએ ઉપાડયો.. અને તેમના અવાજમાં ખુશી છલકી આવી.. કુંજભાઇ..કેમ છો ?

મમ્મી..કુંજભાઇનો ફોન છે.. કાકાનું નામ સાંભળતા હું દોડી..

મારા કુંજકાકા…એની સાથે મેં ફોનમાં ઘણીવાર વાત કરી છે. એમને હું બહું ગમું છું..એની પણ મને ખબર છે.. ભવિશ્યમાં આમ જ બધાને હું ગમીશ તો ખરીને ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે નિયમિત પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s