ચપટી ઉજાસ..73

બુક મારી ફ્રેંડ..

હવે મને મારી સ્કૂલમાં જવું ગમે છે..મારી ઘણી બહેનપણીઓ થ ઇ ગઇ છે. ઇરા,મીલી, માનસી, જેના, જૈમિન, આકાશ, બધાને હુંઓળખું છું. અમે બધા સાથે રમીએ છીએ..હવે તો મને પ્રાર્થના બોલતા પણ આવડી ગઇ છે.ને વન ટુ ટેન ગણતા પણ આવડી ગયું છે. ઘેર મમ્મી કેટલી બધી વાર બોલાવ્યા કરે છે.મમ્મીને રોજ શીખડાવું છું..પણ હજુ એને આવડતું નથી તેથી રોજ મારી પાસેથી શીખે છે. મને તો હવે સન્ડે..મંડે..જાન્યુઆરી….ફેબ્રુઆરી. બધું બોલતા આવડી ગયું છે.. પણ આ જાન્યુ..ફેબ્રુ..એ બધું છે શું ? એની કોને ખબર છે ? મને તો કહે એટલે હું ફટાફટ બોલી જાઉં..એટલું જ…. બોલી લઉં એટલે ફૈબા અને મમ્મી બંને ખુશ થાય..શાબાશ જૂઇબેન..હોંશિયાર થઇ ગઇ છે..એવું એવું કહે..એટલે હું બોલ્યા કરું છું. બાકી બીજી કોઇ ગતાગમ કયાં પડે છે ? સ્કૂલમાં પણ રોજ રોજ એ બધું મોટેથી બોલવાનું હોય છે. ઘરમાં પણ હમણાં તો આખો દિવસ એવું જ બધું…જૂઇ, જાન્યુ..ફેબ્રુ. બોલ તો.. કે પછી સંડે..મન્ડે….બોલ તો… એટલે હું થઇ જાઉં શરૂ..જોકે કયારેક ભૂલ પણ થાય છે. સપ્ટેમ્બર ને એવું બધું બોલવું અઘરું લાગે છે ને બોલું છું ત્યારે બધા હસે છે. એમને મારી જેવું બોલતા નથી આવડતું..મને તો કેટલું બધું આવડી ગયું છે. ઘરમાં તો બધા રોજ રોજ ભૂલી જાય છે. તેથી રોજ મને જ પૂછ્યા કરે છે. મારે જ રોજ મમ્મી અને ફૈબાને પણ શીખડાવવું પડે છે.

આજે અમારી સ્કૂલમાં શેરીંગ ડે હતો..આ દિવસે શું કરાય તે અમારા ટીચરે અમને સમજાવ્યું..હવે મને મારા ટીચર ગમે છે. તેનું નામ જૂલી ટીચર છે.હું જૂઇ અને તે જૂલી…એટલે મને તેનું નામ ગમે છે.

આજે શેરીંગ ડે ને દિવસે અમારે બધાએ પોતાનો નાસ્તો વહેંચીને ખાવાનો..અમે બધાએ એકબીજાનો નાસ્તો ખાધો..મને તો મજા આવી. ઇરાના નાસ્તાના ડબ્બામાં તો ચોકલેટ પણ હતી..મારા ડબ્બામાં તો મમ્મી ચોકલેટ મૂકે જ નહીં ને.. એ તો એમ કહે કે ચોકલેટ ખાઇએ તો દાંત ગંદા થાય..પણ મેં જોયું તો ઇરાના દાંત કંઇ ગંદા નહોતા..હું પણ કાલે મમ્મીને કહીશ ચોકલેટ મૂકવાનું..પણ મમ્મી મારું માને છે કયાં ?

અહીં અમારી સ્કૂલમાં નાની નાની સાઇકલ પણ છે. જેનો વારો હોય તેને જ મળે..ને થોડીવાર પછી ઉતરી જવું પડે. આજે મીલી તો બહું રડતી હતી. તેને મમ્મી પાસે જવું હતું. એને રડતી જોઇને મને પણ રડવું આવી ગયું. હું મીલી પાસે ગઇ તો મીલીએ મને ધક્કો માર્યો.હું પડી ગઇ અને મને લાગ્યું. પગમાંથી રેડ કલરનું લોહી નીકળતું હતું. હું તો મોટેથી રડતી હતી.

ટીચર મીલીને ખીજાયા..અને મને ઉંચકીને અંદર લઇ ગયા. પછી દવા લગાવી આપી.અને એક ખુરશીમાં બેસાડી મારા હાથમાં એક નાનકડી બુક આપી. પણ મને પગમાં દુખતું હતું. હું મારો પગ હલાવીને જોતી હતી. પછી ઉભી થઇને ચાલવા ગઇ..મારાથી ચલાય છે કે કેમ એ જોવા માટે..ચલાયું તો ખરું…પણ બહું દુખતું હતું.

હું ફૈબાની રાહ જોવા લાગી.જલદી તેડવા આવી જાય તો સારું..કયારેક ફૈબા લેવા આવે છે.તો કયારેક મમ્મી આવે છે. મેં ખુરશીમાં બેઠા બેઠા બુકના પતા ફેરવ્યા..પણ મજા ન આવી..એટલે ઘા કરી દીધી…આજે મને ગુસ્સો આવ્યો હતો.. મને લાગ્યું છે તો યે કોઇ જલદી લેવા કેમ નથી આવતું…

મેં બુકનો ઘા કર્યો એ ટીચર જોઇ ગયા.મને ખીજાયા..જૂઇ, બુકનો ઘા કરાય ?

તેમણે બુક ઉપાડીને મને ફરીથી આપી ને કહે, ચાલો, બુકને સોરી કહો..એનો ઘા કરીએ તો એને લાગે કે ન લાગે ?

એક તો મને લાગ્યું હતું તે દુખતું હતું..અને ઉપરથી ટીચર મને ખીજાયા…પછી મારો ભેંકડો તો ચાલુ થાય કે નહીં ?

‘ જૂઇ…તને લાગ્યું તો મીલીને મેં સોરી કહેવડાવ્યું હતું ને ? હવે આ બુકને લાગ્યું તો તારે એને સોરી કહેવું પડે ને ? ચાલ..જલદી સોરી કહી દે..જૂઇ ગુડ ગર્લ છે ને ? હમણાં ફૈબા લેવા આવશે ..’

મારા ટીચરે કહ્યું.

મેં અંતે રડતા રડતા બુકને સોરી કહી દીધું..

ટીચર કહે..શાબાશ..ભૂલ થઇ જાય ને તો સોરી કહી દેવાનું..અને બીજીવાર એવી ભૂલ નહીં કરવાની..ઓકે ? હવે જૂઇ બીજીવાર બુકનો ઘા કરશે ? ‘

મેં જોશથી માથું ધૂણાવ્યું..આમ તો મને યે ખબર હતી જ કે બુકનો ઘા ન કરાય..જયભાઇ ઘણીવાર ઘા કરે છે ત્યારે મમ્મી અને ફૈબા તેને ખીજાતા હોય છે..હું તો મારી બુકનો કયારેય ઘા નથી કરતી..બુક તો મને બહું ગમે..એ તો ખાલી આજે જ…..

ફૈબાએ કહ્યું છે..બુક તો આપણી ફ્રેંડ કહેવાય….

બુક વળી ફ્રેંડ કેવી રીતે કહેવાય ? મારી ફ્રેંડ તો માનસી છે…

6 thoughts on “ચપટી ઉજાસ..73

 1. ફૈબાએ કહ્યું છે..બુક તો આપણી ફ્રેંડ કહેવાય….

  બુક વળી ફ્રેંડ કેવી રીતે કહેવાય ? …

  Finds tongues in trees,

  books in the running brooks,

  Sermons in stones, and good in every thing.

  I would not change it.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s