હું મોટો થઇ ગયો છું..

અનિતાનું ભણવાનું પૂરું થયું… તેનાં લગ્ન થયાં ત્યારે પણ વિદાય વખતે મમ્મીના હાથની નાનકડી ચિઠ્ઠી તેને જરૂર મળી હતી… જે આજ સુધી તેણે સાચવી રાખી હતી… ક્યારેક ઉદાસીની કોઈ ક્ષણે મમ્મીની યાદ આવે ત્યારે એ ચબરખી… એમાંનું નાનકડું વાક્ય વાંચતા એની આંખો ભીની બની ઊઠતી.

અનિતા અને અનલનાં લગ્નને આજે પૂરા બે દાયકા વીતી ચૂક્યા હતા. ઈશ્વરની કૃપાથી જીવન ખાસ કોઈ સંઘર્ષ સિવાય હર્યુંભર્યું રહ્યું હતું. બે દીકરા અને પ્રેમાળ પતિની સંગાથે લગ્નજીવનનાં આટલાં વરસો ક્યાં ઊડી ગયાં… કંઈ ખબર નથી પડી. ઈશ્વરની પૂરી મહેરબાની આ કુટુંબ ઉપર જાણે હંમેશાં રહી હતી.

પહેલા પુત્ર કવન અને બીજા પુત્ર વિહંગ વચ્ચે પૂરાં નવ વરસનું અંતર છે. કવન હવે ચૌદ વરસનો થયો હતો. જ્યારે વિહંગે હજુ પાંચ વરસ પૂરાં કર્યાં છે. ભણવામાં બંને તેજસ્વી છે. પરસ્પરના સ્નેહથી ઘરનું વાતાવરણ આજ સુધી મહેકતું રહ્યું છે.

બાળકો નાનાં હતાં ત્યારથી અનલને દીકરાઓની સ્કૂલબેગમાં નાસ્તાબોક્ષની સાથે સાથે એક નાનકડી ચબરખી મૂકવાની આદત હતી.

“બેટા, આઈ લવ યુ.”

તો ક્યારેક…

“આજે તારો ફેવરિટ નાસ્તો છે ને?”

“સાંજે તારી રાહ જોઉં છું.”

“બેટા, તું બહુ યાદ આવે છે.”

રોજ આવું કશુંક લખીને દીકરાની બેગમાં જરૂર મૂકતી. કવન હોંશે હોંશે તે વાંચતો અને હરખાતો. વિહંગ હજુ પૂરું વાંચતા નહોંતો શીખ્યો, પરંતુ કવન માની નાનકડી ચબરખીમાં લખાયેલ એ નાનકડું વાક્ય વાંચી ખુશખુશાલ બની રહેતો.

પરંતુ હમણાંથી પરિસ્થિતિ બદલાઈ હતી. કવન હવે મોટો થયો હતો. આજે સ્કૂલેથી આવીને બેગનો ઘા કરતા તે મમ્મી ઉપર ગુસ્સે થઈને બોલ્યો…

“મમ્મી, તને કેટલી વાર કહ્યું છે… મારી બેગમાં આવાં કોઈ પતાકડાં નહીં મૂકવાનાં..”

“બેટા… તારે ન વાંચવા હોય તો ન વાંચજે… ફાડી નાખજે… પણ વરસોથી મૂકવાની મને આદત પડી ગઈ છે… એટલે હું મૂકીશ તો ખરી જ….”
“પણ મમ્મી… એવી શી જરૂર છે?”
“વાત જરૂરની નથી… તું નાનો હતો ત્યારે એ વાંચવું તને કેવું ગમતું?”

“પણ મમ્મી, હવે હું નાનો નથી ને? હવે હું ચૌદ વરસનો થયો… વિહંગ નાનો છે એની બેગમાં તું મૂકે એ બરાબર છે….”

“મને ખબર છે કે તું હવે મોટો થઈ ગયો છે… તને એની કોઈ જરૂર નથી, પરંતુ…..”

બોલતા બોલતા અનિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

“બસ… તારું આ જ દુઃખ… કંઈ કહેવાય જ નહીં…”

બબડતો બબડતો કવન પોતાના રૂમમાં ચાલ્યો ગયો…

અનિતા પોતે નાની હતી ત્યારે તેની મમ્મી તેની સ્કૂલબેગમાં હંમેશાં આવી કોઈ નાનકડી ચબરખી રાખતી હતી. જેમાં..
.
આઈ લવ યુ…કે… પછી

બેટા ધ્યાન રાખજે… તો કદીક… આઈ મિસ યુ.. તો કદીક.

આજે સાંજે તારી ફેવરિટ વાનગી બનાવવાની છું… કઈ?

આજે સરપ્રાઈઝ ફોર યુ….

હેપી બર્થ ડે બેટા..

વગેરે એકાદ નાનકડું વાક્ય લખીને પોતાની બેગમાં…. કદીક લંચબોક્ષમાં તો કદી કંપાસમાં મૂકી દેતી.

અનિતા આતુરતાથી આજે મમ્મીએ શું લખ્યું હશે એની પ્રતીક્ષા કરતી… અને રાજી રાજી થઈ જતી… ક્યારેક તો પોતે પણ એકાદ વાક્ય લખીને મમ્મીના હાથમાં મૂકી દેતી…

આ સિલસિલો કોલેજ સુધી ચાલુ જ રહ્યો. અનિતાનું ભણવાનું પૂરું થયું… તેનાં લગ્ન થયાં ત્યારે પણ વિદાય વખતે મમ્મીના હાથની નાનકડી ચિઠ્ઠી તેને જરૂર મળી હતી… જે આજ સુધી તેણે સાચવી રાખી હતી… ક્યારેક ઉદાસીની કોઈ ક્ષણે મમ્મીની યાદ આવે ત્યારે એ ચબરખી… એમાંનું નાનકડું વાક્ય વાંચતા એની આંખો ભીની બની ઊઠતી. મમ્મીની મીઠી યાદ એ નાનકડા વાક્યમાંથી અત્તરની માફક મહેકી ઊઠતી અને પોતે એ દિવસોમાં ખોવાઈ જતી.

પોતાની મમ્મી પાસેથી મળેલો એ વારસો… એ સિલસિલો પોતે પણ પોતાનાં બાળકો સુધી ચાલુ રાખ્યો હતો. જો કે પોતાને દીકરી તો નહોતી. પરંતુ બે દીકરા જરૂર હતા.
કવન નાનો હતો ત્યારે તો એ વાંચીને ખુશ થતો… પણ હવે તે મોટો થયો હતો… હાઈસ્કૂલમાં ભણતો હતો. તેના મિત્રો ક્યારેક તેની મશ્કરી કરતા એથી તે ખીજાતો અને એથી જ આજે તેણે મમ્મીને ના પાડી દીધી હતી.

પણ મમ્મી સમજે તો ને?

જો કે હવે કવન મિત્રોને એ ચબરખી કદી બતાવતો નહીં… વિહંગ તો હજુ ઘણો નાનો હતો… તેથી એ ખુશ થતો….

વરસો વીતતાં ગયાં… સમયનું ચક્ર એની અવિરત ગતિથી ફરતું રહ્યું….

કવન ભણીને મદ્રાસમાં સેટલ થયો હતો… તેનાં લગ્ન પણ થઈ ગયાં હતાં. મમ્મી સાથે અવારનવાર ફોન પર વાતો થતી રહેતી. જ્યારે વિહંગ હાઈસ્કૂલમાં ભણતો હતો.

હમણાં કંપનીના કોઈ કામસર કવનને અમદાવાદ આવવાનું થયું.

પત્નીને નોકરીમાંથી રજા મળી નહોતી તેથી તે એકલો જ આવ્યો હતો.

ઘણાં સમય બાદ પુત્રને આવેલ જોતાં અનિતા સ્વાભાવિક રીતે જ ખુશ થઈ.

“બેટા, રોકાવાનું છે ને?”

“મમ્મી, કામ તો બે જ દિવસનું છે… પણ તમારી સાથે રહેવાય એટલે બીજા બે દિવસ મેં રજા લીધી છે. એ બે દિવસ બધાં સાથે ક્યાંક ફરવા જઈશું… શનિ રવિ છે તેથી વિહંગને પણ કોલેજમાં રજા હશે.”

અનિતા ખુશ થઈ.

સવારે કવન કામ માટે જતો હતો ત્યાં અનિતાએ તેના હાથમાં ડબ્બો પકડાવ્યો.

“આ શું મમ્મી? બેટા… બહાર ખાવાનાં ઠેકાણાં ન રહે… વહેલું મોડું પણ થાય તેથી થોડો નાસ્તો બનાવ્યો છે.. સાથે રાખ.. ભૂખ લાગે તો ખાઈ શકાય.”

“ઓ.કે. મમ્મી થેંક્સ…”

હાથમાં ડબ્બો લઈ બહાર નીકળતા નીકળતા અચાનક કવન એક મિનિટ ઊભો રહી ગયો. કશુંક યાદ આવ્યું હોય તેમ ડબ્બો ખોલ્યો… એમાં કશુંક શોધી રહ્યો પણ કશું દેખાયું નહીં. કવન હળવે પગલે મા પાસે ગયો.

“મમ્મી… આમાં મારી ચિઠ્ઠી ક્યાં? એના વિનાનો નાસ્તો ન ચાલે.”

અનિતા દીકરા સામે જોઈ રહી.

“મમ્મી, ત્યારે તારી લાગણીનું ભાન નહોતું એથી કિંમત નહોતો કરી શક્યો.. પણ આજે તારાથી દૂર ગયા બાદ બરાબર સમજાય છે.”

“ચાલ, લે આ કાગળ… લખી આપ આમાં કશુંક”

કહેતા કવને મમ્મી સામે કોરો કાગળ ધર્યો.

ત્યાં અનિતાએ પાછળ સંતાડી રાખેલ ચિઠ્ઠી ડબ્બામાં મૂકી.

“બેટા, તને નહીં ગમે માનીને કાઢી લીધી હતી.”

“સોરી મમ્મી… તારી પાસે હું કદી મોટો થોડો જ થઈ શકું? એ સમયે મારી નાદાનીમાં એ વાત મને ભલે સમજાઈ નહોતી, પરંતુ હવે હું હંમેશાં એ ચિઠ્ઠીઓને મિસ કરતો રહ્યો છું. કહેતાં કવન ગળગળો થઈ ઊઠયો.

અનિલા પુત્ર સામે સ્નેહથી જોઈ રહી. તેનું સમગ્ર અસ્તિત્વ જાણે હસી ઊઠયું.

બરાબર ત્યાં જ વિહંગ આવ્યો.

ગુસ્સાથી તે બોલી ઊઠયો.

“મમ્મી… હવે હું મોટો થઈ ગયો છું… મમ્મી, મારા દોસ્તો મારી મજાક ઉડાવે છે. પ્લીઝ.. કાલથી તારી આ ચિઠ્ઠીઓ બંધ કરીશ? હું કંઈ નાનું છોકરું નથી.”

અચાનક કવન અને અનિતા બંને એકબીજા સામે જોઈ મોટેથી હસી પડયાં.

વિહંગને કંઈ સમજાયું નહીં… તે બાઘાની માફક મમ્મી અને ભાઈ સામે જોઈ રહ્યો.

( વાત એક નાની ..દૈનિક સંદેશમાં પ્રકાશિત કોલમ )

11 thoughts on “હું મોટો થઇ ગયો છું..

 1. Nilamben,

  nice lay out and nice story to begin the day! really, we understand the value of our parents or dear ones more after going away from them.

  i did not like aajni khaati meethi on women driving a car..

  Like

 2. નીલમબેન વાર્તા સંદેશમાં વાંચી અને ઘણી ગમી .
  નીલમબેન વાર્તામાં કદાચ ભૂલ થઇ છે તે આપ ચકાસણી કરી લેશો .
  વાર્તામાં અનિલા પુત્ર સામે સ્નેહથી જોઈ રહી. તેનું સમગ્ર અસ્તિત્વ જાણે હસી ઊઠયું.
  અનિલા ની જગ્યાએ પાત્રનું નામ અનિતા હોવું જોઈએ .
  આ ભૂલ સંદેશની પૂર્તિમાં , વેબસાઈટ પર અને અહીંયા પણ છે .

  Like

 3. સમયના ચક્રની સાથે ક્યારેક ગમા અણગમાઓ લાગવા માંડે છે અને એક્વખતના અણગમાઓ ગમવા લાગે છે.આ એક અકળ તથ્ય છે. ખરુંને?નિલમબેન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s