ઇંટરવ્યુ..

આજે નિખિલ કરતાં યે તેના માતા પિતાનો આનંદ અનેકગણો વધારે હતો. અને કેમ ન હોય ? તેમનો દીકરો આજે એમ.બી.એ. થઇ ગયો હતો. અને ભણી લીધાના બીજા જ મહિને એક મોટી કંપનીમાં ઇંટરવ્યુ આવ્યો હતો. એમ,બી.એ. તો અનેક યુવકો થતા હોય છે. પરંતુ નિખિલ નુંએમ.બી.એ. થવું સામાન્ય નહોતું. કેમકે નિખિલની વાત કંઇક અલગ હતી.

દીકરાના જન્મ વખતે જ નિખિલના અભણ માતાપિતાએ સપનું જોયું હતું કે પોતે બંને ભલે અભણ હોય પરંતુ દીકરાને તો જરૂર ભણાવશે ને મોટો સાહેબ બનાવશે.. અલબત્ત એમ.બી. એ. કે એવા કોઇ શબ્દની જાણ તો ગરીબ, અભણ માતાપિતાને કયાંથી હોય ? પરંતુ દીકરાને ભણાવીને સાહેબ બનાવવો છે એ એક જ ધૂન મગજમાં હતી. એ માટે રાત દિવસ મહેનત કરવાની તૈયારી હતી. ગરીબના સપના કંઇ ગરીબ જ હોય એવું થોડું છે ?

નિખિલના માતા પિતા માટલા બનાવીને વેચતા કે દિવાળીમાં જાતજાતના કોડિયા બનાવીને વેચતા.. દીકરાના જન્મ પછી રાત દિવસ એક કરતા રહેતા. એક નાનકડી ઓરડીમાં તેમના મસમોટા શમણાં ઉછરતા રહેતા. બંને પતિ, પત્ની થાકયા સિવાય મહેનત કરતા રહેતા. એક એક પૈસો બચાવતા રહેતા. દીકરાને ભણાવવો હશે તો પૈસા જોઇશે એ એક જ વિચાર રાત દિવસ મનમાં ઘૂમ્યા કરતો. દિવાળી જેવા દિવસોમાં પણ કપડાને થીગડા મારીને ચલાવી લેતા. ને દીકરાના ભણતર માટે પાઇ પાઇ જોડતા રહેતા.

સદનસીબે દીકરો ભણવામાં હોંશિયાર નીકળ્યો. સરકારી સ્કૂલમાં ભણતો ગયો..પણ હોંશિયારી કંઇ કોઇ સ્કૂલની મોહતાજ થોડી જ હોય છે ? કોઇ રતન ચીંથરે વીંટાળેલું હોય તો પણ એનું તેજ છૂપું રહી શકે નહીં. એ ન્યાયે નિખિલની હોંશિયારી આપોઆપ ઝળકતી ગઇ. એક પછી એક પગથિયા ચડાતા ગયા. મુશ્કેલીઓ તો આવતી રહી.પરંતુ દરેક પ્રશ્નને એનો ઉકેલ પણ હોય છે..જો શોધવાની ઝંખના અને મહેનત કરવાની તમન્ના હોય તો.. એ ન્યાયે મુશ્કેલીઓ હલ થતી રહી. સદનસીબે સ્કૂલમાંથી શિક્ષકોનો સહકાર અને માર્ગદર્શન મળતા રહ્યા. તેની સાથેના બીજા છોકરાઓને નાનપણથી જ તેમના મા બાપે પોતાના ધંધામાં વળગાડી દીધા હતા .નિખિલના માબાપને પણ બધાએ એજ સલાહ આપી હતી કે છોકરાને કોલેજમાં ભણાવવો એ આપણા લોકોનું ગજુ નહીં..એના કરતા બાપીકુ કામ શીખડાવી દો તો તમને થોડી રાહત મળે..પણ નિખિલના માબાપે કોઇની વાત ગનકારી નહીં..અને હિમત હાર્યા સિવાય દીકરાને ખાલી ભણવામાં ધ્યાન રાખવાનું કહ્યું. બીજું બધું પોતે જોઇ લેશે..માટે એવી ચિંતા કરવાની જરૂર નથી એમ કહીને દીકરાનું ભણતર ચાલુ જ રખાવ્યું. હાઇસ્કૂલ પૂરી કરીને માબાપે પુત્રને કોલેજમાં મોકલ્યો.

કોલેજમાં પણ નિખિલની કારકિર્દી તેજસ્વી રહી. તેની નજર સામે તેના ગરીબ માતા પિતાએ આપેલ ભોગ નિખિલ કદી ભૂલી શકયો નહીં. માતા પિતા અડધા ભૂખ્યા રહીને પણ દીકરાની ફી ભરતા રહ્યા. અને નિખિલ મહેનત કરીને આગળ ભણતો ગયો.

અંતે બધાની મહેનત રંગ લાવી. ઝૂંપડપટીમાં ઉછરેલો, અભણ માબાપનો દીકરો નિખિલ જવલંત સફળતા મેળવી એમ.બી.એ. થયો. અને તુરત સારી કંપનીમાંથી ઇંટરવ્યુ આવ્યો. જાણે શમણાં સાકાર થવાની ઘડી આવી.

આજે નિખિલનો ઇંટરવ્યુ હતો. તૈયાર થઇ, માતા પિતાના આશીર્વાદ લઇ તે ઇંટરવ્યુ આપવા માટે ગયો.

ઇંટરવ્યુ માટે બેસેલા સાહેબોએ નિખિલના સર્ટીફિકેટો પર એક નજર નાખી. બધું બરાબર હતું. હજુ બીજા કોઇ પ્રશ્નો પૂછાય તે પહેલાં એક સાહેબે કહ્યું, નિખિલ સામે ધ્યાનથી જોતા કહ્યું, ’ એક મિનિટ.. મેં તમને ગઇ કાલે જ કયાંક જોયા હોય એવું યાદ આવે છે. કયાં ? એ યાદ નથી આવતું. કે પછી મારો વહેમ છે ? પણ જનરલી હું કોઇનો ચહેરો એકવાર જોઉં એટલે ભૂલતો નથી.. પરંતુ બની શકે..મારી કોઇ ભૂલ થતી હોય..યંગમેન, તમને એવું લાગે છે કે તમે મને કયાંય જોયો હોય.. ? ‘
નિખિલે કહ્યું.. ‘

’ જી, સર..આપની વાત સાચી છે. ગઇ કાલે સાંજે આપ કુંભારવાડા પાસે દીવડા લેવા આવ્યા હતા..અને હું ત્યાં રેકડી લઇને ઉભો હતો. તમે મારી પાસેથી જ દીવા ખરીદયા હતા. ‘

નિખિલે શાંતિથી અને પૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો.

ત્યાં બેસેલા બધાના કાન ચમકયા…આ એમ.બી.એ. થયેલો યુવક રેકડી લઇને માટીના કોડિયા વેચવા.. ?

સાહેબે પૂછયું ,

‘ તમને રેકડી લઇને ઉભતા શરમ ન આવી ? એમ શા માટે ઉભવું પડયું ? જરા માંડીને વાત કરશો ? જે હકીકત હોય તે કહેશો ? તમારા જેટલું ભણેલી વ્યક્તિ આમ …… ? કંઇ સમજાયું નહીં..

‘ સર, એમાં શરમ શાની ? મૂળ વાત એમ છે કે મારા માતા પિતા વરસોથી માટલા..દીવડા , ગરબા એવી માટીની વસ્તુઓ બનાવીને વેચે છે. એ અમારો મુખ્ય ધંધો છે. એ વેચીને જ મારા માતા પિતાએ મને ભણાવ્યો છે. અને આવી કોઇ નોકરી માટે લાયક બનાવ્યો છે.

છેલ્લા એક મહિનાથી રાત દિવસ જાગીને મારા માબાપે એ દીવડાઓ બનાવ્યા હતા. અને બરાબર તે દિવસે જ બંનેને તાવ આવ્યો. આ દિવસોમાં દીવાઓ ન વેચાય તો તેમની મહેનત નકામી જાય અને મારી નોકરી ચાલુ ન થાય , પહેલો પગાર હાથમાં ન આવે ત્યાં સુધી ઘર ચલાવવા માટે પૈસાની જરૂર તો પડવાની જ ને ? મને રેકડી લઇને ઉભવામાં કોઇ શરમ નથી. જે કામ મારા મા બાપે આખી જિંદગી કર્યું તે કામ થોડા દિવસો હું ન કરી શકું ? એ રેકડીને પ્રતાપે તો હું આગળ આવી શકયો છું.અને ઉજ્જવળ ભવિશ્યના સપના જોઇ શકું છું. મારા માબાપ જે કામ કરે છે એ કામની શરમ મને કેમ હોય ? આમ પણ શરમ ખરાબ કામની..ચોરી ચપાટીની હોય. મહેનતની નહીં.. મને મારા કામનું ગૌરવ છે. મારા અભણ અને ગરીબ માબાપ માટે મને આજે પણ ગૌરવ છે અને હમેશા રહેશે. હા..નોકરી મળી જાય અને પહેલો પગાર આવે એ પછી આ કામ તેમને જરૂર બંધ કરાવીશ. મારા માતા પિતાએ ઘણી મહેનત કરી છે.. હવે આરામ કરવાનો એનો હક્ક છે.અને તેમને આરામ આપવાની મારી ફરજ છે.

‘ સોરી..સર..હું કદાચ વધારે પડતું બોલી ગયો..પણ …તમે પૂછયું એટલે… ‘

નિખિલના અવાજમાં પૂરી સચ્ચાઇ નીતરતી હતી. કેબિનમાં બે મિનિટ મૌન છવાઇ ગયું. બધા સાહેબોએ એકબીજા સામે જોયું. ચૂપચાપ કંઇક મસલત કરી. અને એક સાહેબે નિખિલ સામે હાથ મિલાવ્યા.

‘ અભિનંદન ..યંગ બોય.. યુ આર સીલેકેટેડ.. ‘

’ પણ સર..તમે મારો ઇંટરવ્યુ તો લીધો જ નહીં..’નિખિલ જરા મૂંઝાયો..ગરીબ જાણીને પોતાની મશ્કરી કરે છે કે શું ?

‘ નો નીડ ઓફ એની ઇંટરવ્યુ..તારા ડીગ્રીના સર્ટીફિકેટ અમે જોઇ લીધા છે. એ બધા બરાબર છે. તારી શૈક્ષણિક કેરિયર પહેલેથી તેજસ્વી રહી છે. એ વાત તારા આ સર્ટીફિકેટોએ કરી. અને રહી વાત ઇંટરવ્યુની તો.. તારા આ ખુલાસાએ અમારે જે જાણવું હતું તે જણાવી દીધું છે. અને યસ..એક બીજી વાત..પગાર માટે તારે એક મહિનાની રાહ નહીં જોવી પડે. તને તારા પગારની અમુક રકમ એડવાંસમાં મળી જાય એવી વ્યવસ્થા અમે કરી શકીશું..ઓલ ધ બેસ્ટ..એંડ વેલકમ… ‘

હવે આશ્ર્વર્યચકિત થવાનો વારો કદાચ નિખિલનો હતો.

( સંદેશમાં પ્રકાશિત કોલમ વાત એક નાની )

7 thoughts on “ઇંટરવ્યુ..

 1. સાચું કહું તો આમાં મને સંવેદનશીલતા કરતા પ્રેક્ટિકાલિટી વધારે દેખાઈ છે. જે છે તે…ફેસબુકના જમાનામાં ફેસ ટુ ફેસ વાત જ સીધું અને સચોટ પરિણામ લાવે છે.

  Like

 2. અભણ મા-બાપ કે એમની આજીવિકા માટેના આયાસોને નિખિલ જેવા દિકરાઓ આટલી હદે સન્માની શકે એ વાત જ ખરેખર હ્રદયને સ્પર્શી જાય એવી છે.

  Like

 3. નિલમબેન, એવાં બહું ઓછાં ભાદ્ય્શાળી માબાપો હોય છે જેમના સંતાનો આવાં ચિંથરે વિંટેલ એવાં રતન જેવાં હોય છે.

  Like

 4. નીલમબહેન,

  સરસ વાર્તા… શરમ તો ચોરીની કે પછી બે નંબરી કરતા હોય એને હોય, કોડિયા વેચનાર કે ચાની લારી ચલાવનાર ને થોડી હોય? છતાંય આજે નાનું કામ કરતા બધાને શરમ આવે છે.

  નિખિલે પણ એના માતા પિતાનો ઉપકાર યાદ રાખ્યો…સારી વાત કહેવાય..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s