મારી કેફિયત..

મારી કેફિયત..

અહીં મંચ ઉપર અને સામે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને મારા આદરપૂર્વક વંદન. આજે અહી આપ સૌ જેવા સમર્થ શબ્દસ્વામીઓ મારી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે શું બોલવું તે કયાંથી સૂઝે ? એક નાનું અમથું ટીપું વિશાળ સમુદ્ર સામે જાય ત્યારે તે શું બોલી શકે ? શું અનુભવે ? આ ક્ષણે હું એવું જ કશુંક અનુભવી રહી છું..એ ટીપું તો મૌન રહીને વંદન જ કરી શકે ને ?

આજે બે વરસ પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. હું ગદ્ય લખું છું. પરંતુ કવિતા મારો પ્રથમ પ્રેમ..વચ્ચે એકાદ વરસ અમદાવાદમાં હતી ત્યારે ઘણીવાર મોર્નીંગ વોકમાં નયનાબેન જાની સાથે બગીચામાં જતી. તેમના સત્સંગનો… મિત્રતાનો, સ્નેહનો લાભ મળતો. કાવ્ય પ્રત્યેનો મારો પ્રેમ જોઇ નયનાબેને કહ્યું કે કવિશ્રી પાસેથી છંદ શીખવા હોય, ગઝલ સાંભળવી હોય તો ઘેર આવી જા.

આપણે તો રાજી..રાજી.. સીધી પહોંચી ગઇ તેમને ઘેર..સાવ જ નવો નિશાળિયો સીધા યુનીવર્સીટીના ડિનને પકડે એવો ઘાટ થયો. શ્રી રાજેન્દ્રભાઇ શુકલએ તો સ્નેહ અને સરળતાથી આવકારી. થોડી વાતચીત પછી કવિશ્રીએ કહ્યું કે કોઇ પણ કવિની એકાદ પંક્તિ બોલો..

સાચું કહું તો કાવ્યની અનેક પંક્તિઓ મને મોઢે હોય જ. અરે, રાજેન્દ્રભાઇની પોતાની પણ અનેક રચનાઓ મને યાદ હતી જ. પરંતુ તે દિવસે રાજેન્દ્ર ભાઇ સામે એક નાની સરખી લાઇન ..એકાદ પંક્તિ પણ યાદ ન આવી શકી. લાખ પ્રયત્ન પછી પણ ન જ બોલી શકી. બિલકુલ બ્લેંક.. જાણે કવિતા શબ્દ જ જિંદગીમાં પહેલી વાર ન સાંભળ્યો હોય ? શરમથી માથું નીચું કરી બેસી રહી. કક્કો શીખવા માટે કંઇ સીધું કુલપતિ પાસે ન પહોંચી જવાય. એ ભૂલનું ભાન થયું. જોકે કવિશ્રીએ તો પૂરી ઉદારતાથી, તેમની સ્વભાવગત સરળતાથી આંખો બંધ કરીને પૂરા એક કલાક સુધી છંદ વિશે સમજાવ્યું. હું મંત્રમુગ્ધની જેમ.. સમાધિની અવસ્થામાં હતી કે પછી બિલકુલ બાઘી બની ગઇ હતી..એ આજે યે સમજાયું નથી. રાજેન્દ્રભાઇનો ધીર ગંભીર, ઘેઘૂર અવાજ મારી ભીતર ગૂંજતો રહ્યો. તેમની ગઝલો તેમને સ્વમુખે સાંભળવાનો લહાવો તેમની સાવ સમીપે બેસીને માણ્યો..તે દિવસે પણ હું શબ્દોવિહોણી હતી..અને આજે પણ કંઇક એવી જ સ્થિતિ છે.

કેમકે વિશાળ સાગર સમક્ષ એક બુંદને પોતાની કેફિયત રજૂ કરવી કંઇ સહેલી તો નથી જ ને ?

છતાં એક વાત કહીશ.. એ નાનું અમથું બુંદ જયારે સાગરમાં ભળે …અને સાગર એનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે ત્યારે સ્વીકૃતિનો એ આનંદ..એમાં ટપકારૂપે પણ ભળ્યાનો આનંદ એ જરૂર અનુભવે. બસ..આજે આ ક્ષણે હું એવા જ કોઇ આનંદનો અનુભવ કરી રહી છું.

આ સાગરમાં ભળવાની ઝંખના અને એની નાની એવી શરૂઆત ચૌદ, પંદર વરસની વયે સાવ અચાનક રીતે થયેલી. વાત કંઇક આવી હતી. મારી મોટી બહેનના લગ્ન હતા. મનમાં વિચાર આવ્યો કે મારે મારા તરફથી કશીક અલગ ગીફટ આપવી છે. શું આપવું એ વિચારતા થયું કે એકાદ નાનકડું કાવ્ય લખીને બહેનના નામે કયાંક છપાય એવું કશુંક કરું તો ? ડાયરીઓમાં આમતેમ વિખેરાયેલી પંક્તિઓ પડી જ હતી. બસ..વિચાર આવ્યો.. કવિતા લખાઇ અને સ્ત્રી સાપ્તાહિકમાં મોકલી..અને એ છપાઇ પણ ખરી. અલબત્ત મારી બહેનના નામ સાથે. ઘરમાં બધા ખુશ થયા. પછી સગાઓમાંથી બે ચાર જણાએ ફરમાઇશ કરી કે અમને પણ આવી જ ગીફટ જોઇએ… મને પણ શરૂઆતનો રોમાંચ..ઉત્સાહ હતો. કાકી, મામી, મમ્મી, બેન, બધાના નામે કશુંક લખ્યું..છપાયું પણ ખરું..

પરંતુ થતું એવું કે ઘણી વખત રચનાઓ સાભાર પરત આવતી ત્યારે મારી ઉપર આક્ષેપ થતો કે મેં એમના નામે સારું કેમ ન લખ્યું ? આવું અવારનવાર થતું રહ્યું. સગાઓને ખોટું લાગતું રહ્યું. હું કંટાળતી રહી. થોડા સમય પછી પહેલી વાર મારા નામે એક વાર્તા અખંડ આનંદમાં મોકલી અને તે છપાણી. ત્યારે ફરીથી ફરિયાદ આવી કે અમારા નામે કેમ ન મોકલી ? હવેથી ધ્યાન રાખજે… હા..એનો પુરસ્કાર મળે એ તું તારે રાખજે.અમારે તો ફકત નામ આવે એટલે ભયો ભયો… પુરસ્કારના દસ રૂપિયા મારે રાખવા એવી ઉદારતા સગાઓએ દર્શાવી. મારાથી એ ઉદારતા સહન ન થઇ. અને લખવાના નામ ઉપર મેં ચોકડી મારી. ન રહે બાંસ..ન બજે બાંસુરી…

લખવાનું તો બંધ કરી દીધું..પરંતુ વાંચવાનો શોખ ગાંડપણની હદે અકબંધ હતો. અને કયારેક બહું મન થાય ત્યારે ડાયરીઓ પણ ભરાતી. રહેતી.

લગ્ન પછી મીઠાપુર હાઇસ્કૂલમાં ભણાવતી વખતે વિજ્ઞાન શિક્ષક હોવા છતાં સાહિત્યના મારા રસને લીધે દસમા ધોરણમાં ગુજરાતી કાવ્યો ભણાવવાની મનગમતી જવાબદારી મને સોંપાઇ.. તે સમયે શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત રેડિયો પર પણ થોડા કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. સૌથી પહેલી કવિતા શ્રી મકરંદ દવેની ..ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ… “ આકાશવાણી રાજકોટ પરથી સમજાવી. આમ કાવ્યપ્રેમ વિકસતો રહ્યો. પરંતુ સ્કૂલના અને કલબના કાર્યક્રમો માટે કાવ્યની નહીં પરંતુ નાટક, નિબંધ વિગેરેની અવારનવાર જરૂર પડતી ત્યારે શોધવા જવાને બદલે જરૂરિયાત મુજબ લખી નાખતી. વચ્ચે વચ્ચે અખંડ આનંદ, સ્ત્રી, સન્દેશ, અને જનકલ્યાણમાં વાર્તા પણ મોક્લતી રહી. પરંતુ વરસમાં માત્ર એક કે બે જ…

આ સમય દરમ્યાન જરૂરિયાતને લીધે ત્રીસેક જેટલા બાળનાટકો લખાયા..અને ભજવાયા.
વરસો સુધી આ કામ ચાલ્યું. એ જોઇ લાંબા સમય પછી અચાનક મળી ગયેલી મારી ખાસ મિત્ર લતા હિરાણી કહે, આટલું બધું કામ કરે જ છે તો છપાવતી કેમ નથી ? અને તેના આગ્રહ અને મદદથી અંતે 2006માં આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. નાટકો તો લખાયેલા તૈયાર હતા જ. એમાંથી થોડા પસંદ કરીને બાળનાટકનું પહેલું પુસ્તક 2006માં છપાયું. એને અકાદમીનું ઇનામ પણ મળ્યું. ઉત્સાહ વધ્યો. કામ ચાલુ રહ્યું. કોલકતાની એકલતા, બંને બાળકો પરદેશમાં.. પતિદેવ એના કામમાં વ્યસ્ત એવા સમયે એ એકલતાને એકાંતમાં પલટાવી શકી..આ લેખનયાત્રાથી…

પેનનો સાથ છૂટયો.. અને લેપટોપની આંગળી પકડી. ટેકનોલોજી ..ઇ મૈલની મદદથી દૂર રહીને પણ નિયમિત કોલમ સ્ત્રી, જનસત્તા કે સન્દેશમાં ચાલુ રહી શકી. અખંડ આનંદ, નવનીત સમર્પણ, ઉદ્દેશ, શબ્દસૃષ્ટિ,અભિયાન વગેરેમાં વાર્તાઓ મોકલતી રહી..છપાતી રહી. જનસત્તામાં પહેલીવાર હપ્તાવાર નવલકથા લખી. એ પછી દિવ્યભાસ્કર ગોલ્ડના આમંત્રણથી ત્રણ લઘુનવલ લખાઇ. અમેરિકા હોઉં કે બંગાળ કે ઓરીસ્સામાં ..લખવાનું ચાલુ થયા પછી મોટે ભાગે ગુજરાતથી દૂર રહેવાનું થયું છે. પરંતુ શબ્દો સાથેનો નાતો જળવાઇ રહ્યો એનો આનંદ છે. 2006માં પહેલું પુસ્તક છપાયું.. આજે 2011માં છ પુસ્તક થઇ શકયા છે. અને અન્ય ત્રણ પુસ્તકો હાલ પ્રેસમાં છે.

બસ… સાગરમાં ભળવાની આ કથા… એક નાના અમથા ટીપાની કથા..

મારી આ શબ્દયાત્રામાં અનેક પરિચિત કે અપરિચિત લોકોનો એક કે બીજી રીતે સાથ અને સહકાર મળતો રહ્યો છે.

આજે સૌ પ્રથમ આભાર હું દરેક કવિ મિત્રનો માનું છું. કેમકે અનેક કવિઓની જાણ સાથે કે જાણ બહાર પણ તેમની પંક્તિઓ મારા લખાણમાં હું વાપરતી રહી છું. અલબત્ત તેમના નામ સાથે જ.. પરંતુ કયારેક એવું પણ બન્યું છે કે મારી જૂની ડાયરીમાં પંક્તિ તો હોય પરંતુ કવિનું નામ લખાયેલું ન હોય અને મહેનત છતાં શોધી ન શકાયું હોય ત્યારે આભાર સાથે “ કોઇ કવિ” એવો ઉલ્લેખ પણ કરવો પડયો છે..આજે જાહેરમાં એ દરેક કવિઓને હ્રદયપૂર્વકના વંદન.

વરસોથી મોટા ભાગના કવિઓ મારી ડાયરીના પાને પાને, અને આજે લેપટોપના ફોલ્ડરમાં બિરાજમાન છે. એ કવિઓને આજે હું ઓળખું છું..પ્રત્યક્ષ મળી છું ત્યારે આનંદથી છલકી રહું એ સ્વાભાવિક નથી ? આ પુસ્તક..ડોટર ,માય ફ્રેંડમાં પણ ઘણાં કવિમિત્રોની પંક્તિઓ તેમને દેખાશે જ..અલબત આજે અંગ્રેજી સ્વરૂપમાં. એ બધાનો દિલથી આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ તેમની આ ઉદારતા ચાલુ રહેશે એવી અપેક્ષા..

શ્રી કુમારપાળ દેસાઇ… જેમને માટે હમેશા દિલથી એક સાચા આદરની અનુભૂતિ કરતી રહી છું. મારા પહેલા પુસ્તકમાં પણ એમની પ્રસ્તાવના મળી શકી હતી. અને આજે તેમના હાથે આ વિમોચન શકય બન્યું એનો આનંદ હોય જ એ સ્વાભાવિક છે. સમય કાઢીને તેમણે આ કાર્ય સ્વીકાર્યું એ બદલ તેમની ઋણી છું. .

શ્રી પ્રબોધભાઇ અને જયંતભાઇ મેઘાણી..કોઇ પૂર્વપરિચય નહીં.. પરંતુ છેલ્લા બે ત્રણ વરસમાં તેમનો જે પરિચય પામી છું….એ વિશે શબ્દોમાં શું કહી શકું ? કોઇ વાર્તા વિશે મનમાં અવઢવ હોય..બરાબર લખાઇ છે કે કેમ ? એ વિશે નિખાલસ…સાચો અભિપ્રાય,અને માર્ગદર્શન જોતું હોય ત્યારે પ્રબોધભાઇને હેરાન કરતા જરાયે અચકાઇ નથી..અને ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ એમનો જવાબ..માર્ગદર્શન અચૂક મળ્યું જ હોય..આભારના કોઇ ભારનો અનુભવ કરાવ્યા સિવાય. જયંતભાઇ કે પ્રબોધભાઇ બંનેએ કદી એકવાર પણ નથી કહ્યું કે પોતે વ્યસ્ત છે. અલબત્ત તેમની અતિવ્યસ્તતા હું જાણું છું અને છતાં પૂરા હક્કથી તેમનો સમય લેતી રહી છું. આભાર શબ્દ કેટલીક વાર વાપરું ? એ શબ્દની ધાર હવે બુઠ્ઠી બની ગઇ છે.

શ્રી જય વસાવડા અને પ્રીતિબહેન શાહ બંનેએ અમારી વિનંતિને માન આપીને પોતાનો સમય ફાળવી આ જવાબદારી સ્વીકારી તે બદલ ખૂબ ખૂબ આભાર.

લતા હિરાણીનો આભાર માનવા જાઉં તો તેને અને મને બંનેને અડવું લાગે.

વાચકો.. ભાવકો વિના તો કોઇ પણ લેખક અધૂરો જ ને ? તેમના પ્રેમને સલામ..

પૂર્વી, તો મારી માનસપુત્રી બની ગઇ છે. તેણે જે મહેનત અને નિષ્ઠાથી અનુવાદનું આ કામ કર્યું છે. તે ભાવકોને અવશ્ય સ્પર્શી શકશે એવી શ્રધ્ધા છે. આ પુસ્તકે મને પૂર્વી જેવી દીકરી આપી..એનાથી મોટી રોયલ્ટી બીજી કઇ હોઇ શકે ?
આભાર લિસ્ટ તો બહું લાંબુ છે. પરંતુ દરેકનો વ્યક્તિગત ઉલ્લેખ અત્યારે શકય નથી. અહીંથી તથા બહારગામથી પણ આવીને પોતાનો સમય ફાળવીને સાથ અને સહકાર આપી અમારા ઉત્સાહને વધાવનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..મારા નેટ મિત્રો, મારા બ્લોગના સ્નેહાળ વાચકોને કેમ ભૂલાય ? એમાંથી ઘણાંને પ્રત્યક્ષ મળી છું..તો ઘણાંને નથી મળી અને છતાં એ કોઇ અપરિચિત લાગતા નથી એ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર..

અંતમાં મારા પરમ મિત્ર અને જીવનસાથી હરીશ, જે મારા દરેક લખાણના પ્રથમ વાચક અને પ્રામાણિક વિવેચક રહ્યા છે. મારી ક્ષણે ક્ષણને સંભાળનાર, અને ઉજાળનાર એ મિત્ર પ્રત્યેનો ઋણ ભાવ તો અંતરની છિપમાં બિડાયેલો જ રાખવો ગમશે. અમારા સખ્યજીવનના એ સાથીદારને સલામ સાથે જ વિરમું છું.

મારી મનગમતી એકાદી પંક્તિ વિના તો સમાપન કેમ કરી શકું ? આદત સે મજબૂર..
લો…..

ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

( kumar pashi..anuvad suresh dalal )

મારા પુસ્તક વિમોચનના પ્રસંગે આપેલી મારી કેફિયત ..તારીખ 18/2/2011 )

23 thoughts on “મારી કેફિયત..

 1. આજે હોસ્ટેલના દિવસો યાદ આવી ગયા. તારી કેફિયત વાંચવા માટે તો તારી આસપાસ ચક્કર લગાવતી રહેતી આજે અહીં સહેલાઈથી વાંચવા મળે છે ત્યારે બીજું બધુ પછી જ હોય…
  બહુ સરસ છે અને બહુ ગમ્યુ.

  Like

 2. તળિયેથી ઉલેચી ઉલેચી,સાગર જેટલાં ભાવો ઠાલવ્યા છે.વાંચવાની ખુબ મઝા આવી એટલું જ નહિ,ખુબ પોતીકાપણું અનુભવ્યુ.! આખાયે પ્રસંગનો આંખે દેખ્યો હેવાલ વાંચવો છે.રાહ જોઉં ને ?
  દિલથી સાચા અને ઉંડા અભિનંદન.

  Like

 3. નીલમબેન…. આજે આપને થોડા વધુ નજીકથી જાણ્યા. ખુબજ ગમ્યું ..ના જાણે કેમ પણ આપની વાતો અને આપના ભાવ મને ખુબજ પોતીકા લાગે છે …હંમેશા… હ્રદયને સ્પર્શી જાય છે ! અને હા મને પણ,
  આખાયે પ્રસંગનો આંખે દેખ્યો હેવાલ વાંચવો છે. રાહ જોઉં ને ?

  Like

 4. Dear Teacher

  Congrats for your journey in Gujarati literature. I enjoyed this article. We readers come to know more about you, and your passion , hobby and contribution for literature.

  Yes, you were our science teacher at Mithapur High School, I never know this much about your art aspects. You short listed few selected students (including me) and we used to have some extra activities during mass PT period. That time we used to do VICHAR-VISTAR for famous PANKTI. You corrected my spelling for ZINDGI. My sister and you wrote content for debate about “pros and corns of science”. ….

  After long time, some Mithapurian mentioned about your blog. I became regular reader of your blog, even though I am not commenting on each article. I have enjoyed very much some series of articles on your blog. It is very good that nowadays writers are using technology like blog. Keep writing. Keep doing good work.

  My journey in literature field is yet to begin. I got encouragement from you, my uncle, my ex-colleagues, friends etc for my poems. http://pancham55.blogspot.com For last few years I am writing blog. http://www.layers7.blogspot.com I am writing a personal diary about my thoughts related to spirituality. Sometime, I post article at my blog from that diary…

  Congrats again. Literature, Art make us complete. Only science, Maths, logic is not sufficient in life.

  Your student
  Manish Panchmatia

  Like

 5. પુસ્તક વિમોચનના “અવસર”ના સહભાગી થઈ શકાયું એનો આનંદ હજૂ મમળાવીને માણી રહ્યો છું.
  અન્ય મહાનુભાવોની પંગતમાં બેસીને સાંભળેલી આપની નિખાલસ અને સહજ કેફિયત અહીં ફરી સાંભળીને ફરી એજ રોમાંચ અનુભવ્યો.
  ફરીથી,
  આપને અનેકાનેક શુભકામનાઓ નીલમબેન…..

  Like

 6. માનનિય નિલમબેન,
  તમારી સાહિત્યિક સફરનું ઉદ્બબોધન અને નિખાલસતા હ્રદયને સ્પર્શી ગઈ. “અખંડઆનંદ” માં છપાયેલી તમારી શરૂઆતની ટુંકી વાતો તમે વંચાવેલી અને આપણી ઓળખાણ દ્રઢ થઈ હતી. અભિનંદન અને શુભકામનાઓ સાથે.

  Like

 7. નિલમબહેન.. મારા મનની મુરાદ પૂરી થઈ ગઈ..આપના ભવ્યાતીભવ્ય પ્રોગ્રામની સફળતા મળી તે સમાચાર જાણવાની ઈચ્છા હતી. તે મને ય ખૂબ ગમ્યું.. સદા ખુશીઓની વર્ષા વરસતી રહે તમ આંગણે એજ મારી પ્રભુની પાસે દુવા માંગુ છું..ચાહે ગમે ત્યાં હોઈએ?

  Like

 8. નિખાલસ અને સહજ કેફિયત
  સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે નીલમબેનનો અભીગમ
  સત્ય તેમજ પ્રેરણાત્મક તથ્યોને ઉજાગર કરવાનો છે
  અને નસીબ કે
  લેખનકામનો તને અદ્ ભુત ચોકો તો મળ્યો !
  ને પ્રસીદ્ધી પામવાનો સરસ મોકો તો મળ્યો !
  યાદ આવે કેફીયત
  मगर -ऐ-काश वो देखे मेरी पुरसोज रातो को,
  में जब तारो पे नज़रे गाड़कर आंसू बहाता हूँ,
  तस्सवुर बनके भूली वारदाते यद् आती हे
  तो सोजो दर्द की शिद्दत से पहरों तिलमिलाता हूँ.
  कोई खाबिदा खाबोमे उमंगो को जगती हे ,
  तो अपनी जिन्दगी को मोत के पहेलु में पाता हु
  तो दिल ताबे-निसाते-बज्मे हशरत ला नहीं शकता,
  में चाहूँ भी तो खाबावर तराने गा नहीं शकता.

  અનેકાનેક શુભકામનાઓ

  Like

 9. પ્રિય દીદી, આપના આ અવસરને માણવાનો મોકો તો ના મલ્યો પરન્તુ આજે આપની આ પોસ્ટ દ્વારા આપની કેફિયત વાંચી ખુબજ ખુશી થઇ … આપ આમ જ સફળતાના સોપાન સર કરો એવી હાર્દિક શુભકામનાઓ …!!

  Like

 10. શ્રીમતી નીલમબહેન,

  જીવનના પ્રારમ્ભિક દિવસોમાં ખ્વ્ય રચના દ્વારા સગાઓને આનંદ આપી અને પોતે પડદા

  પાછળ રહી એક નિખાલસ અને માયાળુ સ્નેહીનું પાત્રજીવનના રંગમંચ પર ભજવ્યું છે.

  ત્યાર બાદ ક્રમે ક્રમે આગળ વધી શાળાનાબાળકો માટે નાટકો લખી તેમને પ્રોત્સાહિત કર્યા

  અને આપ પણ મનના ઉમ્ગમાંલહેરાઈ આગળ વધતા ગયા. અને તેજ નાટકો ભજવ્ય અને

  પુસ્તક દેહે પ્રસિદ્ધિ પામ્યા અને અંતમાં જીવનસાથીના સાથ વડે ઉત્મોત્મ પુસ્તક પ્રકાશનના

  હિંડોળે હિચ્યા. અને સોનામાં સુગંધ ખ્યાતનામ લેખકો અને કવિઓની હાજરીમાં વિમોચન

  થયું તે સાત સાગરનીલહેરો જેવો વિશાલ કર્ય્કેમ થયો તે બદલ લાખ લાખ અભિનંદન

  જીવનમાં ખુબ આગળ વધો જગતના નકશામાં છવાઈ જાવ તેવી હાર્દિક અપેક્ષા

  Like

 11. તમારી પારદર્શક કેફિયત થોડામાં ઘણું કહી જાય છે. ખૂબ ભાલો…અભિનંદન.

  Like

 12. નિલમબેન,

  આમ તો આપણે ક્યારેય રૂબરુ મળી શક્યા નથી પણ ક્યારેય મળ્યા નથી એવો ભાવ પણ અનુભવ્યો નથી. ઘણા દૂર રહીને પણ ઘણી નિકટતા તમારી સાથે વાતોમાં અનુભવી છે…..આ મારી કેફિયત છે.

  આજે તમારી કેફિયત વાંચતી વખતે પણ તમને સાંભળી રહી હોઉ એવી જ નિકટતા અનુભવાય છે. આટલી સુંદર રીતે મનના ભાવોને વ્યક્ત કરનાર જ્યારે જ્યારે કઈ પણ લખે ત્યારે ત્યારે એ હ્રદયના ઉંડાણથી જ કહેવાયુ હોય એ સાવ જ સ્વભાવિક છે. તમારી આ સ્વભાવિકતા -સરળતા જ તમારી શ્રેષ્ઠતાનુ મૂળ હશે.

  એ સરળતા- સ્વભાવિકતા અને શ્રેષ્ઠતાને સલામ

  Like

 13. સુંદર કેફિયત. સામે બેઠા હોઈએ એવો અનુભવ થયો. અમારા જેવા ભાવકો માટે ઓડિયો/ વિડિયો રેકોર્ડ કરી શકાયા હોય તો શેર કરજો.

  તમારું સાહિત્યસર્જન આજ રીતે આગળ વધતું રહે એવી શુભેચ્છાઓ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s