ચપટી ઉજાસ..71

ફૈબા અને મમ્મી

હમણાં તો મને નવાઇ લાગે છે..મમ્મી અને ફૈબા વચ્ચે ન જાણે કેવી દલીલો થયા કરે છે. અને તે પણ મારા નામ સાથે..આજ સુધી મેં આવું તો કદી જોયું નથી. ફૈબા કહે એ મમ્મી માની જ લે..એને પણ ખબર છે કે ફૈબા જે કંઇ કરે એ મારા સારા માટે જ હોય. પણ ખબર નહીં આ વખતે મમ્મી ફૈબાની વાત માનતી જ નહોતી..મને તો મમ્મી ઉપર ગુસ્સો આવતો હતો..કોઇ વાત ન સમજવા છતાં ન જાણે કેમ મને હમેશા એમ જ થાય કે ઉમંગી ફૈબા કહે એ જ સાચું..મમ્મી પણ પછી..પહેલા તો મારા વહાલા ફૈબા…

પપ્પાએ તો હમેશની જેમ કહી દીધું હતું કે મને આવી કોઇ વાતમાં ન સંડોવવો..તમારે જે કરવું હોય તે કરો… અને હું મને ન સમજાતી કેટલીયે વાતો સાંભળ્યા કરતી.


ભાભી, આ પહેલા પણ મેં તમને અનેકવાર સમજાવ્યા છે..અનેક લેખો વંચાવ્યા છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મળવું જોઇએ..અંગ્રેજી પણ શીખશે..એની ના નથી જ..હું પોતે રોજ જૂઇને અંગ્રેજી શીખડાવીશ..બસ..? આપણે બધા ઘરમાં ગુજરાતી બોલીએ છીએ..આપણા ઘરનું વાતાવરણ ગુજરાતી છે.પછી જૂઇ માટે આવો દુરાગ્રહ કેમ રાખો છો ?

અને ફૈબા તો કેટલુંયે બોલતા..

‘ ભાભી, હું કંઇ જૂઇનું ખરાબ થાય એવું થોડું ઇચ્છું ? જૂઇ મને કેટલી વહાલી છે એની તમને નથી ખબર ?

ઉમંગીબેન, મને બધી ખબર છે…તમારી ઉપર મને પૂરો વિશ્વાસ છે..પણ… ‘

કહેતા મમ્મી અચકાઇ..

‘ પણ શું ભાભી ? ‘

‘ ઉમંગીબેન, , મારે જૂઇને બીજી નિશા નથી બનવા દેવી..’

‘ એટલે ? ‘

મને અંગ્રેજી પૂરું નથી આવડતું..હું ગુજરાતીમાં ભણી છું..એને લીધે તો તમારા ભાઇ….’

બોલતા બોલતા ન જાણે કેમ મમ્મી રડી પડી.. ફૈબા તો સ્તબ્ધ થઇને મમ્મી સામે જોઇ જ રહ્યા.. ન જાણે કયું સત્ય આજે અચાનક તેમની સામે ઉઘડી ગયું હતું.

મમ્મી કહે,

’ એટલે કે મને અંગ્રેજી બોલતા નથી ફાવતું એટલે એમના મિત્રો વચ્ચે મને કેમ લ ઇ જાય ? નકામી બધા મારી જ મશ્કરી કરે ને ? એમના બધા મિત્રોની પત્નીઓ ફટાફટ અંગ્રેજીમાં બોલતી હોય છે..એમાં મને કેમ લઇ જાય ?એમાં તમારા ભાઇનો વાંક નથી..’

મમ્મી જાણે બોલેલું ભૂંસવાનો પ્રયત્ન કરતી હતી કે શું ?

પણ આ તો ઉમંગી ફૈબા હતા.. તે ધીમેથી મમ્મી પાસે ગયા…

’ભાભી, આટલા વરસ સુધી તમે અમને કોઇને અણસાર સુધ્ધાં ન આવવા દીધો ? ભાઇએ પણ કદી….

બોલતા બોલતા ફૈબા અટકી ગયા.દાદીમા આવી ગયા અને મમ્મી કે ફૈબા કોઇ દાદીમાની હાજરીમાં કંઇક બોલવા નથી માગતા એટલી સમજ તો મને અબૂધને પણ પડી ગઇ..

દાદીમા કહે..

પછી નક્કી થયું તમારું ?

‘ હા..નક્કી જ છે..પોતાની દીકરીને કયાં..કેમાં ભણાવવી એ માનો જ હક્ક કહેવાય…આખરે જૂઇ એમની દીકરી છે..અને મને લાગે છે..આજકાલ અંગ્રેજી વિના ચાલે જ નહીં..જૂઇ અંગ્રેજીમાં જ ભણશે. બરાબરને ભાભી ?

મમ્મી ફૈબા સામે જોઇ રહ્યા. કશું બોલ્યા નહીં

દાદીમા કહે.

.હા, ભાઇ, હવે કંઇ આપણું થોડું ચાલવાનું છે ? આપણે તો બસ જૂની આંખે નવા નવા તમાશા જોવાના..

આ છોકરી પણ ગોટપીટ કરશે..આપણે કંઇ સમજીએ તો ઉપાધિ ને ? તમારે જેમ કરવું હોય તેમ કરો..મારે શું ? છોકરીને અંગ્રેજીમાં ભણાવ્યા વિનાના રહી જતા હતા તે… છોકરી મોટી થઇને હાથમાંથી જાય નહીં તે જોજો..પેલા રમીલાબેનની છોકરીની ખબર છે ને ? અંગ્રેજીમાં ભણવા મૂકી છે કેવી ફાટીને ધૂમાડે ગઇ છે..

‘ અરે, મમ્મી..એમાં અંગ્રેજીનો વાંક નથી..એના ઘરનું વાતાવરણ જ એવું છે..એની મમ્મીની તને કયાં ખબર નથી ? બધા કંઇ તારા જેવા નસીબદાર ન હોય કે નિશાભાભી જેવી વહુ મળે..જે ગમે તે થાય તો પણ…

બોલતા બોલતા ફૈબાએ મમ્મી સામે જોયું અને પછી અટકી ગયા..

હું હવે કાઢીને કાઢીને કેટલા વરસ કાઢવાની ? એક પગ તો મસાણે પહોંચી ગયો છે. બાપલિયા, તમને ફાવે તેમ કરો..મારે કયાં લાંબુ જીવવું છે તે બધાની ચિંતા કરતી ફરું ? ‘

મમ્મી, તારો રુટિન ડાયલોગ બંધ કર..જીવન ને મરણ તો તું જ કહે છે તેમ ભગવાનના હાથમાં જ છે ને ? પછી એ બધા ડાયલોગ બોલવાનો કોઇ અર્થ નથી.

દાદીમાને ફૈબાનું બોલવું જરાયે ન ગમ્યું..અને કશુંક બબડતા તે ચાલ્યા ગયા.

આજે ન જાણે કેમ પણ ફૈબા મારે બદલે મમ્મીનો હાથ પકડી અંદર ગયા. અને હું ઓરડામાં વચ્ચોવચ્ચ એકલી અટૂલી ઊભી હતી. સાવ બાઘાની જેમ..

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s