ચપટી ઉજાસ..68

ફોનની નાઇ નાઇ..

આજે જય તેની રીમોટવાળી કારથી રમતો હતો. અને હું ડાહી બનીને મારી નાનકડી ચોપડીમાંથી ચિત્રો જોતી હતી..ત્યાં ફૈબા આવ્યા..મારા હાથમાં બુક જોઇને તે ખૂબ ખુશ થયા..વાહ..મારી જૂઇ આજે તો શાંતિથી બેસીને બુક જુએ છે ને ?

હું ફૈબાને જોઇને તેની પાસે દોડી ને બે હાથ ઉંચા કર્યા..ફૈબાએ જરાકવાર તો મને ઉંચકવી જ જોઇએ ને ? પણ આજે ફૈબાએ મારે બદલે જયને તેડી લીધો..મેં મોં બગાડયું..અને દોડીને એક ખૂણામાં બેસી ગઇ… નથી બોલવું ફૈબા સાથે..કીટ્ટા..

‘ ઓહ..અમારા જૂઇબેન રિસાઇ ગયા ? આજે પહેલા જયને તેડયો એમાં ખોટું લાગી ગયું બહેનબાને ? અરે, હમણાં જયને લાડ કરવાવાળા દાદીમા નથી..તેથી મેં એને પહેલા લીધો..એમાં કંઇ આમ રિસાવાનું હોય ? ચાલો..જૂઇબેન, હવે ત્યાંથી ઉભા થાવ..એમ રિસાઇને ખૂણામાં ભરાવાની જરૂર નથી..

ફૈબા હસતા હસતા બોલ્યા…પણ હું કંઇ એમ જલદી મનાઇ જાઉં તેમ થોડી જ હતી ? હું તો મોં ફૂલાવીને બેસી રહી.

‘ બાપ રે..! જૂઇબેન નો તોબરો તો આજે બરાબરનો ચડયો છે..આજે તો હું જૂઇ માટે આઇસક્રીમ લાવી છું..પણ હવે શું થાય ? જૂઇબેન મારાથી રિસાયા છે..હવે આઇસક્રીમ પણ મારે આ ભાઇલાને જ આપવો પડશે…’

ફૈબા મારી સામે જોતા જોતા બોલતા હતા…અને પોતાના પર્સમાંથી આઇસકીમનો કપ કાઢયો. હું લલચાઇ નજરે આઇસ્ક્રીમ સામે જોઇ રહી. દોડી જવાનું મન તો ઘણું થતું હતું..પણ એમ કંઇ દોડી જવું સહેલું થોડું હતું ? સ્વમાન તો અમારે પણ હોય ને ? મારો તોબરો તો હવે વધારે ચડયો…નથી ખાવો આઇસ્ક્રીમ..ભલે ભાઇલાને ખવડાવતા..

આજે ફૈબા પણ જાણે જીદે ભરાયા હતા..મારી સામે ત્રાંસી નજરે જોતા હતા..એની મને ખબર હતી..પણ એમની નજર મારી ઉપર પડે ત્યારે હું બીજી બાજુ જોઇ જતી હતી..અમારી આંખમીંચોલીની રમત ન જાણે કેટલીવાર ચાલુ રહી હોત.. પરંતુ ત્યાં મમ્મી આવી..અને બધે શોધવા લાગી.. ફૈબા કહે,

’ ભાભી, શું શોધો છો ? ‘ મારો મોબાઇલ કયાંક મૂકાઇ ગયો છે..કયાંય દેખાતો નથી..આ છોકરાઓએ જ કયાંક આડોઅવળો મૂકી દીધો હશે..’

કહેતી મમ્મી ફરીથી શોધવામાં લાગી ગઇ. ’એક મિનિટ..ભાભી…મારા ફોનમાંથી રીંગ મારું છું..જયાં હશે ત્યાંથી વાગ્યા વિના એનો છૂટકો નથી..’

કહી હસીને ફૈબાએ જયને નીચે ઉતાર્યો.. અને મને હાશ થયું.. ફૈબાને પોતાના પર્સમાંથી એમનો ફોન કાઢયો..અને ફોન કર્યો. ભાભી, આ તો કયાં ગુમ થઇ ગયો..? બોલવાનું નામ નથી લેતો..

“ તૂ છૂપા હૈ કહાં ? હમ તડપતે યહાં..”

એવું કશુંક ગાતા ફૈબા હસવા લાગ્યા.પણ મમ્મી તો ગંભીર બનીને ફોન શોધતી રહી. ફૈબા પણ શોધવા લાગ્યા. અજબ છે..ઘરમાંથી ગયો કયાં ?

; ભાભી, કયાંય બહાર ગયા હતા ? કયાંય ભૂલી તો નથી આવ્યા ને ? ’ ના..રે..આજે તો હું ઘરની બહાર નીકળી જ નથી. હું બધા રૂમમાં જોઇ આવી..કયાંય દેખાતો નથી.. દેખાતો તો શું વાગતો પણ નથી..એની મને તો નવાઇ લાગે છે…આમ મૂંગો થઇ જાય એ કેમ ચાલે ? આમ પણ મને તો મૂંગા માણસો યે ન ગમે..ફોન મૌન થઇ જાય એ કેમ ચાલે ?

અચાનક ફૈબાએ મને પૂછયું.. જૂઇ, તેં ફોન કયાંય જોયો છે ?

અને મને યાદ આવી ગયો..પાણીમાં તરતો અને નાઇ નાઇ કરતો ફોન…..

પણ હું તો રિસામણે બેઠી હતી..જવાબ કેમ આપું ?

ત્યાં ફૈબા કહે,

’ જો જૂઇ, રિસાઇ હોય તો પણ જવાબ તો આપવો જોઇએ.મમ્મી અને ફૈબા કેવા હેરાન થાય છે..ફોન શોધવા માટે ? તને એ ગમે ? ‘ મેં જવાબ તો ન આપ્યો..પણ મારી જગ્યાએથી ઉભી થઇને બાથરૂમમાં દોડી..મમ્મી, કે ફૈબા હેરાન થાય એ મને કેમ પોષાય

?’ ભાભી, ચાલો..જો જૂઇ અંદર ગઇ..એણે કયાંક જોયો કે મૂકયો લાગે છે. મમ્મી અને ફૈબા બંને મારી પાછળ આવ્યા. બાથરૂમનો દરવાજો બંધ હતો..અને સ્ટોપર ઉંચી હતી..મારાથી ખૂલે તેમ નહોતો..છતાં મેં બાથરૂમનું બારણું ખોલવાનો પ્રયત્ન કર્યો.

જૂઇ, સૂ ..સૂ…જવું છે ? કહેતા ફૈબાએ બાથરૂમની સ્ટોપર ખોલી. મેં જોસથી માથું ધૂણાવ્યું અને બાથરૂમ ખૂલતા જ ડોલમાં ડૂબેલો મોબાઇલ કાઢીને વટથી ફૈબા સામે ધર્યો.. કોઇ શોધી ન શકયું ને મેં કેવો બતાવી દીધો..હવે તો ફૈબા ખુશ થઇને મને તેડી લેશે અને આઇસ્ક્રીમ આપશે.. અને મમ્મી પણ મારા વખાણ કરશે..એવી આશાએ હું ઉત્સાહથી મમ્મી અને ફૈબા સામે જોઇ રહી..પણ ત્યાં….. મમ્મીએ તો મને એક લગાવી દીધી..અને ત્યાં જ બેસી પડી… ફૈબા કશું બોલ્યા સિવાય મારી સામે જોઇ રહ્યા..

મને તો હમેશની જેમ કંઇ સમજાયું જ નહીં..એક તો ફોન શોધી દીધો ને તો યે ઉપરથી…
મોટા માણસો ખરેખર વિચિત્ર હોય એવું નથી લાગતું ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

One thought on “ચપટી ઉજાસ..68

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s