ચપટી ઉજાસ..67.

મમ્મી દાદીમાના રોલમાં..

હમણાં ઘરમાં દાદીમા નથી..આમ તો દાદીમા મને ખીજાતા હોય છે.પણ તો યે મને એમના વિના મજા નથી આવી. એમના ખોળામાં ગમે ત્યારે ચડી જવાતું…દાદીમા કદીક વહાલ પણ કરે ને કદીક ધમકાવીને ઉતારી પણ મૂકે..પણ હતા તો મારા દાદીમા ને..? ઘરમાંથી કોઇ એકાદ વ્યક્તિ પણ ઓછી થાય તો મને મજા નથી આવતી. મને તો બધા ઘરમાં હાજર જોઇએ. પપ્પા આખો દિવસ ન હોય.પણ રાત્રે તો આવી જ જાય..રાત્રે બધા સાથે જમવા બેસે…અને કેટલીયે વાતો બધા કરતા હોય..અલબત્ત એ બધી વાતો મને સમજાતી નહીં..પણ છતાં મને ગમતું જરૂર…બધા હસે તો એમની સાથે ખોટું ખોટું પણ હસવાની કેવી મજા આવે. એમાં પણ ફૈબાનું તો કામ જ બધાને હસાવવાનું…દાદીમા ઘણીવાર ફૈબાને ખીજાતા હોય પણ એ સાવ ખોટું હોય એટલી ખબર તો મને પણ પડી ગઇ છે. દાદીમાને સૌથી પહેલા ફૈબા જ વધારે વહાલા છે એની ઘરમાં બધાને ખબર છે.. અને કદાચ મારો નંબર છેલ્લો હશે..કે પછી મમ્મીનો..? એ મને ખબર નથી.

પણ દાદીમા વિના ઘરમાં કોઇ બોલનાર રહ્યું નથી..ફૈબા કંઇ આખો વખત ઘરમાં ન હોય..એમને કોલેજે જવાનું હોય. મમ્મી તો રસોડામાં…કામમાં હોય..હું ને જયભાઇ દોડાદોડી કરતા રહીએ છીએ..

આજે બપોરે ભાઇલો મારી પાછળ દોડતો હતો ત્યાં ફોનની રીંગ વાગી. ફોનનો અવાજ સાંભળી હું દોડી…આસપાસ કોઇ ન હોય ત્યારે મને ફોન ઉપાડવાની તક મળે..અને હું તુરત દોડી જાઉં..ફૈબા તો હસીને મને કહે, જૂઇ, અમારી ઓપરેટર છે. ‘ ઓપરેટર એટલે શું હશે ? જે હોય તે..પણ ફૈબા કહે છે તો કંઇ ખરાબ નહીં જ હોય..એવો મને વિશ્વાસ છે. આજે મમ્મી બાથરૂમમાં હતી અને ફોનની રીંગ વાગી. મેં દોડીને તુરત ફોન ઉપાડયો અને હેલ્લો..હેલ્લો…બોલતી રહી..સામે કોણ બોલતું હતું..એ સમજાયું નહીં.. પણ એથી મને કોઇ ફરક નહોતો પડતો..હું મારે જે બોલવું હતું તે બોલતી રહી.. ત્યાં મમ્મી આવી અને મારા હાથમાંથી ફોન લઇ લીધો..

બસ..મોટાઓને અમારા હાથમાંથી બધું ઝૂંટવવું જ હોય છે. કોઇ વસ્તુ અમારી પાસે રહેવા જ નથી દેતા

મને ગુસ્સો આવ્યો…ને હું અંદર ભાગી..મારી પાછળ જય પણ આવ્યો. ત્યાં મારું ધ્યાન મમ્મીના પલંગ પર ગયું. વાહ..મમ્મીનો મોબાઇલ પલંગ પર પડયો હતો. મેં એ ઉપાડયો. ભાઇલાને મારી પાસેથી એ પડાવી લેવો હતો. એ ઉંચો થઇને મારા હાથમાંથી ખેંચવા લાગ્યો. હું દોડીને સામે બાથરૂમ ખુલ્લો હતો એમાં પહોંચી ગઇ. ભાઇલો પણ મારી પાછળ પાછળ.. બાથરૂમમાં પાણીની ડોલ ભરેલી હતી..મેં જલદી જલદી મોબાઇલ ડોલમાં સંતાડી દીધો. પણ ભાઇલો જોઇ ગયો. તેણે ડોલમાં હાથ નાખ્યો..અને તેના હાથમાં ફોન આવી ગયો. પછી તો અમે બંને સાથે મળીને ફોન પાણીમાં તરાવવા લાગ્યા..એકવાર ફૈબાએ મને કાગળની હોડી બનાવી દીધી હતી અને આમ જ તરાવતા હતા એ મને યાદ આવી ગયું. અહીં હોડીને બદલે ફોન હતો..મને ને જયભાઇને મજા આવી ગઇ. થોડીથોડી વારે અમે બંને વારાફરથી ફોન ઉપાડીને કાન ઉપર પણ રાખી જોતા હતા..પરંતુ કંઇ અવાજ નહોતો આવતો..કે કોઇ બોલતું નહોતું..એના કરતા તો ફોન તરાવવાની વધારે મજા આવતી હતી. મસ્તી કરતા કરતા અમે બંને એકબીજાને પાણી ઉડાડવા લાગ્યા..ફોન તો પાણીમાં અંદર ડૂબી ગયો હતો..પણ હવે અમને બંનેને ફોન કરતા એકબીજાને પાણી ઉડાડવામાં વધારે મજા આવતી હતી..

આજે તો અમને રોકનાર પણ કોઇ નહોતું. મમ્મી કોઇ સાથે ફોનમાં વાત કરતી હતી.બીજું તો કોઇ હતું નહીં..તેથી અમારી મસ્તી ચાલુ રહી શકી.. થોડીવારે મમ્મીની વાત પૂરી થતા તે અંદર આવી.. અમને બંનેને પાણીથી રમતા જોઇ ગુસ્સે થઇ…મને કયારેય એ જ સમજાતું નથી કે જયારે પણ અમને રમવાની બહું મજા આવતી હોય ત્યારે આ મોટાઓને ગુસ્સો જ કેમ આવતો હશે ?

‘ એક જરી વાર બંને શાંતિથી બેસતા નથી..કેટલું રમખાણ કરી નાખ્યું…? હું તો આ બધું સાફ કરવામાંથી જ નવરી નથી પડતી. હવે શરદી થશે ત્યારે ?

મમ્મી ન જાણે કેટલું યે બોલતી ગઇ અને મને તથા જયને લૂછતી ગઇ..અમે તો કેવી સરસ મજાની “ નાઇ નાઇ “ જાતે કરી લીધી હતી.

મને લાગ્યું મમ્મી આજે જાણે દાદીમાના રોલમાં આવી ગઇ હતી. અસલ દાદીમાની જેમ જ બોલતી હતી.

મમ્મીએ અમારા બંનેના કપડાં બદલાવ્યા..મેં તો જાતે જ ફ્રોક પહેરવાનો પ્રયત્ન કર્યો..અને પહેરી પણ લીધું. પણ… ’આ ઉંધુ છે..મારી મા…. કહેતી મમ્મીએ મારું ફ્રોક કાઢીને ફરીથી પહેરાવ્યું.

શું સીધું ને શું ઉંધુ ? એ મને કદી સમજાયું નથી.. ’જૂઇ, હવે શાંતિથી અહીં બેસીને રમો..કહેતી મમ્મીએ અમારા બંને પાસે રમકડા ઠાલવ્યા…કોઇ તોફાન ન જોઇએ..કહેતી મમ્મી રસોડામાં પહોંચી.

જય કાર ચલાવવા લાગ્યો હતો..પણ મને કંઇ બહું મજા ન આવી.. ત્યાં અચાનક મને મમ્મીનો ફોન યાદ આવ્યો..એ તો હજુ પણ કેવો સરસ પાણીમાં તરતો હશે..? મને એ જોવાનું મન થયું..પણ મમ્મીએ રૂમ બંધ કરી દીધો હતો…

ભવિષ્યમાં કેટલા દરવાજા મારા માટે આમ બંધ થતા રહેશે ?

( જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત શ્રેણી )

4 thoughts on “ચપટી ઉજાસ..67.

  • yea..rajendrahai..i am “nanima” of little angel “jia ” now… thanks a lot..

   yes..hiral..finally i posted ” chapti ujas..” thanks for reminding me to post it..

   hope u will enjoy..it..now regularly post it twice a week…

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s