હસી ઉઠી જિંદગી..

આજે ઉતરાણ હતી. આસમાન રંગબેરંગી પતંગોથી છવાયેલ હતું. ચારે તરફ ઉત્સાહ, આનંદ, રોમાંચનું વાતાવરણ જામ્યું હતું. ‘એ કાપ્યો..’ ના હર્ષનાદના પડઘા વાતાવરણમાં ઘૂમરાતા હતા. બાળકો નીચે પડેલ પતંગો લેવા દોડી રહ્યા હતા. તો કોઇ હાથમાં વાંસની લાકડી લઇ ઝાડમાં અટવાઇ ગયેલ પતંગને ઉતારવા ઝઝૂમી રહ્યા હતા. કોઇ ખાણીપીણીમાં વ્યસ્ત હતા. દરેક ધાબા ઉપર…અલગ અલગ દ્રશ્ય રચાયા હતા..પણ ઉત્સાહ તો બધે એક જ…

આમ તો ઉતરાણ એટલે પ્રાંજલનો અતિ પ્રિય તહેવાર..અગાશી પરથી તેને ઉતારવી અઘરી થતી. પતંગ ચગાવવામાં પણ તે માહેર હતી. એ… કાપ્યો..બોલતા તો તેના અંગેઅંગમાં ઉલ્લાસ છલકી રહેતો. આ તહેવારમાં તેને જીવંતતા લાગતી. ઉંચે આકાશમાં ઉડતા પતંગ જાણે તેને સાદ કરતા રહેતા. અન્ય કોઇ પણ તહેવાર કરતા તેને આ તહેવાર વધારે આકર્ષી રહેતો. અનેક પતંગો અને ફિરકીઓ લઇ તે બહેનપણીઓ સાથે અગાસી પર પહોંચી જતી. અને ઉત્સાહથી છલકી રહેતી.

આજે પણ દિવસ તો એ જ હતો..પ્રાંજલ પણ એ જ ..એ જ અગાશી..પતંગછાયું આસમાન…વાતાવરણમાં એ જ ઉત્સાહ.. ચારે તરફ એ જ દેકારા..કલશોર…ઉત્સાહના ટહુકાઓ….કશું જ તો નહોતું બદલાયું..અને છતાં…બધું જ બદલાયું હતું.

આમ જુઓ તો એક જ ફરક પડયો હતો…ગયા વરસે તેને બે પગ હતા..

અને આ વરસે એક જ….! એક અકસ્માત…અને તેનું જીવન બદલાયું હતું. કેટકેટલું બની ગયું હતું આ એક વરસમાં..કાળની થપાટ…અને પ્રાંજલનું હાસ્ય છિનવાયું હતું.

જીવનના થનગનતા વીસમે વરસે એક જ પગ..એટલે શું ? અંતરમાં ઘૂઘવતા અનેક શમણાંઓ વરાળ બનીને ઉડી ગયા હતા. યૌવનના કોઇ અરમાન સાકાર બને તે પહેલાં જ કુદરતે છિનવી લીધા હતા. પ્રાંજલ જીવનમાંથી રસ ખોઇ ચૂકી હતી. તેના ઘરના બધા બનતો પ્રયત્ન કરતા હતા તેને ખુશ રાખવાના..પણ પ્રાંજલને જાણે કશું સ્પર્શી શકતું નહોતું.

આજે મમ્મી, પપ્પાના અતિ આગ્રહથી તેમને દુ:ખ ન થાય માટે કાંખમાં ઘોડી લઇ ધીમે ધીમે પ્રાંજલ અગાશીમાં આવી હતી. એક ખુરશી પર બેસી ઉદાસ મને ઉંચે ઉડતા પતંગો પ્રાંજલ નીરખી રહી હતી. ચારે તરફ આનંદ અને ઉત્સાહનો ધોધ વહેતો હતો. આનંદ..ખુશીની ચિચિયારીઓ પ્રાંજલના કાનમાં પડઘાતી હતી. પરંતુ અંતરમાં સ્પર્શતી નહોતી. ભીતરમાં તો હતું આક્રન્દ.. મારી સાથે જ કેમ આવું થયું ?

એ ગોઝારો દિવસ તે કદી ભૂલી શકી નથી. કોલેજનું છેલ્લું વરસ હતું. પ્રાંજલ એટલે ઉત્સાહનો ફૂવારો. તેના આનંદી સ્વભાવને લીધે તેનું મિત્રવર્તુળ પણ ખાસ્સું મોટું હતું.

તે દિવસે પ્રાંજલની એક મિત્ર નિરાલીનો જન્મદિવસ હતો. આખું ટોળું શહેરની પ્રતિષ્ઠિત હોટેલમાંથી જમીને પાછું ફરતું હતું. વાતો કરતા કરતા અ રસ્તો ક્રોસ કરવા જતા પૂરપાટ દોડી આવતી એક કારની હડફેટમાં પ્રાંજલ અને તેની બીજી બહેનપણી આર્યા બંને આવી ગઇ. આર્યાને થોડું લાગ્યું..પરંતુ પ્રાંજલનો પગ… … અગાસીમાં બેસેલી પ્રાંજલને આ ક્ષણે પણ એ યાદ ધ્રૂજાવી ગઇ. મનમાંથી વિચારોને દૂર કરવા માટે તેણે નજર બીજી તરફ ફેરવી લીધી. આંખમાં ધસી આવતા આંસુને બહાદુરીથી ખાળવા માટે તે મથી રહી.

દૂર દૂર આસમાનમાં ઉંચે ઉડતા લાલ, પીળા અસંખ્ય પતંગોને તે જોઇ રહી. વરસોથી પોતે પતંગ ચગાવતી આવી હતી. પરંતુ હવે….

મમ્મી, પપ્પાએ આજે પણ તેને ખૂબ આગ્રહ કર્યો હતો. તેના હાથમાં પતંગ થમાવી હતી. પરંતુ ઘોડી સાથે ઉભા થવાનું તેને મન ન જ થયું. તેને તો દોડવું હતું..ભાગવું હતું અને હવે ચાલવામાં પણ સહારાની જરૂર પડતી હતી. તેનાથી એક નિશ્વાસ મૂકાઇ ગયો. હવે તો ભવિષ્ય આખું અંધકારમય….. લાચાર… અને ઓશિયાળું જ રહેવાનું ?
ભીતરમાં ઉદાસીના અઢળક વાદળો છવાયા.

ત્યાં અચાનક તેનું ધ્યાન એક કપાતા પતંગ પર પડયું.દૂર દૂર ઉંચે આકાશમાં ઉડતો..વાદળ સાથે વાતો કરતો એક મોટો પતંગ કપાઇને નીચે પડયો.

પ્રાંજલના મનમાંથી એક નિશ્વાસ સરી રહ્યો.

પોતે પણ આમ..જ હવે એક કપાયેલ પતંગ જ ને ? જેને કોઇ ઉઠાવવાનું નહોતું..કોઇ ઉંચે ચગાવવાનું નહોતું. તેની નજર કપાયેલા પતંગ પર અને પોતાના કપાયેલા પગ પર વારાફરથી ફરતી રહી.

અચાનક તેનું ધ્યાન કપાયેલ પતંગ પર ગયું. એક બાળકે દોડીને કપાયેલ પતંગ ઉઠાવ્યો…ગુંદરપટ્ટી ચીટકાવી..છાતી સરસો ચાંપ્યો…જાણે પતંગને વહાલ કર્યું..અને હળવેથી ફરીથી આસમાન તરફ વહેતો મૂકયો.. પ્રાંજલ જોઇ જ રહી..બસ જોઇ જ રહી. ન જાણે કેમ પણ આ દ્ર્શ્ય જોઇ તેના અંતરમાં થોડી ટાઢક વ્યાપી. તે આતુરતાથી ઉંચે ઉડવા મથી રહેલ પતંગને જોઇ રહી. અને થોડી મથામણ પછી તે પતંગ પણ ફરીથી ઉંચે ચડયો..ને ખુલ્લા આસમાનમાં વિહરી રહ્યો. પ્રાંજલના મનમાં અનેક વિચારો પૂરની માફક ફરી વળ્યા… પોતે પણ કયારેક આમ ફરી એકવાર નવજીવન પ્રાપ્ત કરી શકે ખરી ?

ત્યાં જ સામેની અગાશી પર ઉભેલ મન્દારે પ્રાંજલ સામે જોઇ મીઠું હસી હાથ હલાવ્યો.પ્રાંજલનો હાથ અનાયાસે ઉંચો થયો. ચહેરા પર હાસ્યની લહેરખી દોડી આવી. ભીતરમાં એક ઝળહળાટ… અને પ્રાંજલની નજર હવે નીચે કપાયેલ પતંગ તરફ નહીં..આસમાનમાં ઉડતા પતંગ તરફ સ્થિર થઇ. ભીતરમાં એક નવી આશા, એક વિશ્વાસ અને શ્રધ્ધાનું કિરણ ફૂટી નીકળ્યું. ના..પોતે હિમત નહીં હારે. ઉદાસ નહીં બને.

પ્રાંજલની નજર બદલાઇ અને બદલાયું આખું યે અસ્તિત્વ..હસી ઉઠી ફરી એકવાર જિંદગી…હવે તેને કોઇ નહીં રોકી શકે.. કોઇ નહીં..

( સંદેશ દૈનિકમાં પ્રકાશિત કોલમ વાત એક નાનકડી )

5 thoughts on “હસી ઉઠી જિંદગી..

  1. ભીતરમાં એક નવી આશા, એક વિશ્વાસ અને શ્રધ્ધાનું કિરણ ફૂટી નીકળ્યું. ના..પોતે હિમત નહીં હારે. ઉદાસ નહીં બને . Rightly said. I can relate to this story. Very nice and touching. Thankyou Nilamben for such a wonderful story!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s