સંબંધસેતુ…

સંબંધો જીવનમાં મીઠાશ ભરતા રહે છે. કદીક કડવા અનુભવ થાય એવું તો બનતું રહેવાનું… જીવન એટલે અનેક સારા… નરસા પ્રસંગોનું સંમિશ્રણ જ ને?

સંબંધો વિશે અઢળક લખાણ લખાતું રહે છે…. વંચાતું રહે છે. કેમ કે માનવી આખરે સામાજિક પ્રાણી છે. એકલતા તેને સદતી નથી અને કદાચ સંબંધો જાળવવામાં તે કાચો રહે છે. પણ સંબંધો વિના તેને ચાલતું પણ નથી. સગાંઓ બધા સ્વાર્થી છે… એની બૂમો તે અચૂક પાડે છે. પણ સગાં… સ્નેહીઓ વિના તેને ચાલતું પણ નથી… અને ન જ ચાલવું જોઈએ. સંબંધો જીવનમાં મીઠાશ ભરતા રહે છે… કદીક કડવા અનુભવ થાય એવું તો બનતું રહેવાનું… જીવન એટલે અનેક સારા… નરસા પ્રસંગોનું સંમિશ્રણ જ ને?

આજે પુત્ર મોટો થાય… લગ્ન થાય… પોતાનો અલગ માળો રચાય પછી માતા, પિતા સાથેનું જોડાણ ઓછું થતું જાય છે. એવું અસંખ્ય જગ્યાએ જોવા મળતું રહે છે. કોઈ માતા-પિતા ફરિયાદ કરે છે…. કોઈ તમાચો મારીને ગાલ લાલ રાખે છે… તો કોઈ મૌન બનીને રહી જાય છે.

પરંતુ આજે સમય બદલાયો છે. સંતાન ગમે તે કરે એ ચલાવી લેવા આજના મા-બાપ તૈયાર નથી. આજે આવી જ કોઈ વાત કરવી છે… આપણા સમાજના બદલાતા જતાં ચિત્રની….
અંજલિબેન અને અવિનાશભાઈનો પુત્ર ભણીને પરદેશ સેટલ થયો હતો. માતાપિતાએ ધામધૂમથી પુત્રના લગ્ન કર્યાં હતાં… પોતાની બધી જવાબદારીઓ પૂરી થયાના સંતોષ સાથે પતિ, પત્ની પોતાની રીતે ખુશ રહીને જીવતાં હતાં. દીકરો વહુ દૂર હતાં… પણ એમાં કોઈ નવી વાત ક્યાં હતી? ફોન પર કદીક વાતો થતી રહેતી. અવારનવાર બધા અહીં આવતાં રહેતા… હવે તો મૂડીના વ્યાજ જેવા પૌત્ર, પૌત્રી પણ હતાં. બધા આવતાં અને ઘરની ભીંતો સુદ્ધાં જાણે સજીવન બની ઉઠતી. કુટુંબમેળાના કંકુછાંટણાથી જીવન થોડો સમય સભર બની ઉઠતું…. અને દિવસો તો ક્યાંય દોડી જતાં. જોકે દીકરો, બહુ તો બે દિવસ ઘેર રોકાઈને ફરવા ઉપડી જતા… બાળકો નાના હતા તેથી તેમને ઘેર જ રાખીને જતાં. બાળકો પણ દાદા, દાદીના હેવાયા હતા. તેથી કોઈ તકલીફ નહોતી પડતી. અંજલિબેન અને અવિનાશભાઈ હોંશે હોંશે બાળકોને સાચવતા…. દીકરો વહુ ભલે આનંદ કરે. જોકે ક્યારેક સ્વાભાવિક રીતે જ દીકરો, વહુ પોતાની સાથે વધારે રોકાય… બધા સાથે રહીને થોડા દિવસ આનંદ કરે એવી ઇચ્છા રહેતી… દીકરા વહુની પસંદગી ધ્યાનમાં રાખીને જમવાનું બનતું… તેમને કોઈ રીતે ઓછું ન આવે… એમની સગવડો સચવાય એનું ધ્યાન રાખતા. પુત્રને રોકાવા માટે આગ્રહ કરતા… પણ… લાગણીના બંધનો મજબૂત નહોતા… તેથી મળાઈ ગયું… પછી શું? એમાં બીજા વેવલાવેડાનો કોઈ અર્થ નથી… માબાપની લાગણીને વેવલાવેડામાં ખપાવી… તેમના પ્રેક્ટિકલ બનવાની સલાહ આપી દીકરો બહુ ફરતા રહેતાં… પતિ, પત્ની બંનેને ક્યારેક લાગી આવતું… પણ પછી બાળકોમાં મન પરોવતા. જોકે અવિનાશભાઈને દીકરા, વહુનું આ વર્તન ગમતું નહીં. તેમને થતું કે દીકરો વહુ પોતાનો ઉપયોગ કરે છે… ફક્ત પોતાના સ્વાર્થ પૂરતો જ… ક્યારેક પત્ની પાસે બોલી પણ જતાં. પરંતુ અંજલિબેન તેમને મોટું મન રાખવા સમજાવતા રહેતા.

દિવસો દોડયે જતાં હતાં. અંજલિબેનને એકવાર પુત્રનું ઘર જોવાની બહુ હોંશ હતી. પણ દીકરાના તેડાવ્યા સિવાય જવાનું મન નહોતું થતું. સ્વમાન સિવાય ક્યાંય પગલું ભરે તેવા નહોતા… છતાં એકવાર ફોનમાં પુત્રને કહ્યા સિવાય ન રહી શક્યા… બેટા એકવાર તારું ઘર જોવાની બહુ હોંશ છે.”

દીકરાએ આવી જવાનું કહ્યું. તેથી બંને ખુશખુશાલ… અને પોતાનાને વળી આગ્રહ કરવાનો થોડો હોય? પૈસાની કોઈ ખેંચ નહોતી… તેથી પુત્ર ટિકિટ મોકલાવે એવી કોઈ આશા નહોતી.
અંજલિબેન તૈયારીમાં પડયાં. દીકરા વહુને ભાવતી વસ્તુઓ ભેગી થવા માંડી… સદ્નસીબે વિઝા પણ મળી ગયા. અને એક દિવસ પતિ-પત્ની ઊડયા.

અમેરિકામાં દીકરાને ઘેર બે-ચાર મહિના રોકાઈશું… આસપાસ ફરીશું… એવા અનેક સપનાંઓ સાથે ગયેલ અંજલિબેન થોડાં દિવસમાં કંટાળી ગયાં. એક તો ભાષાનો પ્રોબ્લેમ… પોતાને અંગ્રેજી બોલતાં નહોતું આવડતું. અને આ લોકોના ઉચ્ચાર સમજવાની તો મોટી તકલીફ. દીકરા, વહુ પાસે તો સમય જ ક્યાં હતો? વિકએન્ડમાં એકાદવાર બે પાર્ક બતાવી દીકરાએ પોતાની ફરજ બજાવી લીધી… સાંજે આવીને જમી લે એટલે દીકરો વહુ પોતપોતાના રૂમમાં… પતિ, પત્ની એકલા એકબીજાનું મોં જોતાં બેસી રહે. ટી.વી.માં પણ અહીં હિન્દી ચેનલ નહોતી… તેથી શું જુએ? કોઈ સાથે વાતચીતનો સવાલ જ નહીં. ક્યાંક ફરવા જવાની વાત પુત્રને કરી જોઈ… પણ…

મમ્મી, તમારે બંનેને એકલા જવું હોય તો જાવ… અમારે કંઈ એમ રજા ન હોય કે મન ફાવે ત્યારે નીકળી શકીએ… અને દર શનિ રવિમાં ચાર જણાના એવાં ખર્ચા ન પોસાય.

હકીકતે પૈસાની કોઈ ખોટ નહોતી…. જે ખોટ હતી તે મનમાં હતી.. જેનો કોઈ ઉપાય નથી હોતો…

એક જ મહિના પછી અંજલિબેને કહ્યું.

“બેટા, તમારી પાસે તો સમય નથી… અને અમે અહીં એકલા પડી જઈએ છીએ… તેથી અમે પાછા જવાનું વિચારીએ છીએ.”

મનમાં આશા હતી કે કદાચ દીકરો રોકાવાનું કહેશે. પણ…

ઓ.કે… મમ્મી એઝ યુ વીશ… એટલે તો હું તમને અહીં આવવાનું કહેતો નહોતો… મને ખબર જ હતી કે તમને નહીં ફાવે… છતાં તમે ખર્ચા કર્યા… સાવ નકામા…

અંજલિબેન કે અવિનાશભાઈને શું બોલવું તે સમજાયું નહીં. બંને એકમેક સામે જોઈ રહ્યાં. વહુને કશું કહેવાનો તો સવાલ જ નહોતો… જ્યાં દીકરો જ…

પોતાનો સિક્કો જ ખોટો હોય ત્યાં અન્યને દોષ દેવાનો કોઈ અર્થ ખરો? પતિ, પત્ની પાછાં દેશમાં આવી ગયાં અને હાશકારો અનુભવ્યો…

જે થયું તે માનીને મન મનાવીને રહી ગયાં… બીજું કરી પણ શું શકે? અવિનાશભાઈ મનમાં સમસમી ગયા હતા. પણ મૌન બનીને રહી ગયા હતા… અંજલિબેન ઘણીવાર બળાપો કાઢતાં… પણ કોઈ અર્થ નહોતો.

દર વખતની જેમ ફરી એકવાર પુત્રનો ફોન આવી ગયો… કે એ લોકો દેશમાં આવે છે. અવિનાશભાઈ મનોમન કશુંક વિચારી રહ્યાં.

અને નિયત દિવસે દીકરો વહુ આવી પહોંચ્યા.

આ વખતે બંનેએ કેરાલા જવાનો પ્લાન બનાવ્યો હતો.

પણ દીકરો વાત કરે તે પહેલાં જ અવિનાશભાઈએ પુત્રને કહ્યું,

બેટા, અમે બે દિવસ પછી નૈનિતાલ તરફ જવાનો પ્લાન બનાવ્યો છે. તમારે જ્યાં જવું હોય. જે કરવું હોય તે પહેલેથી વિચારી લેજો.

પણ પપ્પા… તમને ખબર તો હતી કે અમે આવવાના છીએ. તો અત્યારે પ્લાન કેમ બનાવ્યો?

વાત તો તારી સાચી છે. પણ શુ થાય? બધાં મિત્રો અત્યારે જ જાય છે. એમને તો અમારાથી કહેવાય નહીં ને? અને એકલા એકલા ફરવા જવાનું ગમતું નથી. બધા મિત્રો સાથે છે તો સારું લાગે. અમને ગમતું નથી પણ શું થાય? અમારો વીસ દિવસનો પ્લાન છે. તને ઘરની ચાવી આપતો જઈશ. તમારે કંઈ કામ હોય તો હા… તમારે પણ અમારી સાથે આવવું હોય તો વ્યવસ્થા થઈ શકશે… બાકી અમારે તો જવાનું છે જ…

પણ પપ્પા…

વચ્ચેથી જ દીકરાની વાત કાપતાં અવિનાશભાઈ બોલ્યા.

બેટા, કોઈ દલીલ… કોઈ ચર્ચાને અવકાશ નથી. અમારા પૈસા ભરાઈ ગયાં છે. ને હવે કેન્સલ થઈ શકે તેમ નથી. સોરી બેટા…

અંજલિબેન કશું બોલવા જતાં હતા પણ અવિનાશભાઈ સામે જોતાં તે મૌન બની રહ્યા. દીકરો વહુ- પિતાનું બદલાયેલું સ્વરૂપ જોઈ જ રહ્યાં.

અવિનાશભાઈ મનોમન વિચારી રહ્યા હતા.

બસ… બહુ થયું. સ્નેહનો પ્રવાહ એકમાર્ગી શા માટે? મમતા એકતરફી જ શા માટે? જે દીકરા વહુને લાગણીની જરૂર નથી તો પોતે પણ વળગી નહીં જ રહે. મમતાને નામે પોતાનું શોષણ નહીં જ થવા દે…

સમય બદલાયો છે. એની સાબિતી આવા કિસ્સાઓ આપતાં રહે છે. હવે લાગણીના… મમતાના બંધનમાં બંધાઈને માતા-પિતા પોતાનું શોષણ થવા દેવાને બદલે સમય આવ્યે દીકરાને પાઠ ભણાવવાના મૂડમાં આવી ગયા છે એવું નથી લાગતું? અને બદલાતા સમય સાથે એ જરૂરી નથી. એવું પણ કેમ કહી શકાય? સીધી આંગળીએથી ઘી ન નીકળે ત્યારે આંગળી ટેઢી કર્યે જ છૂટકોને? કોઈ પણ સંબંધમાંથી સ્નેહની ઉષ્મા ઊડી જાય ત્યારે એને…. છ્ઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધોને પરાણે વળગી રહેવાનો કોઈ અર્થ ખરો? અન્યાય કરવો એ જ નહીં અન્યાય સહન કરવો એ પણ એક પ્રકારનો ગુનો ન કહેવાય ? કાયરતા ન કહેવાય ?

( સ્ત્રી સાપ્તાહિકમાં પ્રગટ થતી કોલમ )

3 thoughts on “સંબંધસેતુ…

  1. નીલમ, વિચારતા કરી મૂકે તેવો પ્રશ્ન છે આ ! મન મોટું રાખવાનું બાળકોને શિખડાવવા માટે પણ માબાપે મન મોટું રાખવું જોઈએ. એમને જ્યારે પોતાના બાળકો મોટા થશે ત્યારે જ સમજાશે અને ત્યારે તેઓ શું કરશે તેનો ઘણો આધાર માબાપ શું કરે છે તે પર છે. માબાપ ને ન સમજી શકનારા સ્વાર્થી બાળકો જેમ છે તે જ રીતે બાળકોને ન સમજી શકનારા સ્વાર્થી માબાપો પણ છે જ ને? શું આપણે તેમના બાળકોને જેવા સાથે તેવા થવાનું કહેશું ?

    Like

  2. નિલમ બહેન,

    સમયની સાથે સાથે સબંધોની પરિભાષા બદલાતી આવી છે અને સાથે સાથે સમાજનાં મૂલ્યો, એના દ્રષ્ટિકોણો પણ બદલાવાનાં એ જ તો સમાજની ગતિશીલતાની નિશાની છે. આથમતી પેઢીએ ઊગતી પેઢીને જરૂર જણાયે યોગ્ય દિશાનિર્દેશ કરવો જ જોઈએ. પોતાના દ્રષ્ટિકોણના વ્યવહાર અને વર્તનમાં ય ફેરફાર કરવો પડે તે કરીને પોતાના સંતાનોને સાચી રાહતરાહથી અવગત કરાવવા એ હાલનો યુગધર્મ છે. કહેવાથી આંખના ઉઘડતી હોય તો વ્યવહારથી પણ ઘણુંબધું શીખવી શકાય છે. એ આ વાત જરૂર કહી જાય છે. ધન્યવાદ નિલમબહેન…ઉષા

    Like

  3. એકમાર્ગી સ્નેહને બદલવા માટેનો કેટલો સચોટ ઉપાય બતાવ્યો છે……
    ખરેખર તો દરેક માબાપે જીવનમાં ઉતારવા જેવી સલાહ છે… કદાચ કોઈ માબાપની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ, પરદેશ તો શું દેશમાંય તે જુદા રહેતા મોટા ભાગના સંતાનો પણ ધ્યાન નથી આપતાં, તો પછી, પાસે પૈસા હોય તો પછી આવો વ્યવહાર કરવો ખોટો નથી….
    વાર્તા બહુ ગમી….

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.