સંબંધસેતુ..

ત્યાં જ છૂટે છે સંબંધોના સુંવાળા પોટલા,

લાગણીનો માર્ગ જ્યાં ફંટાય છે ચોતરફ

જેને કોઈ આર્થિક જરૂરિયાત નથી એવી સ્ત્રીઓએ પણ કોઈ પણ ભોગે નોકરી જ કરવી એ જરૂરી ગણાય ખરું? નોકરી કરે તો જ એના શિક્ષણનો ઉપયોગ થયો ગણાય?

ઉષ્માને તો નવા નવા પ્રયોગો કરવા બહુ ગમે. કૉલેજમાં રોજ કેટલાયે અખતરાઓ કરતાં જ રહેતાં ને?

આજે આપણે સૌ જાણીએ છીએ કે છોકરીઓ પણ હવે કોઈ ક્ષેત્રમાં છોકરાઓથી પાછળ નથી. માતાપિતા જેટલું પુત્રને ભણાવે છે. એટલું જ પુત્રીને પણ ભણાવે છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેથી લગ્ન પછી પણ સ્વાભાવિક રીતે સ્ત્રી ઘરની બહાર નીકળીને નોકરી કરતી થઈ છે. એની ક્ષિતિજ આજે વિસ્તરી ચૂકી છે. એની દૃષ્ટિ આજે આભને આંબે છે. એની યોગ્યતા એણે દરેક ક્ષેત્રમાં પુરવાર કરી છે. હવે ખાલી ઘરમાં બેસી રહેવું એને મંજૂર નથી. પોતાની કરિયર પ્રત્યે… પોતાના સ્વતંત્ર અસ્તિત્વ માટે એ સભાન બની છે. આખો સમાજ કદાચ એક સંક્રાંતિના ગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આર્થિક જરૂરિયાત હોય કે ન હોય… એને બહારની દુનિયા આકર્ષે છે. અને આવા સમયે ઘરમાં જો સંબંધોનું સમતોલન ન જળવાય તો અનેક પ્રશ્નો ઊભા થતા રહેતા હોય છે. નોકરી કરતી, ઘરની બહાર નીકળતી સ્ત્રીના પ્રશ્નો અલગ હોવાના… એક સ્ત્રી તરીકે એની પાસેથી રખાતી અપેક્ષાઓ જલદીથી છૂટતી નથી. ઘર અને ઑફિસ બંને મોરચા એને સંભાળવાના આવે છે.

આવા સમયે ઘરના બધા સભ્યોનો પૂરતો સહકાર જો એને ન મળે તો અનેક પ્રશ્નો સર્જાતા રહે છે. ઘરની શાંતિ જોખમાતી રહે છે ત્યારે ઘણીવાર સવાલ થાય કે જેને કોઈ આર્થિક જરૂરિયાત નથી એવી સ્ત્રીઓએ પણ કોઈ પણ ભોગે નોકરી જ કરવી એ જરૂરી ગણાય ખરું? નોકરી કરે તો જ એના શિક્ષણનો ઉપયોગ થયો ગણાય?શિક્ષણનો એ એક માત્ર ઉપાય કે ઉપયોગ ?

આજે આવી જ કોઈ વાત…

ઉષ્માના લગ્ન થયે પાંચ વરસ થઈ ગયા હતાં. ઉષ્મા હાઉસવાઇફ હતી.. નોકરી નહોતી કરતી.. પણ એ હંમેશા એમ જ કહે.. “હું હાઉસ વાઇફ નહીં.” “હોમ મેકર” છું. ઉષ્મા નોકરી નહોતી કરતી એ નવી વાત એટલા માટે સૌને લાગતી હતી કે ઉષ્મા લગ્ન પહેલાં નોકરી કરતી હતી. તેણે એમ.બી.એ. કર્યું હતું. અને એમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

તેનો પતિ અંકિત પણ એમ.બી.એ. હતો અને નાની ઉંમરમાં જ ઘણો આગળ આવી ગયો હતો. પહેલી જ મુલાકાત વખતે ઉષ્માએ લગ્ન પછી પોતે નોકરી નહીં કરે એમ કહ્યું. ત્યારે એને માન્યામાં નહોતું આવ્યું. આટલું ભણેલી.. આટલી હોંશિયાર છોકરીને પોતાની કરિયર બનાવવાની હોંશ ન હોય એવું કેમ બની શકે? અને તેના ઘરમાં તો ઉષ્મા લગ્ન પછી નોકરી કરે એમાં કોઈને વાંધો પણ નહોતો. એના સાસુ પણ કૉલેજમાં પ્રોફેસર હતા અને હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. સસરા કૉલેજનાં રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. આમ આખું કુટુંબ સુશિક્ષિત હતું. અંકિતની બહેન પણ લગ્ન પછી એક સારી કંપનીમાં નોકરી કરતી હતી. તેથી જ્યારે ઉષ્માએ નોકરી નહીં કરું એમ કહ્યું ત્યારે અંકિતને અને તેના ઘરનાને બધાને આશ્ચર્ય થયું. પરંતુ જેવી એની ઇચ્છા… પોતાની આર્થિક રીતે કોઈ જરૂર ક્યાં હતી?

અને છતાં લગ્ન પછી એકાદવાર બહુ સારી ઓફર સામેથી આવી ત્યારે અંકિતે કહી જોયું. તારે નોકરી કરવી હોય.. કરિયર બનાવવી હોય તો અમને કોઈના વાંધો નથી. ઘરમાં તો આખા દિવસની બાઈ છે જ કામ કરવા માટે. તારી ટેલેન્ટ ઘરમાં વેડફાય એવું અમે કોઈ ન ઇચ્છીએ.
ઉષ્મા હસી પડી.

“કોણે કહ્યું મારી ટેલેન્ટ વેડફાય છે? નોકરી કરીએ તો જ ટેલેન્ટ વપરાય? હા, આર્થિક રીતે જરૂરિયાત હોત તો ચોક્કસ નોકરી કરત. અને ભવિષ્યમાં એવાં કોઈ સંજોગો. એવી જરૂર પડશે તો ચોક્કસ કરીશ. બાકી અત્યારે તો નહીં જ.”

ઉષ્માએ તો જાણે આખું ટાઇમટેબલ ગોઠવી લીધું હતું. અંકિતને તો બહુ સમય મળતો નહોતો. પણ ઉષ્મા પાસે તો સમયનો ક્યાં અભાવ હતો? રોજ સવારે તે સાસુ, સસરા સાથે ચાલવા અચૂક જાય ક્યારેક સસરાજીને આળસ આવી જાય તો ઉષ્મા પાસે એનું કંઈ ન ચાલે. તે દિવસે સજારૂપે ઉષ્મા સસરાજીને દોડાવે.

સાસુ, સસરા પાસે તેમની કૉલેજના અનેક અનુભવો હતા. ઉષ્મા પૂરા રસથી તેમની વાતો સાંભળે. ઘણીવાર તો એવા કોઈ કિસ્સા હોય ત્યારે ડાયરીમાં અચૂક નોંધી લે. સાસુ, સસરાએ આખી જિંદગી કૉલેજમાં કામ કર્યું હોવાથી તેમની પાસે જાતજાતની વાતોનો ખજાનો રહેતો અને ઉષ્માને તો બધામાં રસ.

સાસુ, સસરાને તો એમ જ હતું કે આટલી ભણેલી છોકરી ઘરમાં થોડી જ બેસવાની છે? પણ ઉષ્મા તો ઉષ્મા જ હતી. ઉષ્માએ એક દિવસ અચાનક તેના સાસુને સૂચન કર્યું. આપણી સામે આ સોસાયટી બંધાય છે. એમાં કેટલા બધા નાના છોકરાઓ છે એમને બોલાવીને આપણે તેમને થોડું અક્ષરજ્ઞાન આપીએ તો? રોજ બપોરે બે કલાક એ માટે ફાળવીએ તો? બપોરે આમ પણ આપણે સૂવા કે ટી.વી. જોવા સિવાય શું કરીએ છીએ? સોસાયટીનું આ કામ તો બે પાંચ વરસ ચાલવાનું છે. આપણા ભણતરનો કંઈક ઉપયોગ થાય.

સાસુને પણ વાત ગમી. ઉષ્માને તો નવા નવા પ્રયોગો કરવા બહુ ગમે. કૉલેજમાં રોજ કેટલાયે અખતરાઓ કરતાં જ રહેતાં ને?

શરૂઆતમાં તેણે બેચાર છોકરાંઓને ચોકલેટ, બિસ્કીટ આપીને બોલાવવાનું ચાલુ કર્યું. તેમના મા-બાપનો વિશ્વાસ પહેલાં જીત્યો. પછી તેમને વાર્તા કરવાની શરૂ કરી. બાળકોને રસ પડે તેવી નાની નાની વાર્તાઓ શરૂ કરી. પછી મોટા અક્ષરોવાળી ચોપડીઓ ઉષ્મા લઈ આવી. બાળકોને રંગીન ચિત્રો જોવાની ખૂબ મજા પડી. ધીમે ધીમે બાળકોને મજા પડવા લાગી. તેના સાસુને પણ નિઃસ્વાર્થ કામ ગમ્યું. હવે તેઓ પણ પૂરા મનથી તેમાં જોડાયા.

ધીમે ધીમે બાળકો તેમના ઘરના હેવાયા બની ગયા. બસ એક વિશ્વાસ જાગ્યા પછીનું કામ તો આસાન હતું. પછી ધીમે ધીમે તેમના ક.. કા… શીખવવાનું ચાલુ થયું. બાળકોના હાથમાં પાટી, પેન પકડાવ્યા. જે ભણી શકે તેમ હતા તેમને સસરાજીએ રસ લઈને મ્યુનિસિપલ સ્કૂલમાં દાખલ કર્યાં. બાળકોના તો માતા-પિતા તો ખુશખુશાલ. તેમાંના મોટાઓ પણ થોડાંક આગળ આવ્યા. બહેન અમને વાંચતા શીખવાડશો? અમને આવડશે?

અને જમવાના સમયમાં જલદી જલદી બધું પતાવી બે પાંચ જણા ઉષ્મા અને તેની સાસુ સામે ગોઠવાઈ જાય. ઉષ્મા તેમને માટે થોડાં પુસ્તકો લઈ આવી. ઘેર બેઠા જાણે શિક્ષણ યજ્ઞા શરૂ થયો. પછી તો ઉષ્માના સાસુએ બધા સામે શરત મૂકી કે જે બીડી, સિગરેટ કે ગુટકા નહીં ખાય તેને જ શીખવાડશે. અને જે વાંચતાં લખતાં શીખી જશે એને સરસ ઇનામ મળે.
બસ… કામ થતું રહ્યું. હવે તો ઉષ્માના સાસુ, સસરાએ મોટાભાગનું કામ સંભાળી લીધું છે. તેમને નિવૃત્તિમાં આવી મજાની પ્રવૃત્તિ મળી ગઈ. અને સારા કામનો આનંદ મળ્યા સિવાય રહી શકે? બસ… ફક્ત બપોરનો ફાજલ સમય જ આપવાનો હતો ને? પૈસાની કમી ક્યાં હતી? હવે તો તેમને જરૂર પડયે નાના, મોટા ખર્ચા કરવાનો પણ આનંદ આવે છે. એક સંતોષ મળે છે.

અને ઉષ્મા? ઉષ્મા સાસુ, સસરાના અનુભવોને આધારે લખતી રહે છે. સાચા કિસ્સાઓને સરસ રીતે મઠારીને મેગેઝીનમાં, છાપાઓમાં મોકલે છે. છપાય છે. કોઈક માટે પ્રેરણા બની રહે છે. અને સાથે સાથે સાસુ, સસરાના યજ્ઞાકાર્યમાં સાથ પુરાવતી રહી છે. કંઈક નવું કરવાની ધગશ એના ઉત્સાહની જીવંત રાખે છે.

આ તો શરૂઆતની વાત છે. આજે તો આ નાનકડી શરૂઆત ને અનેક કૂંપળો ફૂટી છે. એની વાત પછી ક્યારેક…

પણ કોઈ કહી શકશે કે ઉષ્માએ તેની ટેલેન્ટ વેડફી છે? આજે તો ઉષ્માને બે નાના બાળકો છે બાળકો માટે ટયૂશનની કે કોઈ ક્લાસીસની જરૂર ઉષ્માને નથી પડી. અનેક પ્રવૃત્તિઓ તે જાતે જ બાળકોને કરાવે છે. પોતાની બધી આવડત બાળકો પાસે ઠલવાશે અને ભાડૂતી શિક્ષક જે કરે અને એક માતા કે દાદા, દાદી કરે એમાં ફરક તો પડવાનો જ ને? બાળકોને દાદા, દાદીનો સ્નેહ મળે છે. સાચું શિક્ષણ મળે છે. અને આ બધી પ્રવૃત્તિઓથી તેમનું જીવન ઘડતર થાય છે. સંસ્કારની સુવાસ પથરાય છે. અને ઉષ્માને લાગે છે પોતે સાચા અર્થમાં જીવન જીવે છે. એની કરિયર બની ગઈ છે. કોઈ હરીફાઈમાં દોટ મૂક્યા સિવાય…પ્રમોશન કે પગારવાધારાની કોઇ હાયવોયથી પર બની શકી છે.

ઉષ્મા શિક્ષિત છે. ઉષ્મા નોકરી નથી કરતી… ઉષ્મા હાઉસવાઇફ છે કે હોમમેકર? એનું શિક્ષણ નકામું ગયું છે ખરું? પોતાની અલગ કેડી કંડારી શકે એવા કેટલા?

– શીર્ષક પંક્તિ… બાલુ પટેલ

( સ્ત્રી સાપ્તાહિકમાં પ્રગટ થતી નિયમિત કોલમ…અને આ વાત સાવ સાચુકલી છે. )

3 thoughts on “સંબંધસેતુ..

  1. હાઉસ વાઈફ અને હોમ મેકર બંને શબ્દોમાં ભાવનાપ્રધાન હોમ મેકર શબ્દ છે. વાસ્તવમાં જે શિક્ષણને એક નેક યજ્ઞ ગણે છે, તે કોઈ ન કોઈ પરિસ્થિતિમાં પોતાના કાર્યોનો રસ્તો શોધીને જ જંપે છે, કારણ તેમાં જ તેને જીવન અને શિક્ષણની સાર્થકતા લાગતી હોય છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે તેના ઘરમાં પૂરતી આર્થિક સુવિધાઓ ઉપલબ્ધ હોય, પણ મધ્યમવર્ગ મોંઘવારીમાં પીસાતો હોય ત્યારે જ્યાં બાર સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે તેને માટે નોકરી જ પ્રાથમિક જરૂરિયાત બની જાય, ઉષ્મા જેટલી ભાગ્યશાળી હાઉસવાઈફો કેટલી? કદાચ સમાજનો ખૂબ થોડો વર્ગને? પેલી કહેવત છેને કે ભૂખે ભજન ના ગવાય..પહેંલા તો પેટની આગ ઠારવી રહીને? ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s