મોડું થઇ ગયું !

નીરવને આજે વહેલો ઘેર આવેલો જોઇને આસ્થાને ખૂબ નવાઇ લાગી. એણે તરત ચિંતાજનક સ્વરે પૂછ્યું પણ ખરું

‘તબિયત તો ઠીક છે ને?’ નાનકડા અલયને પણ સમજ ના પડી કે પપ્પા ઘરે આવીને બેઠા છે તો હવે એણે શું કરવું? અને ચુપચાપ કલર નોટબુક લઇને બેસી ગયો. આમેય અલય ઘરમાં પપ્પાને ભાગ્યે જ જોતો અને એટલે જ કદાચ પપ્પાથી ડરતો પણ હતો. એકાદ-બે કલાક તો બધું યંત્રવત ચાલ્યું. આસ્થાએ ચા મુકી અને પછી ટાઇમ થયો એટલે અલયને લઇને પાર્કમાં જવા તૈયાર થઇ. નિરવને બોલતાં બોલતાં ગળે ડુમો ભરાઇ આવ્યો છતાં હિંમત કરીને બોલ્યો

‘જો તને વાંધો ના હોય તો હું અલયને આજે પાર્કમાં લઇ જઇશ.’ ફરીથી પાછું એક નવાઇ ભર્યું સ્મિત વેરી આસ્થા બોલી,

‘નીરવ તું અલયને પાર્કમાં લઇ જઇશ? હું સ્વપ્ન તો નથી જોતી ને?’ અને નિરવે અલયને તેડ્યો કે ચાલ, આજે પપ્પા તને પાર્કમાં લઇ જશે.

પણ નાનકડા અલયે તો રડવાનું શરુ કરી દીધું. મમ્મીથી અને દાદાથી ટેવાયેલા અલય માટે, પપ્પા એક અજાણ્યા અંકલ જેવા હતા. આસ્થાએ ઘણું સમજાવ્યો કે મમ્મી પણ સાથે આવશે, છતાં પણ અલયે જોર જોરથી ધમપછાડા કરવાનું શરુ કર્યું કે ના પપ્પા નંઇ આવે સાથે. નિરવને પોતાને પણ ઘણું દુઃખ થયું, પણ એણે વધારે વખત અલયને સમજાવવાનું છોડીને તરત જ હાર સ્વીકારી લીધી કે

‘ભલે મમ્મી સાથે જા’.

આસ્થા અને અલયના ગયા પછી નીરવ એકલો પડ્યો અને ફરીથી પૂજ્ય બાપુજીના ઓરડામાં ગયો. એમની ફાઇલો, જુના ફોટાઓ, જુના પત્રો, બધા ભાઇ-બહેનોની બાળપણની ચિત્રપોથીઓ, શાળાનાં પ્રગતિપત્રકોને અચળ નયને નિહાળી રહ્યો. ધીમે ધીમે ભૂતકાળમાં સરતો ગયો કે પોતે પણ એક સમયે અલય જેવડો નાનો હતો. પણ હંમેશા બાપુજીની આંગળી પકડીને સ્કૂલે જતો. એને બાપુજીએ બહુ લાડ લડાવેલા. બાપુજીએ કેટ કેટલાં દુઃખ વેઠીને એને ભણાવેલો, પોતે આજે જે કાંઇ પણ હતો એમાં બાપુજીનું ઘણું યોગદાન હતું.

બાપુજી એને રોજ સવારે મંદિરે લઇ જતાં. રવિવારે નદીએ નહાવા પણ લઇ જતાં. બાપુજી ગામમાં કિરાણાનો ધંધો કરતાં. મંદિરમાં ટ્રસ્ટી પણ હતા. ૪ ફોઇઓનાં લગ્ન પણ બાપુજીએ પેટે પાટા બાંધીને કરાવેલાં પણ ક્યારેય એમણે પોતાને અને બહેનોને કોઇ અભાવ નહોતો આવવા દીધો. ગામમાં નાની-મોટી દરેક સુવિધાઓ માટે સરકારી કચેરીઓનાં ધક્કા પણ બાપુજી જ ખાતા, અને સમજણાં થયા પછી હંમેશા પોતાને સાથે લઇને જતાં. ગામમાં એમનું ઘણું માન હતું. કાળજાનો કટકો એવો હું, મને ભણાવવા, બા-બાપુજીએ કેટલી મહેનત લીધી હતી? એ બધું એક ચલચિત્રની જેમ નીરવની આંખો સામેથી પસાર થતું રહ્યું.

એકસમયે કુટુંબના કેન્દ્રસ્થાને રહેલા બાપુજી, વૃધ્ધાવસ્થામાં કુટુંબવર્તુળનાં પરિઘ પર ધકેલાઇ ગયેલાં. પોતે કામમાં એટલો વ્યસ્ત બની ગયેલો કે ક્યારેય બા ના મર્યા પછી એણે બાપુજી માટે સમય ફાળવ્યો હોય એવું એને યાદ ના આવ્યું. જોઇએ એટલા પૈસા એ અચુક બાપુજીને આપતો. શરુઆતમાં આસ્થાએ ખૂબ ધમપછાડા કરેલાં કે ‘નિરવ તું ઘરમાં સમય નથી આપતો’. છેવટે કંટાળીને આસ્થાએ અલયના જન્મ પછી નોકરી છોડી દીધેલી. ધીમે ધીમે આસ્થા પણ ખપ પૂરતું બોલતી થઇ ગઇ હતી, એવો ખ્યાલ નિરવને બાપુજીના અવસાન પછી જ આવ્યો. બાના મર્યા પછી આસ્થાએ કેવી સરસ રીતે ઘર સંભાળી લીધેલું, પણ પુત્રવધુ બાપુજીનું ગમે તેટલું ધ્યાન રાખે તોયે બાપુજી પોતાની રાહ જોતાં મોડી રાત સુધી જાગતાં બેસી રહેતાં હતાં, એ બધું હવે નિરવના ધ્યાનમાં આવ્યું ત્યારે કેટલું મોડું થઇ ગયેલું.

બાપુજીની ખુરશી પાસે આવીને નીરવ બેઠો તો ખરો પણ અફસોસ! બાપુજી હવે એમની ખુરશી પર નહોતાં! એક ફોટામાં સુખડના હારની વચ્ચે હસી રહ્યા હતાં. અને નીરવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

હીરલ શાહ..

3 thoughts on “મોડું થઇ ગયું !

  1. “અને નીરવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.”….અત્યારનો સમાજ સ્વકેન્દ્રી વધુ છે. સંયુક્ત કુટુંબો રહ્યાં નથી. જે રહ્યાં છે તે પણ તૂટતાં જાય છે. સંયુક્ત કુટુંબ એ તો સહનશીલતાનું તાલીમ કેન્દ્ર છે. દરેક વ્યક્તિને બીજ ખાતર કંઈ કરવાની ત્યાં તાલીમ મળે છે. આજે એ ન હોવાને કારણે બાળકોને પોતે જે જોઈએ તે મળશે જ એવી ખાતરી હોવાથી બાળકો વધુ સ્વકેન્દ્રી બની જાય છે અને જરાપણ અગવડ સહન કરી શકતાં નથી. આમાં માતાપિતાએ પણ પોતાની ફરજ બજાવવી જરૂરી છે અને સારા સંસ્કાર પડે તે જોવું જોઈએ. સંસ્કાર તો પોતાના વર્તનથી બાળકો ઉપર સતત પાડવાની પ્રક્રિયા છે. આને માટે અત્યારના આ જીવનમાં કોઈને સમય જ હોતો નથી. પરિણામે ‘સહન કરવાના’, ન ગમે તે પણ કોઈવાર સ્વીકારી લેવાની વૃત્તિ કેળવવી નથી અને તેથી વાતવાતમાં ગુસ્સે થઈ જવાની અને સંબંધ તોડી નાખવા સુધી એ પહોંચે છે.રવિશંકર મહારાજના શબ્દો યાદ આવે છે : ‘સુખી થવા નહિ પણ સુખી કરવા પરણજો.’
    તો જ આવા માતાપિતાના મત્યુ બાદ જીવન ભરના પસ્તાવા થતા નથી

    Like

  2. નિલમબહેન, જીન્દગી એ સબંધોની ખાટીમીઠી જ છે. ગયેલો સમય અને વીતેલીક્ષણો કદીય પાછી નથી આવતી એ હકીકત સર્વેને સુવિદિત છે. છતાં મનુષ્યના પોતાના વર્તનને વિશે અજાણ હોતો નથી, અને પાછળથી પસ્તાવાનો વારો આવે એવું ઘટિત થતું આવે છે, જે એની નબળીક્ષણોનું પરિણામ જ કહી શકાય ને? ક્યારેક દિલ અને દિમાગ બંન્ને જુદીજુદી દિશામાં ફંટાઈ જાય ત્યારે આવું બને તેમાં તેની અપૂર્ણતાની સાબિતી રહેલી છે, અને દુનિયામાં માત્ર બે જ પ્રકારના લોકો પૂર્ણ કહેવાય છે. એક જેઓ જનમ્યા નથી અને બીજા જેઓ મૃત છે. પછી તે હીરો હોય કે ઝીરો, જ્યારે તે સંપૂર્ણ બની જાય ત્યારે તેને માટે આ દુનિયા રહેવાને લાયક રહેતી નથી. આથી નીરવનો પશ્ચાતાપ લાઝમી છે. ” ભૂલ સભીસે હોતી આઈ.. કૌન હે વો જીસને ન ઠોકર ખાઈ… ભૂલોંસે સીખે જો મંઝિલ ઉસને પાઈ, સમજૌતા ગમોંસે કરલો.”. એવું ખુદને સમજાવવું પડે તો જ જીવનને ગતિ આપી શકાય ખરુંને? ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s