સંબંધસેતુ…

સંબંધસેતુ..

અગાસી એક, એક જ ઓસરી છે આપણી વચ્ચે..

સ્નેહના સંબંધોની મોટી મહેલાત આપણી વચ્ચે..

જીવનમાં દરેક સંબંધનું જેમ આગવું મહત્વ હોય છે..એમ દરેક સંબંધ ને પોતપોતાના કારણો હોય છે. પોત પોતાની ફરિયાદો હોય છે. કોઇ પણ સંબંધ સો ટકા પરિપૂર્ણ નથી હોતો.. વત્તે ઓછે અંશે દરેકને કોઇને કોઇ ફરિયાદ હોય જ છે. સગાઓ હોય, મિત્રો હોય કે સાવ નજીકના લોહીના સંબંધો હોય ..કોઇ જ એમાંથી બાકાત નથી હોતા. પતિને પત્ની સામે ફરિયાદ હોય તો પત્નીને પતિ સામે.. મા બાપ અને સંતાનો વચ્ચે પણ આવી ફરિયાદો ઉદભતી જોવા મળતી રહે છે. અને એમાં બની શકે..પોતપોતાની રીતે બંને સાચા હોય..નાની મોટી ગેરસમજ જીવનમાં સર્જાતી રહે છે..અને એને લીધે સંબંધોમાં કડવાશ કે મીઠાશ પ્રસરતી રહે છે. આજે આવી જ એક ફરિયાદની વાત કરવી છે..છે તો ફરિયાદ..પણ થોડી અલગ..થોડી હટકે છે..અને એટલે જ એની વાત કરવા જેવી છે.

અમારા એક પરિચિત સ્નેહી જેને હું ફૈબા કહું છું..એ એમના બહું આગ્રહથી એને ઘેર બે દિવસ રોકાવા ગયેલા..એમનું બહોળું કુટુંબ છે. ઘરમાં ત્રણ દીકરા, ત્રણ વહુઓ અને પાંચ છોકરાઓ મળીને કુલ બાર જણાનું કુટુંબ છે. ફુઆ બે વરસ પહેલાં સીતેર વરસની ઉમરે અવસાન પામેલા. ફૈબા પાંસઠ વરસના… શારીરિક રીતે ખાસ કોઇ તકલીફ નહીં.. મધ્યમ વર્ગનુ કુટુંબ. આર્થિક રીતે બહું સંપન્ન તો ન કહી શકાય…પર્ંતુ ખાસ કોઇ તકલીફ પણ નહીં..ખાધે પીધે સુખી હતા. ઘરનું ઘર હતું. અને ત્રણે દીકરા ઠીક ઠીક કમાતા હતા. ઘરમાં સંપ અને શાંતિ હતા. જૂનવાણી રીતિરિવાજો હજુ ઘરમાં મોજુદ હતા. આધુનિકતાનો..પરિવર્તનનો વાયરો ઘરમાં બહું પ્રવેશ પામ્યો નહોતો.

સાંજે બધા સાથે બેઠા હતા ત્યાં ફૈબા અચાનક મને કહે,

‘ બેટા, તું આવી છો તો એક કામ કરને… આ વહુઓને જરા સમજાવ ને… ‘

હું તો ગભરાણી… કે આમાં કયાં ફસાઇ ? સાસુ વહુના ઝગડામાં મારે વચ્ચે કયાં પડવું ?

અને એ પણ ફૈબા પાછું વહુઓની હાજરીમાં રોદણા રડવા બેઠા…હું તો ગમે તેમ પારકી કહેવાઉં..અને કોઇના કહેવાથી કોઇ સમજયું છે ખરું ? મને એમના ઘરમાં માથું મારવાનો કોઇ હક્ક ખરો ? આમ તો ભાભી ઓ બધી સારી દેખાય છે.. પણ એ તો ઉપરનો દેખાવ પણ હોઇ શકે..મારી હાજરીને માં અલગ હોય ને પાછળથી અલગ વર્તન હોય એવું બની શકે… આમ પણ હવે ફુઆ રહ્યા નથી એટલે ફૈબા બિચારા…

મનમાં આવા કોઇ વિચારો ચાલતા હતા..ત્યાં ફૈબાએ ફરીથી કહ્યું..

આ ત્રણમાંથી એકે સમજતી નથી. મને તો મૂઇ શરમ આવે છે. તું કઇંક કહી જો..જો તારું માને તો… ’

ત્રણે ભાભીઓ વટાણા ફોલતા ત્યાં જ બેઠા હતા.

શું બોલવું તે મને હજુ પૂરું સમજાયું નહોતું. ત્યાં જ સૌથી મૉટા ભાભી બોલ્યા,

બેન, અમે કોઇ સમજવાની નથી. બાને જે કહેવું હોય તે કહે. તમે બાને વાત સાંભળતા જ નહીં.. અમે અમને જે ઠાક લાગે એ જ કરવાના છીએ…

‘ ભાભીની ચોખ્ખી ચટ્ટ વાત સાંભળી હું વધારે મૂંઝાઇ..હવે આમને શું કહેવું અને કેમ કહેવું ?
ત્યાં ફૈબા બોલ્યા…

’ ન શું સાંભળો… ? મારે શું તમે બધી કહો એમ જ કરવાનું ?

ત્રણે ભાભીઓ હસવા લાગી. મને થોડું વિચિત્ર લાગ્યું. ફૈબા આમ અકળાઇને વાત કરે છે અને ભાભીઓ આમ હસે છે ?

ફૈબા લીધી વાત મૂકે તેમ નથી એમ લાગવાથી મેં સ્પષ્ટતા માટે પૂછયું..

પણ ફૈબા વાત શી છે ? કંઇક કહો તો મને સમજાય ને ?

હવે એમાં સમજવા જેવું શું છે ? તું જ કહે..મારી ઉમર કેવડી થઇ ? પછી મારા જવાબની રાહ જોયા સિવાય બોલ્યા..પૂરા પાંસઠ થયા..પાંસઠ… હવ એતું જ કહે મને આવડી મોટીને રાતે એકલા સૂવામાં કંઇ વાંધો ખરો ? અને સાવ એકલી યે કયાં હોઉં છું.. આ અમારી મોટી છોકરી… તો સાવ નાનપણથી જ મારી ભેગી સૂવે છે. આજે દસ વરસની થઇ..રોજ મારી હારે જ હોય છે ને.. તો યે આ વહુઓ સમજતી જ નથી..

મેં મૌન રહેવામાં જ શાણપણ જોયું. અને ફૈબા આગળ બોલે એની રાહ જોતી રહી.
ફૈબા એ વાત આગળ ચલાવી.

તારા ફુઆને ગુજરી ગયે આજે બે વરસ થઇ ગયા. તો યે વહુઓ હજુ સુધી મને એકલી સૂવા નથી દેતી. શરૂઆતમાં થોડા દિવસ મને થયું કે ભલે સૂતી..મને યે બહું વસમું લાગ્યું હતું એટલે સારું લાગ્યું. મહિનો થયો એટલે પછી મેં વહુઓને કહ્યું કે માડી..હવે તમે બધી તમારા રૂમમાં જાવ..હું તો રૂપલી ( મોટા દીકરાની દીકરી રૂપા ) છે એની હારે સુઉં જ છું ને ? મને કોઇ તકલીફ નથી.

તો આ વહુઓ કહે, ના બા..અમે ત્રણે જણાએ નક્કી કર્યું છે કે અમે એક જણી વારાફરથી તમારી હારે જ સૂવાનું.. દર અઠવાડિયે વારા બદલી નાખીશું.

મેં ઘણી યે ના પાડી..કે માડી એવી કોઇ જરૂર નથી. હવે આ ઉમરે મને કંઇ એકલા સૂવામાં કોની બીક છે ? એવી કોઇ જરૂર નથી. ‘

પણ આ કોઇ માને ? આજે બે વરસ થયા આ વાતને..દીકરા, વહુ બધાને હજાર વાર હાથ જોડીને કહ્યું.. કે બેટા. આમ વારા કાઢવાની કોઇ જરૂર નથી. તમે બધા હજુ જુવાનજોધ છો…. નાનકડા છો..હું તો પરવારી ચૂકેલ છું…હવે તો મને શરમ આવે છે.. પણ આ છોકરાઓ કે વહુ કોઇ સમજે તો ને ? દીકરી, તું આવી છે તો સમજાવ… આમ ગાંડા ન કઢાય… કોઇ આવે તો એમ જ લાગે ને કે આવડી મૉટી ગલઢી સાસુ એકલી નહીં સૂઇ રહેતી હોય ? ને હું તો એકલી યે નથી…

કહેતા ફૈબા ગળગળા થઇ ગયા. મેં ભાભીઓ સામે જોયું.

બેન, અમને કોઇને એમાં તકલીફ નથી. બાને એકલા સૂવા દેતા અમારો જીવ નથી ચાલતો.બાને થોડી શ્વાસની તકલીફ છે. ન કરે નારાયણ ને રાતે કંઇ જરૂર પડે તો ? બા કંઇ એમ રાતે અમને જલદીથી ઉઠાડે એમ નથી. અમારા બધાન અજીવને રોજ ઉચાટ રહે એના કરતા વારાફરથી એકાદ જણ એની સાથે સૂવે તો મને શાંતિ..અમે અમારી શાંતિ માટે આ કરીએ છીએ… અને બેન, તમે બાને કહેતા જાવ બા હજી યે રોજ બેઠક મંદિર સુધી ચાલીને જાય છે. સ્કૂટરમાં બાને ફાવતું નથી એને બીક લાગે છે. અને અમે બાને મોટરમાં તો ફેરવી શકીએ એમ નથી.. પણ રીક્ષાનો ખર્ચો તો અમને પોષાય તેમ છે. અમે મહિનાની રીક્ષા બંધાવી દીધી હતી તો બાએ જિદ કરીને કઢાવી નાખી..હવે રસ્તામાં કોઇ દિ કયાંક પડે આખડે તો ? અમારા ગામના રસ્તાઓ અને વાહનોની તો તમને ખબર છે જ..

હવે મારા ટાંટિયા હજુ તો ચાલ એછે..નહીં ચાલે ત્યારે જોશું..એમ છોકરાઓ પાસે ખોટા ખર્ચા થોડા જ કરાવાય ? ‘ અને પછી તો બંને પક્ષે આવી અનેક ફરિયાદો થતી રહી. પ્રેમની ફરિયાદો… હું તો સ્તબ્ધ બનીને સાંભળી જ રહી. હું કોને કહું ? શું કહું ? આવી ફરિયાદ જેને કરવા મળે એનું જીવતર ધન્ય ન કહેવાય ?

હજુ તો વાત ચાલતી હતી ત્યાં જ ફૈબાનો નાનો દીકરો આવ્યો કહે, બા.. આજે તમારા ચાર ધામની જાત્રાના પૈસા ભરી આવ્યો છું. મારા એક દોસ્તારની બા જાય છે એની સાથે જ બધું ગોઠવી દીધું છે. તમને જરાયે તકલીફ નહીં પડે.

પણ એલા.. તને કહ્યું તુ ને કે પૈસાનો વેંત થાય એટલે પહેલા આ છોકરી માટે સાઇક્લ લેવાની છે અને તારા માટે….

ફૈબા આગળ બોલે પહેલા જ મોટી વહુ બોલી ઉઠી.. બા..એ બધું થઇ રહેશે..તમારા આશીર્વાદ હશે તો એ પણ લેવાશે.. તમે એ બધી ચિંતા અમારી ઉપર છોડી દો..તમે જાત્રાએ જઇને અમારા બધા વતી ભગવાનને મનાવી આવો..

સ્નેહના આ સામ્રાજય આગળ શબ્દોની શી વિસાત ? પૈસાની કમી હશે..પણ મનની અમીરાતની બેમાંથી કોઇ પક્ષે કયાંય કમી નહોતી.

આજે સમાજમાં સાસુ વહુના સંબંધોમાંથી મીઠાશ ઓસરતી રહે છે.. મન સાંકડા થયેલ જોવા મળે છે.. ઘેર ઘેર માટીના ચૂલાની કહેવત સાર્થક થતી જોવા મળે છે..ત્યારે આવા કોઇ સંબંધો દેખા દે ત્યારે મન પ્રસન્નતા અનુભવે કે નહીં ? ઘેર ઘેર આવી ફરિયાદો સાંભળવા મળે તો ? સમાજની સૂરત જ બદલાઇ જાય ને ?

સબંધોનો કેવો મજાનો સેતુ…
( સ્ત્રીમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ )

7 thoughts on “સંબંધસેતુ…

  1. ઘેર ઘેર માટીના ચૂલાની કહેવત સાર્થક થતી જોવા મળે છે..ત્યારે આવા કોઇ સંબંધો દેખા દે ત્યારે મન પ્રસન્નતા અનુભવે કે નહીં ? ઘેર ઘેર આવી ફરિયાદો સાંભળવા મળે તો ? સમાજની સૂરત જ બદલાઇ જાય ને ?

    ઇશ્વર કરેને ઘેર ઘેર આવી માટીના ચૂલા જોવા મળે, ઘેર ઘેર આવી ફરિયાદો સાંભળવા મળે.

    Like

  2. નિલમબહેન, સાસુવહુના મીઠાસબંધનો ચિતાર આજના લેખ દ્વારા જાણવા મળ્યો, જીવનરૂપી ઉદ્યાનમાં આપસી સબંધોની સુવાસ ફેલાય એવું તો સૌ કોઈ ઈચ્છે છે, પણ તેના માટે પહેલ પણ પોતાના થકી થાય એ પણ એટલી જ જરૂરી બાબત ગણાય. આ એક કુદરતે બનાવેલ સનાતન નિયમ જ છે, કે એક હાથે દો અને બીજા હાથે લો, વાવીએ થોર અને ફૂલની અપેક્ષા રાખીએ એ તો સંભવિત જ નથી. કર્મોનું પણ એવું જ છે ને? પોતાના સુખ અને દુ:ખના વિધાતા પોતે જ છીએ. ખરુંને? ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s