શિવાજી…

સુહાગરાત….સાંવરીના રૂંવે રૂંવે જવાળા પ્રગટી હતી. ઘવાયેલી સિંહણની માફક તે ઓરડામાં આંટા મારી રહી હતી. માંગમાં પૂરાયેલ સિંદૂર જાણે તેની હાંસી ઉડાડતું હતું. અન્ય યુવતીઓની માફક આ ક્ષણના કોઇ શમણાં તેની આંખોમાં અંજાવા નહોતાં પામ્યાં. કે એક નવોઢાનો કોઇ રોમાંચ તેના અસ્તિત્વમાં ઉભર્યો નહોતો. એક કળીના ફૂલમાં પરિણમવાની આ પળ નહોતી. ફૂલ બનીને મઘમઘી ઉઠે તે પહેલાં જ કળી પીંખાઇ ગઇ હતી. એ પીંખનારને પોતે કયારેય માફ કરી શકે તેમ નહોતી..કયારેય નહીં. કમનશીબે આજે તે એની જ પરણેતર બની હતી. પરંતુ તેથી શું ? પતિનો દરજ્જો એને પોતાની પાસેથી પ્રાપ્ત નહીં જ થાય. સાંવરીને એ કદી પામી નહીં શકે. ભલે રોજ રોજ એના પર બળાત્કાર થાય. કાનૂનના, સમાજના પરવાના સાથેનો બળાત્કાર… સાંવરીના સમગ્ર અસ્તિત્વમાં એક ચિત્કાર…આક્રોશ…

શિવાજીને સંભળાવવાની અનેક વાતો તેના મનમાં ઘૂમરાતી હતી. તે દિવસે ભલે પોતે તેનો સામનો ન કરી શકી..આજે જરૂર કરશે..તેની પાસે જવાબ માગશે.. વિચારોના વંટોળમાં અટવાયેલી સાંવરીને શું કરવું અને શું ન કરવું તેની સૂઝ નહોતી પડતી. શિવાજી હવે તેનો પતિ હતો. એ તેની મજબૂરી હતી. બાપની સમજાવટ, નાની બહેનનો વિચાર અને માની આંસુભીની આજીજી…..આ બધાએ તેને લગ્ન માટે પીગળાવી હતી. બાકી એક બળાત્કારી સાથે તે કયારેય….. જે વ્યક્તિ માટે અંતરમાં ભારોભાર નફરત હતી. એ નફરત ચોરીના ચાર ફેરા ફરવાથી, કે ચપટી સિન્દૂરથી મટી શકે તેમ નહોતી.

મા બાપ તો કહેતા હતા કે પોતે નસીબદાર હતી. બાકી મુખી ન માન્યા હોત અને શિવાજી ફરી ગયો હોત..ગુનો કબૂલ ન કર્યો હોત તો પોતાની એવી હેસિયત કયાં હતી કે શિવાજીને સજા અપાવી શકે ? શણગારાયેલ ઓરડામાં આંટા મારતી સાંવરીના મનમાં ઘડીક વિષાદના વાદળો ગરજતા હતા….તો ઘડીકમાં આક્રોશની આંધી ઉમટતી હતી.

બરાબર ત્યારે જ શિવાજી ધીમા પગલે ઓરડા તરફ વળ્યો. પગ સાથ નહોતા આપતા. ગતિ ધીમી પડી હતી. તેની આંખોમાં પણ સુહાગરાતના કોઇ શમણાં ઉજાગર નહોતાં થયાં. કયા મોંએ પોતે સાંવરીનો સામનો કરશે ? સાંવરીની આંખોમાં પોતાને માટે કેવી નફરત હશે એનાથી તે અજાણ નહોતો.

શિવાજી મનોમન થરથરી રહ્યો. સાંવરીની માફી પણ કયા મોંએ માગે ? ઓરડાની નજીક પહોંચતા તો આખા અસ્તિત્વમાં ધ્રૂજારી…બારણા પાસે આવ્યો. પગ થંભી ગયા. એક અવઢવ…થોડી ક્ષણો એમ જ વીતી. અંતે અંદર પ્રવેશવાની હિંમત એકઠી કરી હળવેથી, ચોરપગલે ઓરડામાં દાખલ થયો. સાંવરી તેના નજીક આવવાની રાહ જોઇ રહી. જાણે શિકાર પર તરાપ મારવા તૈયાર બેસેલી સિંહણ…તે દિવસે પોતે હારી હતી..આજે નહીં હારે. શિવાજી હવે તેને માટે જિંદગી આખી તડપશે.પરંતુ સાંવરી તેને કયારેય નહીં મળે. તેનું સમગ્ર ધ્યાન શિવાજીની હિલચાલ પર કેન્દ્રિત થયું. તિરસ્કારયુકત શબ્દોના અનેક તીર ભાથામાં તૈયાર હતા.પણ……

પણ….શિવાજી પલંગ પાસે આવવાને બદલે બારી પાસે જઇને ઉભો રહ્યો. આકાશમાં ન જાણે કોને તાકી રહ્યો…સાંવરી તેના નજીક આવવાની પ્રતીક્ષા કરી રહી. પાસે આવે એટલી જ વાર…

થોડીવારે શિવાજીએ તેની સામે નજર કરી. કશુંક બોલવા ગયો.પણ શબ્દોએ સાથ ન આપ્યો. સાંવરી સામે આંખ ન માંડી શકયો. આંખો ભીનાશથી તગતગી ઉઠી. તેણે ધીમેથી એક ઓશીકું લીધું…ત્યાં પડેલ સોફા પર લંબાવ્યું.

’ લાઇટ બંધ કરું ? તું તારે સૂઇ જજે..કોઇ ભય રાખ્યા સિવાય.. મારો અપરાધ માફીને લાયક નથી એ હું જાણું છું. તેથી માફી નથી માગતો. તું ઇચ્છે એ સજા કરી શકે છે. તારી સજાની હું પ્રતીક્ષા કરીશ….અત્યારે તું થાકી છે..સૂઇ જા….’

એવા તો રોતલ શબ્દો હળવેથી સર્યા કે…..સાંવરી સ્તબ્ધ..ભભૂકતા રોષને હવે વાચા કેમ આપવી એ સમજાયું નહીં. આ તો ધારણાથી વિપરિત હતું…સાવ જ ઉલટું. ખાસ્સીવાર સાંવરી એમ જ બેસી રહી. હવે શું કરવું તે સમજાયું નહીં. મનની આગ બહાર નીકળવાને બદલે અંદર જ ધધકતી રહી.

ખેર! પછી વાત..દિવસોનો કયાં દુકાળ છે ? હવે તો આ ઘરમાં જ રહેવાનું છે ને ? જશે કયાં ? હું કંઇ બધું ભૂલી જાઉં તેમ નથી. સજા તો જરૂર થશે જ. ‘

આખી રાત સાંવરી રોષથી ફૂંગરાતી રહી….તો શિવાજી અસહ્ય અજંપામાં તરફડતો રહ્યો હતો.

આજે જેલની અંતિમ રાતે શિવાજીના અંતરમાં સુહાગરાતનું એ દ્રશ્ય ફરી એકવાર ડોકિયા કરી રહ્યું હતું. તે દિવસની માફક આજે પણ આંખમાં ઉંઘનું કોઇ કણસલું ડોકાયું નહીં. એક અજંપો…અતીતનો ઓથાર…..

કાલે…કાલે પોતે કયાં જશે ? ઘેર ? ના..સાંવરીની આંખમાં ઉભરતી નફરત જોવી હવે બહું વસમી લાગે છે. એના કરતાં એ ભલે શાંતિથી પોતાની રીતે રહે. પૈસા, મકાન બધું એના નામે કરી દીધું છે. તેથી એને કોઇ તકલીફ નહીં પડે. એક બળાત્કારી અને હવે તો… ખૂની પણ ખરો…એવા પતિથી કઇ સ્ત્રી છૂટકારો ન ઝંખે ? એમાં સાંવરીનો દોષ કોઇ રીતે કાઢી શકાય તેમ નથી.

શિવાજીની આંખે ઝળઝળિયા છલકી રહ્યાં. એ જળમાં અતીતના અનેક પ્રતિબિંબો…
શૈશવથી માના પ્રેમને સતત ઝંખતો શિવાજી… ઘરમાંથી હરદમ હડધૂત થતો..હડસેલાતો એક શિશુ એટલે શિવાજી..કમનશીબે અતિ સંવેદનશીલ…પણ બહારથી બિલકુલ રુક્ષ, પોતાની અંદર સતત ચાલતા રુદનની કોઇને કલ્પના પણ ન આવે તે માટે સતત જાગૃત શિવાજી..અને તેથી જ ખૂબ કઠોર દેખાવાના પ્રયત્નોમાં કચાશ ન રાખતો શિવાજી…
કોઇ કૂતરું શાંતિથી સૂતું હોય અને સાથે મિત્રો હોય કે કોઇ પણ જાણીતી વ્યક્તિ હોય તો બાર વરસના શિવાજીની લાત કૂતરાને લાગી જ હોય..કે પથ્થરનો ઘા એ કૂતરા કે ગાય તરફ થયો જ હોય. પણ એકલો હોય અને કોઇ જોતું ન હોય ત્યારે ઘરમાંથી ખાવાનું લાવીને એ કૂતરાને પ્રેમથી ખવડાવતા કે પંપાળતા શિવાજીને ખુદ પોતે પણ કયાં ઓળખતો હતો ?

પોતે કોઇથી ડરતો નથી..સાવકી માના ત્રાસથી તો બિલકુલ નહીં…એ દેખાડવા મથી રહેતો શિવાજી અંદરથી કેટલો ડરપોક હતો..એ ઇશ્વર સિવાય કોઇ જાણતું નહોતું. શૈશવમાં પાંચ વરસની ઉંમરથી સાવકી મા મારતી કે ડામ દેતી એ જખમ તેના શરીર પર આજે પણ મોજુદ હતા. પૂરા સાત વરસ સુધી અર્ધભૂખ્યા રહી શિવાજી માના હાથનો માર ખાતો રહ્યો. વહાલ માટે ઝંખતો એક શિશુ સતત હડધૂત થતો રહ્યો. બાપ મુખીપણામાંથી કયારેય ઉંચો ન આવતો. માના ભયથી કોઇ વાત બાપને કહેવાની હિંમત બાળક શિવાજીમાં નહોતી.
પરંતુ એક દિવસ…. સાવકી માએ મારવા માટે લાકડી ઉગામી ત્યારે બાર વરસના કિશોર શિવાજીમાં અચાનક ન જાણે કયાંથી હિંમત આવી ગઇ. માએ ઉગામેલ હાથ એક ઝાટકા સાથે પકડી, તેના હાથમાંથી લાકડી ખૂંચવી એ જ લાકડીથી સાવકી માને ધડાધડ ઝૂડી કાઢી.. ન જાણે શિવાજીને શું ઝનૂન ચડયું.. બસ..તે દિ’ ની ઘડી ને આજનો દિ…. હવે મા એનાથી ડરતી. બાર વરસનો શિવાજી હવે ભારાડી ગણાવા લાગ્યો.

પરંતુ રાત્રિના અંધકારમાં શિવાજીનું સાચું પોત પ્રગટતું. દિવસના ઉજાસમાં માથાભારે લાગતો શિવાજી રાતના અંધકારમાં બની રહેતો એક ગભરૂ કિશોર..જે કોઇના ચપટી વહાલ માટે વલવલતો રહેતો. રોજ રાતે એ ભારાડી છોકરો ભીની આંખે આસમાન સામે તાકી રહેતો અને દૂર દૂર દેખાતા કોઇ તારામાં પાંચ વરસની ઉંમરે ગુમાવેલ માને શોધવા મથી રહેતો કે કયારેક ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠતો.

ધીમે ધીમે તેના ભારાડી સ્વરૂપની છાપ વધુ ને વધુ દ્રઢ થતી ગઇ. દિવસે દિવસે શિવાજી બહારથી વધારે ને વધારે રૂક્ષ બનતો ગયો. પોતે કોઇથી ડરતો નથી, પોતાને કોઇની પરવા નથી એ સાબિત કરવા તે સતત મથી રહેતો. એક અબોધ કિશોર ધીમે ધીમે પોતાની પણ જાણ બહાર માથાભારે યુવકમાં પરિણમતો ગયો. મુખીનો દીકરો હોવાને નાતે તેની આસપાસ અનેક સાથીદારો ઘૂમતા રહેતા. જે શિવાજીને ઉશ્કેરતા રહેતા.

આખ્ખા યે સમાજ પ્રત્યે વિદ્રોહની જવાળા તેના અંગેઅંગમાં સળગતી રહી. તેના મિત્રો..સાથીદારો તેનો ભરપૂર લાભ ઉઠાવતા. શિવાજીને કોઇ વાતની ચેલેન્જ કરો..પડકાર ફેંકો..એટલે સારા, ખરાબ કોઇ વિચાર કર્યા સિવાય તે ઝઝૂમી રહે. અંદરનો ડર જેટલો વધતો જતો હતો તેટલો જ બહારથી….

શિવાજીનો એક મિત્ર મહેશ હતો. તેણે એકવાર એક છોકરીની છેડતી કરી તેના હાથનું ચપ્પલ ખાધું હતું. તેનો બદલો લેવા માટે તે આતુર હતો.

આ છોકરી એટલે ગામના શિવમન્દિરના પૂજારીની દીકરી સાંવરી….જેને પામવા ગામના યુવકો વચ્ચે શરતો લાગતી. અત્યંત તેજસ્વી, ખુમારીવાળી સાંવરીને હાથ અડાડવો આસાન નહોતો.

પરંતુ તે દિવસે ગામની બહારના મંદિરેથી પાછા ફરતા સાંવરીને મોડું થઇ ગયેલ અને આજે તે એકલી હતી. ઉજાસને હટાવીને પોતાનું સામ્રાજય સ્થાપવા અંધકાર હળું હળું પગલે આવી રહ્યો હતો. શિવાજી અને તેનો એ મિત્ર મહેશ પણ તે રસ્તેથી જ આવતા હતા. શિવાજીને છોકરીઓમાં કોઇ રસ નહોતો. તે ભારાડી જરૂર ગણાતો.પરંતુ છોકરીઓથી તે દૂર જ ભાગતો.

આજે સાંવરીને એકલી જોઇ બદલો લેવાનો આવો લાગ ફરી નહીં મળે. એ વિચારે મહેશે શિવાજીને બરાબર ઉકસાવ્યો.

મહેશ શિવાજીની મનોદશા પૂરેપૂરી સમજી ચૂકયો હતો. બસ..શિવાજીને ચેલેન્જ ફેંકાવી જોઇએ…ઉશ્કેરવો જોઇએ…અને શિવાજીને ઉશ્કેરાતા કેટલી વાર ? થોડી પ્રસ્તાવના પછી તેણે શરૂ કર્યું.

’ આ તારું કામ નહીં. એ તો કોઇ મરદનું કામ…’

થોડીવાર તો શિવાજીએ બહું દાદ ન દીધી. પણ મહેશ તેને એમ છોડે તેમ કયાં હતો ?

‘ મને ખબર જ હતી..કે આ કામ તારા જેવા નામર્દનું નહીં. તું બહારથી ભલે ભારાડી ગણાતો હોય..બાકી અંદરથી સાવ…..’

શિવાજી જે વાતનો સ્વીકાર જાત પાસે પણ નહોતો કરી શકતો. તે વાત આમ જાહેરમાં… ? પોતે નબળો છે એ વાત શિવાજી કયારેય આમ કબૂલ કરી શકે તેમ નહોતો. તેના સમગ્ર અસ્તિત્વમાં એક ઉશ્કેરાટ…આવેશ.. ઝનૂન…. ત્યાં ગરમ લોઢા પર ઘા કરતો હોય તેમ મહેશે શિવાજીની નબળી કડી, દુ:ખતી નસ બરાબર દબાવી.

’ રહેવા દે શિવાજી..મેં ખોટી વ્યક્તિ પકડી. આ કામ તો નરેશ જેવા મર્દ જ કરી શકે…’

શિવાજીના અંગેઅંગમાં એક જવાળા…..

અને….જે શિવાજીએ કયારેય કોઇ છોકરીનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો…તે શિવાજી, પોતે ગમે તે કરી શકે છે. તે સાબિત કરવા સાંવરી ઉપર……

અણધાર્યો હુમલો સાંવરી ખાળી ન શકી. અને… તે રાત્રે સાંવરી ધ્ર્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી હતી. તો શિવાજીની આંખે પણ રાતાચોળ ગુલમહોર અંજાયાં હતાં. પોતે આ શું કરી બેઠો ? એકલો પડતાં જ એનું ભાન શિવાજીના રૂંવેરૂંવે ફૂટી નીકળ્યું. આવડું મોટું પાપ કર્યા પછી તેને જીવવાનો કોઇ હક્ક નથી. શિવાજી આત્મહત્યા કરવા તત્પર બન્યો. પણ ના…સાંવરીની માફી માગ્યા સિવાય એ જઇ ન શકે. અને કદાચ એને કોઇ મદદની જરૂર હોય તો..? જિંદગી આખી એ કાયર રહ્યો છે. સાચા બહાદુર બનવાનો મોકો તો હવે આવ્યો છે ત્યારે એ આમ પલાયન થઇ જશે ? જે અંગારા એણે સળગાવ્યા છે એમાં જલવાથી એ ભાગી કેમ શકે ? રાત આખી પશ્વાતાપનો અગ્નિ અંગેઅંગને બાળતો રહ્યો. વલોવાતો રહ્યો. માથું પટકતો રહ્યો. પોતે આવો અધમ ? થયું ન થયું કેમ કરી શકે ? કાળને રીવર્સ ગીયરમાં કેમ ફેરવી શકે ?

બીજે દિવસે પૂર્વ દિશા હજુ તો પ્રભાતમાં પરિણમતી હતી ત્યાં જ પૂજારી મુખી પાસે આવી પહોંચ્યા હતા અને ન્યાય માગી રહ્યા હતા. મુખીને કંઇ સૂઝતું નહોતું. આ છોકરાએ શું કરી નાખ્યું ? મહારાજની દીકરી ઉપર નજર બગાડી ? પૂજારી જો પોલીસમાં ફરિયાદ કરે તો બદનામીનો પાર ન રહે..આ છોકરાને આવી કુબુધ્ધિ કેમ સૂઝી ?પોતાની સાત પેઢીમાં કોઇએ ગામની બહેન દીકરી પર નજર સુધ્ધાં નહોતી નાખી..અને આ નાલાયકે એક છોકરીની ઇજ્જત લૂંટી….?

શિવાજીને પૂછતાં તેણે કોઇ સફાઇ પેશ કર્યા સિવાય એક જ ક્ષણમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હવે મુખી શું કરી શકે ?

પૂજારી અને મુખી વચ્ચે મસલત ચાલી. અને પંદર દિવસમાં જ સાંવરી શિવાજી સાથે ચોરીના ચાર ફેરા ફરી મુખીના ઘરની વહુ બની. શરણાઇના સૂર ગૂંજયા અને શમ્યા પણ ખરા…એટલું સારું હતું કે શિવાજીની સાવકી મા થોડા સમય પહેલાં જ ફકત બે દિવસના તાવમાં મોટું ગામતરું કરી ગઇ હતી. નહીંતર આ વાતનો અંજામ કંઇક જુદો જ આવ્યો હોત.
મુખીના ઘરમાં પૂજારી જેવા..સાવ અકિંચન બ્રાહ્મણની છોકરી આવી તેનાથી ઘણાને ઇર્ષ્યા પણ થઇ હતી. અચાનક આ બધું કેમ થયું તેની કોઇને સમજ ન પડી. થોડી કાનાફૂસી જરૂર થઇ. કોઇને દાળમાં કાળું દેખાયું તો કોઇને આખી દાળ જ કાળી દેખાઇ….જે હોય તે પણ સાંવરી શિવાજી સાથે પરણીને મુખીના ઘરમાં આવી તે એક માત્ર હકીકત…ઇન્કાર ન થઇ શકે તેવી હકીકત…..

સુહાગરાત આવી અને ગઇ…. બંનેના હૈયામાં ભારેલો અગ્નિ….કારણો બંને માટે અલગ..પણ જવાળા તો એક જ ….

થોડાં દિવસ તો ઘર મહેમાનોથી ભરાયેલું રહ્યું. ભારેલા અગ્નિ નીચે બહારથી બધું સામાન્ય દેખાતું હતું. સાંવરીએ પણ ઘરમાં કોઇને કોઇ વાતનો અણસાર ન આવવા દીધો. રોજ રાતે બંને વચ્ચે મૌનની અભેદ દીવાલ આપોઆપ રચાઇ જતી. શિવાજી કશું બોલે તો પોતે બરાબર સામનો કરે. પરંતુ એવી કોઇ તક મળતી નથી. શિવાજી તો મૌન..બિલકુલ મૌન. તેના ચહેરા સામે જોઇ ન જાણે કેમ પણ સાંવરી કશું બોલી શકતી નહીં. શિવાજી રાત આખી સોફા પર સૂઇ રહેતો. સ્પર્શની વાત તો દૂર રહી. શિવાજી તેની સામે સરખી નજર પણ માંડતો નથી. કોઇ વાતચીત નહીં…કશું જ નહીં. જાણે સાવ જ અપરિચિત બે વ્યક્તિઓ ભૂલથી એક ઓરડામાં રાતવાસો કરવા આવી ગયા હોય..

લગ્નને એક મહિનો જ થયો હતો. ત્યાં મુખીને હાર્ટ એટેક આવતા તે પણ ઉપર પહોંચી ગયા. હવે ઘરમાં રહ્યા માત્ર પતિ, પત્ની…..

શિવાજી આખો બદલાયો હતો. ભારાડી તરીકેની તેની છાપ ધીમે ધીમે ભૂંસાતી હતી. સાંવરીની નાની બહેનના લગ્ન ખૂબ ધામધૂમથી તેણે કરાવ્યા હતા. પૂજારી તો આવો દેવ જેવો જમાઇ પામીને આગલી બધી વાતો ભૂલી ગયા હતા. જુવાનીના જોશમાં બિચારાએ ભૂલ કરી નાખી. બાકી એનામાં કંઇ કહેવાપણું નથી. શિવાજી તેના આખા ઘરની કાળજી એક દીકરાની માફક રાખતો હતો. આમ સાંવરીના ઘરમાં તો બધા એ વાત ભૂલી ગયા હતા. ..નહોતી ભૂલી શકી સાંવરી…નહોતો ભૂલ્યો શિવાજી…બંને વચ્ચેની દીવાલ અણનમ ઉભી હતી.

સમય સસલાની માફક દોડતો રહ્યો હતો. શિવાજી સાંવરીના કોઇ કામમાં માથું મારતો નહોતો. પૈસાનો વહીવટ સુધ્ધાં સાંવરીને સોંપી દીધો હતો. સાંવરીને ફરિયાદનો કોઇ મોકો મળતો નહીં. બલકે હમણાં તો સાંવરીને કયારેક પતિની દયા આવી જતી.. પતિ પ્રત્યેનો રોષ ધીમે ધીમે ઓગળતો હતો. એક ભૂલની સજા કંઇ જિંદગી આખી થોડી હોય ? અને શિવાજીએ પ્રાયશ્વિત કરવામાં કયાં કશું બાકી રાખ્યું હતું ?

શિવાજી એકવાર માફી માગી લે તો આસાનીથી માફ કરી શકે તે ભૂમિકાએ તે પહોંચી હતી. પણ શિવાજી મૌન..સાવ જ મૌન…

હમણાં ગામમાં તાવના વાસરા ચાલતા હતા.સ્વાઇન ફલ્યુનો ડર ગામમાં ફેલાયેલો હતો. એક દિવસ સાંવરી પણ તાવની ઝપટમાં આવી ગઇ. સાંવરી તો નહીં પરંતુ શિવાજી ભયભીત બની ગયો. દોડાદોડી કરી સાંવરીને હોસ્પીટલે પહોંચાડી. સદનશીબે વાઇરલ ફીવર નીકળ્યો. આમ તો આખા દિવસની બાઇ શિવાજીએ રાખી લીધી હતી. જે સાંવરીને પોતા મૂકવાનું અને બીજું બધું જ કામ કરી જતી. સાંવરીની સેવા કરવા માટે કે તેને સ્પર્શ કરવા માટે તે પોતાની જાતને લાયક નહોતો ગણતો. તેથી દૂર રહીને શકય તે બધું કર્યા કરતો. સાંવરીને કોઇ તકલીફ ન પડવી જોઇએ…મનમાં સતત એ રટણ ચાલતું રહેતું.

પરંતુ તે રાત્રે સાંવરી તાવના ઘેનમાં કણસતી હતી. શિવાજી હમેશની માફક સોફા પર આડો પડયો હતો. તેનું સમગ્ર ધ્યાન સાંવરીમાં જ હતું. તેને કશું જોઇએ ..કોઇ જરૂર પડે તો ? સાંવરીનો કણસાટ સાંભળી તે ઉભો થયો.

‘ સાંવરી, શું થાય છે ? કશું જોઇએ છે ? વધારે ઓઢાડું ? ‘

સાંવરીમાં બોલવાના હોંશ હવાસ નહોતા. તેનો કણસાટ સાંભળી શિવાજી મૂંઝાયો. શું કરવું તે સમજાયું નહીં. રાતે બે વાગ્યે કોને બોલાવે ?

તેણે હિંમત કરી. ધીમેથી સાંવરીને કપાળે હાથ મૂકયો. અંગારાની માફક કપાળ ધીખતું હતું. હવે ?

ના, ના, સાંવરીને પોતાનો સ્પર્શ નહીં ગમે..પણ આ ક્ષણે બીજો કોઇ ઉપાય નથી. તેણે મનોમન સાંવરીની માફી માગી. કાલે તેને જે વિચારવું હોય તે વિચારે. સાંવરીની વ્યથા પોતે નહીં જોઇ શકે…

તેણે ખુરશી પલંગ પાસે લીધી. સાંવરીના કપાળે, માથે પોતા મૂકવાનું શરૂ કર્યું.

પતિ તરીકેનો શિવાજીનો આ પહેલો સ્પર્શ. તે પોતા મૂકતો રહ્યો. સૂતેલી સાંવરી માટે હૈયામાં મમતા ઉમટતી રહી. આજે સાંવરીની આંખો બંધ હોવાથી નિર્ભય બનીને પહેલી વાર પત્નીને આટલી નજીકથી નિરાંતે નીરખી રહ્યો. આની ઉપર પોતે…?

એ યાદે કયારેય તેનો પીછો નથી છોડયો. જેમ જેમ ભૂલવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ દૂઝતા જખમની માફક એ કડવી યાદ દૂઝતી રહી છે. પોતાના ગુનાહિત માનસને લીધે કયારેય આંખ ઉંચી કરીને પત્ની સામે જોઇ શકયો નથી.

છેક વહેલી સવારે શિવાજીને બેઠાં બેઠાં ઝોંકુ આવી ગયું. સાંવરીને ભાન આવ્યું હતું. પોતાની પાસે ખુરશી પર બેસેલ શિવાજીને તે જોઇ રહી. તન્દ્રાવસ્થામાં યે તેને એહસાસ જરૂર હતો કે કોઇ તેને પોતા મૂકી રહ્યું છે. આખી રાત પતિ પોતાને માટે જાગ્યો છે ? સાંવરીના અંતરમાં કશીક ઉથલપાથલ મચી રહી.

શિવાજીની આંખ ખૂલી ત્યારે સાંવરી પોતાને નીરખી રહી છે તેનું ભાન થતાં તે ઉભો થઇ ગયો.

’ હું..હું….તને બહું તાવ હતો તેથી…… તેથી… પોતા મૂકવા તારી પાસે…. ‘

જાણે કોઇ આરોપી પોતાની કેફિયત થોથવાતા અવાજે રજૂ કરી રહ્યો હતો.

ઇચ્છા છતાં સાંવરીના ગળામાંથી કોઇ શબ્દો સરી ન શકયા. થોડો વધુ સમય શિવાજી બેઠો હોત તો કદાચ શબ્દો સાથ આપત એવું બની શકયું હોત. પણ…

‘ તારે માટે ચા બનાવી આવું. થોડું સારું લાગશે..’

કહેતો શિવાજી નીચે ઉતરી ગયો.

આઠ દિવસ સુધી તાવ સંતાકૂકડી રમતો રહ્યો. તે પછી પણ શિવાજી નબળી પડી ગયેલ સાંવરીની સંભાળ રાખવાનું કયારેય ચૂકયો નહીં.

પોતાની ભૂલ અક્ષમ્ય છે. કયારેક માફ ન થઇ શકે તેવી. એ વાત શિવાજીના મનમાં એવી તો જડબેસલાક બેસેલ હતી કે બીજો કોઇ વિચાર તેના મનની આસપાસ ફરકી શકે તેમ નહોતો. સાંવરીની આંખની પેલી નફરત ધીમે ધીમે અદ્રશ્ય થતી હતી. પણ શિવાજી એની સામે મીટ માંડે તો જાણ થાય ને ? ધીમે ધીમે સાંવરી સાજી થઇ. સાંવરીને મનમાં હતું એકવાર શિવાજી કશું બોલે તો..

થીજેલી સંવેદના કદાચ પીગળી શકે… પણ શિવાજી મૌન જ રહ્યો. બિલકુલ મૌન…

ખાસ કોઇ તકલીફ વિના જીવન જીવાતું રહ્યું. શિવાજી આખો દિવસ ગળાડૂબ કામમાં રહેતો. સાંવરી મુખીની પત્ની હોવાને નાતે ગામની સ્ત્રીઓના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત બની રહી. કામ પૂરતી બે ચાર શબ્દોની આપ લે થતી રહે છે. સાંવરીને બધી વાતની પૂરી સ્વતંત્રતા મળી છે. તેના કોઇ કામમાં શિવાજીની ડખલગીરી..રુકાવટ નથી. જરૂર પડયે સાંવરી કહે તે મદદ પણ કરતો રહે છે. કયારેક સાંવરી કંઇક વિચારમાં ડૂબી જાય છે. પરંતુ…. એવામાં એક દિવસ…. શિવાજી વાડીએથી પાછો ફરતો હતો. આજે રોજ કરતાં મોડું થઇ ગયેલું. ત્યાં… તેના કાને એક ચીસ.. શિવાજી દોડયો….. મહેશ.. ગામની કોઇ છોકરી પર…. શિવાજીના શરીરમાં જાણે માતાજી આવ્યા.. રૂંવેરૂંવે ફરી એક ઝનૂન…

દોડીને તેણે ત્યાં પડેલ એક મોટૉ પથ્થર ઉંચકયો બીજી જ ક્ષણે મહેશના માથા પર વીંઝાયો… છોકરી છૂટી ગઇ..બચી ગઇ…. શિવાજી સામે આંસુભીની આંખે…આભારવશ નજર નાખી કપડાં સરખી કરતી ઘર તરફ ભાગી. મહેશે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા..

શિવાજી જાતે પોલીસમાં હાજર…. ખૂનનો ગુનો… સાંવરીને આખી વાતની જાણ થઇ…તે શિવાજીને મળવા દોડી. પરંતુ શિવાજીએ મળવાની ના પાડી દીધી.. બળાત્કારી તો તે પહેલેથી હતો જ..
અને હવે ખૂની પણ… શું મોઢું બતાવે સાંવરીને ? તેની નફરત હવે ઝિલાતી નહોતી…હવે તે થાકયો હતો. કોનાથી ? કશું વિચારવાની શિવાજીમાં નહોતી હિમત કે નહોતી કોઇ ઇચ્છા..પોતાના ભાગ્યને તેણે સ્વીકારી લીધું હતું..કોઇ ફરિયાદ વિના. જે પળ સામે આવી હતી તે જીવી નાખી હતી.

કેસ તો થયો.. પરંતુ પેલી છોકરીએ આપેલ જુબાની… અને ગામ આખું તેની પડખે ..
થોડો સમય જેલમાં રહેવું પડયું.. પોતાને જેલમાં કોઇને મળવું નથી. કોઇને મળવા આવવાની પરવાનગી શિવાજી આપતો નથી. સાંવરીએ કેટલીયે વાર તેને મળવાના પ્રયત્નો કર્યા.પણ…..સાંવરીની આંખની નફરત હવે નથી જોવાતી….નથી જોવી..એ એક માત્ર વિચાર….

પોતે ઘેર જશે એટલે…

” શું મોં લઇને હવે ઘેર આવ્યા છો ? એક ગુનો ઓછો હતો ? તે હવે ખૂન પણ….? “

કદાચ મોઢેથી બોલે નહીં તો પણ….એ મૂંગો માર હવે નથી ખમાતો…નથી જીરવાતી એ નફરત…નથી જીરવાતી સાંવરીની વ્યથા. એક ખૂની અને બળાત્કારી પતિને સાંવરી જેવી સ્ત્રી કેમ સહન કરી શકે ? પોતે હમેશા માટે પત્નીની નજરમાં એક બળાત્કારી અને એક ખૂની જ રહેવાનો…

ના..ના.. નહીં જીરવાય…નહીં જીરવાય… શિવાજી સમક્ષ વીતેલ વરસો ફરી એકવાર….

આંખો નીતરતી રહી.. ના, ના, હવે સાંવરી સામે નથી જવું. તેને વધારે દુ:ખ નથી દેવું. પોતે જશે તો જ તેનો મારગ છૂટો થશે…પોતે કયાંક…. ગિરનારમાં ઓગળી જશે….જાતને ઓગાળી દેશે… મનોમન દલીલો..દ્વન્દ ચાલતા રહ્યા… પણ જતાં પહેલાં એકવાર…બસ…એકવાર સાંવરીને જોઇ લેવાની એષણા ન છૂટી….નહીંતર કદાચ મન શાંત નહીં થાય…અને હમેશાં ભટકતું રહેશે

સાંવરીને પોતે કેટલો પ્રેમ કરતો હતો..એની સમજણ આજે અચાનક તેના અંતરમાં ઉગી હતી. સાંવરી ભલે તેને જીવનભર નફરત કરતી રહે. પોતે દૂર રહીને સાંવરીને ચાહતો રહેશે. તેના સુખ માટે પ્રાર્થના કરતો રહેશે.

કાલે સાંવરીને છેલ્લીવાર દૂરથી જોઇને…તેને ખબર પણ ન પડે તેમ એક નજર નાખીને અલવિદા…બસ..ગિરનાર તેનો સહારો….એક માત્ર અંતિમ આશરો. એ જ તેની નિયતિ..ગિરનાર કોઇને કયારેય જાકારો નથી આપતો. પોતાને પણ નહીં આપે.

શિવાજી મનને સધિયારો આપતો રહ્યો. આજે ઘણાં સમય બાદ મા યાદ આવી. તેની નજર આસમાનને તાકતી રહી. રાત વીતતી રહી..ફરી જાણે તે પાંચ વરસનો અનાથ શિશુ..શૈશવમાં માને ઝંખતો ..તારલામાં માને શોધવા મથી રહેતો…. આજે શિવાજી એ જ શિશુ બનીને માને ઝંખી રહ્યો છે. જીવનભર કોઇના ચપટી વહાલ માટે તરસતા શિવાજીની આંખો નીતરી રહી.

બરાબર ત્યારે જ સાંવરીના અંગઅંગમાં શિવાજી માટે વહાલનો સાગર ઉમટયો હતો. કાલે સવારે પતિને આવકારવા, શણગાર સજવા…કયારેય નહોતા પહેર્યા તે દાગીનાઓ કાઢી કયા પહેરવા..કયા ન પહેરવા તેની મીઠી મૂંઝવણમાં… તેનો હાથ લાલચટ્ટક ઘરચોળા પર સ્નેહથી ફરી રહ્યો હતો. આજે તેનો પતિ એક બળાત્કારી નહોતો. એક વીર, સાચો મર્દ હતો. જેણે એક અબળાને બચાવવા પોતાની જાત હોમી હતી. એવા વીર પતિની તે પત્ની હતી. તેના અંતરમાં પતિ માટેનું ગૌરવ પ્રગટયું હતું. અંગઅંગમાં નવોઢાનો ઉન્માદ, રોમાંચ…અને આંખમાં સુહાગરાતના સપના…. બારસાખે એક કોડિયું પ્રકાશી રહ્યું હતું. સાંવરીના ગાલે લજ્જાની લાલી…અને અંતરમાં ઝગમગ ઉજાસ….

( અભિયાન દીપોત્સવી અંક 2010માં પ્રકાશિત મારી વાર્તા )

14 thoughts on “શિવાજી…

  1. સુંદર! અતિસુંદર..વાસ્તવિક્તાની બિલકુલ લગોલગ એવી વાર્તાને માણી.. શિવાજીની વ્યથા..માના સાચાપ્રેમને પામવાનો તલસાટ સદાય ઝંખતો રહ્યો.. અને પશ્ચાતાપની અગ્નિમાં જલી જલીને પોતાની આત્માને વિશુદ્ધ બનાવી પોતાને સાચા અર્થમાં ભારાડી સાબિત કરીને સાંવરીના શુદ્ધપ્રેમ હાંસિલ કરવા કાબિલ બન્યો..એનું જ નામ જીંદગી કહેવાય..દરેકની જીંદગી જોઈએ તો સાવ સીધી સપાટ હોતી નથી, ઉતાર ચઢાવ આવે જ.. તેને પાર કરવાની ક્ષમતા આવે એ અગત્યનું છે…નફરતને પ્રેમમં પરિવર્તન કરવા ખૂબ જ ધીરજ અને ભૂલનો સાચા દિલનો પશ્ચાતાપ માંગી લે છે. તે આ વાર્તા શીખવી જાય છે. ધન્યવાદ અપને નિલમબહેન…ઉષા

    Like

  2. શ્રી નીલમબહેન,

    આપના દ્વારા લંપટતા , પ્રેમ, પશ્ચાતાપ ,વિરહ, વેદના, દ્વેષભાવ ,નફરત,

    એવા અગણ્ય મુદ્દા ને આવરી લેતી એક સુદર વાર્તા વાચવા મળી. આપે

    પ્રસંગોનું વિવરણ પણ ખુબ ભાવવાહી રસપ્રદ શૈલીમાં કર્યું છે.

    ધન્ય છે આપને અને આપની લખાણ શૈલીને ………

    Like

  3. માનનિય નીલમ્બેન,
    અત્યાર સુધી હું એવા વહેમમાં હતો કે તમે સ્ત્રિઓની લાગણીને વધારે નિરુપણ કરો છો. પણ શિવાજીની આટલી સરસ મનોવ્યથા અને એનું પાત્રાલેખન ઊંડી છાપ મૂકી ગયુ, એટલે મારો ભ્રમ ભાંગી ગયો. જોકે છેલ્લે તો કઠણ હ્રડયની સ્ત્રિ પણ આખરે સ્ત્રિજ હતી એ સાબીત કર્યુ. આમજ લખતાં રહો.
    “સાજ” મેવાડા

    Like

  4. દરેક માણસમાં એક રામ અને ક્યાંક એક રાવણ વસતો હોય છે. પણ હંમેશા રાવણ પર રામનો જ જય થવાનો એ વાત પણ નિશ્ચિત્ત .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.