ચપટી ઉજાસ..64

બાવો પકડી જશે

દિવસો ફરીથી એ જ રીતે દોડી રહ્યા છે. મામાને ઘેરથી આવીને મમ્મી પાછી એના કામમાં મશગૂલ બની ગઇ છે. મને કયારેક સ્વરામાસી બહું યાદ આવે છે. મેં ફૈબાને કહ્યું હતું કે આપણે સાસરે જવું છે ને ?..પણ ફૈબા મારી આ વાત માનતા જ નથી એનું શું ? ઉલટાના હસે છે..અને તેથી હવે હું એ વાત કરતી નથી. શા માટે હસે છે એ મનમાં જ વિચારતી રહું છું. પણ હવે બોલતી તો નથી જ.

રોજ રોજ હું કેટલાયે નવા નવા શબ્દો શીખતી જાઉં છું. અર્થ ન સમજાતો હોય તેવા શબ્દો પણ બધાનું સાંભળીને બોલતી રહું છું. ફૈબા કહે છે

‘ જૂઇનો ગ્રાસ્પીંગ પાવર બહું સરસ છે.’

વાત તો સમજાણી નહીં..પણ ફૈબા મારા વિશે કંઇક સારું બોલ્યા એવું મને લાગ્યું. દાદીમા ભાઇલા સાથે વધારે વાતો કરતા હોય છે.

‘ આ તો મારી લાકડી થવાનો છે. ‘

લાકડી મેં જોઇ છે. ઘરમાં એક ખૂણામાં પડી છે. ફૈબાએ એકવાર લઇને મને શીખડાવ્યું હતું.

” દાદાનો ડંગોરો લીધો..એનો તો મેં ઘોડો કીધો….”

એવું કશુંક ગાયું હતું. મને એમ રમવાની બહું મજા પડી હતી. આજે દાદીમાને લાકડી વિશે બોલતા સાંભળીને મને થયું કે એમને લાકડી જોઇએ છે. હું તો દોડીને લાકડી લઇ આવી.અને હોંશે હોંશે દાદીને આપી. દાદીમા તો ખુશ થવાને બદલે બગડયા…

’ અરે. લાગી જશે.. આ લાકડી કયાં ઉપાડી આવી ? નિશા, આના હાથમાંથી લાકડી કયાંથી આવી ગઇ ? કયાંક આડી અવળી લગાડી દેશે…’

બોલતા દાદીમાએ મારા હાથમાંથી લાકડી લઇ લીધી.

’ લ્યો, કરો વાત..પોતે જ તો લાકડીનું બોલતા હતા અને હવે આપી તો ખીજાય છે ? જય તો નાનો છે એ કંઇ થોડી લાકડી લાવી શકવાનો હતો ? અને હું લાવી તો…?

પણ આ મોટાઓની વાત સમજવી કયાં સહેલી હોય છે ?

આજે સવારે મને દૂધ પીવાનું જરાયે મન નહોતું. મને દૂધ ભાવતું નથી. પણ બધા ખીજાય એટલી પી જવું પડે. આજે સવારે મમ્મી દૂધનો ગ્લાસ લઇને આવી.મેં જોશથી ડોકુ હલાવી ના પાડી. અને ત્યાંથી દોડીને ભાગી ગઇ. મમ્મી મારી પાછળ… દાદીમા ત્યાં જ બેઠા હતા તેમણે કહ્યું,

’ નિશા, જૂઇ ન માને તો મને કહેજે..આજે તો બાવા આગળ તેને પકડાવી જ દેવી છે. જે છોકરાઓ તોફાન કરે એને બાવા પકડી જાય..’

હું ડરી ગઇ. દાદીમાએ એકવાર મને બાવો બતાવ્યો હતો..મને તો એવી બીક લાગી હતી.અને દાદીમાનું તો ભલું પૂછવું. મને કયાંક પકડાવે દે તો ? હું ગભરાઇ ગઇ. ત્યાં ફૈબા આવ્યા એટલે દોડીને એમને ચોંટી પડી..

’બાવો નહીં..બાવો નહીં..’

કહેતા મેં તો પોક મૂકી. ફૈબા સમજી ગયા કે મને બીક લાગી છે. તેમણે મને ઉંચકી લીધી અને વહાલથી કહ્યું,

’જૂઇ, એમ કોઇથી ડરવાનું નહીં…બાવો એમ કંઇ કોઇને ન ઉપાડી જાય..હું એને એક મારીને ભગાડી દઇશ..હોં..

હવે મેં પણ સામે મારી નાનકડી મુઠ્ઠી ઉગામી. ’ ..ફૈબા આપણી સાથે છે..પછી શું ચિંતા ?

હ..બસ..એમ ..આમ રોતલ નહીં બનવાનું. અને પછી તેમણે ઘણી વાત કરી..પણ મને બહું સમજાઇ નહીં. પરંતુ ફૈબા દાદીમાને ખીજાયા

’ શું મમ્મી, તું યે..આવડા બાળકને એવી બીક બતાવાય ? ‘

તો શું કરવું ? રોજ ખાવા પીવામાં નખરા કરે છે..બધાને હેરાન કરે છે. થોડી બીક ન રાખીએ ને તો માથે જ ચડી જાય.’

’મમ્મી, પ્લીઝ…બાળક થોડા તોફાન તો કરે જ ને ? આપણને કંઇ ન ભાવતું હોય તો આપણે ફટાક દઇને ના પાડી દઇએ અને કયારેક બાળકને કોઇ વસ્તુ ખાવાનું મન ન હોય તો આપણે એને જબરજસ્તી કરીએ…એ નાનું છે એટલે એની ઉપર રોફ જમાવીએ..આપણે કહીએ એમ જ કરે તો એ ડાહ્યું ગણાય. એને પોતાની કોઇ ઇચ્છા હોવી જ ન જોઇએ..’

બાપ રે..ફૈબા તો ગુસ્સે થઇ ગયા.. મમ્મી ચૂપચાપ સાંભળતી હતી. પણ દાદીમા ચૂપ કેમ રહી શકે ?

’હા, તારા ભાષણની આ ઘરમાં કયાં નવાઇ રહી છે ? ‘

ફૈબાએ દાદીમાનું સાંભળ્યા સિવાય કહ્યું,

’ ભાભી, આજે મમ્મી માટે દૂધીનું શાક બનાવજો..નહીં ખાય તો બાવાને પકડાવી દેશું.

. હું તો તાળી પાડવા લાગી. ફૈબા પણ મોટેથી હસી પડયા. મમ્મી ધીમું ધીમું મલકતી હતી. મને બીજું કંઇ તો ન સમજાયું. દાદીમા તોફાન કરશે તો ફૈબા જ એને બાવા પાસે પકડાવી દેશે.

‘ તું ખાજે તારા દૂધાનું શાક..હું કંઇ નથી ખાવાની..’

‘કેમ પોતાને નથી ભાવતું તો બધું ચાલે..આપણે તો મોટા થઇ ગયા ને ?’

હું મારા બે પગ ઉપર ઉંચી થઇ… હું મોટી થઇ કે નહીં ?

2 thoughts on “ચપટી ઉજાસ..64

 1. નિલમબહેન, શોલે ફિલ્મ તે વખત બની નહીં હોય, એટ્લે ગબ્બરસીંગની જગ્યાએ બાવો રોલ ભજવતો હશે ખરુંને? ઉષા હવે તો હવે એ બીક આઉટ ઓફ ડેટ થઈ ગઈ હોય તેમ ઝાઝો સમય બાળકોને ભયભીત કરવામાં સફળ કિમીયો નથી રહ્યો. હવે લાગે છે કોઈ બીજો વિકલ્પ શોધવો પડશે.

  Like

 2. પણ આ મોટાઓની વાત સમજવી કયાં સહેલી હોય છે ?

  બાળક થોડા તોફાન તો કરે જ ને ? આપણને કંઇ ન ભાવતું હોય તો આપણે ફટાક દઇને ના પાડી દઇએ અને કયારેક બાળકને કોઇ વસ્તુ ખાવાનું મન ન હોય તો આપણે એને જબરજસ્તી કરીએ…એ નાનું છે એટલે એની ઉપર રોફ જમાવીએ..આપણે કહીએ એમ જ કરે તો એ ડાહ્યું ગણાય. એને પોતાની કોઇ ઇચ્છા હોવી જ ન જોઇએ..’

  ‘કેમ પોતાને નથી ભાવતું તો બધું ચાલે..આપણે તો મોટા થઇ ગયા ને ?’

  હું મારા બે પગ ઉપર ઉંચી થઇ… હું મોટી થઇ કે નહીં ?

  khub sundar rajooat,, ane uper ni lines to jane rojbaroj jivan ma banti ghatna .. sparshi gayu … khub saras.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s